You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોર્ન સ્ટારની તસવીરો ચોરી, ‘પ્રેમ’નું નાટક કરી કેવી રીતે પડાવ્યા લાખો ડૉલર?
- એક ભૂતપૂર્વ પોર્ન સ્ટારની તસવીરોના ઉપયોગ વડે છેતરપિંડી કરીને એક દાયકાથી વધારે સમય સુધી લોકો પાસેથી લાખો ડૉલર પડાવવામાં આવ્યા છે
- વેનીસાને લગભગ દરરોજ જુદા-જુદા પુરુષો તરફથી મૅસેજ મળે છે જેઓ માને છે કે વેનીસા તેમની સાથે રિલેશનશિપમાં છે, કેટલાકને તો એવું ગુમાન પણ છે કે વેનીસા તેમની પત્ની છે
- વેનીસાના ફોટોગ્રાફ્સ તથા વીડિયોનો ઉપયોગ વર્ષ 2000થી ઑનલાઇન રોમાન્સ મારફત છેતરપિંડી માટે કરવામાં આવતો રહ્યો છે
- એ ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ વેનીસા પોર્ન ઉદ્યોગમાં કામ કરતાં હતાં એ વખતના છે
- આ છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી ખોટા ઑનલાઇન પ્રોફાઇલ મારફત વેનીસાના નામ તથા અગાઉની તસવીરોનો ઉપયોગ કરીને પૈસા પડાવવામાં આવ્યા હતા
- તેને રોમૅન્ટિરક કૌભાંડની ભાષામાં ‘કેટ ફિશિંગ’ કહેવામાં આવે છે
- પૈસા પાછા આપવાની માગણી અને એવા હજારો મૅસેજ તેમજ ટ્રોલિંગને કારણે વેનીસા પરેશાન થઈ ગયાં હતાં
એક ભૂતપૂર્વ પોર્ન સ્ટારની તસવીરોના ઉપયોગ વડે છેતરપિંડી કરીને એક દાયકાથી વધારે સમય સુધી લોકો પાસેથી લાખો ડૉલર પડાવવામાં આવ્યા છે. આટલા બધા લોકોને અજાણપણે રોમેન્ટિક છેતરપિંડીમાં ફસાવાનું કેવું લાગતું હશે?
વેનીસાને લગભગ દરરોજ જુદા-જુદા પુરુષો તરફથી મૅસેજ મળે છે. એ પુરુષો માને છે કે વેનીસા તેમની સાથે રિલેશનશિપમાં છે. એ પૈકીના કેટલાક મર્દોને તો એવું ગુમાન પણ છે કે વેનીસા તેમની પત્ની છે.
એ મેસેજીસમાં ઘણા પુરુષો બહુ ગુસ્સામાં તો કેટલાક મૂંઝવણમાં હોય છે અને તેમણે આપેલા પૈસા વેનીસા પાસેથી પાછા માગે છે. તેમનો દાવો છે કે એ પૈસા તેમણે રોજિંદા ખર્ચ, હૉસ્પિટલનાં બિલ્સ અથવા સંબંધીઓની મદદ માટે વેનીસાને મોકલ્યા હતા, પરંતુ એ બધું ખોટું છે.
વેનીસા એ પુરુષોને ઓળખતી પણ નથી. એમની ઓળખ ગુપ્ત રાખવા માટે અમે તેમનું આખું નામ અને ઓળખ ગુપ્ત રાખ્યાં છે તે યાદ રહે.
વેનીસાના ફોટોગ્રાફ્સ તથા વીડિયોનો ઉપયોગ વર્ષ 2000થી ઑનલાઇન રોમાન્સ મારફત છેતરપિંડી માટે કરવામાં આવતો રહ્યો છે. એ ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ વેનીસા પોર્ન ઉદ્યોગમાં કામ કરતાં હતાં એ વખતના છે.
આ છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી ખોટા ઑનલાઇન પ્રોફાઇલ મારફત વેનીસાના નામ તથા અગાઉની તસવીરોનો ઉપયોગ કરીને પૈસા પડાવવામાં આવ્યા હતા. તેને રોમૅન્ટિક કૌભાંડની ભાષામાં ‘કેટ ફિશિંગ’ કહેવામાં આવે છે.
પૈસા પાછા આપવાની માગણી અને એવા હજારો મૅસેજ તેમજ ટ્રોલિંગને કારણે વેનીસા પરેશાન થઈ ગયાં હતાં.
અગાઉના દિવસોની કહાણી
વેનીસાએ કહ્યું હતું કે “એ મૅસેજીસને કારણે હું ડિપ્રેશનમાં સરી પડી હતી. હું ખુદને દોષ આપવા લાગી હતી કે મારા ફોટોગ્રાફ્સ ઑનલાઇન ઉપલબ્ધ ન હોત તો પુરુષોએ મારો ઉપયોગ છેતરપિંડી માટે ન કર્યો હોત.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેનીસાએ લગભગ આઠ વર્ષ સુધી એક કૅમગર્લ (એટલે કે ઇન્ટરનેટ પર વેબકૅમ મારફતે પોર્ન) તરીકે કામ કર્યું હતું.
શરૂઆતમાં તેઓ થોડાં શરમાળ હતાં એટલે તેમણે ખુદનું નામ જેનીસા બ્રાઝિલ રાખ્યું હતું અને ખુદને એવી ખાતરી કરાવી હતી કે “એ કૅમર ગર્લ હું નહીં, પરંતુ જેનીસા છે. તેથી મારે શરમાવું ન જોઈએ.”
બ્રાઝિલમાં જન્મ થયો હોવાને કારણે તેમણે તેમના નામ સાથે બ્રાઝિલ શબ્દ જોડ્યો ન હતો. તેનું કારણ એ હતું કે બ્રાઝિલ, ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં આવતા ચર્ચિત શબ્દો પૈકીનો એક છે.
વેનીસાને જણાવ્યા મુજબ, એ સમયે તેમને આ નિર્ણય સમજદારીભર્યો લાગ્યો હતો. તેમણે કહ્યું હતું કે “મને એ નામથી નફરત છે, પરંતુ તેણે મને ઝડપભેર ચર્ચિત થવામાં મદદ કરી હતી.”
આ રીતે બહાર આવ્યું કૌભાંડ
વેનીસા માટે થોડો સમય તો આ બધું બહુ સારું સાબિત થયું હતું. વેનીસાને સેક્સ સંબંધી વાતચીત તથા ખુદને દેખાડવા માટે પ્રતિ મિનિટ 20 ડૉલર મળતા હતા. વેનીસાએ તેને ચાહતા લોકો સાથેના એ સંબંધનો ભરપૂર આનંદ માણ્યો હતો.
વેનીસાએ કહ્યું હતું કે “હું તેમને ખુશ કરવા ઇચ્છતી હતી. હું તેમનું મનોરંજન કરતી હતી અને તેઓ મારા પર લટ્ટુ થઈ જતા હતા.”
વેનીસાના જણાવ્યા મુજબ, તેઓ તેમની કારકિર્દીની ટોચે હતાં ત્યારે વર્ષે દસેક લાખ ડૉલરની કમાણી કરતાં હતાં. તેમની પોતાની વેબસાઈટ હતી અને તેના પર તેઓ એક સફળ બ્રાન્ડ તરીકે ઑનલાઇન અત્યંત સક્રિય રહેતાં હતાં, પરંતુ 2016માં તેમની ઑનલાઇન પ્રોફાઇલ ફિક્કી પડી ગઈ હતી.
બીબીસીએ પોતાના ‘પૉડકાસ્ટ લવ’ કાર્યક્રમ માટે વેનીસાની લગભગ નવ મહિના શોધખોળ કરી હતી. વેનીસા અમેરિકાના પૂર્વી સમુદ્રી તટ વિસ્તારમાં આવેલા એક મામૂલી એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં.
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે ઑનલાઇન કન્ટેન્ટ છોડવાનું એક કારણ કૌભાંડકારોને રોકવાનો પ્રયાસ હતું. તેમણે કહ્યું હતું કે “તેઓ કોઈ પણ સામગ્રીનો બીજી વખત ઉપયોગ કરે એવું હું ઇચ્છતી ન હતી.”
એક લાઇવ ચેટ દરમિયાન એક પુરુષે જેનીસાનો પતિ હોવાનો દાવો કર્યો ત્યારે વેનીસાને આ છેતરપિંડીની ખબર પહેલી વખત પડી હતી. એ માણસે ભારપૂર્વક કહ્યું હતું કે જેનીસાએ તેને વચન આપ્યું છે કે તે વેબકૅમ શો બંધ કરી દેશે.
તેમને એવું લાગ્યું હતું કે આ મજાક છે, પરંતુ પછી તેમણે એ પુરુષને ઇ-મેઇલ મોકલવા જણાવ્યું હતું.
