જામનગર : 'મોટી બહેને ધૂણતાં-ધૂણતાં આદેશ આપ્યો અને ભાઈએ નાની બહેનને પતાવી દીધી', કેવી રીતે ઝડપાયા હત્યાનાં આરોપી ભાઈબહેન?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારા ઘરમાં આમ કોઈ મોટી તકલીફ પણ ન હતી. એ દિવસે ધૂણતાં ધૂણતાં સવિતાએ કહ્યું કે, જો શારદા જીવશે તો આપણને બધાને મારી નાખશે. તેથી મારા ભાઈ રાકેશ અને સવિતાએ તેની સાથે મારામારી શરૂ કરી હતી અને અમને બહાર કાઢી મૂક્યાં હતાં. અમને એવો લગીરેય અંદાજ ન હતો કે તેઓ શારદાને મારી નાખશે."

આ શબ્દો લક્ષ્મણભાઈ તડવીના છે, તેઓ અંધશ્રદ્ધાના નામે કરાયેલી એક હત્યા પહેલાંના ભયાવહ માહોલના પ્રત્યક્ષદર્શી છે. આ સાથે જ તેઓ મૃતક અને આરોપીઓ બંનેના માજણ્યા સગા છે.

મૃતક તેમની નાની બહેન છે જ્યારે આરોપી રાકેશ અને સવિતા તેમનાં ભાઈ-બહેન છે.

18 ઑક્ટોબર, 2023ના રોજ બનેલી આ ઘટના જામનગરના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામની છે.

આ ઘટના પછી ચાર લોકો સામે હત્યા અને હત્યા કર્યા બાદ પુરાવા નાશ કરવાનો ગુનો પણ નોંધાયો છે.

શું બન્યું હતું?

પોલીસ તપાસમાં અત્યાર સુધી જે સામે આવ્યું તે મુજબ નવરાત્રીમાં ત્રીજા નોરતાની મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામની સીમમાં આવેલી બિપીનભાઈ સરવૈયાની વાડીમાં આવેલા મકાનમાં કોઈ ધાર્મિક વિધિ કરવામાં આવી રહી હતી.

આગળની માહિતી અનુસાર આ સ્થળે બે દિવસ પહેલાં જ આવેલી મોટી બહેન સવિતા આ ધાર્મિક વિધિ કરી રહી હતી.

સવિતાએ ધૂણતાં ધૂણતાં રાકેશને આદેશ કર્યો હતો કે આપણી તકલીફ માટે શારદા જવાબદાર છે, તેને પતાવી દેવી પડશે.

બસ આટલો આદેશ થતાં જ રાકેશ ક્રૂરતાથી તૂટી પડ્યો હતો અને લાકડીથી શારદાને મારવા લાગ્યો હતો.

તેણે પહેલાં શારદાના શરીર ઉપર છરી જેવા હથિયારથી કાપા પણ માર્યા હતા. આ સિવાય દીવાલ પર તેનું માથું પણ પછાડ્યું હતું. શારદાને નિર્વસ્ત્ર પણ કરવામાં આવી હતી.

આ ધાર્મિક વિધિ વખતે મોટાભાઈ લક્ષ્મણ સહિત અન્ય લોકોએ વિરોધ કરતા તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ ઘટનામાં શારદાનું મોત નીપજ્યું હતું પણ કલાકો સુધી તેની કોઈને જાણ થઈ ન હતી.

ત્યારબાદ વાડીના માલિકને તેમની વાડીમાં લોકો ધૂણતાં હોવાની ફરિયાદ મળી હતી જેથી તેમણે પોતાની વાડીમાં જવાનો પ્રયત્ન કર્યો હતો પણ વાડીના માલિકને પ્રવેશ ન મળતાં તેઓ પોલીસને બોલાવી લાવ્યા હતા.

ત્યારબાદ આ અંધશ્રદ્ધાની ઓથે થયેલી નિર્મમ હત્યાનો આખો મામલો સામે આવ્યો હતો.

ફરિયાદીએ શું કહ્યું?

જામનગર પોલીસે આ ઘટનામાં આરોપી સવિતા તડવી, રાકેશ તડવી, શંકર ભાભોર અને મહેશ ભાભોર સામે આઈપીસીની કલમ 302, 114 તેમજ જી.પી. ઍક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.

તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આરોપીઓ સામે હત્યા અને હત્યા બાદ પુરાવા નાશ કરવા સહિતનો ગુનો પણ દાખલ કરાયો છે.

વાડીના માલિક અને ફરિયાદી બિપીનભાઈ સરવૈયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આ લોકો છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મારી વાડી ખાતે રહેતા હતા. બે ભાઈઓ, તેમની પત્નીઓ અને તેમની મરણ પામનાર નાની બહેન ત્યાં રહેતાં હતાં. આરોપી મોટી બહેન તો નવરાત્રી પહેલાં જ અહીં વાડી ખાતે રહેવાં આવી હતી."

તેઓ વધુમાં જણાવે છે કે, "હું ધ્રોલ ખાતે રહું છું. હું કંઈ કામ હોય ત્યારે જ વાડીએ આવું છું. હમણાં થોડા દિવસોથી વાડીએ આવ્યો ન હતો. ઘટના બની તે દિવસે મને મારા એક ઓળખીતા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, તમારી વાડીએ લોકો ધૂણી રહ્યા છે."

"તેથી તરત જ હું વાડીએ આવવા માટે નીકળ્યો હતો. હું વાડીએ પહોંચ્યો તો મને પણ અંદર જવા દેવામાં આવ્યો નહીં. તેમની પાસે લાકડી અને ધોકા હતા જેથી મેં અંદર જવા માટે દબાણ કર્યું નહીં."

"હું તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને સાથે લઈને વાડીએ ગયો હતો. ત્યારબાદ શું બન્યું એ પોલીસને ખબર છે. આ અંગે હું માત્ર આટલું જ કહેવા માગું છું."

મૃતકના પરિવારજનોએ શું કહ્યું?

મૃતક શારદાના મોટાભાઈ લક્ષ્મણભાઈએ પણ આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.

તેઓ આરોપી રાકેશના નાના ભાઈ છે અને તેઓ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં જમીન ભાગમાં રાખીને વાવતા હતા. આ ખેતીકામમાં તેમના ઘરના મોટાભાગના સભ્યો ખેતમજૂરી કરતા હતા.

તેમણે જણાવ્યું હતું કે, "હું, મારો ભાઈ રાકેશ, તેનાં પત્ની, મારાં પત્ની અને નાની બહેન શારદા અમે ચાર વર્ષથી ધ્રોલમાં વાડીએ સાથે રહેતા હતા. જે દિવસે આ ઘટના બની તે દિવસે અમે લોકો પહેલાં પૂજામાં સાથે હતા."

"ત્યારબાદ મારો ભાઈ અને બહેન સવિતાએ નાની બહેન સાથે મારામારી શરૂ કરી હતી અને અમને બહાર કાઢી મૂક્યા હતા. અમને એવો અંદાજ ન હતો કે બહેન મરી જશે ત્યાં સુધી એ લોકો મારશે."

"સામાન્ય રીતે અમે લોકો માતાજીની પૂજા કરતા નથી. અમે તો અમારા ડેરાના દેવની પૂજા કરીએ છીએ. આ વખતે મારી બહેન સવિતાના કહેવાથી મારા ભાઈએ નવરાત્રીના ઉપવાસ રાખ્યા હતા અને બધાને રખાવ્યા હતા. મારો ભાઈ ક્યારેય આટલો ગુસ્સાવાળો ન હતો."

તેઓ વધુમાં ઉમેરે છે કે, "મારાં માતા-પિતાને આ અંગે જાણ થતાં તેઓ ભાંગી પડ્યાં હતાં. માતાપિતાએ તો મારાં ભાઈબહેનને એવું પણ કહ્યું કે, કોઈ નાની મોટી તકલીફ હતી તો તમારે અમને જાણ કરવી હતી અથવા તો ગામડે આવી જવું હતું. પણ આ પ્રકારનું પગલું કેમ ભર્યું ? આ પ્રકારનું પગલું ભરતા તમારા હાથ ન ધ્રૂજયા?"

