You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીયોને નગ્ન તસવીરોથી બ્લૅકમેઇલ કરનારા જીવલેણ કૌભાંડનો બીબીસીએ કર્યો પર્દાફાશ
- લેેખક, પૂનમ અગરવાલ, નૂપુર સોનાર અને સ્ટેફની હેગર્ટી
- પદ, બીબીસી આઇ
તત્કાલ લોન આપનારી ઍપ થકી લોકોને ફસાવીને અને બદનામ કરીને બ્લૅકમેઇલ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.
કરજ વસૂલનારા એજન્ટોના ગેરવર્તનને લીધે ઓછામાં ઓછા 60 ભારતીયો આપઘાત કરી ચૂક્યા છે. બીબીસીએ ગુપ્ત તપાસમાં ભારત અને ચીનમાં ખતરનાક છેતરપિંડી કરીને ફાયદો ઉઠાવનારા લોકોનો પર્દાફાશ કર્યો છે.
“તારી મમ્મીને ઘરની બહાર ન જવા દેતી,” એવું પોતાનાં માસીએ ગભરાટભર્યા અવાજમાં કહ્યું ત્યારે આસ્થા સિંહાની ઊંઘ ઊડી ગઈ હતી.
17 વર્ષનાં આસ્થા બાજુના રૂમમાં રડી રહેલાં તેમનાં ચિંતિત માતા ભૂમિ સિન્હાને જોઈને ગભરાઈ ગયાં હતાં.
ભૂમિ સિન્હા રમૂજી અને નિર્ભય માતા હોવાની સાથે એક આદરણીય પ્રૉપર્ટી વકીલ પણ છે. પતિના અવસાન પછી તેમણે એકલે હાથે દીકરી આસ્થાનો ઉછેર કર્યો હતો. આવાં ભૂમિ અત્યંત અસ્વસ્થ હતાં.
આસ્થા કહે છે, “મારી મમ્મી લગભગ ભાંગી પડી હતી.” ગભરાયેલાં ભૂમિ દીકરીને કે બધા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને કૉન્ટેક્ટ ક્યાં છે એ અંગે જણાવી રહ્યાં હતાં. તેઓ દરવાજામાંથી બહાર નીકળવા તલપાપડ હતાં.
આસ્થા જાણતા હતાં કે મમ્મીને રોકવી પડશે. માસીએ આસ્થાને કહ્યું હતું, “તેને તારી નજરથી દૂર થવા દઈશ નહીં, કારણ કે તે આત્મહત્યા કરી લેશે.”
એક દીકરીનો માતાને બચાવવા માટેનો પ્રયાસ
આસ્થાને ખબર હતી કે તેની મમ્મીને કેટલાક વિચિત્ર કૉલ આવી રહ્યા હતા અને તેમણે કોઈને પૈસા ચૂકવવાના હતા, પરંતુ ભૂમિ ઘણા મહિનાથી સતામણી અને માનસિક ત્રાસનો સામનો કરી રહ્યાં હોવાની ખબર આસ્થાને ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂમિ ઓછામાં ઓછા 14 દેશોમાં ફેલાયેલા વૈશ્વિક કૌભાંડનો ભોગ બન્યાં હતાં. એ કૌભાંડના કરનારા લોકોને શરમજનક સ્થિતિમાં મૂકીને તેમને બ્લૅકમેઇલ કરે છે અને કમાણી કરે છે. તેમાં અનેકનાં જીવન ખતમ થઈ જાય છે.
બિઝનેસ મૉડલ સરળ પરંતુ ક્રૂર છે.
ગણતરીની મિનિટોમાં મુશ્કેલીમુક્ત લોન આપવાનો દાવો કરતી ઘણી ઍપ છે. એવી બધી ઍપ લોકોને ફસાવતી નથી, પરંતુ એ પૈકીની ઘણી ઍપ એવી છે, જે ડાઉનલોડ કર્યા પછી તમારા કૉન્ટેક્ટ, ફોટોગ્રાફ્સ તથા આઇડી કાર્ડ્ઝનો સંગ્રહ પોતાના ડેટામાં કરી લે છે અને પછી તેનો ઉપયોગ તમારી પાસેથી નાણાં પડાવવા માટે કરે છે.
આવી ઍપ મારફત લોન લેનારા લોકો સમયસર ચુકવણી નથી કરતા અને કેટલીક વાર ચુકવણી કર્યા છતાંય ઍપના સંચાલકો તેમની પાસેની માહિતી કૉલ સેન્ટર સાથે શૅર કરે છે. તે કોલ સેન્ટરના યુવા કર્મચારીઓ લૅપટૉપ તથા ફોનથી સજ્જ હોય છે અને રિપેમેન્ટ માટે લોકોને હેરાન તેમજ અપમાનિત કરવાની તાલીમ તેમને આપવામાં આવેલી હોય છે.
ભૂમિએ કામ સંબંધી કેટલાક ખર્ચને પહોંચી વળવા 2021ના અંતે કેટલીક લોન ઍપ મારફત આશરે રૂ. 47,000ની લોન લીધી હતી. પૈસા તો તરત આવી ગયા, પરંતુ તેમાંથી મોટો હિસ્સો ચાર્જ પેટે કાપી લેવાયો. ભૂમિએ સાત દિવસ પછી રીપેમેન્ટ કરવાનું હતું, પરંતુ તેમણે કેટલાક અંગત ખર્ચની ચુકવણી કરવાની બાકી હતી. તેથી તેમણે બીજી અને ત્રીજી ઍપ પાસેથી વધુ લોન લીધી. આ રીતે તેમણે લગભગ રૂ. 20 લાખનું રીપેમેન્ટ કરવાનું હતું અને તેમનું દેવું તથા વ્યાજ સતત વધતાં રહ્યાં હતાં.
ટૂંક સમયમાં રિકવરી એજન્ટોએ ભૂમિને ફોન કરવાનું શરૂ કર્યું હતું. એજન્ટોનો વ્યવહાર ઝડપથી બીભત્સ થઈ ગયો હતો. તેઓ ભૂમિનું અપમાન કરવા લાગ્યા હતા, તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા. ભૂમિએ પૈસા ચૂકવી આપ્યા છતાંય પણ એજન્ટોએ દાવો કર્યો હતો કે ભૂમિ જૂઠું બોલી રહ્યાં છે. એજન્ટો દિવસમાં 200 વખત ફોન કરતા. તેઓ જાણતા હતા કે ભૂમિ ક્યાં રહે છે અને ચેતવણીના સંકેત તરીકે તેમણે ભૂમિને મૃતદેહના ફોટોગ્રાફ મોકલાવ્યા હતા.
દુર્વ્યવહાર વધતો ગયો અને એજન્ટોએ ભૂમિના તમામ 486 કૉન્ટેક્ટને મૅસેજ મોકલીને જણાવ્યું હતું કે ભૂમિ ચોર અને વેશ્યા છે. એજન્ટોએ ભૂમિને તેમની દીકરીની આબરૂ ખરડવાનીય ધમકી આપી ત્યારે તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
તેમણે મિત્રો, પરિવારજનો અને કુલ 69 ઍપ્સ પાસેથી પૈસાથી ઉધાર લીધા હતા. રોજ રાતે તેઓ પ્રાર્થના કરતાં કે સવાર જ ન પડે, પરંતુ બીજા દિવસે સવારના સાત વાગ્યાથી તેમનો ફોન સતત રણકવા લાગતો.
આખરે ભૂમિએ તમામ પૈસા ચૂકવી દીધા, પરંતુ આસાન લોન નામની એક ઍપે તેમને કૉલ કરવાનું બંધ કર્યું ન હતું. અત્યંત ત્રસ્ત થઈ ગયેલાં ભૂમિ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતાં ન હતાં. તેમને પેનિક ઍટેક આવવા લાગ્યા હતા.
એક દિવસ એક સાથી કર્મચારીએ ભૂમિને પોતાની પાસે બોલાવ્યાં અને ફોનમાં એક ફોટો દેખાડ્યો. તે ભૂમિની નગ્ન, અશ્લીલ તસવીર હતી.
