અમદાવાદ: એન્જિનિયર, સીએ થયેલા લોકોએ 15મા માળે ફ્લૅટમાં કેવી રીતે ગાંજો વાવ્યો?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ખેતરમાં, બગીચામાં કે પછી કમ્પાઉન્ડમાં ચોરીછૂપેથી ગાંજાનું વાવેતર થતું હોય એવા અહેવાલ તમે સાંભળ્યા કે વાંચ્યા હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ઘરમાં એટલે કે ફ્લૅટમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોય?

અમદાવાદમાં હાલમાં જ એક ફ્લૅટમાં ગાંજાની ખેતી થઈ રહી હોવાનું પોલીસ રેડ દરમિયાન સામે આવ્યું છે.

પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ બે ફ્લૅટ ભાડે રાખીને બંધરૂમમાં ગાંજાની ખેતી શરૂ કરી હતી.

આરોપીઓએ ફ્લૅટમાં ગાંજાની ખેતી કરવા માટે ખાસ વૈજ્ઞાનિક ઢબે ‘ગ્રીનરૂમ’ બનાવ્યો હતો.

હકીકતમાં જે પ્રકારે ફ્લૅટમાં ગતિવિધિઓ ચાલી રહી હતી તે પ્રમાણે આસપાસ રહેતા પડોશીઓને શંકા ગઈ, તેથી તેમણે પોલીસને જાણકારી આપી.

પોલીસે જ્યારે અહીં આવીને જોયું તો ખબર પડી કે અહીં બંધ ઘરમાં ગાંજાની ખેતી ચાલી રહી છે.

પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપીઓ કયા હેતુથી આ ગાંજો ઉગાડતા હતા અને તે કોને સપ્લાય કરતા હતા? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ડ્રગ્સ સપ્લાયરની કોઈ ગૅંગ તેમની સાથે જોડાયેલી છે કે કેમ?

પોલીસને કેવી રીતે ખબર પડી?

અમદાવાદના એસ. પી. રિંગ રોડ પર આવેલા ઍપલવૂડ્સ-ઑર્કિડ લિગસી ઍપાર્ટમેન્ટના 15મા માળે આવેલા બે ફ્લૅટમાં સંદેહ પડે તેવી પ્રવૃત્તિઓ થતી હોવાનું આસપાસના રહેવાસીઓને માલૂમ પડ્યું.

સામાન્ય રીતે જ્યારે કોઈ ફ્લૅટ ભાડે લે અને પછી રહેવા આવે ત્યારે સામાન એકસાથે શિફ્ટ થતો હોય છે પરંતુ અહીં સામાન સતત આવતો રહેતો હતો.

સામાનમાં પણ લોકો રહેતા હોય તેના માટે જરૂરી સામાન કરતા કંઈક જુદો જ આવતો નજરે પડ્યો હતો.

અહીં પાણીના કેરબા આવતા હતા, કૂંડા આવતા હતા, પ્લાસ્ટિકની ટાંકી વગેરેનાં પાર્સલ સતત આવતાં રહેતાં હતાં.

શંકા જતાં અમદાવાદ પોલીસે લૅપટૉપ, વીડિયોગ્રાફર અને પૂરતા સ્ટાફ સાથે એક ટીમ તૈયાર કરી અને ત્રણ સપ્ટેમ્બરના રાત્રે 11 કલાકે પોલીસ ઑર્કિડ લૅગસીના બ્લૉક નં ડી-2ના 15મા માળે પહોંચી.

પોલીસે જેવો ડોરબૅલ વગાડ્યો કે થોડી વારમાં અંદરથી એક માણસ બહાર આવ્યો. તેણે બારણું ઉઘાડ્યું. જોયું તો સામે પોલીસ હતી. પોલીસને જોઈને તેને ખબર પડી ગઈ કે ભાંડો ફૂટી ગયો છે.

પોલીસે ફ્લૅટની તપાસ કરી તો ખબર પડી કે અહીં ગાંજાનું વાવેતર થતું હતું.

પોલીસે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીના અધિકારીઓને પણ બોલાવ્યા અને તેમણે પણ પરીક્ષણ કરીને ખાતરી કરીને કહ્યું કે આ પદાર્થ ગાંજો જ છે.

