એ સેક્સ સ્કૅન્ડલ જેમાં ‘ઍક્ઝામ પેપર અને લગ્નની લાલચ’માં યુવતીઓના વીડિયો બનાવી તેમને ઠગવામાં આવી

    • લેેખક, રોહન નામજોશી
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

‘જલગાંવ સેક્સ સ્કૅન્ડલ’ એ 1990ના દાયકાનો ભારે ચકચાર જગાવનાર બનાવ હતો. માત્ર મહારાષ્ટ્ર જ નહીં આખા દેશનું ધ્યાન આ ઘટના તરફ ખેંચાયું હતું.

એ સમયે જલગાંવ મહારાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સામેલ શહેર ન હોઈ ત્યાંનું સામાજિક વાતાવરણ કંઈક અલગ હતું. તેથી તપાસ અધિકારી અને પીડિતોએ મામલો પ્રકાશમાં લાવવા અને દોષિતોને સજા અપાવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો.

ભૂતપૂર્વ આઈપીએસ ઑફિસર મીરા બોરવાનકરે પોતાની આત્મકથા ‘મૅડમ કમિશનર’માં આ ઘટના વિશે વિસ્તારે વાત કરી છે.

મીરા બોરવનકરની ગણના મહારાષ્ટ્રનાં સૌથી બાહોશ પોલીસ અધિકારીઓ પૈકી એકમાં થાય છે.

‘જલગાંવ સેક્સ સ્કૅન્ડલ’એ તેમની કારકિર્દીની ખૂબ મહત્ત્વપૂર્ણ ઘટના હતી. આ પુસ્તકમાં ‘અજિત પવાર અને યેરવડા લૅન્ડ્સ’ને લગતા મામલાના નિરૂપણને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ સિવાય પણ તેમના આ પુસ્તકમાં તેમની કારકિર્દીમાં બનેલા અન્ય ઘણા બનાવો અંગે પણ વાત કરાઈ છે.

આ પુસ્તકમાં ‘જલગાંવ સેક્સ સ્કૅન્ડલ’ અંગેનું એક સ્વતંત્ર ચૅપ્ટર છે, તેઓ આ કેસનાં મુખ્ય તપાસ અધિકારી હતાં. આ કેસ મહારાષ્ટ્રના જનમાનસ પર છાપ છોડી જનાર હતો.

‘ડીજીપીનો ડાયરેક્ટ કૉલ’

વર્ષ 1994માં મીરા બોરવનકર પુણેના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતાં હતાં. એક વખત જ્યારે તેઓ પોતાની ઑફિસમાં બેઠાં હતાં ત્યારે તેમને તત્કાલીન ડીજીપી શિવરાજરાઓ બરવરકરનો ફોન આવ્યો. એ સમયે મીરા એક જૂનિયર પોલીસ અધિકારી હતાં. તેથી તેઓ ડીજીપીએ પોતાને સીધો ફોન કર્યાની વાતથી આશ્ચર્યમાં હતાં.

બરવરકરે મીરા બોરવનકરને તાત્કાલિક જલગાંવ પહોંચવા જણાવ્યું.

એ સમયે તેમનો પુત્ર નાનો હતો. બોરવાનકરે તાત્કાલિક પોતાના હેલ્પરને નાના દીકરાને જલગાંવ લઈ જવા જણાવ્યું. એ સમયે તેમને એ વાતનો બિલકુલ ખ્યાલ ન હતો કે તેમણે ત્યાં એક વર્ષ સુધી રોકાવું પડશે.

જુલાઈ 1994માં જલગાંવમાં માનવતસ્કરી, બળાત્કાર અને યૌન ઉત્પીડનનું એક આખું રૅકેટ સામે આવ્યું હતું. સગીરાઓ સહિત ઘણી મહિલાઓને ડ્રગ્સ આપી, ટૉર્ચર કરાયાં હતાં અને તેમના પર બળાત્કાર કરાયા હતા. સ્થાનિક અસામાજિક તત્ત્વો અને નેતાઓએ આ કામ કર્યું હોવાની શંકા હતી.

