અપહરણકારોની ચુંગાલમાં છૂટવા નાનકડી છોકરીએ કેવી રીતે યૂટ્યૂબનો સહારો લીધો?

    • લેેખક, દીપાલી જગતાપ
    • પદ, બીબીસી મરાઠી
  • 2013માં સ્કૂલે જતી વખતે પૂજા થયાં હતાં ગુમ
  • આઇસક્રીમની લાલચે તેમનું કરાયું હતું અપહરણ
  • તેમની પાસે ઘરકામ અને નોકરીઓ કરાવાતી હતી
  • ફોન કે પૈસા પણ અપાતા નહોતા, સતત નજરકેદમાં હતાં
  • હિંમત એકઠી કરીને મદદ મેળવીને પરિવાર સુધી પહોંચ્યાં

નવ વર્ષ બાદ આખરે 16 વર્ષીય પૂજા ગૌડ પોતાનાં માતાના ખોળામાં માથું મૂકીને શાંતિથી સૂઈ શકશે.

પૂજા 22 જાન્યુઆરી 2013ના રોજ સાત વર્ષની વયે ગુમ થઈ ગયાં હતાં. તેઓ કહે છે કે સ્કૂલની બહાર એક દંપતીએ આઇસક્રીમની લાલચ આપીને તેને તેમને ફોસલાવ્યાં હતાં.

ચોથી ઑગસ્ટે તેઓ ચમત્કારિક રીતે નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં. તેમનાં માતા પૂનમ ગૌડ કહે છે કે તેમની ખુશી સાતમા આસમાને છે.

તેઓ કહે છે, "મેં આશા જ છોડી દીધી હતી કે મારી દીકરી મને પાછી મળશે પણ ભગવાને અમારા પર મહેરબાની કરી લાગે છે."

પોલીસ કહે છે કે પૂજાનું અપહરણ હૅરી ડિસોઝા અને તેમનાં પત્ની સોની ડિસોઝાએ કર્યું હતું કારણ કે તેઓ નિ:સંતાન હતાં. તેમણે હૅરી ડિસોઝાની ધરપકડ પણ કરી છે.

અપહરણ થયું તે પહેલાં પૂજા પોતાનાં બે ભાઈઓ અને માતાપિતા સાથે સ્લમ વિસ્તારમાં એક નાનકડા ઘરમાં રહેતાં હતાં.

જે દિવસે અપહરણ થયું ત્યારે પૂજા તેમના મોટા ભાઈ સાથે સ્કૂલ જઈ રહ્યાં હતાં. બંને વચ્ચે ઝઘડો થયો હતો. ભાઈને મોડું થતું હોવાથી તે પૂજાને પાછળ છોડીને ચાલ્યા ગયા હતા. તે સમયે જ દંપતી કથિતપણે પૂજાને આઇસક્રીમની લાલચે ફોસલાવીને લઈ ગયાં હતાં.

'સતત નજર રાખવામાં આવતી, પૈસા કે ફોન પણ નહોતો અપાતો'

પૂજા કહે છે કે દંપતી શરૂઆતમાં તેમને ગોવા અને કર્ણાટક લઈ ગયાં હતાં અને જો તે રડતાં કે પોતાની તરફ લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતાં તો મારવાની ધમકીઓ આપતાં હતાં.

તેઓ કહે છે કે શરૂઆતમાં દંપતીએ તેમને સ્કૂલે જવા દીધાં હતાં પરંતુ જ્યારે તેમને ખુદનું સંતાન આવ્યું ત્યારે સ્કૂલ છોડાવી દીધી હતી અને બધાં જ મુંબઈ આવી ગયાં હતાં.

પૂજાના કહેવા પ્રમાણે, તેમના બાળકના જન્મ બાદ દુર્વ્યવહાર વધી ગયો હતો.

તેમણે કહ્યું, "તેઓ મને બેલ્ટ વડે મારતાં હતાં, લાતો અને મુક્કો મારતાં હતાં. એક સમયે તેમણે મને એટલી હદે માર્યું કે લોહી નીકળવા લાગ્યું. મને ઘરનાં કામકાજ કરાવવાની સાથેસાથે બહાર 12થી 14 કલાક નોકરી માટે મોકલવામાં આવતી હતી."

ડિસોઝા પરિવાર જ્યાં રહેતો હતો, ત્યાંથી પૂજાનું ઘર નજીકમાં જ હતું પરંતુ પૂજા કહે છે કે તેમને રસ્તા યાદ નહોતા અને તેમના પર સતત નજર રાખવામાં આવતી હતી. તેમને પૈસા પણ આપવામાં આવતા નહોતા અને ફોન રાખવાની પણ મંજૂરી ન હતી.

આ કારણે તેઓ કોઈની મદદ મેળવી શકતાં ન હતાં.

કેવી રીતે નાસી છૂટવામાં મળી સફળતા?

એક દિવસ દંપતી સૂઈ રહ્યાં હતાં ત્યારે પૂજાએ તેમનો ફોન લઈને યૂટ્યૂબ પર પોતાનું નામ સર્ચ કર્યું હતું. સર્ચ રિઝલ્ટમાં ખુદના અપહરણના વીડિયો અને મદદ માટે સંપર્ક કરી શકાય તેવા નંબરો મળ્યા હતા.

