You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દલિત યુવક સાથે લગ્ન કરનાર દીકરીને પિતાએ જ ઝાડ સાથે લટકાવી મારી નાખી, કેવી રીતે ઝડપાયાં હત્યાનાં આરોપી?
- લેેખક, પ્રભાકર થમિલારાસુ
- પદ, બીબીસી તમિળ
તામિલનાડુના તંજાવુર જિલ્લામાં હાલમાં જ ઑનર કિલિંગની એક આઘાતજનક ઘટના સામે આવી છે.
હિન્દુ પરિવારમાંથી આવતી છોકરીનાં માતાપિતા પર આરોપ છે કે એક દલિત યુવક સાથે લગ્ન કરવા પર તેમણે પોતાની દીકરીની હત્યા કરી નાખી.
તંજાવુર જિલ્લામાં પટ્ટુકોટ્ટાઈ નજીક આવેલા પૂવાલુર ગામના નવીન તેમની નજીકના ગામ નેવાવિદુતિ ગામની 19 વર્ષીય એશ્વર્યાને પ્રેમ કરતા હતા. નવીન દલિત પરિવારના છે.
નવીન અને એશ્વર્યા છેલ્લાં પાંચ વર્ષથી એકબીજાને પ્રેમ કરતાં હતાં. બન્ને છેલ્લાં બે વર્ષથી તિરુપુર જિલ્લામાં કામ કરતાં અને તેમણે આવરાપલયમના વિનયાગર મંદિરમાં 31 ડિસમ્બરે લગ્ન કર્યાં હતાં.
આંતરજાતીય લગ્નને કારણે એશ્વર્યાનો પરિવાર નાખુશ હતો અને જ્યારે તેમને આ વાતની ખબર પડી તો તેમણે જબરદસ્તી નવીન અને એશ્વર્યાને અલગ કરવાના પ્રયાસો કર્યા.
દલિત યુવાન સાથે લગ્ન અને હત્યાનો શું છે મામલો?
એશ્વર્યાનાં માતા-પિતાએ બે જાન્યુઆરીના રોજ પોતાના સંબંધીઓ સાથે તિરુપુરના પલ્લાડમ પોલીસ સ્ટેશન જઈને પોલીસને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે એશ્વર્યાને તેમનાં માતા-પિતાને સોંપી દીધી.
નવીને સાત જાન્યુઆરીના રોજ પોલીસમાં એક ફરિચાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે "તેઓ અનુસૂચિત જાતિના છે અને એશ્વર્યા પછાત જાતિની છે. બન્ને વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવીનની ફરિયાદ અનુસાર, "સાંજના બે વાગ્યે એશ્વર્યાના પિતા અન્ય સંબંધીઓ સાથે પોલીસ સ્ટેશને ગયા અને અડધા કલાક પછી પલ્લાડમ પોલીસ સ્ટેશનથી જ એશ્વર્યાને તેમના પિતા અને સંબંધીઓ ગાડીમાં લઈને ચાલ્યા ગયા."
નવીનની ફરિયાદ પર પોલીસે નોંધેલી એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે ‘નવીનને માહિતી મળી કે ત્રણ જાન્યુઆરીની સવારે એશ્વર્યાની હત્યા કરવામાં આવી અને સ્થાનિક લોકોને ખબર ન પડે એ રીતે તેણીની લાશને સ્મશાનમાં સળગાવી દેવાઈ.’
પોલીસે પણ પોતાની તપાસમાં જણાવ્યું કે એશ્વર્યાનાં માતાપિતાએ એશ્વર્યાની લાશને નેવાવિદુતિ ગામમાં આંબલીના ઝાડ પર લટકાવી દીધી હતી.
પોલીસે બીબીસીને પુષ્ટિ કરી 'એશ્વર્યાને ઝાડ પર લટકાવીને મારી નાખવામાં આવી.'
એશ્વર્યાના ગામના લોકો બીબીસી તમિળ સાથે ખૂલીને વાત કરવા માટે તૈયાર નહોતા પણ નામ ન આપવાની શરતે અમુક લોકોએ આ આઘાતજનક ઘટના વિશે વાત કરી છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેમણે એશ્વર્યાને તેમના પિતા દ્વારા બળજબરીથી લઈ જતી જોઈ હતી પણ તેમણે હત્યાની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો.
એક ગ્રામીણે કહ્યું, "બહાર ખૂબ જ અવાજ થઈ રહ્યો હતો જે સાંભળીને અમે બહાર આવ્યા. છોકરીને ઢસડીને તેઓ આંબલીના ઝાડ સુધી લઈ જઈ રહ્યા હતા."
'દીકરીને ઝાડ સાથે લટકાવી દીધી'
પોલીસ તપાસ કરનાર સબ ઇન્સ્પેક્ટર નવીન પ્રસાદે એશ્વર્યાની ઘાતકી હત્યાની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું, “એશ્વર્યાના પિતા પેરુમલ અને તેમની પત્ની રોજાની ધરપકડ કરી લેવામાં આવી અને પૂછપરછ દરમિયાન પેરુમલે પોતે કહ્યું કે તેમણે આંબલીના ઝાડની નીચે પોતાની દીકરીની હત્યા કેવી રીતે કરી.”
ડીએસપી આશિષ રાવતે જણાવ્યું કે "છોકરીના પિતાના નિવેદન અનુસાર તેમણે તિરુપુર પોલીસ સ્ટેશનથી ઘરે પહોંચતાંની સાથે જ છોકરીને ફાંસી પર લટકાવી દીધી હતી. પેરુમલે પોતાની પત્નીને દોરડું અને ખુરશી લાવવા કહ્યું હતું."
ડીએસપીએ ઉમેર્યું કે "પેરુમલે તેમની દીકરીને કહ્યું કે તે પોતે જ ફાંસીનો ફંદો ગળામાં નાખે અને માફી માગે. જ્યારે તેમણે દોરી કાપી ત્યારે એશ્વર્યા જીવિત હતી. બાદમાં પેરુમલે તેણીનું ગળું દબાવી દીધું. પેરુમલે પોલીસની સામે આવું કરીને દેખાડ્યું."
પોલીસ હવે આ યોજનામાં સાથ આપનારા અને કોઈ પણ પ્રકારની પૂર્વ યોજના હતી કે નહીં તેની સંભાવના વિશે તપાસ કરી રહી છે.
સ્કૂલના સમયથી નવીન અને એશ્વર્યા એકબીજાને ઓળખતાં
આ ભયાનક ઘટનાનાં મૂળ આ બન્નેના સ્કૂલના દિવસો સુધી જાય છે.
એશ્વર્યાના પતિ નવીનના ગામ જતી વખતે પોલીસે અમને રોકી રાખ્યા અને કહ્યું કે મીડિયાને ત્યાં જવાની પરવાનગી નથી.
જોકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અમારી મુલાકાત નવીનના પિતા ભાસ્કર સાથે થઈ. તેમણે આ આખી ઘટના વિશે જાણકારી આપી.
તેમણે કહ્યું, “નવીન જ્યારે નવમા ધોરણમાં હતો ત્યારે મને ચેતવણી અપાઈ હતી. તે બન્ને અલગ-અલગ સ્કૂલોમાં ભણતાં પણ બસયાત્રા દરમિયાન મળતાં અને અંતે બન્નેને પ્રેમ થઈ ગયો.”
તેમણે ઉમેર્યું કે નવીન અને એશ્વર્યા બન્નેને અલગ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા પણ બન્ને વચ્ચે પ્રેમ વધતો ગયો અને અંતે બન્નેએ લગ્ન કરી લીધાં.
આ ઘટનાને કારણે નેવાવિદુતિ અને પૂવાલુર ગામમાં ઓબીસી અને દલિત સમુદાય વચ્ચે તણાવ વધવાને કારણે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી છે.
ભાસ્કરે જણાવ્યું કે આ ઘટના પહેલાં પણ તેમની પેરુમલ સાથે ઓળખાણ હતી.
વૉટ્સઍપ વીડિયોને લીધે તેમનાં પ્રેમલગ્નની બધાને ખબર પડી?
લોકો જણાવે છે કે નવીન અને એશ્વર્યાનાં લગ્નના વૉટ્સઍપ વીડિયોને લીધે પરિસ્થિતિ વણસી ગઈ.
વૉટ્સઍપ થકી આ લગ્નની ચર્ચા ચારે તરફ થવા લાગી અને સામાજિક તણાવ વધ્યો.
આ ઘટના આ વિસ્તારમાં રહેલા પૂર્વગ્રહો પર પણ પ્રકાશ ફેંકે છે.
પૂવાલુરના તામિલચેલ્વીએ જણાવ્યું કે હત્યા પહેલાંની પરિસ્થિતિ કેવી હતી.
તેમણે કહ્યું, “દલિત અને ઓબીસી સમુદાય વચ્ચે આવાં પ્રેમલગ્ન પહેલાં પણ થયાં છે, જેમાંથી મોટાં ભાગનાં ક્યારેય ગામમાં પાછાં નથી આવ્યાં. અમારા ગામના ઘણા લોકોને આવાં લગ્નો વિશે ખબર પણ નથી પરંતુ આ મામલામાં વૉટ્સઍપ વીડિયો થકી આ વાતની બધાને ખબર પડી ગઈ.”
તેમણે ઉમેર્યું કે મને લાગે છે કે આ ઘટના પાછળ વૉટ્સઍપ વીડિયો પણ એક કારણ છે.
પોલીસની કાર્યવાહી પર સવાલ
આ ભયાનક ઘટનામાં પોલીસની કાર્યવાહી પર પણ ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.
નવીનનો આરોપ છે કે એશ્વર્યાને જબરદસ્તી પોલીસ સ્ટેશનેથી લઈ જવામાં આવી અને પોલીસ અધિકારીઓએ તેણીને ધમકી પણ આપી.
જોકે પલ્લાડમના ડીએસપી વિજયાકુમારે સ્પષ્ટતા આપતા કહ્યું કે એશ્વર્યાએ પોતાની મરજીથી માતા-પિતા સાથે જવા માટે તૈયાર થઈ હતી.
તેઓ કહે છે કે એશ્વર્યાની સહમતિ પછી જ અમે તેણીને તેનાં માતા-પિતા સાથે મોકલી હતી.
જોકે આ ઑનર કિલિંગને કારણે વિવાદ વધી ગયો.
એક પરિણીત છોકરીને પોતાના પરિજનોને સોંપવા બદલ પલ્લાડમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મુરુગૈયાને સસ્પેન્ડ કરી દેવાયા છે.
તામિલનાડુમાં દલિતની હત્યા અને ઑનર કિલિંગના કિસ્સા
તામિલનાડુમાં અગાઉ પણ ઑનર કિલિંગની કેટલીક ઘટનાઓ થઈ ચૂકી છે. ઉડુમાલાઇપેટ શંકર, ઓમાલુર ગોકુલરાજ, તિરુવરુર અબિરામી, તિરૂનેલ્વેલી કલ્પના, નાગાપટ્ટીનમ અમિરથવલ્લી, કન્નગી-મુરુગેસનના મામલાઓ ખૂબ ચર્ચાસ્પદ રહ્યા છે.
તામિલનાડુના સામાજિક કાર્યકર્તા કથીર દલિતો પર થતી હિંસા પર સતત નજર રાખે છે.
તેમના એક રિપોર્ટ અનુસાર, 2022માં પ્રેમ અને લગ્નને કારણે થયેલી હત્યાઓનો ઉલ્લેખ છે.
આ રિપોર્ટ અનુસાર, દર વર્ષે પ્રેમ અને લગ્નને કારણે 120-150 હત્યા થાય છે અને આ હત્યાઓને બર્બર તરીકે ગણવી જોઈએ.
કથીર અને તામિલનાડુના અન્ય ઘણા સામાજિક કાર્યકરો અને રાજકારણીઓ ઑનર કિલિંગ માટે અલગ કડક કાયદાની માગ કરી રહ્યા છે.