એ સમયે અંદાજ લગાવાઈ રહ્યો હતો કે આ ઘટનામાં 100 કરતાં વધુ છોકરીઓ સાથે યૌન ઉત્પીડનની ઘટના બની હતી.

જ્યારે આ મામલો ન્યૂઝપેપર અને અન્ય માધ્યમો થકી લોકો સામે આવ્યો ત્યારે આ ખુલાસાથી આખું જલગાંવ હચમચી ગયું હતું.

તત્કાલીન અધિક ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અરવિંદ ઇનામદાર આ કેસની તપાસ પર બારીક નજર રાખી રહ્યા હતા.

ડીજીપી શિવરાજરાવ બરવરકરે આ કેસની તપાસની ધુરા મીરા બોરવનકરને સોંપી હતી.

તપાસના શરૂઆતના દિવસો

જ્યારે મીરા બોરવનકર જલગાંવ પહોંચ્યા ત્યારે જાણે આખું શહેર ‘શોકમય’ હતું.

મહિલા સંગઠનો દ્વારા આ મુદ્દાને લઈને આંદોલન કરાઈ રહ્યાં હતાં.

મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસ માટે મહિલા અધિકારીઓની સમિતિ રચી હતી. જેમાં લીના મેહેનડલે, ચંદ્રા આયંગર અને મીરા બોરવનકર હતાં. સમિતિએ સમાચારમાં બતાવાઈ રહેલી ઘટનાઓ સત્ય હોવાનું જણાવ્યું અને આ ઘટનાનો ભોગ બનેલી મહિલાઓ એક એક કરીને ધીરે ધીરે પોતાની આપવીતી જણાવવા આગળ આવવા લાગી હતી.

બીબીસી મરાઠીએ આ સમિતિનાં તત્કાલીન ચૅરમૅન લીના મેહેનડલે સાથે વાત કરી. એ સમયે તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતાં અને તેમની નાસિકમાં ડિવિઝનસ કમિશનર તરીકે તેમની બદલી કરાઈ હતી.

લીના મેહેનડલે જણાવે છે કે, "નાસિક પહોંચ્યા બાદ હું પરિસ્થિતિ તપાસવા જલગાંવ પહોંચી. એ સમયના નાસિકના કલેક્ટર અજય ભૂષણ પાંડે પણ એક સારા અધિકારી હતા. લીના બોરવનકર જ્યારે આવ્યાં ત્યારે તેમણે તપાસની ધુરા પોતાના હાથમાં લઈ લીધી હતી."

"આ ગૅંગમાં કુલ છ સભ્યો હતા. આ ઉત્પીડનની જાળમાં ઘણી મહિલા ફસાઈ હતી. તેથી અમારું મુખ્ય કામ આ મહિલાઓને રાહત અને સાંત્વના આપવાનું હતું. એ પૈકી કેટલાંકને ભય હતો કે બનાવ સામે આવતાં તેમની ઓળખ છતી થઈ જશે. તેથી તેમના આત્મસન્માનનું ધ્યાન રાખવું એ પણ અમારા માટે મહત્ત્વનું હતું."

એ સમયના એડીજીપી અરવિંદ ઇનામદાર પણ જલગાંવ પહોંચ્યા હતા. ત્યાં તેમણે નાગરિકો અને પોલીસ અધિકારીઓ સાથે મિટિંગો યોજી હતી. જોકે, સતત ચાલી રહેલા અફવાના પ્રવાહને કારણે સર્વાઇવર સામે નહોતાં આવી રહ્યાં અને કેસનો મુખ્ય આરોપી પણ ફરાર હતો.