પૂજા કહે છે, "તે દિવસે મેં મદદ મેળવીને ત્યાંથી ભાગવાનું નક્કી કર્યું હતું."

પૂજાએ સાત મહિના સુધી હિંમત ભેગી કર્યા બાદ પોતે જ્યાં બેબીસીટર તરીકે કામ કરતાં હતાં, ત્યાં ઘરકામ કરતાં 35 વર્ષીય પ્રેમિલા દેવેન્દ્રને પોતાની આપવીતી સંભળાવી હતી.

પ્રેમિલાબહેન તાત્કાલિક મદદ કરવા તૈયાર થઈ ગયાં હતાં. પૂજા ગુમ થઈ હોવાનાં પોસ્ટરો પૈકીનાં એક પોસ્ટરમાં આપેલો નંબર તેમના પાડોશી રફીકભાઈનો હતો.

તેમનો સંપર્ક થયા બાદ પૂજાએ તેમનાં માતા સાથે પહેલી વખત વીડિયો કૉલ પર વાત કરી હતી અને બાદમાં બંને વચ્ચેની મુલાકાત નક્કી થઈ.

પૂજાનાં માતા કહે છે કે તેમણે સૌથી પહેલાં તેમણે બર્થમાર્ક શોધ્યો જેની માત્ર તેમને જ ખબર હતી અને તે મળી આવ્યાં બાદ પોતાની ખુશીનાં આંસુ રોકી શક્યાં નહીં. તેમણે કહ્યું, "મારી તમામ શંકાઓ તાત્કાલિક દૂર થઈ ગઈ અને મને ખાતરી થઈ ગઈ કે મને મારી દીકરી મળી ગઈ."

'હું પણ એક માતા જ છું'

પ્રેમિલા દેવેન્દ્ર પૂજાના પરિવાર સાથેના મિલનમાં ભાગ ભજવીને ખુશ છે.

તેઓ કહે છે, "દરેક માતા બાળકોની મદદ કરવા તત્પર હોય છે. તેઓ ભલે તેમની બાયૉલૉજિકલ માતા ન હોય પણ એક માતા તો છે જ."

મુલાકાત બાદ પૂજા, તેમના પરિવારજનો અને પ્રેમિલાબહેન ફરિયાદ નોંધાવવા માટે પોલીસસ્ટેશન ગયાં. પ્રેમિલાબહેને કહ્યું, "મેં પોલીસને અપહરણકર્તાઓનાં નામ, સરનામાં સહિતની તમામ બાબતો જણાવી. જેના કારણે આરોપીઓની ધરપકડ કરવામાં સરળતા રહે."

મુંબઈના ડીએનનગર પોલીસસ્ટેશનના ઇન્સપેક્ટર મિલિંદ કુરડેએ બીબીસી મરાઠીને કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ અપહરણ, ધમકીઓ આપવા, શારીરિક હિંસા અને બાળમજૂરી કાયદાનો ભંગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

'હું માતાને મદદ કરવા માગું છું, પણ મારે ભણવું છે'

પૂજાના પિતા પરિવારના એકમાત્ર મોભ હતા, તેમનું ચાર મહિના પહેલાં કૅન્સરના કારણે મૃત્યુ થયું છે. જેથી પૂજાનાં માતાએ પોતાનું અને ત્રણ બાળકોનું ભરણપોષણ કરવા માટે રેલવે સ્ટેશન બહાર નાસ્તો વેચવાનું શરૂ કર્યું છે.

જોકે, તેના દ્વારા થતી કમાણી ખૂબ ઓછી છે અને પૂરતા પૈસા માટે તેમણે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

તેઓ કહે છે, "હવે મારા માથે કાયદાકીય લડતનો પણ ખર્ચ આવી ગયો છે. અમારી પરિસ્થિતિ એવી છે કે જો હું એક દિવસ પણ કામ કરવાનું ચૂકી જાઉં તો બીજા દિવસે જમવા માટે પૈસા ન હોય."

પૂજા હજી પણ પોતાની સાથે બનેલી ઘટનાઓના આઘાત બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમને ક્યારેક ભૂતકાળનાં બિહામણાં સપનાં પણ આવે છે.

તેમની સુરક્ષા માટે તેઓ મોટા ભાગનો સમય ઘરે વિતાવે છે અને બહાર જાય ત્યારે કોઈને સાથે લઈને જાય છે.

પૂજા કહે છે, "હું મારી માતાને પૈસા કમાવવામાં મદદ કરવા માગું છું પરંતુ એમ કરવાની મંજૂરી નથી. હું ભણવા પણ માગું છું."

સેંકડો સમસ્યાઓ હોવા છતાં પૂજાનાં માતા કહે છે કે તેઓ આનાથી વધુ ખુશ ક્યારેય નહોતાં. તેઓ કહે છે, "હું જ્યારે પણ પૂજાને જોઉં છું, મને હિંમત મળે છે. હું ખુબ જ ખુશ છું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો