You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ખબર પણ ન પડી ક્યારે દારૂ અને ગાંજાની લત લાગી ગઈ', મહિલાઓમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે?
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી માટે
પટનામાં રહેતાં સંજના (નામ બદવામાં આવ્યું છે) માત્ર 22 વર્ષનાં છે.
વ્યવસાયે ઍન્જિનિયર સંજના કહે છે "અભ્યાસ દરમિયાન હું એક રિલેશનશિપમાં હતી. બ્રેકઅપ થયું તો હું નાની-નાની વાત પર રડવાં લાગતી હતી. બહુ ગુસ્સો આવતો હતો. અભ્યાસમાં પણ મન નહોતું લાગતું."
"દરેક વાતમાં કનફ્યૂઝન થતું હતું. તે મારા જીવનનો સૌથી લો ફેઝ હતો. હું મિત્રોની સંગતીમાં ગાંજો દારૂ લેવા લાગી. પછી ક્યારે અને કેવી રીતે તેની લત લાગી ગઈ ખબર જ ના પડી."
સંજનાએ ઉમેર્યું, "હું આ પહેલાં ક્યાકેય દારૂ નહોતી પીતી. ના તો ગાંજો લીધો હતો. પરંતુ બધું જ જલદી જલદી થઈ ગયું. જ્યારે પણ તણાવ થતો હું ગાંજો કે દારૂ પી લેતી હતી. "
"ત્યાર બાદ પરિવારજનોથી નજર બચાવીને હું પાછી ઘરે આવતી અને ઊંઘી જતી. અનેક મહિનાઓ સુધી આવું જ ચાલતું રહ્યું. ખાવા પીવાનું ન તો ધ્યાન રહેતું અને ના તો તેની જરૂર લાગતી."
સંજનાએ કહ્યું, "જ્યારે મારાં માતાપિતાને મારા મિત્ર મારફતે ખબર પડી તો તેમણે મને સમજવાનો પ્રયત્ન કર્યો."
"તેમણે મારી તકલીફને સમજી અને મારી સારવાર કરાવી. મારું કાઉન્સેલિંગ કરાયું. અને બાદમાં રિહેબિલિટેશન (પુનર્ઉત્થાન) માટે મારી સારવાર શરૂ થઈ."
સંજના કહે છે,"અનેક મહિનાઓની સારવાર બાદ હું વ્યસનમાંથી બહાર આવી શકી. હવે હું નોકરી માટે પૂણે જવાની છું. આ મારા જીવનની નવી શરૂઆત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંજના એકમાત્ર યુવતી નથી જેમને નશાની લત લાગી હોય. સંજના જેવી સેંકડો યુવતીઓ મળી જશે. જે ક્યારેક ભાવુક થઈને તો ક્યારેક મિત્રોના દબાણમાં આવીને કોઈક નશાનું સેવન કરવાં લાગે છે.
લત કેવી રીતે લાગી જાય છે?
બિહારની રાજધાની પટનાના એક મુખ્ય ઍન્ટી ઍડિક્શન સેન્ટરનાં ડૉક્ટર પ્રતિભા કહે છે કે મોટાભાગના કિસ્સાઓમાં લત અજાણતા લાગે છે. તમને ખબર જ નથી પડતી કે તમે કોઈ લતનો શિકાર થઈ રહ્યાં છો.
ડૉક્ટર પ્રતિભાએ બીબીસીને જણાવ્યું "અનેકવાર લોકોને લાગે છે કે બધું જ તેમના કંટ્રોલમાં છે. તેમને લત નહીં લાગે પણ લોકો ઝડપથી તેના સકંજામાં આવી જાય છે. એક વાર દારૂ કે ગાંજાનું શોખમાં સેવન કર્યું અને વિચાર્યું તે છોડી દઈશું."
"પછી તેની તલબ લાગશે. અને તમને તેની લત લાગી જશે. પણ તેનાથી બહાર આવવું પણ મુશ્કેલ નથી. જો પરિવારનો સહકાર હોય તો થોડાક જ મહિનામાં કાઉન્સેલિંગ અને સારવારથી તમે આ લતથી બહાર આવી શકો છો." કિંગ્સ કૉલેજ લંડનમાં પ્રોફેસર શૈલી માર્લવનો દાવો છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓ જલદીથી લતે ચઢી જાય છે.
તે પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે 25 વર્ષની ઉંમરે તમને પણ લત લાગી ગઈ હતી. ત્યાર બાદ તેમને થૅરેપી લેવી પડી હતી.
શૈલી માર્લવ જુગાર અને નશાની લતનો શિકાર મહિલાઓની મદદ કરવા માટે દિશાનું કામ કરી રહ્યાં છે.