તે તસવીર બહુ ક્રૂર રીતે ફોટોશોપ કરાઈ હતી. કોઈ અન્ય સ્ત્રીના શરીર સાથે ભૂમિના ચહેરાનો ફોટો જોડી દેવાયો હતો. તે જોઈને ભૂમિ ખળભળી ઊઠ્યાં હતાં. તેઓ સાથી કર્મચારીની ડેસ્ક પર જ ફસડાઈ પડ્યાં હતાં. તે ફોટો આસાન લોન ઍપ દ્વારા ભૂમિના દરેક કૉન્ટેક્ટને મોકલવામાં આવ્યો હતો. એ જ પળે ભૂમિએ આત્મહત્યાનો વિચાર કર્યો હતો.
વિશ્વના તમામ દેશોમાં વિવિધ કંપનીઓ દ્વારા ચલાવાતા આ પ્રકારના કૌભાંડોના પુરાવા અમે જોયા છે, પરંતુ બીબીસીની તપાસમાં જાણવા મળ્યું હતું કે લોન ઍપથી પરેશાન થઈને માત્ર ભારતમાં જ ઓછામાં ઓછા 60 લોકોએ આત્મહત્યા કરી છે. એ પૈકીના આત્મહત્યાના 50 ટકાથી વધુ કિસ્સા તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં બન્યા હતા.
એ પૈકીના મોટા ભાગના આયુષ્યની વીસી અને ત્રીસીના દાયકામાં હતા. એક ફાયરમૅન, એક ઍવૉર્ડ વિજેતા સંગીતકાર, ત્રણ તથા પાંચ વર્ષની બે દીકરીનાં માતા-પિતા અને એક દાદા તથા તેમના પૌત્રનો તેમાં સમાવેશ થતો હતો. પીડિતો પૈકીના ચાર તો કિશોર વયના હતા.
મોટા ભાગના પીડિતો કૌભાંડ બાબતે કંઈ પણ કહેતાં શરમ અનુભવે છે અને ગુનેગારો મોટા ભાગે અનામ તથા અદૃશ્ય રહ્યા છે. આવા લોકો સુધી પહોંચવા મહિનાઓ સુધી પ્રયાસ કર્યા બાદ બીબીસીએ એક યુવાનને શોધી કાઢ્યો હતો. તે યુવાને બહુવિધ લોન ઍપ્લિકેશન માટે કામ કરતા કોલ સેન્ટરોના ડેટા રિકવરી એજન્ટ તરીકે કામ કર્યું હતું. રોહને (બદલેલ નામ) અમને જણાવ્યું હતું કે લોન લેનારા લોકો સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો તેનાથી એ પરેશાન હતો.
ભૂમિ સિન્હાએ કેટલું કરજ લીધું હતું?
એ પૈકીના ઘણા ગ્રાહકો રડ્યા હતા, કેટલાકે આત્મહત્યાની ધમકી આપી હતી, એમ જણાવતાં રોહને કહ્યુ હતું, “મને આખી રાત તેના વિચારો આવતા.” રોહન આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં બીબીસીને મદદરૂપ થવા સહમત થયા હતા.
રોહને મેજેસ્ટી લીગલ સર્વિસીસ તથા કોલફ્લેક્સ કૉર્પોરેશન નામનાં બે કૉલ સેન્ટરોમાં નોકરી માટે અરજી કરી હતી અને સમગ્ર કામગીરીનું અનેક સપ્તાહ સુધી ગુપ્ત રીતે ફિલ્માંકન કર્યું હતું.
