'વીડિયો-કૉલ આવ્યો અને છોકરીએ કપડાં ઉતારવાનું શરૂ કર્યું', સેક્સટૉર્શનથી કેવી રીતે બચવું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મને વૉટ્સઍપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો-કૉલ આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને કંઈ સમજું એ પહેલાં સામે એક છોકરી કપડાં કાઢવા લાગી. એ જોઈને મેં ફોન કાપી નાખ્યો."

"એ વીડિયો-કૉલ કદાચ પાંચેક સેકન્ડ ચાલ્યો હશે. થોડી જ વારમાં વૉટ્સઍપ પર સ્ક્રીનશૉટ્સ આવ્યા. જેમાં નગ્ન યુવતી અને નીચે ખૂણામાં મારો ચહેરો દેખાતો હતો. આ સાથે મારા સોશિયલ મીડિયા ફ્રેન્ડ્સની લિસ્ટનો પણ ફોટો હતો."

"આ જોઈને હું ચિંતામાં મૂકાઈ ગયો. થોડીવાર પછી ફોન આવ્યો કે પૈસા મોકલો નહીં તો આ વીડિયો તમારા સોશિયલ મીડિયા ફ્રેન્ડ્સને મોકલી દઈશ. મેં ઓનલાઇન પૈસા મોકલ્યા પછી વારંવાર પૈસા માટે ફોન આવતા રહ્યા."

સાયબર ક્રાઇમ પોલીસની હેલ્પલાઈન 1930 ફરિયાદ નોંધાવ્યા બાદ 57 વર્ષીય જયંત પટેલે (નામ બદલ્યું છે) બીબીસી સાથેની વાતચીતમાં આપવીતી જણાવી હતી.

ગુજરાત સહિત દેશભરમાં રોજ આવી જ રીતે સેંકડો લોકો સેક્સટોર્શનનો ભોગ બનતા હોય છે. જોકે, બદનામીના ડરથી કોઈની સાથે વાત કરતાં ખચકાટ અનુભવતા હશે.

ગુજરાત સીઆઈડી ક્રાઇમના આઈ. જી. આર. બી, બ્રહ્મભટ્ટના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2022થી અત્યાર સુધી તેમની પાસે આ પ્રકારની 2383 ફરિયાદો આવી છે અને આ મામલે તેઓ કાર્યવાહી પણ કરી રહ્યા છે.

જોકે, પોલીસચોપડે નોંધાયેલા કિસ્સા જૂજ છે અને આ પ્રકારે ઠગાઈ કરનારા લોકો ઘણી ચીવટતાથી અલગઅલગ રીતે લોકોને ફસાવીને લૂંટે છે.

‘એફડીના પૈસે પત્નીને ઘરેણાં લઈ આપવાનાં હતાં, પણ...’

57 વર્ષીય જયંતભાઈ ટેકનૉલૉજીથી વધુ પરિચિત નથી. તેમને જ્યારે વીડિયો-કૉલ આવ્યો ત્યારે તેમને લાગ્યું કે કોઈ પરિચિતનો ફોન હશે, એટલે તેમણે એ ઉપાડ્યો હતો. ત્યાર પછી શું બન્યું હશે એ અંગેના આંશિક ઘટનાક્રમથી તો તમે વાકેફ જ છો.

જયંતભાઈ વાત કરતાં તેઓ કહે છે, "મને બ્લૅકમેલ કરવા માટે તેમણે મારા ફ્રૅન્ડલિસ્ટનો સ્ક્રીનશૉટ મોકલ્યો હતો. તેમાં મોટા ભાગના પર સંબંધીઓ હતા."

"આબરું જવાની બીકે મેં તેમણે માગેલા 50 હજાર રૂપિયા આપ્યા અને નંબર બ્લૉક કરી દીધો. મને એમ કે વાત ત્યાં જ પૂરી થઈ જશે પણ એમ ન થયું."

જોકે, થોડા દિવસ પછી તેમને બીજા એક નંબર પરથી ફોન આવ્યો અને બીજા 50 હજાર રુપિયા માગ્યા અને આ વખતે બીજી ધમકી આપી કે હવે આ ફોટો લોકો પાસે પહોંચવા લાગ્યા છે.

આ સાંભળીને ડઘાઈ ગયેલા જયંતભાઈએ તાત્કાલિક પોતાની એફડીના પૈસા ઠગોને મોકલી આપ્યા.

તેઓ જણાવે છે, "મારી વેડિંગ ઍનિવર્સરી હતી અને એની આસપાસ જ મારી એક એફડી પાકવાની હતી. મેં મારી પત્નીને તેમાંથી ઘરેણાં લઈ આપવાનું વચન આપ્યું હતું પણ એ પૈસા ઠગોને આપવા પડ્યા."

"લગ્નનાં 30 વર્ષમાં મારે પહેલી વખત પૈસાની બાબતે જૂઠ્ઠું બોલવું પડ્યું કે મારા મિત્રના પિતા બીમાર હોવાથી તેને પૈસા આપ્યા છે."

જોકે, તેમનું જૂઠ્ઠાણું પણ લાંબા સમય સુધી ચાલ્યું નહોતું. તેમણે જે મિત્રને પૈસા આપ્યા હોવાનું કહ્યું હતું એ મિત્ર ઍનિવર્સરીના દિવસે ઘરે મળવા આવ્યો અને ભાંડો ફૂટી ગયો હતો.

જયંતભાઈએ આગળ કહ્યું, "મેં મારા મિત્ર સાથે આ મુદ્દે વાત કરી હતી અને તેણે મને કહ્યું કે આ પ્રકારની ઘટના તેના પણ એક સંબંધી સાથે બની છે. સાથે જ પોલીસમાં ફરિયાદ નોંધાવવા કહ્યું. પછી મેં મારી પત્નીને સાચી વાત કહી અને તેનો ભરોસો બેસ્યા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી."

કોણ હોય છે સૉફ્ટ ટાર્ગેટ?

આ પ્રકારની ઠગાઈ માટે મોટા ભાગે 40 કે તેથી વધુ ઉંમરના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે.

અમદાવાદ સાયબર ક્રાઈમનાં એસીપી અજીત રાજીયન બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "મોટી ઉંમરના લોકોને ટાર્ગેટ કરવાનું કારણ એ છે કે તેમનો ટેકનૉલૉજી સાથે વધારે મેળ હોતો નથી અને મોટી ઉંમરના કારણે તેઓ સરળતાથી લાલચમાં આવી જાય છે."

સીઆઈડી ક્રાઇમના આઈજી આર. બી. બ્રહ્મભટ્ટના કહેવા પ્રમાણે, આ ઉંમરના મોટા ભાગના લોકો પરણેલા હોય છે અને સામાજિક ડરથી પૈસા આપી દેતા હોય છે. શરૂઆત પાંચેક હજાર રૂપિયાથી થાય છે. જે આગળ જતા લાખો સુધી પહોંચી જાય છે.

મનોચિકિત્સક ડૉ. જ્યોતિક ભચેચ કહે છે, "આ પ્રકારના કિસ્સામાં સામાજિક ડર સિવાય 'સપ્રેસિવ સેક્સ ડિઝાયર' પણ જવાબદાર હોય છે."

તેઓ આગળ સમજાવે છે, "ઉંમર થતાં જ લોકોને વિવિધ કારણોસર સેક્સ દરમિયાન સમસ્યા વધી જતી હોય છે અને ઘણા કિસ્સામાં જીવનસાથીને જાતીય સંબંધમાં રસ ઓછો હોય છે. આ ઉપરાંત જ્યારે બાળકોના લગ્ન થઈ ગયાં હોય અને તેઓ એકલા પડી જાય ત્યારે આ પ્રકારના લોકો માટે વર્ચ્યુઅલ સેક્સ વધારે સરળ હોય છે. "

"ત્યારે સપ્રેસિવ સેક્સ ડિઝાયરના કારણે આ લોકો વીડિયો-કૉલ દ્વારા થતી છેતરપિંડીનો ભોગ બને છે. ભોગ બન્યા બાદ પણ સમાજમાં બદનામીના ડરથી કોઈની સાથે વાત કરતાં નથી અને પૈસા ગુમાવી બેસતા હોય છે."

આવું ન થાય તે માટે શું કરવું?

ગુજરાત પોલીસ સાથે સાયબરઍક્સ્પર્ટ તરીકે કામ કરતા નેહલ દેસાઈએ બીબીસી સાથે વાત કરતાં સાયબર ફ્રૉડથી સુરક્ષિત રહેવા માટે કેટલીક ટિપ્સ શૅર કરી છે. જે મુજબ:

  • ફ્રૉડ કરનારા લોકો રેન્ડમ નંબર ફોન કરે છે અને જો એમાં મોટી ઉંમરના લોકો દેખાય તો તેમને પહેલાં ટાર્ગેટ કરે છે. આથી, ક્યારેય અજાણ્યા નંબર પરથી આવેલા ફોન કે વીડિયોકૉલને ક્યારેય રિસીવ કરવા નહીં.જો કોઈ વીડિયોકૉલ રિસીવ થઈ ગયો હોય અને સાયબરફ્રૉડનો ભોગ બન્યા હોય તો સૌથી પહેલાં સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી નીકળી જવું.આ સિવાય સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પરિચિત લોકોને અંગતમૅસેજ કરીને તમારું એકાઉન્ટ હૅક થઈ ગયું હોવાથી તમારા નામે પૈસાની લેવડ-દેવડ કરે નહીં તથા વીડિયો ખરા નહીં હોવાની સૂચના આપવી.ઠગાઈનો ભોગ બનો તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધો. નિયમિત રીતે પાસવર્ડ બદલતા રહેવા, પાસવર્ડ કોઈને શૅર ન કરવા, સામેથી આવેલા ક્યૂઆર કૉડ દ્વારા ચૂકવણી ના કરવી.

રોજની સરેરાશ 10 ફરિયાદ નોંધાય છે

સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલના ડીવાયએસપી બી. એમ. ટંકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ લોકો 'ડીપ ફેક' ટેકનૉલૉજીની મદદથી વીડિયો-કૉલ કરતા હોવાથી દિવસમાં 200થી વધુ સીમકાર્ડ વાપરતા હોય છે. એક નંબર પરથી એક વ્યક્તિને બ્લૅકમેલ કરીને એ જ ફોનમાં બીજું સીમકાર્ડ નાખી દેતા હોય છે."

તેઓ આગળ કહે છે, "અમને મળેલી ફરિયાદોના આધારે અત્યાર સુધી અમે 2,499 ઍકાઉન્ટ શોધ્યાં છે. જે પૈકી ફેસબુકને આવા 773 ઍકાઉન્ટ બંધ કરવા કહ્યું છે. તેમણે તેમાંથી 663 ઍકાઉન્ટ બંધ કરી દીધા છે અને બાકીના પણ ટૂંક સમયમાં કરશે."

ગુજરાત સીઆઈડી ક્રાઇમના આઈજી આર. બી. બ્રહ્મભટ્ટના જણાવ્યા પ્રમાણે, હેલ્પલાઇન નંબર 1930 પર જાન્યુઆરી 2022થી અત્યાર સુધી સેક્સટૉર્શનની 2383 ફરિયાદો મળી છે.

તેઓ આગળ કહે છે, "પહેલાં જમતાડાની ગૅંગ આ પ્રકારે ઠગાઈ કરતી હતી. હવે રાજસ્થાનના ભરતપુરમાં પણ એક ગૅંગ સક્રિય થઈ છે. અમે આવા કેટલાક સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ ટ્રેસ કર્યા છે અને અમારો વિભાગ હજી પણ ઠગાઈ સાથે સંકળાયેલા ઍકાઉન્ટ્સ અને ફોન નંબરો ટ્રેસ કરી રહ્યો છે."