You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'આધ્યાત્મિક ઉપચાર'ના બહાને મહિલાઓ પર રેપ અને જાતીય શોષણની કહાણી
- લેેખક, હનાન રાઝેક
- પદ, બીબીસી ન્યૂઝ અરેબિક
‘આધ્યાત્મિક ઉપચારકર્તા’ તરીકે કામ કરતા પુરુષો દ્વારા સ્ત્રીઓ સાથે કરવામાં આવતા લૈંગિક દુર્વ્યવહાર અને શોષણની છૂપી દુનિયાનો બીબીસી અરેબિકે પર્દાફાશ કર્યો છે.
‘કુરાનિક ઉપચાર’ નામે પણ ઓળખાતા આધ્યાત્મિક ઉપચારની પ્રથા આરબ અને મુસ્લિમ વિશ્વમાં લોકપ્રિય છે.
આવા ઉપચારકર્તાઓ દુષ્ટ આત્માઓને (જીન) પીડિતના શરીરની બહાર કાઢીને સમસ્યાનું નિવારણ અને બીમારીનો ઇલાજ કરી શકે છે, એવું ધારીને મોટે ભાગે સ્ત્રીઓ તેમની પાસે જતી હોય છે.
બીબીસીએ એક વર્ષથી વધુના સમયગાળામાં 85 મહિલાઓ પાસેથી જુબાની એકત્ર કરી હતી.
તેમણે મોરોક્કો અને સુદાનમાં કામ કરતા આવા 65 કથિત ઉપચારકર્તાઓ પર જાતીય સતામણીથી માંડીને બળાત્કાર સુધીના આરોપ મૂક્યા હતા. સુદાન અને મોરોક્કોમાં આ પ્રથા અત્યંત લોકપ્રિય છે.
અમે સતામણીની કથાઓ એકઠી કરવા અને તેની ચકાસણી કરવા સ્વયંસેવી સંગઠનો, વકીલો અને મહિલાઓ સાથે મહિનાઓ સુધી વાત કરી હતી.
અમારી તપાસના ભાગરૂપે એક અન્ડરકવર મહિલા રિપોર્ટરે આવા જ એક ઉપચારકર્તા પાસે સારવાર કરાવી હતી. એ મહિલા રિપોર્ટર પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. જોકે તે ઘટનાસ્થળેથી નાસી છૂટી હતી.
દલાલ (સાંકેતિક નામ) થોડાં વર્ષો પહેલાં કાસાબ્લાન્કા નજીકના એક ગામમાં એક આધ્યાત્મિક ઉપચારક પાસે ડિપ્રેશનની સારવાર લેવા ગયાં હતાં. એ વખતે તેમની વય 25 વર્ષ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દલાલના જણાવ્યા મુજબ, એક પ્રેમી જીન મને વળગ્યું છે અને તેને કારણે ડિપ્રેશન આવે છે, એવું ઉપચારકે મને કહ્યું હતું.
વ્યક્તિગત મુલાકાતમાં ઉપચારકે દલાલને કોઈ પદાર્થ સૂંઘવાની સૂચના આપી હતી, જે ઉપચારકના દાવા મુજબ કસ્તુરી હતી, પરંતુ વાસ્તવમાં એક પ્રકારનો માદક પદાર્થ હતો. એ સૂંઘ્યા બાદ દલાલે હોશ ગુમાવી દીધા હતા.
દલાલે અગાઉ ક્યારેય જાતીય સમાગમ કર્યો ન હતો. દલાલના કહેવા મુજબ, તેઓ જાગ્યા ત્યારે તેમનું અન્ડરવેર કાઢી નાખવામાં આવ્યું હતું. તેમને તરત જ સમજાઈ ગયું હતું કે તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો છે. આવું શા માટે કર્યું એવો સવાલ પૂછીને તેઓ રાકી (કુરાનિક ઉપચારકર્તા) સામે ચીસો પાડવા લાગ્યાં હતાં.
દલાલ કહ્યું, “તમને જરાય શરમ છે? તમે મારી સાથે આવું કેમ કર્યું?” રાકીએ જવાબ આપ્યોઃ જીન તારું શરીર છોડી દે એ માટે.
પોતાની સાથે જે થયું હતું તેની વાત દલાલે કોઈને કરી ન હતી, કારણ કે તેમને બહુ જ શરમ આવતી હતી અને ખાતરી હતી કે તેમને જ દોષી ઠેરવવામાં આવશે. પોતે ગર્ભવતી છે એવી ખબર દલાલને થોડા સપ્તાહ પછી પડી ત્યારે તેઓ ગભરાઈ ગયાં હતાં અને આત્મહત્યાનો વિચાર પણ કર્યો હતો.
પોતાની ગર્ભાવસ્થા વિશે દલાલે રાકીને જણાવ્યું ત્યારે રાકીએ જવાબ આપ્યો હતો કે જીને તને ગર્ભવતી કરી હશે.