રોહને ગ્રાહકોને હેરાન કરતા યુવા એજન્ટના વીડિયો કૅપ્ચર કર્યા. તેમાં એક મહિલા એજન્ટ કહે છે, “સારું વર્તન કરો, નહીં તો હું તમારા ટાંટિયા તોડી નાખીશ.” એ મહિલાએ એક ગ્રાહક પર વ્યભિચારનો આરોપ મૂક્યો હતો અને ગ્રાહકે ફોન કટ કરી નાખ્યો ત્યારે તે હસવા લાગે છે. એક કૉલ સેન્ટરનો એક અન્ય કર્મચારી એક ગ્રાહકને સૂચવે છે કે તું લોન ચૂકવી શકે એટલા માટે તારી માતાએ વેશ્યાગારી કરવી જોઈએ.
રોહને ઉત્પીડન અને દુર્વ્યવહારની 100થી વધુ ઘટનાઓ રેકૉર્ડ કરી હતી. બળજબરીથી પૈસા કઢાવવાની પદ્ધતિસરની સતામણી કૅમેરામાં પ્રથમ વખત કેદ થઈ હતી.
રોહન દિલ્હીની નજીક જ આવેલા કૉલફ્લેક્સ કૉર્પોરેશન દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતો સૌથી ખરાબ દુર્વ્યવહાર જોયો હતો. કૉલફ્લેકસના કર્મચારીઓ ગ્રાહકોને અપમાનિત કરવા અને ધમકાવવા અશ્લીલ ભાષાનો ઉપયોગ નિયમિત રીતે કરતા હતા. એ કર્મચારીઓ બદમાશ એજન્ટો ન હતા. તેઓ તેમના મૅનેજરોની દેખરેખ અને આદેશ મુજબ આવું કરતા હતા. તેમાં વિશાલ ચોરસિયા નામની એક વ્યક્તિનો સમાવેશ થતો હતો.
રોહને વિશાલ ચોરસિયાનો વિશ્વાસ જીત્યો હતો અને તેની મુલાકાત રોકાણકાર સ્વરૂપે આવેલા એક પત્રકાર સાથે કરાવી હતી. આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવે છે એ જણાવવા વિશાલને કહેવામાં આવ્યું હતું.
વસૂલી એજન્ટો શું કરે છે?
વિશાલના જણાવ્યા મુજબ, લોન મેળવવા ઇચ્છતા ગ્રાહકે તેના ફોન કૉન્ટેક્ટનું એક્સેસ લોન ઍપને આપવું પડે છે. કૉલફ્લેક્સ લોન વસૂલવાનું કામ કરે છે અને કોઈ ગ્રાહક સમયસર નાણાં ન ચૂકવે તો કંપની તે ગ્રાહકને તેમજ તેના કૉન્ટેક્ટને પરેશાન કરવાનું શરૂ કરે છે. ચોરસિયાના જણાવ્યા મુજબ, રીપેમેન્ટ ન થાય ત્યાં સુધી કંપનીનો સ્ટાફ ગ્રાહકને કંઈ પણ કહી શકે છે.
ચોરસિયાએ કહ્યું હતું, “ગ્રાહક શરમને કારણે ચુકવણી કરે છે. તેના કૉન્ટેક્ટમાં તમને ઓછામાં ઓછી એક વ્યક્તિ એવી મળી આવે છે, જે તેના જીવનને ખતમ કરી શકે.”
અમે ચોરસિયાનો સીધો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ કશું બોલવા રાજી ન હતા. કૉલફ્લેક્સ કૉર્પોરેશને પણ અમારા પ્રયાસોનો પ્રતિસાદ આપ્યો ન હતો.
એક પ્રતિભાશાળી દીકરીનો આપઘાત
24 વર્ષનાં સરકારી કર્મચારી કિર્ની મોનિકા તેમના પરિવારનો આધાર હતાં. તેઓ તેમની સ્કૂલના એકમાત્ર એવાં વિદ્યાર્થિની હતાં, જેને સરકારી નોકરી મળી હોય. ત્રણ ભાઈઓનાં આ મોટાં બહેનના પિતા સફળ ખેડૂત હતા અને મોનિકા ઑસ્ટ્રેલિયામાં માસ્ટર્સનો અભ્યાસ કરવા જઈ શકે એ માટે ટેકો આપવા તૈયાર હતા.
ત્રણ વર્ષ પહેલાંના એક સોમવારે આત્મહત્યા કરી તે પહેલાં મોનિકા તેમના સ્કૂટર પર સવાર થઈને ઑફિસે જવા નીકળ્યાં હતાં.
મોનિકાના પિતા કિર્ની ભૂપાની કહે છે, “એ બહુ હસમુખ હતી.”
પોલીસે મોનિકાના ફોન અને બૅન્ક સ્ટેટમેન્ટની સમીક્ષા કરી ત્યારે જ તેમને ખબર પડી હતી કે મોનિકાએ 55 અલગ-અલગ ઍપ્સ પાસેથી લોન લીધી હતી. રૂ. 10,000ની લોન સાથે શરૂઆત થઈ હતી અને બાદમાં તેનું પ્રમાણ 30 ગણું વધ્યું હતું. મોનિકાએ આત્મહત્યાનો નિર્ણય લીધો તે પહેલાં સુધીમાં તેણે રૂ. ત્રણ લાખ ચૂકવી આપ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ઍપના એજન્ટો મોનિકાને ફોન કૉલ્સ તથા અભદ્ર મૅસેજ વડે હેરાન કરતા હતા અને મોનિકાના કૉન્ટેક્ટને પણ મૅસેજ મોકલવા લાગ્યા હતા.
મોનિકાના રૂમમાં હવે કામચલાઉ મંદિર છે. દરવાજા પર તેનું સરકારી ઓળખપત્ર લટકે છે. માતાએ દીકરીનાં લગ્ન માટે તૈયાર કરેલી બૅગ હજુ પણ ત્યાં પડી છે.
મોનિકાના પિતાને સૌથી વધુ અફસોસ એ વાતનો છે કે શું ચાલી રહ્યું છે તેની વાત દીકરીએ તેમને કરી ન હતી. આંખોમાંથી આંસુ લૂછતાં તેમણે કહ્યું હતું, “અમે પૈસાની વ્યવસ્થા સરળતાથી કરી શક્યા હોત.”
આ કૃત્યના કરનારા પર તેઓ ક્રોધે ભરાયેલા છે.
પિતા દીકરી મોનિકાના મૃતદેહને હૉસ્પિટલેથી ઘરે લઈ જતા હતા ત્યારે ફોન રણક્યો હતો. ક્રોધિત પિતાએ તેનો જવાબ આકરા શબ્દોમાં આપ્યો હતો. કિર્ની ભૂપાની કહે છે, “ઍપના ઉઘરાણી એજન્ટે મને કહ્યું હતું કે મોનિકાએ પૈસા ચૂકવવા જ પડશે. અમે તેને જણાવ્યું હતું કે મોનિકા મૃત્યુ પામી છે.”
તેઓ વિચારે છે કે એ રાક્ષસો કોણ હશે.
હરિ(બદલેલ નામ)એ, મોનિકાએ જે ઍપ મારફત લોન લીધી હતી તેની રિકવરીનું કામ કરતા એક કૉલ સેન્ટરમાં કામ કર્યું હતું. તેમને સારો પગાર મળતો હતો, પરંતુ મોનિકા મૃત્યુ પામી તે પહેલાંથી જ હરિ પોતે જે કામ કરી રહ્યા છે તે બાબતે અસ્વસ્થતા અનુભવતા હતા. પોતે મોનિકાને અપમાનજનક કૉલ ન કર્યા હોવાનો દાવો કરતાં હરિએ જણાવ્યું હતું કે તેમણે પ્રારંભે વિનમ્રતાભર્યા કૉલ કર્યા હતા. તેમના મૅનેજરોએ ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરવાની અને ધમકાવવાની સૂચના તેમના કર્મચારીઓને આપી હતી. એજન્ટો પીડિતોના કૉન્ટેક્ટોને મૅસેજ મોકલતા હતા અને પીડિતો ચોર હોવાનું અને તેમણે છેતરપિંડી કરી હોવાનું તેમને જણાવતા હતા.
હરિ કહે છે, “દરેક વ્યક્તિએ પરિવારમાં પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવાની હોય છે. રૂ. 5,000 જેવી મામૂલી રકમ માટે કોઈ પોતાની આબરૂ ધૂળધાણી કરે નહીં.”