પોલીસને ‘ગાંજાના ખેતર’માંથી શું શું મળ્યું?

ફ્લૅટમાં ત્રણ વ્યક્તિ કામ કરતી હતી. રવિપ્રકાશ મુરારકા, રિતિકા પ્રસાદ અને વીરેન મોદી. ત્રણેય ઝારખંડનાં રહેવાસી હતાં.

પોલીસે જ્યારે ફ્લૅટની તપાસ કરી તો તેમને પ્લાસ્ટિકની ચપોચપ બંધ થાય તેવી ઝિપ લૉકવાળી બેગ મળી. આ બેગમાં લીલાશ પડતા રંગનો પદાર્થ હતો.

પોલીસે જ્યારે રવિપ્રકાશને તેના વિશે પૂછ્યું તો ખબર પડી કે આ ગાંજો છે.

પોલીસે જોયું તો આખા ફ્લૅટનું સૅટઅપ લૅબોરેટરી જેવું હતું. જ્યારે પોલીસ ફ્લૅટમાં અંદર દાખલ થઈ ત્યારે આટલાં બધાં કૂંડાં જોઈને તેમને વહેમ ગયો કે તે કોઈ ફ્લૅટમાં છે કે બગીચામાં?

પકડાયેલા ત્રણેય આરોપીએ ફ્લૅટમાં ગાંજો ઉગાડવા માટે 48 કૂંડાં રાખ્યાં હતાં. જે રૂમમાં આ છોડ ઉગાડવામાં આવતા હતા તે દરેક રૂમમાં 8-8 પંખા તથા વૉલ ફેન લગાવવામાં આવ્યા હતા. પંખા ઉપરાંત દરેક રૂમમાં હ્યુમીડિટી અને ડીહ્યુમીડિટી મશીનો પણ લગાડવામાં આવ્યાં હતાં જે ભેજને નિયંત્રણ કરવાનું કામ કરતાં.

પોલીસ ઇન્સ્પેક્ટર વી. જે. ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, “તેમણે 4,87,300 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. જેમાં વિવિધ રાસાયણો જેવાં કે એમીનો એસિડ વગેરે પણ ફ્લૅટમાંથી મળી આવ્યાં છે. આ ઉપરાંત પીએચ (પોટેન્શિયલ ઑફ હાઇડ્રોજન)નું ટેસ્ટિંગ મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો, બીકર તથા દસ નળાકાર જગ મળી આવ્યા છે.”

વી. જે. ચાવડા વધુમાં જણાવે છે, “24 જેટલા છૂટા છોડ પણ પ્લાસ્ટિકની ટ્રેમાંથી મળી આવ્યા છે. આરઓ (રિવર્સ ઑસ્મોસિસ) વૉટરનો ખાસ પ્લાન્ટ રાખવામાં આવ્યો હતો તે પણ જપ્ત કર્યો છે. આ ઉપરાંત બદામી રંગના રેસાયુક્ત પદાર્થ તથા સફેદ દાણાદાર પદાર્થની અલગ-અલગ થેલી રાખવામાં આવી હતી. પ્લાન્ટ અને સાધનો પર નજર રાખવા માટે ફ્લૅટની અંદર સીસીટીવી કૅમેરા પણ રાખવામાં આવ્યા હતા.”

કેવી રીતે થતી હતી ફ્લૅટમાં ગાંજાની ખેતી?

પોલીસના જણાવ્યા પ્રમાણે, જે ફ્લૅટમાં ગાંજાનું વાવેતર થતું હતું તેનું સેટઅપ લૅબોરેટરી જેવું હતું. તેમણે હાઇડ્રોપોનિક્સ ખેતી પદ્ધતિથી આરોપીઓએ ગાંજાનું વાવેતર કર્યું હતું. હાઇડ્રોપોનિક્સ ખેતી માટી વગરની ખેતી તરીકે ઓળખાતી પદ્ધતિ છે. જેમાં માટીની જરૂર પડતી નથી. તેમાં 80 ટકા ભેજની જરૂર પડે છે. જે નાના છોડ હોય તે પ્રકારના છોડની ખેતી આ પદ્ધતિની મદદથી થઈ શકે છે.

તેમાં પાઇપમાં કાણાં પાડીને છોડ ઉછેરવામાં આવે છે. ટમેટાં, તુલસી, કોથમીર અને વટાણાનો પાક આ પ્રકારે લઈ શકાય છે.

આ ખેતીને આધુનિક ખેતી પણ કહે છે.

પોલીસ જ્યારે આ ફ્લૅટમાં પહોંચી તો ગાંજાના છોડ બેથી ત્રણ ઇંચ ઊંચા ઊગેલા જોવા મળ્યા હતા. તેમના કૂંડાને નીચેના ભાગોથી પાઇપો પડે જોડવામાં આવ્યા હતા.

પાઇપ વડે કેમિકલ અને પાણી છોડ સુધી પહોંચાડવામાં આવતા હતા. ઇલેક્ટ્રોનિક ટપક પદ્ધતિથી છોડનો ઉછેર કરવામાં આવતો હતો. રૂમની છત પર એલઈડી લાઇટની પટ્ટીઓ લગાડવામાં આવી હતી.

ભોંયતળિયે તેમજ દીવાલ પર ચળકતા કાગળ સિલ્વર રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા હતા. આ ચળકાટવાળા કાગળો એલઈડીના પ્રકાશને રિફ્લેક્ટ કરીને કૂંડા પર વધારે પ્રકાશ પાડતા હતા.

વી. જે. ચાવડા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “આ ટોળકીએ જુલાઈ મહિનાથી ફ્લૅટમાં સેટઅપ ગોઠવવાનું શરૂ કરી દીધું હતું. 15 દિવસ પહેલાં તેમણે ગાંજાનું વાવેતર કર્યું હતું. કૂંડામાં છોડ પણ થોડા-થોડા જ વિકસ્યા હતા. પણ તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા.”

પોલીસનું કહેવું હતું કે આ પ્રકારે તૈયાર થયેલા ગાંજાની કિંમત સામાન્ય ગાંજાની કિંમત કરતા વધારે હોય છે.

વી. જે. ચાવડા કહે છે, “આ પ્રકારે પ્રકાશ સંશ્લેષણ-ફોટોસિન્થેસિસથી તૈયાર કરેલા ગાંજાની કિંમત બજારભાવ કરતા વધારે હોય છે. આ ગાંજાને ચોક્કસ ભેજમાં ઉછર્યો હોવાથી તે ઊંચા ભાવે વેચાય છે.”

પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આરોપીઓ ભણેલાં-ગણેલાં છે.

વી. જે. ચાવડા કહે છે, “રવિપ્રકાશ ચાટર્ડ એકાઉન્ટન્ટ છે. રિતિકાપ્રસાદે બીસીએનો અભ્યાસ કર્યો છે તથા વીરેન મોદી બી.કૉમ થયેલો છે.”

પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસનો મુખ્ય ભેજાબાજ ફરાર છે.

ચાવડા આ વિશે માહિતી આપતા કહે છે, “રવિપ્રકાશનો નાનો ભાઈ કૃષિનો જાણકાર છે. તે ટેક્સ્ટાઇલ એન્જિનિયર છે. રાંચીથી ગાંજાનું બિયારણ તે જ લાવ્યો હતો. ઉજ્જવલના માર્ગદર્શનમાં જ સૂર્યપ્રકાશ વગર બંધ રૂમમાં કૂંડામાં ગાંજા ઉછેરનું આખું સેટઅપ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સામગ્રી પકડાયેલા ત્રણ આરોપીએ મળીને ગોઠવી હતી અને તમામ લોકો તેનું મૉનિટરિંગ કરતા હતા.”

જોકે પોલીસનું કહેવું છે કે હાલ તેમની પૂછપરછ બાદ જે માહિતી મળી છે તે પ્રમાણે તેમણે આ પ્રકારે ઉગાડેલો ગાંજો કોઈને વેચ્યો નહોતો.

એસીપી એસ. ડી. પટેલે જણાવ્યું હતું, "તેમણે માત્ર ગાંજાનું વાવેતર જ કર્યું હતું પણ કોઈને વેચ્યો નહોતો. પોલીસ તેમની સાથે જોડાયેલી અન્ય કડીઓ મામલે તપાસ કરી રહી છે. હાલ જણાય છે કે તેઓ અહીં ગાંજાના વાવેતર માટે જ આવ્યા હતા."