એ સમયે જલગાંવમાં મહિલા પોલીસ અધિકારીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. તેથી નજીકના જિલ્લામાંથી મહિલા અધિકારીઓને બોલાવવાની ફરજ પડી હતી

ઇનામદારે બોરવનકરને શહેરથી બહાર જતાં રહેવા જણાવ્યું હતું, કારણ કે તેઓ શહેરની મધ્યમાં રહી રહ્યાં હતાં. આના કારણે જ્યારે સર્વાઇવર મહિલાઓ પોતાની આપવીતી અંગે વાત કરવા તેમના પાસે પહોંચતી તેની ખબર તરત જ આરોપીઓને પડી જતી.

આ કારણને ધ્યાને રાખી મીરા બોરવનકર શહેરની બહાર રહેવા લાગ્યાં હતાં. તેમની સાથે તેમનો એક વર્ષનો દીકરો પણ હતો. જોકે, આ અંગે તેઓ કહે છે કે આનાથી તેમને ઘણો લાભ થયો છે.

અવરોધો, મુશ્કેલીઓ અને તપાસમાં સામે આવેલ એ ‘પત્ર’

એક એક કરીને આ કેસની વિગતો સામે આવી રહી હતી. બોરવનકર બીજા બંગલામાં શિફ્ટ થયાં અને આ સાથે જ સર્વાઇવર છોકરીઓ તેમની પાસે આવવા લાગી.

બોરવનકર પોતાના પુસ્તકમાં લખે છે કે, "ધીરે ધીરે છોકરીઓ અમારી પાસે આવવા લાગી. તેઓ આ ટૉર્ચરની દાસ્તાન કહેતાં કહેતાં ચોધાર આંસુએ રડી પડતી. કેટલીક તો મારા પુત્ર સાથે કલાકો સુધી રમતી. જોકે, તેમણે આ અંગે ગુનો નોંધાવવાની ના પાડી દીધી હતી. ઘણી વખત આ છોકરીઓ અમારી સાથે જમતી અને હસતી પણ ખરી. પરંતુ મોટા ભાગે આ મુલાકાત અશ્રુભીની જ રહેતી."

"આ છોકરીઓ હંમેશાં અજંપાભરી સ્થિતિમાં જ રહેતી. થોડા સમય બાદ કેટલીક છોકરીઓએ કેસ દાખલ કરાવવા તૈયારી બતાવી, પરંતુ પછી તેમના પરિવારે ના પાડી દીધી. તેમને પોતાની દીકરીનાં લગ્નની ચિંતા હતી. તેથી તેઓ અમારી કોઈ વાત માનવા તૈયાર નહોતા."

એક દિવસ બોરવનકરને નજીકના એક ગામનાં છોકરીનો પત્ર મળ્યો. તેમણે લખ્યું હતું કે, “તમે મારી નગ્ન તસવીરો અને વીડિયો જરૂરથી જોયાં હશે. હવે મારાં લગ્ન થઈ ગયાં છે, તેથી પોલીસે મારો સંપર્ક ન કરવો."

તેમણે લખેલું કે જો પોલીસે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેઓ આત્મહત્યા કરી લેશે. આ વાતથી બોરવનકરને સર્વાઇવર કેટલી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે તેની ખબર પડી.

આ મામલામાં સમયાંતરે ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર સંજય પવાર અને કૉર્પોરેટર રાજુ તડવઈ અને પંડિત સપકલે સામે ગુનો નોંધાયો. પરંતુ પોલીસ કાર્યવાહીનો અહેસાસ થતાં જ તમામ આરોપીઓ નાસી છૂટ્યા.

તેમણે બધી છોકરીઓના ફોટો પણ બાળવાનું શરૂ કરી દીધું. જોકે, પોલીસને બે છોકરીઓના ફોટો મળી આવ્યા, પોલીસે તેમનો સંપર્ક કરીને તેમની આપવીતી જાણી.

આરોપીઓની શોધખોળ માટે ખાસ ટીમની રચના કરાઈ હતી. આ કામ માટે પોલીસે આખા જિલ્લામાં તપાસ કરી. આ રૅકેટના મુખ્ય સૂત્રધાર પંડિત સપકલેની અંતે ગુજરાતથી ધરપકડ થઈ.

રૂમ નં. 206, તિરુપતિ હોટલ, જલગાંવ

મેહનડલેએ જણાવ્યું કે ઘણી છોકરીઓ ‘ઍક્ઝામ પેપરની લાલચ’માં આ ગૅંગની જાળમાં ફસાઈ હતી.

બોરવનકરની આત્મકથામાં આપેલી વિગતો અનુસાર, "આ સિવાય આ ગૅંગના સભ્યો વિદ્યાર્થીઓને ફસાવવા માટે નિકટની કૉલેજોમાં પ્રવેશ મેળવતા. આ ધનિક અને રાજકીય વગવાળા લોકો યુવતીઓને લગ્નના નામે લાલચ આપી ફસાવતા. જે બાદ તેમની સાથે શારીરિક સંબંધ સ્થાપિત કરી, તેના વીડિયો બનાવી, તેનાથી છોકરીઓને બ્લૅકમેલ કરતા."

"એ સમયે પોલીસને આશંકા હતી કે આ વીડિયો નજીકના જિલ્લામાં પણ વેચવામાં આવ્યા હતા. આ કારસ્તાન માટે જલગાંવ ખાતેની તિરુપતિ હોટલના રૂમ નં. 206નો ઉપયોગ કરાતો. આ રૂમમાં એક કૅમેરા લગાવાયેલો હતો."

પુસ્તકમાં લખાયું છે કે જ્યારે એક વખત છોકરી તેમના જાળમાં ફસાઈ જતી, ત્યારે છોકરીને આરોપી પોતાના મિત્રો સાથે પણ સંબંધ રાખવા દબાણ કરતા. પોતાનાં માતાપિતાને આની જાણ ન થાય એ માટે યુવતીઓ તેમના દબાણને વશ થઈ જતી.

"આ બધી વાતોથી ત્રસ્ત થઈને અંતે ત્રણ યુવતીઓએ પોલીસ ફરિયાદ કરી. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ આ વ્યક્તિઓના ધનવાન હોવાના રોફ અને વગથી પ્રભાવિત થતાં. જે માટે તેમણે ભારે કિંમત ચૂકવવી પડી હતી. આ લોકો શહેરમાં ખૂબ મોટાં અને વગદાર પદો પર હતા."

"એક ઝૂંપડામાં રહેતા પરિવારને મસમોટું વીજ બિલ મળ્યું. ઘરના લોકો જ્યારે આની તપાસ માટે ગયા, ત્યારે ઘરે છોકરી એકલી હતી. આરોપીઓએ પોતાના ફ્લૅટે બોલાવી તેની સાથે રેપ કર્યો."

"એક છોકરીને પોતાની માતાના ઑપરેશન માટે પૈસાની જરૂર હતી. કૉર્પોરેટરે આની લાલચ આપી, તેનો રેપ કર્યો. તેના છૂટાછેડા થયેલા હતા. આ ટૉર્ચર મહિનાઓ સુધી ચાલ્યું."

કોર્ટ પહોંચ્યો કેસ

અરવિંદ ઇનામદારે આ કેસ માટે સરકાર પક્ષે સારો વકીલ રાખવાના પ્રયાસ કર્યા. તેમણે મુંબઈથી એક નિષ્ણાત વકીલને બોલાવ્યા. પરંતુ એ ખૂબ જ શિસ્તવાળી વ્યક્તિ હતા. તેમના તપાસ અધિકારીઓ સાથે મતભેદ થતા. બધા ઑફિસરોએ તેમની સાથે કામ કરવાની ના પાડી દીધેલી. જેના કારણે અરવિંદ ઇનામદાર ખૂબ ગુસ્સે ભરાયા હતા. બાદમાં આ કેસમાં બીજા એક કૌશલ્યવાન વકીલની નિમણૂક કરાઈ હતી.

બોરવનકરે કહ્યું કે આ કેસનો ખટલો ક્યાં ચલાવવો એ વાત પણ એક મોટો પડકાર હતી.

"આ કેસ નોંધવામાં થયેલા વિલંબને કારણે આરોપીઓને તરત જામીન મળી જાય તેવો અને તે બાદ તેઓ ફરીથી સર્વાઇવરને બ્લૅકમેલ કરે તેવો ભય હતો."

"તેથી પુણે ખાતે આ કેસ માટે એક ખાસ કોર્ટ બનાવાઈ અને મૃદુલા ભાટકરની તેમાં જજ તરીકે નિમણૂક કરાઈ. ઘણાં સર્વાઇવરોએ પુણેમાં આશરો લીધો હતો. પુણેમાં ઘણા પરિવારોએ આ માટે પહેલ કરી હતી. મેં મારા જીવનમાં ક્યારેય પોલીસ અને નાગરિકો વચ્ચે આવું સંકલન નથી જોયું."

જ્યારે કેસમાં કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ત્યારે પ્રથમ બે ફરિયાદીઓએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી.

માત્ર આટલું જ નહીં ફરિયાદીઓએ પોલીસે કેસ દાખલ કરાવવા માટે તેમના પર દબાણ કર્યાનો આક્ષેપ કર્યો હતો. આનાથી સરકાર પક્ષને કેસમાં ભારે ફટકો પડ્યો.

કેસની કોર્ટમાં થયેલી કાર્યવાહીમાં એક બનાવ એવો પણ બન્યો હતો જ્યારે એક સર્વાઇવરનાં માતાએ જુબાની આપવાની હતી.

વકીલોને લાગ્યું કે જો માતા આ બાબતે સત્ય બોલશે તો તેનાથી છોકરીની હિંમત વધશે. પરંતુ થયું ઊલટું. આના કારણે છોકરી ગુસ્સે ભરાઈ, તેણે માતાને અપશબ્દો બોલ્યા. અને પોતાની જુબાની પર અડગ રહી.

આમાં છ કેસ થયા, જે બધામાં આરોપીઓને સજા મળી. પરંતુ વર્ષ 2000માં આ કેસના મુખ્ય આરોપી એવા પંડિત સપકલેની સજા રદ કરી દીધી. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે તેમની સામેના પુરાવા વિશ્વાસપાત્ર નહોતા.

લીના મેહેનડલે પ્રમાણે આ કેસના સાક્ષીઓને બે-ત્રણ વર્ષ પછી રજૂ કરાયાં હતાં. જેના કારણે તેઓ ફરીથી એ જ દુ:ખ ભોગવવા મજબૂર બન્યાં હતાં. આના કારણે આના કારણે તેમની જુબાની કાર્યક્ષમ પુરવાર ન થઈ. જોકે, હવે નવા કાયદા અનુસાર સર્વાઇવરની જુબાની શક્ય તેટલી જલદી નોંધવાનું ફરજિયાત બનાવાયું છે.

આ કેસ મીરા બોરવનકરના જીવનનો ખૂબ મહત્ત્વપૂર્ણ કેસ હતો. તેઓ કહે છે કે તેઓ આનાથી ઘણું શીખ્યાં છે.

વર્ષ 2018માં મીરા બોરવનકર એક વ્યાખ્યાન માટે જલગાંવ પહોંચ્યાં હતાં. એ નાના હૉલમાં આ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. આયોજકોએ તેમને જણાવ્યું કે તેમને એક સારો મોટો હૉલ મળ્યો હતો, પરંતુ તેનો માલિક જલગાંવ સેક્સ સ્કૅન્ડલનો આરોપી હોઈ તેમણે ત્યાંનું બુકિંગ રદ કરાવી દીધું હતું. કારણ કે તેમને વિચાર આવ્યો કે મીરા બોરવનકરના લેક્ચર માટે કેવી રીતે એ જગ્યા પસંદ કરી શકાય.

(પોલીસ અધિકારીના પુસ્તક પર આધારિત આ અહેવાલ ઑક્ટોબર 2023માં પ્રથમવાર પ્રકાશીત થયો હતો)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.