ગ્રાહક લોનની ચૂકવણી કરી દે એટલે સિસ્ટમ પર ‘સક્સેસ’ એવો મૅસેજ આવે છે અને એજન્ટ બીજા પીડિત તરફ આગળ વધે છે.
ગ્રાહકોએ આત્મહત્યાની ધમકી આપવાનું શરૂ કર્યું ત્યારે કોઈએ તેને ગંભીરતાથી લીધી નહોતી. પછી પીડિતો આત્મહત્યા કરવા લાગ્યા હતા. આ રોકવા માટે શું કરવું એ જાણવા માટે કર્મચારીઓએ તેમના બૉસ પરશુરામ ટાકવેની સલાહ માગી હતી.
બીજા દિવસે પરશુરામ ટાકવે ઑફિસમાં આવ્યા હતા. તેઓ ગુસ્સામાં હતા. તેમણે કહ્યું, “તમને કહેવામાં આવે તે કરો અને રિકવરી કરો.” હરિના જણાવ્યા મુજબ, બૉસે કહ્યું એમ તેમણે કર્યું.
થોડા મહિના બાદ મોનિકા મૃત્યુ પામી.
ટાકવે નિર્દય હતા, પરંતુ તેઓ આ કામગીરી એકલા કરતા ન હતા. હરિના જણાવ્યા મુજબ, કેટલીક વાર સોફ્ટવૅર ઇન્ટરફેસ કોઈ ચેતવણી વિના ચાઇનીઝ પર સ્વિચ કરતું હતું.
ટાકવેનાં લગ્ન લિયાંગ ટિયાન ટિયાન નામની મહિલા સાથે થયાં હતાં. તેમણે સાથે મળીને જિયાલિયાંગ નામે લોન રિકવરી બિઝનેસની સ્થાપના કરી હતી અને હરિ ત્યાં નોકરી કરતા હતા.
ઍપ્સનું ચાઇનિઝ કનેક્શન
પોલીસે ડિસેમ્બર, 2020માં ટાકવે અને લિયાંગની ઉત્પીડનના કેસમાં ધરપકડ કરી હતી. તેમને થોડા મહિના પહેલાં જામીન પર છોડવામાં આવ્યાં હતાં. એપ્રિલ, 2022માં તેમના પર બળજબરીથી નાણાં વસૂલવાનો, ધાકધમકી અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વર્ષના અંત સુધીમાં તેઓ ફરાર થઈ ગયાં હતાં.
અમે ટાકવેને શોધી શક્યા નહીં, પરંતુ તેઓ જે જિયાલિયાંગ ઍપ માટે કામ કરતા હતા તેની તપાસ અમને લી ઝિયાંગ નામના ચીની બિઝનેસમૅન તરફ દોરી ગઈ હતી.
તેમની ઓનલાઇન પ્રેઝન્સ નથી, પરંતુ તેમના કર્મચારી સાથે લિંક કરેલો એક ફોન નંબર અમને મળ્યો હતો. અમે રોકાણકાર તરીકે લી સાથે મિટિંગ ગોઠવી.
કૅમેરા સામે પોતાનો ચહેરો અસ્વસ્થતાપૂર્વક હલાવતા રહીને તેમણે ભારતમાંના તેમના ધંધા વિશે બડાઈ મારી હતી.
તેમણે કહ્યું હતું, “અમે આજે પણ ભારતમાં કામ કરીએ છીએ, પરંતુ અમે ચીની કંપની છીએ તેની જાણ ભારતીયોને થવા દેતા નથી.”
લોન ઍપ દ્વારા ઉત્પીડનની તપાસ કરતી ભારતીય પોલીસે 2021માં લીની બે કંપની પર દરોડા પાડ્યા હતા. તેમનાં બૅન્ક અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં.
ગ્રાહક હેરાન થાય ત્યારે મળે મોટો નફો
લીએ કહ્યું હતું, “તમારે એ સમજવું જોઈએ કે અમારું લક્ષ્ય અમારા રોકાણની ઝડપી રિકવરી કરવાનું છે. તેથી અમે સ્થાનિક કર નિશ્ચિત રીતે ચૂકવતા નથી અને અમારા વ્યાજના દર પણ કાયદાનું ઉલ્લંઘન કરે છે.”
લીએ અમને જણાવ્યુ હતું કે ભારત ઉપરાંત મેક્સિકો અને કોલંબિયામાં પણ તેમની પોતાની લોન ઍપ કાર્યરત છે. તેમની કંપની સમગ્ર એશિયા, લૅટિન અમેરિકા અને આફ્રિકામાં રિસ્ક કન્ટ્રોલ અને ડેટ કલેક્શન સર્વિસીસ ક્ષેત્રે અગ્રણી હોવાનો દાવો કર્યો હતો. તેમના પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારતમાં 3,000થી વધારે કર્મચારીઓ “લોન પછીની સેવાઓ” પ્રદાન કરવા તૈયાર છે.
એ પછી તેમણે, તેમની કંપની લોનની વસૂલાત માટે શું કરે છે તે સમજાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, “લોનની ચુકવણી ન કરે તેને અમે વૉટ્સઍપમાં એડ કરીએ છીએ અને ત્રીજા દિવસે અમે એ જ સમયે એ જ વ્યક્તિને કૉલ તેમજ મૅસેજ કરીએ છીએ. એ પછી તેના કૉન્ટેક્ટને કૉલ કરવામાં આવે છે. લોન લેનાર વ્યક્તિના કૉન્ટેક્ટ ચુકવણી ન કરે તો અમારી પાસે ચોક્કસ વિગતવાર પ્રક્રિયા છે.”
“અમે લોન લેનાર વ્યક્તિના કૉલ રેકૉર્ડ એક્સેસ કરીએ છીએ અને ઘણી બધી માહિતી એકત્ર કરીએ છીએ. મૂળભૂત રીતે એ વ્યક્તિ અમારી સામે ઉઘાડી પડી જાય છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
ભૂમિ સિન્હાએ ઉત્પીડન, ધમકીઓ, દુર્વ્યવહાર અને થકવી નાખતી તકલીફોનો સામનો કર્યો હતો, પરંતુ અશ્વીલ છબિ સાથે સંકળાયેલી બદનામીનો સામનો કરી શક્યાં નહીં.
ભૂમિ કહે છે, “એ મૅસેજે મને વાસ્તવમાં આખી દુનિયા સામે નગ્ન કરી નાખી હતી. મેં મારું આત્મસન્માન, મારી નૈતિકતા, મારું ગૌરવ બધું જ એક સેકન્ડમાં ગુમાવ્યું હતું.”
તે ફોટોગ્રાફ વકીલો, આર્કિટેક્ટ, સરકારી અધિકારીઓ, વૃદ્ધ સંબંધીઓ, તેમનાં માતાપિતા અને દોસ્તો સાથે શૅર કરવામાં આવ્યો હતો. આ બધા લોકો ભૂમિને ફરીથી ક્યારેય આદરની નજરે જોશે નહીં.
ભૂમિ કહે છે, “એ ફોટોગ્રાફે મને મૂળમાંથી જ કલંકિત કરી દીધી. કાચના તૂટેલા ટુકડાને જોડીએ તો પણ તેમાં તિરાડ તો દેખાય જ.”
ભૂમિ જે સમુદાયમાં છેલ્લાં 40 વર્ષથી રહે છે તેમણે ભૂમિનો બહિષ્કાર કર્યો છે.
ઉદાસીભર્યું સ્મિત કરતાં ભૂમિ કહે છે, “આજે મારા કોઈ મિત્રો નથી. મને લાગે છે કે હું એકલી છું.”
પરિવારના કેટલાક સભ્યો પણ ભૂમિ સાથે વાત કરતા નથી. ભૂમિ વિચારે છે કે તેઓ જે પુરુષો સાથે કામ કરે છે એ પુરુષો તેમની નગ્નાવસ્થામાં કલ્પના કરતા હશે?
એ સવારે દીકરી આસ્થા પાસે આવી ત્યારે ભૂમિ તેમના જીવનની સૌથી ખરાબ અવસ્થામાં હતાં, પરંતુ એ જ સમયે તેમણે વળતી લડત આપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે નક્કી કર્યું હતું કે “હું આ રીતે મરીશ નહીં.”
અશ્લીલ તસવીરો મોકલવાની અસર
તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ એ પછી કશું થયું નથી. લોન રિકવરીના કૉલથી છુટકારો મેળવવા ભૂમિએ તેમનો નંબર બદલી નાખ્યો હતો અને સિમકાર્ડનો નાશ કર્યો હતો. પછી આસ્થાને એવા કૉલ આવવા લાગ્યા ત્યારે આસ્થાએ પણ એવું જ કર્યું હતું. ભૂમિએ તેમના દોસ્તો, પરિવારજનો અને સહકર્મચારીઓને લોન રિકવરીના ફોન કૉલ તથા મૅસેજની અવગણના કરવા જણાવ્યું હતું. આખરે બધું બંધ થયું.
ભૂમિને તેમની બહેનો, તેમના બૉસ અને લોન ઍપ્લિકેશન દ્વારા સતાવવામાં આવેલી ઓનલાઈન કૉમ્યુનિટીનું સમર્થન મળ્યું હતું, પરંતુ સૌથી વધુ શક્તિ દીકરી આસ્થા પાસેથી સાંપડી છે.
ભૂમિ કહે છે, “મને આવી દીકરી સંતાન તરીકે પ્રાપ્ત થઈ છે એટલે મેં કંઈક સારું તો કર્યું જ હશે. આસ્થા મારી પડખે ઊભી ન રહી હોત તો હું પણ લોન ઍપને લીધે આત્મહત્યા કરનાર લોકો પૈકીની એક બની હોત.”
અમે આ અહેવાલમાં આસાન લોન, લિયાંગ ટિયાન ટિયાન અને પરશુરામ ટાકવે પર આરોપ મૂક્યા છે. તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.
ટિપ્પણી કરવા જણાવ્યું ત્યારે લી ઝિયાંગે બીબીસીને કહ્યું હતું કે તેઓ અને તેમની કંપનીઓ તમામ સ્થાનિક કાયદાઓ તથા નિયમોનું પાલન કરે છે, લોકોને શિકાર બનાવતી લોન ઍપ તેઓ ચલાવતા નથી, જિયાલિયાંગ સાથેનું જોડાણ તેમણે તોડી નાખ્યું છે અને તેઓ ગ્રાહકોના કૉન્ટેક્ટની માહિતી એકત્ર કરતા નથી કે તેનો ઉપયોગ કરતા નથી.
તેમણે એમ પણ જણાવ્યુ હતું કે તેમનાં લોન રિકવરી કૉલ સેન્ટર્સ કડક નિયમોનું પાલન કરે છે. સામાન્ય ભારતીયોની વેદનાનો લાભ ઉઠાવવાનો પણ તેમણે ઇનકાર કર્યો હતો.
મેજેસ્ટી લીગલ સર્વિસીસે લોનની વસૂલાત માટે ગ્રાહકોના કૉન્ટેક્ટના ઉપયોગનો ઇનકાર કર્યો હતો. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે તેમના એજન્ટોને અપમાનજનક તથા ધમકીભર્યા કૉલથી દૂર રહેવાની સૂચના આપવામાં આવે છે અને કોઈ કર્મચારી કંપનીની નીતિનું ઉલ્લંઘન કરે તો તેને બરતરફ કરવામાં આવે છે.
(પૂરક માહિતી : રોની સેન, શ્વેતિકા પ્રાશર, સૈયદ હસન, અંકુર જૈન અને બીબીસી આઈ ટીમ. અન્ડરકવર રિપોર્ટરોનો આભાર જેમનાં નામ જાહેર કરવાનું સલામતીનાં કારણોસર શક્ય નથી.)