તે કહે છે કે, "જો મહિલાઓને કોઈ પણ પ્રકારની લત લાગી જાય તો તેમને કોઈ પણ સહયોગ નથી મળતો. તે સ્ટિગ્માને સહન કરે છે."
ભારત સરકારના સૂચનાપ્રસારણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ 2018માં 18થી 75 વર્ષની ઉંમરના 15 કરોડથી વધુ લોકોને દારૂની લત લાગી હતી.
આ સિવાય લોકો અન્ય લતનો પણ શિકાર થાય છે. સરકારના આ આંકડાથી એતો નથી જાણી શકાતું કે તેમાં મહિલાઓની સંખ્યા કેટલી છે. પણ આ આંકડા ચિંતાજનક તો છે. ભારત સરકાર એવા લોકો માટે ‘નશા મુક્તિ અભિયાન’ ચલાવી રહી છે.
શું મહિલાઓનો સંકોચ દૂર થયો છે?
પટનાનાં જ જાણીતાં મનોવૈજ્ઞાનિક ડૉક્ટર વૃંદાસિંહનું માનવું છે કે કોઈ પણ પ્રકારની લતને લઈને મહિલાઓમાં આજે પણ એટલી જાગૃતિ નથી.
તેમનો સંકોચ તૂટતો નથી. અને લત માત્ર દારૂ, સિગારેટ કે ગાંજાની નથી હોતી. સોશિયલ મીડિયાના વધતા ઉપયોગની લત અને વધુ સફાઈની લત પણ મહિલાઓની દિનચર્યા અને સ્વાસ્થ પર ખરાબ અસર કરી રહી છે.
તેઓ કહે છે કે અત્યારે હું એક એવી મહિલાનું કાઉન્સેલિંગ કરી રહી છું જેને ઘરને સ્વચ્છ રાખવાની લત છે. જેવું તેમના ઘરે કોઈ મહેમાન આવે, તેમના જતાં જ તેઓ સફાઈમાં લાગી જાય છે. તેનાથી પરેશાન થઈને તેમના પતિ તેમને મારી પાસે લઈ આવ્યા.
ડૉક્ટર વૃંદાસિંહે બીબીસીને કહ્યું, "પટના, રાંચી, રાયપુર, વારાણસી જેવા ટાયર ટુ શહેરોમાં ઍડિક્શનની ફરિયાદને લઈને ડૉક્ટર પાસે આવનારા પુરુષો અને મહિલાઓની સંખ્યામાં ઘણુ અંતર છે. એક સરખામણી મુજબ દર 10 દર્દીમાંથી મહિલાઓની સંખ્યા માત્ર એક છે."
"હા, દિલ્હી, મુંબઈ, લખનૌ, પૂણે જેવાં શહેરોમાં આ પ્રમાણ સારું છે. કોઈ પણ એવી ટેવ જેના પર તમારો કંટ્રોલ નથી."
"એ ઍડિક્શન છે. તેના માટે તમારી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જેટલા જલદી તમે ડૉક્ટર પાસે જશો તમારી રિકવરી એટલી જ જલદી થશે. એ સમજવાની જરૂર છે."
બીજીવાર પણ પડી શકે છે આદત
રાંચીના એક નશામુક્તિ કેન્દ્રનાં પ્રમુખ સિસ્ટર અન્ના બાર્કે કહે છે કે "અનેક વાર લોકોની આદત છૂટ્યાં બાદ લોકો બીજીવાર પણ તેમાં ફસાઈ જાય છે."
"ખાસ કરીને દારૂ સિગારેટના કેસમાં. અમારી પાસે ઘણીવાર એવા કેસ સામે આવે છે. જ્યારે અમારે દર્દીઓનું બીજીવાર કાઉન્સેલિંગ કરવું પડે છે. કારણ કે તેમણે બીજીવાર નશો કરવાનું શરૂ કરી દીધું હોય છે."
ઍડિક્શનથી કેવી રીતે બચશો?
- કોઈ પણ જાતની સમસ્યા અંગે પોતાના મિત્ર અથવા પરિવારજનોને જણાવો.
- લત મોટી અથવા નાની નથી હોતી. કોઈને 30 ML દારૂથી જ નશાની લત લાગી શકે છે. તો કોઈ વધુ દારૂ પીને તેનો શિકાર બની શકે છે.
- સમસ્યાઓનું નિદાન વાતચીતમાં શોધવાથી તમે લતથી બચી શકો છો.
- ત્યાર બાદ પણ જો કોઈને કોઈ લત લાગી જાય તો કેટલાક મહિનાઓ માટે સારવાર અને કાઉન્સેલિંગથી તેને સાજા કરી શકાય છે.