પોલીસનું શું કહેવું છે?

આ ઘટના અંગે જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ધ્રોલમાં 302 કલમ હેઠળ મર્ડરનો બનાવ બન્યો છે. ઘરના બધા લોકો નવરાત્રીની પૂજા કરતા હતા."

"મોટી બહેને ભૂવાના રૂપમાં તેના મોટા ભાઈને કહ્યું કે, આપણાં ઘરમાં જે કંઈ પણ તકલીફો છે તે નાની બહેનના કારણે છે."

"આ બહેનના કારણે ભવિષ્યમાં તકલીફો આવશે. તેથી આપણે આ બહેનને પતાવી દેવી છે."

"આરોપીઓએ નાની બહેનની સાથે મારપીટ પણ કરી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક તપાસમાં શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ સામે આવી છે."

"આ ગંભીર પ્રકારનો ગુનો છે. આ ગુનામાં પરિવારના સભ્યો સામેલ હતા. જેથી તેમણે પોલીસને પણ જાણ કરી ન હતી."

"વાડીના માલિકે પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે."

"આરોપી ભાઈબહેનને પોલીસ સ્ટેશન લાવીને તેમની ગહન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કરતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી. તેઓ મૂળ દાહોદના વતની છે. અમે દાહોદમાં તેમના પરિવારનો સંપર્ક કરી તેમના પરિવારને પણ આ બનાવની જાણ કરી છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો એવું માનતા હતા કે ધાર્મિક વિધિ દરમિયાન જેનામાં છાયા આવે છે અને તે જે અંદરથી બોલે છે તે સાચું જ હોય છે. આ માન્યતાને કારણે મર્ડર કરવામાં આવ્યું છે. આ વાતને આપણે તાંત્રિકવિધિ નહીં પરંતુ અંધશ્રદ્ધા કહી શકીએ જેમાં માત્ર પોતાની મોટીબહેનની વાત પર ભરોસો કરીને નાની બહેનની હત્યા કરી દેવામાં આવી."

આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપૅકટર પી. જે. પનારાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આ ઘટનામાં આરોપી રાકેશની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના રિમાન્ડની અમે માગણી કરી હતી પરંતુ મુદ્દામાલ તેમજ હત્યામાં વપરાયેલા સાધનો સ્થળ પરથી જ મળી આવ્યા હતા. જેથી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ન હતા."

"આરોપી મોટીબહેન સવિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી રાકેશના સાઢુભાઈ શંકર અને તેમના પુત્રએ પૂજાનો સામાન ત્યાંથી હઠાવીને પાછળ વાડામાં નાખી દીધો હતો."

"જમીન પર પડેલા લોહીના ડાઘા સાફ કરી પુરાવાનો નાશ કરવાની કોશિશ પણ કરી હતી. જેથી આરોપી શંકર અને તેમના પુત્રની પણ પુરાવા નાશ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે."

"હાલમાં ચારેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે."

અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરવાની જરૂર

અંધશ્રદ્ધા નિવારણ પર કામ કરનારી સંસ્થા વિજ્ઞાન જાથા ગુજરાતના પ્રમુખ જયંત પંડ્યાએ આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "આપણા બંધારણની કલમ 51-એ(એચ) અનુસાર રાજ્ય અને કેન્દ્રની સરકારે લોકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તે માટેના કાર્યક્રમો કરવા જોઈએ. સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે નહીં પરંતુ દેખાડા પૂરતા કાર્યક્રમ જ કરવામાં આવે છે."

"સરકારની એજન્સીઓ જેવી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરપાલિકા, મહાનગરપાલિકા, સ્કૂલો દ્વારા લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા વૈજ્ઞાનિક શોધ અંગે લોકોને ભારેખમ વૈજ્ઞાનિક ટર્મમાં નહીં પરંતુ લોકબોલીમાં વૈજ્ઞાનિક અભિગમ શીખવવો જોઈએ. સરકારોએ લોક જાગૃતિના કાર્યક્રમો ગ્રામ્યસ્તરે પણ કરવા જોઈએ."