અનેક દાવેદાર
આ સિલસિલો અટકવાને બદલે વેગવાન બન્યો હતો અને એક પછી એક એવા અનેક દાવેદાર વેનીસાની સામે આવ્યા હતા. એ લોકોએ શો દરમિયાન કૉમેન્ટ્સ પોસ્ટ કરી હતી એટલું જ નહીં, પણ ઘણીવાર વેનીસા પાસે તેની ઓળખ સાબિત કરવાની માગણી પણ કરી હતી.
છેતરપિંડી કરનારાઓએ તે સમય દરમિયાન, લાલ ટોપી પહેરવાની અથવા કૌભાંડમાં વાપરી શકાય તેવા ફોટોગ્રાફ્સની માગણી જેવી વિચિત્ર વિનંતીઓ પણ કરી હતી.
સતત આ પ્રકારની કૉમેન્ટ્સ અને ઇ-મેઇલ્સને કારણે વેનીસાનો માનસિક તણાવ વધ્યો હતો અને તેની તેમના કામ પર માઠી અસર થઈ હતી.
વેનીસાએ કહ્યું હતું કે “મને એ બધું ડરામણા સપના જેવું લાગતું હતું. એ બધા મને બહુ ભૂંડા લાગતા હતા, પરંતુ શું કરવું તે સમજાતું ન હતું.”
શરૂઆતમાં તો તેઓ બધા ઇ-મેઇલના જવાબ આપવાનો પ્રયાસ કરતાં હતાં. તેમાં કલાકો જતા હતા. પછી એ કામ તેમના પતિએ સંભાળી લીધું હતું.
વેનીસાએ કહ્યું હતું કે “એ સમયે મારા પતિ મારા મેનેજર પણ હતા. તેઓ મેસેજીસ પર ચાંપતી નજર રાખતા હતા. તેમણે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને જણાવ્યું હતું કે તમે છેતરપિંડીમાં ગૂમાવ્યા છે એ પૈસા માટે અમે જવાબદાર નથી.”
“એ લોકોએ છેતરપિંડી કરનારાઓને જે નાણાં મોકલ્યાં હતાં એ મને મળ્યાં હોત તો હું અબજોપતિ બની ગઈ હોય અને અહીં નાના એપાર્ટમેન્ટમાં રહેતી ન હોત.”
વેનીસાને જણાવ્યા મુજબ, અનેક પુરુષો મહિલાઓની કાળજી લેતા હોય છે અને આ જ કારણસર તેઓ અજાણ્યા લોકોને પૈસા પણ મોકલી આપતા હોય છે.
વેનીસાએ કહ્યું હતું કે “એ પુરુષો પાસે પૈસા ન હોય તો પણ તેઓ પૈસા આપવા તૈયાર હોય છે. તેમને એવું લાગતું હોય છે કે કોઈ તેમને પ્રેમ કરે છે.”
છેતરપિંડીનો શિકાર બનેલા લોકોની આપવીતી
રોબર્ટો મારીની ઇટાલિયન નાગરિક છે, જેઓ વેનીસાના નામે ચાલેલી છેતરપિંડીનો ભોગ બન્યા હતા.
તેમને પહેલાં ફેસબુક પર એક સુંદર યુવતીનો મૅસેજ મળ્યો હતો. તેણે પોતાનું નામ હાના હોવાનું જણાવ્યું હતું અને સાર્ડિનિયા દ્વીપ પર બિઝનેસમાં સફળતા મેળવવા બદલ તેણે રોબર્ટોને અભિનંદન આપ્યાં હતાં.
ત્રણ મહિના સુધી ફોટોગ્રાફ્સ તથા પ્રેમ સંદેશાઓની આપ-લે બાદ હાનાએ રોબર્ટો પાસેથી પૈસા માગવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં ખરાબ ફોન વગેરે જેવી નાની બાબતો માટે હાના પૈસા માગતી હતી, પરંતુ બાદમાં તેની માગ સતત વધતી ગઈ હતી.
હાનાએ રોબર્ટોને જણાવ્યું હતું કે તેનું જીવન બહુ મુશ્કેલ છે. તેણે બીમાર પરિવારજનોની સંભાળ લેવી પડે છે અને તેણે ગુજરાન ચલાવવા માટે પોર્ન ઉદ્યોગમાં મજબૂરીથી કામ પણ કરવું પડે છે.
રોબર્ટો હાનાને બચાવવા ઇચ્છતા હતા, પરંતુ પોતે ક્યારેય વધુ વાત કરી શકતા ન હતા એ કારણે તેઓ નિરાશ થતા હતા. રોબર્ટોએ હાનાને કૉલ કરવાનું નક્કી કર્યું હોય ત્યારે હાનાનો ફોન ખરાબ થઈ જતો હતો અથવા બીજી કોઈ વાત થતી હતી.
