'હું જીવવા માગું છું', તાલિબાનના રાજમાં અફઘાનિસ્તાનને ડ્રગ્સ કઈ રીતે બરબાદ કરી રહ્યું છે?

    • લેેખક, યલ્દા હકીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

“હું એક પુલ નીચે ઊભો હતો અને ડ્રગ્સ મેળવવાની લાગમાં હતો. ત્યારે મને લાગ્યું કે પાછળથી કોઈએ મને જકડી રાખ્યો છે. તેઓ તાલિબાની હતા. તેઓ અમને અહીંથી દૂર લઈ જવા આવ્યા હતા.”

મોહમ્મદ ઉમર એ સમયને યાદ કરી રહ્યા છે, જ્યારે તાલિબાની લડાકુ પશ્ચિમ કાબુલના પુલ-એ-સુખ્તા બ્રિજ પર તેમની સામે અચાનક આવીને ઊભા રહ્યા હતા.

2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પહેલાં આ વિસ્તાર ડ્રગ્સ કારોબાર માટે કુખ્યાત હતો.

તાલિબાની લોકો સમગ્ર રાજધાનીમાં હજારો લોકોને પુલ, પાર્ક અને પહાડો પરથી પકડીને લાવી રહ્યા છે.

તેમાંથી મોટા ભાગના લોકોને અમેરિકાની સેના તરફથી ખાલી કરવામાં આવેલા મિલિટરી બેઝમાં લાવવામાં આવે છે. હવે તેને નશાખોરોના અસ્થાયી પુનર્વસનકેન્દ્રમાં બદલવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાનમાં ડ્રગ્સની લત ચરમ પર છે. ડ્રગ્સના મામલામાં તેને દુનિયાની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે.

બ્યૂરો ઑફ ઇન્ટરનેશનલ નારકોટિક્સ ઍન્ડ લૉ ઍન્ફોર્સમેન્ટ અનુસાર, દેશની ચાર કરોડની વસતીમાં ઓછામાં ઓછા 35 લાખ લોકો ડ્રગ્સના બંધાણી છે.

કચરાનો ઢગલો અને નશાખોરોનો અડ્ડો

જો તમે પુલ-એ-સુખ્તા બ્રિજ તરફ જશો, તો તમને હજારો પુરુષો ઊભડક બેઠેલા દેખાશે. ગંદકી અને કચરા વચ્ચે બેઠેલા લોકોનું ટોળું દેખાશે.

સિરીંજ અને મળમૂત્રથી આ વિસ્તાર ખદબદે છે અને ત્યાં તમને કચરાના ઢગલામાં મૃતદેહો પણ જોવા મળશે. આ એવા લોકોના મૃતદેહ હોય છે, જેઓ ડ્રગ્સના ઓવરડોઝના કારણે મૃત્યુ પામ્યા હોય છે.

હેરોઇન અને મેથૅમ્ફેટમિન લોકોના મનપસંદ ડ઼્રગ્સ હોય છે.

પુલ નીચેથી આવતી દુર્ગંધ અસહનીય છે. કૂતરાં ગંદકીના ઢગલામાં ફરતાં રહે છે. અહીં પડેલા મૃતદેહોમાં તે ખાવાનું શોધતાં રહે છે. પુલ પર અવર-જવર હોય છે. ફેરિયા ગલીઓમાં સામાન વેચવા અને બસ પકડવા માટે સ્થાનિક બસ ડેપો તરફ ભાગતા જોવા મળે છે.

ઉમર કહે છે કે, “હું ત્યાં મારા મિત્રોને મળવા અને તેમની પાસેથી ડ્રગ્સ લેવા માટે જતો હતો. મને મરવાનો ડર લાગતો ન હતો.”

અગાઉની સરકારમાં નશાના આદી લોકોને પકડીને અલગ-અલગ સેન્ટરોમાં મોકલી દેવાતા હતા. જે બંધાણી ક્યારેક આને પોતાનું ઘર સમજતા હતા, એને હવે લોકો ભૂલી ગયા છે.

જ્યારે 2021માં તાલિબાની સરકાર ફરી અહીં આવી, ત્યારે આ લોકોને ગલીઓમાંથી હઠાવવા માટે આક્રમક અભિયાન શરૂ કરી દીધાં હતાં.

ઉમર કહે છે કે, “તાલિબાની અમને પાઇપથી મારતા હતા. આ પ્રકારના જ એક અભિયાનમાં મારી આંગળી તૂટી ગઈ હતી. હું આ જગ્યા છોડવા માગતો ન હતો, તેથી મને મારવામાં આવ્યો. મેં તેનો વિરોધ કર્યો છતાં તેમણે મને બહાર નીકળવા મજબૂર કર્યો હતો.”

આ પ્રકારે જ કેટલાક લોકો સાથે ઉમરને પણ બસમાં બેસાડી દેવામાં આવ્યો.

ત્યારબાદ તાલિબાની સરકારે જે ફૂટેજ બહાર પાડ્યાં તેમાં બતાવવામાં આવ્યું હતું કે તેમના સૈનિકો ડ્રગ્સના ઓવરડોઝના કારણે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ઉઠાવી રહ્યા છે. કેટલાક બેભાન લોકોને પણ સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહ્યા હતા.

પુનર્વસનકેન્દ્રમાં જગ્યા ઓછીને દરદી વધુ

ઉમરને જે ડ્રગ્સ પુનર્વસનકેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, તેમાં 1000 બેડ છે. હાલ ત્યાં લગભગ 3000 આવા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વાતાવરણ ખૂબ જ ગંદુ છે. લોકોને લગભગ 45 દિવસ સુધી આ સેન્ટરમાં રાખવામાં આવે છે. અહીં સઘન વ્યસનમુક્તિ સેશનથી સારવાર કરવામાં આવે છે. આ પછી તેમને મુક્ત કરવામાં આવે છે.

જોકે, એ વાતની કોઈ ખાતરી નથી કે આ સેશનથી તમામ દર્દીઓના નશાની આદતનો અંત આવશે. તેઓ ફરીથી ડ્રગ્સની ચુંગલમાં ફસાઈ શકે છે.

જે લોકોને રસ્તા પરથી હઠાવીને પુનર્વસનકેન્દ્રોમાં લઈ જવામાં આવે છે, તેમાંના મોટા ભાગના પુરુષો છે પરંતુ કેટલીક મહિલાઓ અને બાળકોને પણ આ કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યાં છે.

કાબુલના એક સેન્ટરમાં રૂમમાં બંધ અન્ય લોકોની જેમ ડ્રગ્સના બંધાણી ઉમર પણ ખૂબ જ નબળા લાગે છે.

પલંગના એક ખૂણામાં બેઠેલા ઉમર એ દિવસોની સ્થિતિનું વર્ણન કરે છે.

તેઓ કહે છે કે, “એક દિવસ હું દુબઈમાં હોવ,તો બીજા દિવસે તુર્કીમાં અને ક્યારેક ઈરાનમાં રહેતો હતો. કૅમ ઍરના ફ્લાઇટ અટેન્ડન્ટ તરીકે આખી દુનિયાનો પ્રવાસ કર્યો હતો. ક્યારેક-ક્યારેક અમારી સાથે વિમાનમાં પૂર્વ રાષ્ટ્રપતિ જેવા વીઆઈપી મહેમાનો પણ આવતા હતા.”

જોકે તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યા પછી તેનણે નોકરી ગુમાવી. આર્થિક સમસ્યા અને અનિશ્ચિત ભવિષ્યના દબાણ હેઠળ તેઓ ડ્રગ્સની લતે ચઢી ગયા.

તાલિબાને 1990ના દાયકામાં દેશમાં અફીણનો અંત લાવવા અફીણની ખેતી પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તાલિબાનનાં 20 વર્ષના વિદ્રોહ દરમિયાન ડ્રગ્સનો વેપાર જ તેમની આવકનો મુખ્ય સ્રોત બની ગયો હતો.

જોકે હવે તાલિબાન કહે છે કે તેણે અફીણના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ યુએન અનુસાર, 2021ની સરખામણીમાં 2022માં અફીણની ખેતીમાં 32 ટકાનો વધારો થયો છે.

ધ્વસ્ત અર્થવ્યવસ્થાએ વધારી સમસ્યા

અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થવાના આરે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સહાયમાં પણ ઘટાડો થયો છે. સુરક્ષા પડકારો, જળવાયુ પરિવર્તન અને ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને કારણે અફઘાનિસ્તાનમાં સ્થિતિ વણસી ગઈ છે.

પુનર્વસનકેન્દ્રમાં આવ્યા પછી ઉમરે નક્કી કર્યું છે કે તે સ્વસ્થ થઈને દમ લેશે.

તેઓ કહે છે કે, "મારે લગ્ન કરવાં છે. હું મારા પરિવાર સાથે સામાન્ય જીવન જીવવા માગું છું. અહીંના ડૉક્ટરો ખૂબ જ દયાળુ છે. તેઓ મારા ઇલાજ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે.”

ડૉક્ટર માટે અહીં કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. તાલિબાન સતત વધુ લોકોને અહીં લાવે છે અને સ્ટાફ તેમના માટે જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

એક ડૉક્ટરે મને કહ્યું કે, "અમને મદદની જરૂર છે. આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ અહીંથી નીકળી ગઈ છે અને મદદ કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ અમારી સમસ્યા દૂર થઈ નથી.”

ડૉક્ટરે વધુમાં કહ્યું કે, "અહીં આવેલા લોકોમાં ઘણા પ્રોફેશનલ લોકો છે. સ્માર્ટ અને સારી રીતે શિક્ષિત. પહેલાં તેઓ સારું જીવન જીવતા હતા, પરંતુ આપણા સમાજમાં ગરીબી અને નોકરીઓના કારણે સમસ્યાઓ વધી ગઈ છે. હવે તેઓ તેનાથી છુટકારો મેળવવા માગે છે.

જોકે દરદીની વધતી ભીડ અને સંસાધનોની અછત હોવા છતાં ડૉકટરો આ ડ્રગના વ્યસની દરદીઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ આ દરદીઓની મદદ માટે જે કંઈ કરી શકે તે કરી રહ્યા છે.

જોકે, તેઓએ કહ્યું હતું કે "અહીંથી ગયા પછી એ વાતની કોઈ ખાતરી નથી કે તેઓ ફરીથી ડ્રગ્સના ચુંગલમાં નહીં ફસાય, પરંતુ અમારે તો પ્રયત્ન કરતા રહેવાના છે. અમારે તેમના ભવિષ્ય માટે તેમની મદદ કરવી પડશે, પરંતુ હાલ કોઈ આશા દેખાતી નથી.”