દલાલના કહેવા મુજબ, એ અનુભવથી તેમને એટલો આઘાત લાગ્યો હતો કે તેમણે બાળકને જન્મ આપ્યો ત્યારે તેનું મોં જોવાનો, તેને હાથમાં લેવાનો અથવા પોતાનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો અને બાળકને દત્તક આપી દીધું હતું.
દલાલના જણાવ્યા મુજબ, તેમની સાથે જે થયું હતું તેની ખબર તેમના પરિવારજનોને પડી હોત તો એ લોકોએ દલાલની હત્યા કરી હોત.
બીબીસીને ઘણી મહિલાઓએ જણાવ્યું હતું કે પોતાની સતામણી થયાનું જણાવશે તો તેમને જ દોષી ઠેરવવામાં આવશે એવો ડર તેમને હતો. તેથી જૂજ મહિલાઓએ પોલીસને નહીં, પરંતુ તેમના પરિવારને જ આવી વાત કરી હતી.
કેટલીકને એવી ચિંતા હતી કે તેઓ આ બાબતે ફરિયાદ કરવાથી તેનો બદલો લેવા જીન ઉશ્કેરાઈ શકે છે.
સુદાનમાં સાવસાન નામની એક મહિલાએ અમને જણાવ્યું હતું કે ઇસ્લામિક કાયદા મુજબ તેમના પતિએ બીજી પત્ની સાથે રહેવા માટે પરિવાર છોડ્યો ત્યારે પોતે નિરાધાર બની ગયાં હોય એવું લાગ્યું હતું. તેથી તેમણે મદદ માટે એક ઉપચારકર્તાનો સંપર્ક કર્યો હતો.
સાવસાનને આશા હતી કે તેમના પતિ માટે પેલો ઉપચારકર્તા કોઈક દવા આપશે અને એ દવા ખાવાથી પતિ તેમની સાથે સારો વ્યવહાર કરશે.
જોકે, ઉપચારકર્તાએ બીજા પ્રકારનો ઉપાય સૂચવ્યો હતો.
સાવસાને કહે છે, “ઉપચારકર્તાએ મને કહેલું કે તે મારી સાથે સંભોગ કરશે અને તેમાંથી જે પ્રવાહી નીકળશે તેનો ઉપયોગ એ મારા પતિને ખવડાવવાની દવા બનાવવા માટે કરશે.”
સાવસાનના કહેવા મુજબ, તેણે આવું સૂચન કર્યું તેનો અર્થ એ છે કે તે બેશરમ હતો. “તેને ખાતરી હતી કે હું તેની સામે પોલીસ કે કોર્ટમાં કે મારા પતિને સુધ્ધાં ફરિયાદ નહીં કરું.”
સાવસાન ત્યાંથી તત્કાળ રવાના થઈ ગયાં હતાં અને ફરી ક્યારેય ત્યાં ગયાં ન હતાં. તેમણે ઉપચારકર્તાના વર્તન વિશે ફરિયાદ પણ કરી ન હતી.
અમે સુદાનમાં શોષણ અથવા દુર્વ્યવહાર કરતા લોકો બાબતે 50 મહિલાઓ સાથે વાત કરી હતી.
એ પૈકીની ત્રણ મહિલાએ શેખ ઇબ્રાહીમ નામના એક ધાર્મિક નેતાનું નામ આપ્યું હતું. એક મહિલાએ જણાવ્યું હતું કે મારી સાથે સંભોગ કરવા માટે શેખ ઇબ્રાહીમે મને છેડછાડ કરી હતી.
અફાફ નામની એક અન્ય મહિલાએ જણાવ્યું હતું કે શેખે સેક્સ માટે માગણી કરી ત્યારે તેમણે તેને ધક્કો મારવો પડ્યો હતો. અફાફને શક્તિહીનતાનો અનુભવ થયો હતો.
“શેખ આવું કહે છે અને કરે છે એ વાત લોકો સ્વીકારતા નથી. તેઓ સ્વીકારતા જ નથી. આના સાક્ષી હું ક્યાંથી શોધું? તેની સાથે મને રૂમમાં કોઈએ જોઈ ન હતી.”
તેથી અમારી ટીમ સાથે કામ કરતા એક અન્ડરકવર મહિલા રિપોર્ટર વધારે પુરાવા એકઠા કરવા શેખ ઇબ્રાહીમની મુલાકાત લેવા સંમત થયાં હતાં.
એ રિપોર્ટરને અમે રીમ કહીએ છીએ. રીમ શેખ ઇબ્રાહીમ પાસે ગયાં હતાં અને પોતાને વ્યંધત્વની સમસ્યા હોવાનું જણાવ્યું હતું.
શેખે તેમને જણાવ્યું હતું કે એ તેમના માટે પ્રાર્થના કરશે. શેખે રીમને મહૈયા તરીકે ઓળખાતા ઉપચાર જળની એક બૉટલ ઘરે લઈ જવા માટે તૈયાર કરી આપી હતી.
રીમના જણાવ્યા મુજબ, એ પછી શેખ તેમની અત્યંત નજીક બેઠા હતા અને પોતાનો હાથ રીમના પેટ પર મૂક્યો હતો. રીમે શેખને હાથ હટાવવા કહ્યું ત્યારે શેખે ત્યાંથી હાથ ખસેડીને રીમના ગુપ્તાંગ સુધી સરકાવ્યો હતો. રીમ રૂમમાંથી નાસી છૂટ્યાં હતાં.
રીમે અમને બાદમાં કહ્યું હતું, “હું શેખના વર્તનથી ખરેખર હચમચી ગઈ હતી. તેનો દેખાવ ડરામણો હતો.”
રીમના જણાવ્યા મુજબ, શેખની રીતભાત પરથી લાગતું હતું કે તેણે આવું વર્તન પહેલી વાર નહીં કર્યું હોય.
રીમ સાથે જે થયું એ બાબતે બીબીસીએ શેખ ઇબ્રાહીમને સવાલ કર્યો હતો. તેમણે તેમની મદદ માગતી મહિલાઓની જાતીય સતામણી કે તેમના પર જાતીય હુમલો કરતા હોવાનો ઇનકાર કર્યો હતો અને ઇન્ટરવ્યૂ અધવચ્ચે જ અટકાવી દીધો હતો.
શોષણના કોઈ પણ પ્રકારના જોખમ વિના આધ્યાત્મિક ઉપચાર ઇચ્છતી મહિલાઓને શેખા ફાતિમા નામની મહિલા વિકલ્પ આપે છે.
તેમણે ખાર્તુમ નજીક માત્ર મહિલાઓ માટેનું હીલિંગ સેન્ટર શરૂ કર્યું છે. 30 વર્ષથી કાર્યરત આ સેન્ટર એવી કેટલીક જગ્યાઓ પૈકીનું એક છે, જ્યાં મહિલાઓ રુકયાહ અથવા ઉપચાર મહિલા પાસે જ કરાવી શકે છે.
સત્તાવાળાઓ કોઈ પગલાં લેવા તૈયાર નથી
અમને એ ખાનગી સ્થળની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવી હતી.
અમારી મુલાકાત દરમિયાન, અમારી આસપાસની મહિલાઓની સ્થિતિ જોઈ ત્યારે પીડા થઈ હતી. મહિલાઓ કેવી રીતે નિસહાય બની જાય છે અને ઉપચારકો તેમની આ સ્થિતિનો કેવી રીતે ગેરલાભ લે છે તે શેખ ફાતિમાએ મને જણાવ્યું હતું.
તેમના કહેવા મુજબ, “ઘણી સ્ત્રીઓએ અમને કહ્યું હતું કે શેખ તેમને સ્પર્શ કરીને તેમના શરીરમાંથી શેતાને બહાર કાઢી શકે એવું તેઓ માને છે. તેમને એમ હતું કે આમ કરવું સારવારનો એક ભાગ છે. મહિલાઓ પાસેથી આવી વાત સાંભળવી તે આઘાતજનક છે.”
અમે એકઠા કરેલા પુરાવા સાથે મોરોક્કો અને સુદાન બન્ને રાજકીય સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો હતો.
સુદાનમાં ઇસ્લામિક બાબતોના મંત્રાલયના કુટુંબ તથા સમાજ વિભાગના વડા ડૉ. અલા અબુ ઝેદ શરૂઆતમાં માની જ શકતા ન હતા કે આટલી બધી સ્ત્રીઓએ તેમની સાથેના દુર્વ્યવહાર વિશે અમારી સાથે વાત કરી છે.
તેમણે સ્વીકાર્યું હતું કે આધ્યાત્મિક ઉપચાર પર કોઈ નિયંત્રણ નથી અને તે અરાજકતાનું કારણ છે. તેનો ઉપયોગ, જેમની પાસે કામ નથી એવા લોકો વ્યવસાય તરીકે કરી રહ્યા છે.
ડૉ. અલા અબુ ઝેદે બીબીસીને જણાવ્યું હતું કે નિયંત્રણ માટે અગાઉ પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ દેશમાં રાજકીય અસ્થિરતા હોવાથી એ બાબત અત્યંત મહત્ત્વની નથી.
મોરોક્કોમાં ઇસ્લામિક બાબતોના મંત્રી અહેમદ તૌફિકે જણાવ્યું હતું કે આધ્યાત્મિક ઉપચારકો માટે કોઈ અલગ કાયદાની જરૂર હોય એવું તેઓ માનતા નથી.
તેમણે કહ્યું હતું, “આવી બાબતોમાં કાયદાકીય હસ્તક્ષેપ મુશ્કેલ છે. તેનું નિરાકરણ ધાર્મિક શિક્ષણ તથા ઉપદેશમાં છે.”
અમારી પાસે પુરાવા હોવા છતાં મોરોક્કો તથા સુદાનના સત્તાવાળાઓ કોઈ પગલાં લેવાં તૈયાર નથી. તેથી આધ્યાત્મિક ઉપચારના ઓઠા હેઠળ ગોરખધંધા કરતા લોકોનો વિરોધ કરવાની જવાબદારી મહિલાઓ પર જ છે.