એક દિવસ રોબર્ટોએ હાનાના હજારો ફોટોગ્રાફ્સ તથા વીડિયોઝ માટે ઑનલાઇન સર્ચ કરી હતી, પરંતુ એ બધા ફોટોગ્રાફ્સ પોર્ન સ્ટાર જેનીસાના હતા.
રોબર્ટોને લાગતું હતું કે હાના તેમને સાચ્ચે જ પ્રેમ કરે છે. તેઓ એવું વિચારતા હતા કે તેમની સાથેના સંબંધમાં મુશ્કેલી ન સર્જાય એટલે હાના તેની અસલી ઓળખ જાહેર કરવા ઇચ્છતી નથી. રોબર્ટો જેનીસાના એક લાઈવ શોમાં સામેલ થયા હતા અને ચેટમાં સવાલ પૂછ્યો હતો કે “તમે એ જ છો?”
તેઓ ઇચ્છતા હતા તે જવાબ મળતો ન હતો. તેમણે દરેક મિનિટ માટે નાણાં ચૂકવવા પડતાં હતાં એટલે તેઓ લાંબો સમય ચેટ કરી શક્યા ન હતા.
‘સફળ છેતરપિંડીની નિશાની’
સત્ય શોધી કાઢવા માટે રોબર્ટોએ, તેઓ જેમને અસલી વેનીસા માનતા હતા એ તમામ આઈડી પર ઇ-મેઇલ મોકલી આપ્યા હતા. વેનીસાએ બીબીસી સાથેની મુલાકાત દરમિયાન અમને તે ઈનબૉક્સમાં રોબર્ટોનો એક મૅસેજ પણ દેખાડ્યો હતો.
2016ના એ મૅસેજમાં રોબર્ટોએ લખ્યું હતું કે “હું અસલી જેનીસા બ્રાઝિલ સાથે વાત કરવા માગું છું.” તેના જવાબમાં વેનીસાએ લખ્યું હતું કે “હું જ અસલી જેનીસા બ્રાઝિલ છું.”
અગાઉ વાત થઈ છે કે નહીં એ જાણવા માટે રોબર્ટોએ તેમને બીજા કેટલાક સવાલ પણ કર્યા હતા. ઇ-મેઇલ મારફત એ તેમનો સૌપ્રથમ અને અંતિમ સંપર્ક હતો, પરંતુ ઘટનાનો ત્યાં અંત આવ્યો ન હતો. છેતરપિંડી કરતા લોકો રોબર્ટોનો સતત પીછો કરતા રહ્યા હતા.
રોબર્ટોએ જણાવ્યું હતું કે તેમણે ચાર વર્ષમાં અઢી લાખ ડૉલર મોકલ્યા હતા. એ નાણાંનો મોટો હિસ્સો તેમણે દોસ્તો તથા સગાંસંબંધી પાસેથી ઉધાર લીધો હતો.
એ પછી રોબર્ટોએ તેમની ઑનલાઇન પોસ્ટ્સ દ્વારા લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું હતું. તેઓ લોકોને જણાવતા હતા કે છેતરપિંડી કરતા લોકો વેનીસાની ચોરેલી તસવીર વડે કાંડ કરી રહ્યા છે.
આ બધું થયા છતાં રોબર્ટો હજુ પણ માને છે કે અસલી જેનીસા સાથે તેમને કોઈક સંબંધ તો જરૂર હતો.
ફિલાડેલ્ફિયામાં રહેતા ક્રિમિનલ જસ્ટિસ નિષ્ણાત ડૉ. અનુશલ રેજીએ કહ્યુ હતું કે “આ એક સફળ છેતરપિંડીની નિશાની છે.”
તેમણે ગુનાખોરોના નેટવર્કનું એક મેન્યુઅલ શોધી કાઢ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભેદ ખુલવાનો ડર હોય તેવા તમામ ફોન કૉલથી બચવું જોઈએ.
ડૉ. અનુશલ રેજીએ કહ્યું હતું કે “બહુ જાણીતી રીતે આ છેતરપિંડી કરવામાં આવે છે. પહેલાં પ્રેમ સંદેશા મોકલવામાં આવે છે અને પછી સંબંધ કાપી નાખવાની ધમકી આપવામાં આવે છે. એ પછી આર્થિક મદદની વિનંતી કરવામાં આવે છે, જેથી પ્રેમીઓની મુલાકાત થઈ શકે.”
“આ એક ફૉર્મ્યુલા છે અને આ અનુભવમાંથી પસાર થઈ ચૂકેલા તમામ લોકો માટે તે ડરામણું સપનું છે, છતાં આ છેતરપિંડી સફળ થાય છે.”
ડૉ. અનુશલ રેજીના જણાવ્યા મુજબ, એક માણસ તરીકે બીજા માણસની મદદ કરવી એ આપણા સ્વભાવનો હિસ્સો છે.
બીજી તરફ વેનીસાએ કહ્યું હતું કે “મને એવી નિર્દય તરકીબથી નફરત છે. એ લોકો પ્રેમનો દેખાડો કરે છે અને પછી છીનવી લે છે. લોકો નિરાશ થઈને કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.”
ડૉ. અનુશલ રેજીનું માનવું છે કે રોબર્ટો સાથે એક સંગઠિત ટોળકીએ છેતરપિંડી કરી હતી. દુનિયામાં તુર્કી, ચીન, સંયુક્ત આરબ અમિરાત, બ્રિટન, નાઇજીરિયા અને ઘાના સહિતના દેશોમાં અનેક સંગઠિત ટોળકીઓ આવું કામ કરે છે.
નવા જીવનની શોધ
એ લોકો પૈકીના એકને બીબીસીએ શોધી કાઢ્યો હતો. ઉફા નામના યુવકે બીબીસીને કહ્યું હતું કે “આ કામ સમય માગી લે તેવું છે. આ કામ કરવું ખોટું તો લાગે છે, પરંતુ અત્યાર સુધીમાં આમાંથી 50,000 ડૉલરની કમાણી થઈ છે.”
ઉફાને જેનીસાના ફોટોગ્રાફ્સ દેખાડવામાં આવ્યા ત્યારે તેમનું કહેવું હતું કે તેમણે આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો નથી, પરંતુ છેતરપિંડી કરતા લોકોને એ તસવીરોમાં રસ શા માટે હશે તે સમજવું આસાન છે.
ઉફાએ એવું પણ જણાવ્યું હતું કે સફળ છેતરપિંડી માટે સ્ત્રીઓની અલગ-અલગ પ્રકારની, તેઓ રોજિંદા કામ કરતી દેખાય તેવી તસવીરોની જરૂરી હોય છે.
વેનીસા માને છે કે તેઓ તેમની જિંદગીની ઘટનાઓ શેર કરતાં હતાં એટલે તેમના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
છેતરપિંડીનો શિકાર થયેલા લોકોની લાંબી યાદીને કારણે વેનીસાને પારાવાર દુઃખ થયું હતું. કૅમેરા સામે રોજ કરવા પડતા અભિનયની માઠી અસર તેમના માનસિક આરોગ્ય તથા દાંપત્ય જીવન પર પણ થવા લાગી હતી.
વેનીસાને જણાવ્યા મુજબ, તેઓ થાકી જતાં હતાં. શો શરૂ કરતા પહેલાં તેમણે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. તેમને એ સમયના વીડિયોઝથી નફરત છે, કારણ કે તેમાં તેમની પીડા દેખાય છે.
વેનીસાએ 2016માં કામ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના કહેવા મુજબ, તેઓ ઘર તથા પતિને છોડીને નવા જીવનની શોધમાં નીકળી પડ્યાં હતાં.
હવે તેઓ એક થેરપિસ્ટ તરીકે તાલીમ લઈ રહ્યાં છે અને સંસ્મરણ લખી રહ્યાં છે. તેનો હેતુ જીવનકથા પર અંકુશ મેળવવાનો છે.
વેનીસાએ તેમના ફોટોગ્રાફ્સના ખોટા ઉપયોગ બાબતે સત્તાવાળાઓને ફરિયાદ કરી નથી. તેઓ માને છે કે તેમની ફરિયાદને કોઈ ગંભીર ગણશે નહીં.
તેમણે કહ્યું હતું કે “તેઓ મારા પર નજર કરશે અને કહેશે કે તમે તો પોર્ન સ્ટાર છો. પછી મારા પર હસશે.”
આટલાં વર્ષોમાં વેનીસા મજબૂત થયાં છે. તેઓ જાણે છે કે ઑનલાઈન છેતરપિંડી કરતા લોકો તેમના ફોટોગ્રાફ્સનો ઉપયોગ બંધ નહીં કરે, પરંતુ કેટલાક લોકો આ ફંદામાં કેમ ફસાયા છે તે હવે તેઓ સમજી શકે છે.
વેનીસાને કહેવા મુજબ, “પ્રેમનો મામલો હોય તો આપણે બેવકૂફ બની શકીએ. હું જાણું છું. મારી સાથે પણ એવું થયું છે.”