You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાંચ બાળકોની હત્યા કરનાર માતાએ 16 વર્ષ બાદ ઇચ્છામૃત્યુ કેમ માગ્યું?
- લેેખક, જેરેમી ગહાગન
- પદ, બીબીસી સંવાદદાતા
- 28 ફેબ્રુઆરી, 2007ના રોજ જિનેવિવે લહેર્મિટ્ટેએ તેમની ચાર પુત્રીઓ અને એક પુત્રની હત્યા કરી હતી
- સંતાનોની હત્યા બાદ મહિલાએ આપઘાતની નિષ્ફળ કોશિશ કરી હતી. જેમાં આપઘાતના પ્રયાસ બાદ મદદ માટે ઈમરજન્સી સેવાઓને કૉલ કર્યો હતો
- 56 વર્ષીય મહિલાને 2008માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી, 2019માં આ મહિલાને મનોરોગની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
- સાઇકોલૉજિસ્ટે કહ્યું, "તેમના માટે તેમણે જે ઘટનાક્રમ શરૂ કર્યો એનો અંત લાવવાનો આ એકમાત્ર માર્ગ પણ હોઈ શકે, કારણ કે જ્યારે તેમણે તેમનાં સંતાનોની હત્યા કરી ત્યારે તે મૂલત: પોતાના જીવનનો અંત લાવવા માગતી હતી."
- બેલ્જિયમના કાયદા અનુસાર, ઇચ્છામૃત્યુ માટે વ્યક્તિ પોતાના નિર્ણયને લઈને સભાન હોવી જોઈએ અને પોતાની ઇચ્છાને તર્કસંગત અને સુસંગત રીતે વ્યક્ત કરવા સક્ષમ હોવી જોઈએ
તેમનાં પાંચ સંતાનોની હત્યા કરનાર બેલ્જિયમનાં મહિલાને ગુનાના 16 વર્ષ બાદ ઇચ્છામૃત્યુ આપવામાં આવ્યું છે.
28 ફેબ્રુઆરી, 2007ના રોજ જિનેવિવે લહેર્મિટ્ટેએ તેમની ચાર પુત્રીઓ અને એક પુત્રની હત્યા કરી હતી. બાળકોના પિતા ઘરેથી દૂર હતા ત્યારે આ મહિલાએ તેમનાં 3થી 14 વર્ષની વયનાં સંતાનોની હત્યા કરી હતી.
સંતાનોની હત્યા બાદ મહિલાએ આપઘાતની નિષ્ફળ કોશિશ કરી હતી. જેમાં આપઘાતના પ્રયાસ બાદ મદદ માટે ઇમરજન્સી સેવાઓને કૉલ કર્યો હતો.
56 વર્ષીય મહિલાને 2008માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. 2019માં આ મહિલાને મનોરોગની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જો વ્યક્તિ માત્ર શારીરિક નહીં પરંતુ "અસહ્ય" અને અસાધ્ય માનસિક વેદનાથી પીડિત હોય તો બેલ્જિયમમાં કાયદો લોકોને ઇચ્છામૃત્યુ પસંદ કરવાની મંજૂરી આપે છે.
કાયદા અનુસાર, ઇચ્છામૃત્યુ માટે વ્યક્તિ પોતાના નિર્ણયને લઈને સભાન હોવી જોઈએ અને પોતાની ઇચ્છાને તર્કસંગત અને સુસંગત રીતે વ્યક્ત કરવા સક્ષમ હોવી જોઈએ.
જિનેવિવે લહેર્મિટ્ટેનાં વકીલે જણાવ્યું, "વિવિધ તબીબી અભિપ્રાયોના સંકલન બાદ અસીલ જિનેવિવે લહેર્મિટ્ટેએ ઇચ્છામૃત્યુનો નિર્ણય લીધો હતો."
સાઇકૉલૉજિસ્ટ એમિલી મૅરોઇટે એક ટેલિવિઝન ચેનલને જણાવ્યું હતું કે લહેર્મિટેએ 28 ફેબ્રુઆરીના રોજ "તેમનાં બાળકોના મોત માટે પ્રતીકાત્મક આદર દર્શાવવા મૃત્યુ પસંદ કર્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાઇકૉલૉજિસ્ટે કહ્યું, "તેમના માટે તેમણે જે ઘટનાક્રમ શરૂ કર્યો એનો અંત લાવવાનો આ એકમાત્ર માર્ગ પણ હોઈ શકે, કારણ કે જ્યારે તેમણે તેમનાં સંતાનોની હત્યા કરી ત્યારે તે મૂલત: પોતાના જીવનનો અંત લાવવા માગતી હતી."
ભયાનક હત્યાકાંડ
પોતાનાં જ સંતાનોની હત્યાઓ અને ત્યારબાદની સુનાવણીએ બેલ્જિયમને હચમચાવી નાખ્યું હતું.
ટ્રાયલ દરમિયાન લહેર્મિટેના વકીલોએ દલીલ કરી હતી કે તેઓ મનોવિકારથી પીડિત છે અને તેમને જેલની સજા ન કરવામાં આવે. જોકે, જ્યુરીએ તેમને પૂર્વયોજિત હત્યા માટે દોષી ઠેરવ્યાં અને આજીવન જેલની સજા ફટકારી.
2010માં લહેર્મિટેએ પોતાના મનોચિકિત્સક ઉપર જ 25 લાખ ડૉલરનો દાવો કરી દીધો, એમ કહીને કે મનોચિકિત્સક આ હત્યાઓને રોકવામાં નિષ્ફળ ગયા છે, જોકે તેમણે 10 વર્ષ પછી કેસ પાછો ખેંચી લીધો.
2022માં બેલ્જિયમમાં ઇચ્છામૃત્યુ દ્વારા લગભગ 2,966 લોકો મૃત્યુ પામ્યા હતા, જે 2021ની સરખામણીમાં 10% વધારે છે.
ઇચ્છામૃત્યુ માટેનું કૅન્સર એ સૌથી સામાન્ય કારણ છે, પરંતુ સત્તાવાળાઓએ અહેવાલ આપ્યો છે કે ચારમાંથી લગભગ ત્રણ વિનંતીઓમાં દર્દીએ "શારીરિક અને મનોવૈજ્ઞાનિક બંને પ્રકારની વેદનાઓ" સાથે ઇચ્છામૃત્યુની રજૂઆત કરી હતી.
2014થી બેલ્જિયમ વયસ્કોની સાથે બાળકોને પણ જો તેઓ અસ્થાયી રૂપે બીમાર હોય, ખૂબ પીડામાં હોય અને માતાપિતાની સંમતિ હોય તો તેમને ઇચ્છામૃત્યુની પરવાનગી આપે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો