‘ભિખારીને જીવતો સળગાવી’ 80 લાખ રૂપિયાનો વીમો પકવી લેનાર 17 વર્ષ સુધી પકડાયો કેમ નહીં?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આગ્રાના હાઇવે પર લગભગ સત્તર વર્ષ પહેલાં થાંભલે અથડાઈને અકસ્માત થતાં એક કાર સળગી ઊઠે છે, જેમાં એક યુવાન જીવતો ભૂંજાઈ જાય છે.

ઘટનાની જાણ થતા એના પિતા અકસ્માત સ્થળે આવે છે, થોડી રોકકળ પછી એમના જુવાનજોધ દીકરાનો સળગી ગયેલો મૃતદેહ લઈ જઈ અંતિમ સંસ્કાર કરી નાખે છે.

પછી થોડા મહિનામાં ‘બાપ લાખોપતિ’ થઈ જાય છે.

ગુજરાત પોલીસના દાવા અનુસાર ફિલ્મી કહાણી જેવી લગતી આ વાત વાસ્તવમાં ‘સત્ય ઘટના’ છે.

પોલીસનું કહેવું છે કે કથિતપણે ઉત્તરપ્રદેશના ગૌત્તમબુદ્ધનગરના ભટ્ટાનગર ગામમાં મજૂરી કરતા બાપ અને એના દીકરાએ લખેલી આ કહાણીને કારણે ખુદ તેઓ પણ ‘ગોથું ખાઈ ગયા હતા’.

કારણકે ‘પોલીસના ચોપડે આગ્રા પાસે જુલાઈ 2006માં મૃત્યુ પામેલા અનિલસિંહ મલેક અમદાવાદમાં સત્તર વર્ષ પછી જીવતા મળી આવ્યા છે.’

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદના નિકોલ ખાતેથી એક વ્યક્તિની ધરપકડ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આરોપ પ્રમાણે અનિલસિંહ મલેક અને તેમના પિતા સહિતના પરિવારજનો અને અન્ય સભ્યોએ મળીને અનિલનો 20 લાખ રૂપિયાનો વીમો ઉતરાવી બે વર્ષ બાદ ‘અકસ્માતમાં મોત’નો દાવો કરી પૉલિસીની શરત પ્રમાણે દાવાના ચાર ગણા એટલે કે 80 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

સાથે જ આ ‘તરકટ’ને સફળ બનાવવા માટે આગ્રા ખાતે કારમાં કથિતપણે એક ‘ભિખારી’ને બેસાડી અકસ્માતનું નાટક કર્યું હતું, જે માટે કથિતપણે આ તમામ ‘કાવતરાખોરો’એ ભિખારીનું ‘મૃત્યુ નિપજાવી’ દીધું હતું.

પરંતુ આખરે ‘પોલીસ ચોપડે મૃત’ એવી આ કથિત ‘છેતરપિંડી’ અને ‘હત્યા’ સાથે સંબંધિત મુખ્ય વ્યક્તિને ઘટનાનાં આટલાં વર્ષો બાદ અમદાવાદમાંથી ક્રાઇમ બ્રાન્ચને હાથમાં કેવી રીતે ઝડપાઈ?

કેવી રીતે કથિત ‘છેતરપિંડી’ અને ‘હત્યા’ને અપાયો અંજામ?

પોલીસ પાસેથી કેસ અંગે મળેલી વિગતો પ્રમાણે ઉત્તરપ્રદેશના નાનકડા ગામ ભટ્ટામાં રહેતા વિજયપાલસિંહે પોતાનાં 20 વર્ષીય યુવાન દીકરા અનિલસિંહ મલેકનો વર્ષ 2004માં 20 લાખ રૂપિયાનો જીવનવીમો ઉતરાવ્યો હતો.

આ વીમામાં એવી જોગવાઈ હતી કે જો વીમાધારકનું અકસ્માતે મોત થાય તો નૉમિનીને વીમાની રકમના ચાર ગણા પૈસા મળશે.

પોલીસ પ્રમાણે આ વાતને ધ્યાને લઈને ચાલાક આરોપી બાપ-દીકરાએ આ પૉલિસી માટે સળંગ બે વર્ષ સુધી પ્રીમિયમ પણ ભર્યું.

ઉપરાંત વધુમાં વધુ ‘છેતરપિંડી’ કરવાના આશયથી વીમો લીધાનાં દોઢ વર્ષ પછી એક કાર પણ ખરીદી હતી અને તેનો પણ વીમો લીધો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે આ કેસની વિગતો શૅર કરતાં કહ્યું હતું કે, “વિજયપાલસિંહના અભયસિંહ અને અનિલસિંહ નામે બે દીકરા છે. આર્થિક સંકડામણને કારણે વિજયપાલે પૈસા કમાવવા આ શૉર્ટકટ અજમાવ્યો હતો.”

“ઝડપી પૈસા કમાવવા નાના દીકરા અનિલનો વીમો ઉતરાવી આ સમગ્ર કામને અંજામ આપ્યું હતું.”

પિતા-પુત્રે આ કથિત છેતરપિંડી અને હત્યા અંગે પોલીસતપાસમાં સામે આવેલી માહિતી આપતા બીબીસી ગુજરાતીને કહ્યું :

“પૉલિસીના બે વર્ષ બાદ વિજયપાલ અને મોટા પુત્ર અભયસિંહે પોતાના બીજા બે પરિચિત મહિપાલ ગાડરિયા અને રાકેશ ખટીકને પોતાની સાથે રાખીને ભટ્ટા ગામથી આગ્રા જવા નીકળ્યા. એ પહેલાં ધનકોરથી ગાઝિયાબાદ વચ્ચે એક ભિખારીને પોતાની સાથે હોટલમાં સારું ભોજન કરાવવાનું કહીને મહિપાલ અને રાકેશ લઈ આવ્યા હતા.”

પોતાની કથિત યોજનાને આખરી ઓપ આપવા માટે પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ‘ભિખારીને ભોજન તો કરાવ્યું પરંતુ તેના ભોજનમાં ચોરીછૂપે ઊંઘની દવા ભેળવી દીધી હતી.’

પોલીસ અધિકારી માંડલિક પોલીસ તપાસમાં સામે આવેલી હકીકતો અંગે વાત કરતાં કહે છે કે, “દવાને કારણે ઘેનમાં આવી ગયેલા ભિખારીને આરોપીઓ કારમાં બેસાડ્યો. અને બાદમાં કારને થાંભલે અથડાવીને ડ્રાઇવિંગ સીટ પર બેસાડી કારમાં આગ ચાંપી દીધી.”

પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર ત્યાર બાદ કારના નંબરને આધારે વિજયપાલસિંહનો સંપર્ક કરતાં તેમણે આ મૃતદેહ પોતાના દીકરા અનિલસિંહનો હોવાનો દાવો કરી, અંતિમ સંસ્કાર કર્યા હતા.

તો બીજી તરફ પોલીસે આપેલી માહિતી અનુસાર અનિલસિંહ ઉત્તરપ્રદેશથી ‘ભાગીને’ અમદાવાદ આવી ગયા હતા.

‘પોલીસના ચોપડે અનિલસિંહનું મૃત્યુ થયું હતું, જ્યારે એ અમદાવાદ પહોંચી રિક્ષા ચલાવતા હતા.’

આરોપ અનુસાર આ દરમિયાન અનિલસિંહના પિતાએ વીમા કંપની પાસેથી પોતાનો ‘દીકરો મૃત્યુ પામ્યો હોવાનો દાવો કરી વીમાના 80 લાખ અને કારના વીમાના પૈસા મેળવી લીધા અને આ પૈસાના પાંચ ભાગ પડ્યા હતા.

કેવી રીતે પોલીસના સકંજામાં આવ્યો આરોપી?

પોલીસે આરોપી અનિલસિંહે કથિત ગુનો આચર્યા બાદ પોતાનું ‘સત્ય છુપાવવા’ માટે કરેલા પ્રયાસો અંગે દાવો કરતાં કહેલું કે, “પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ખૂબ જ બારીકાઈથી થયેલા આ આયોજન પ્રમાણે ક્યારેય પોતાનાં માતાપિતા કે અન્ય પરિવારજનોને ફોન કરતો નહોતો. 17 વર્ષમાં એ ક્યારેય પોતાના વતન ગયો નહોતો.”

ડીસીપી ચૈતન્ય માંડલિક કહે છે કે, “વર્ષ 2008માં અનિલે નકલી પાનકાર્ડ અને આધારકાર્ડ બનાવડાવ્યાં હતાં. અને લાઇસન્સ પણ બનાવડાવ્યું હતું. આ પુરાવાને આધારે બૅન્ક પાસેથી કાર અને હોમ લોન પણ લીધી હતી. એ અહીં લગ્ન કરીને સ્થાયી પણ થઈ ગયેલો.”

આટલી ‘વિસ્તૃત યોજના બનાવ્યા અને પાર પાડ્યા’ છતાં આરોપીએ કરેલી ભૂલ અંગે ડીસીપી માંડલિક કહે છે કે, “તહેવાર દરમિયાન પરિવારજનોને મળવા આરોપી અનિલ સુરત ગયો હતો. જ્યાં ભટ્ટાથી આવેલી એક વ્યક્તિએ તેને જોઈ ગઈ. જેની માહિતી પોલીસને મળી.”

જાણકારી મળ્યા બાદ પોલીસે તપાસ આગળ વધારવા કરેલી કાર્યવાહી અંગે તેઓ કહે છે કે, “અમે આ માહિતી આધાર તપાસ કરી અને આરોપી નિકોલમાં રહેતો હોવાની ખબર પડી. બાદમાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એનું રહેઠાણ શોધી કાઢ્યું અને નિકોલથી તેની ધરપકડ કરી લીધી.”

પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપીના ખોટી ઓળખને આધારે પુરાવા બનાવી આપનારા એજન્ટની પણ ટૂંક સમયમાં ધરપકડ કરાશે.

નિકોલના સામાજિક કાર્યકર સંજય ભદોરિયા અમદાવાદમાં અનિલસિંહની રહેણીકરણી અંગે માહિતી આપતાં બીબીસી ગુજરાતીને જણાવેલું કે, “આ વિસ્તારમાં લોકો એને રાજકુમાર ચૌધરી ડ્રાઇવર તરીકે ઓળખે છે, કોઈ એને અનિલસિંહના નામે નથી ઓળખતું. એ વર્ષોથી અહીં રહે છે.”

“નિકોલમાં ગંગોત્રી સર્કલથી દેવરત્ન સર્કલ વચ્ચે સંગાથ ફાર્મ પાસે આવેલા બાપા સીતારામ પાર્કિંગ પાસે રોજ સવાર-સાંજ એની બેઠક હતી. અહીંથી એ એની કારની વરદી લેતો હતો. વર્ષોથી નિકોલમાં રહીને એ આ જ વિસ્તારમાં પહેલાં રિક્ષા ચલાવતો હતો.”

ભદોરિયાએ આરોપી અનિલના અંગત જીવન અંગે માહિતી આપતાં કહેલું કે, “રેશમા નામની છોકરી સાથે પ્રેમ થતાં એણે પ્રેમલગ્ન કરેલાં. એને બે દીકરી છે, પ્રેમલગ્ન કર્યા ત્યારે થોડો ઉહાપોહ થયો હતો પણ એનો બીજો કોઈ ઉપદ્રવ ન હતો, અહીં એણે બાપાશ્રી પાર્કમાં બે બેડરૂમનો ફ્લૅટ લીધો છે.”

આ કેસ અંગે વધુ જાણકારી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ગૌતમબુદ્ધનગરના એસ. પી. લક્ષ્મીસિંહનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.