દારૂથી હાથ ધોનારો એ તાનાશાહ, જેના અણસારથી વર્ષો સુધી લોકો ફફડી ઊઠતા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

રોમાનિયામાં સાઠના દાયકામાં નિકોલસ ચાચેસ્કૂએ સતત 25 વર્ષ સુધી તેના દેશના મીડિયાનો અવાજ દબાવી રાખ્યો હતો એટલું જ નહીં, ખાદ્યસામગ્રી, પાણી, ઑઇલ અને દવાઓ પર પણ નિયંત્રણ લગાવી દીધું હતું. આ હકીકત ઘણા લોકોને આજે માન્યામાં નહીં આવે.

ચાચેસ્કૂના શાસનના પરિણામે હજ્જારો લોકો બીમારી તથા ભૂખમરાનો શિકાર થયા હતા. એટલું ઓછું હોય તેમ સામાન્ય લોકો તેમની અંગત જિંદગીમાં શું કરે છે તેના પર ચાચેસ્કૂની ગુપ્ત પોલીસ ‘સિક્યૉરિતેત’એ ચાંપતી નજર રાખી હતી.

પોતાના પડછાયા સુદ્ધાંથી ડરતા રોમાનિયાના લોકો

રોમાનિયામાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા રાજીવ ડોગરાએ જણાવ્યું હતું કે તેઓ રોમાનિયા ગયા ત્યારે ચાચેસ્કૂના શાસનના અંતનાં દસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. તેમ છતાં લોકોમાં દહેશત હતી.

ડોગરાએ કહ્યું હતું કે “હું મારું પદ સંભાળવા રોમાનિયા પહોંચ્યો ત્યારે સ્થાનિક લોકો તેમના પોતાના પડછાયાથી પણ ડરતા હતા. તેઓ રસ્તા પર ચાલતા ત્યારે સતત પાછળ ફરીને જોતા રહેતા હતા કે કોઈ તેમનો પીછો તો નથી કરી રહ્યું ને.”

“લોકો પાર્કમાં જાય ત્યારે કોઈ તેમના પર નજર ન રાખતું હોય એ જોતા રહેતા હતા. ચાચેસ્કૂના જમાનામાં એક ગુપ્ત સરકારી એજન્ટ છાપામાં કાણું પાડીને બધા પર નજર રાખતો હતો.”

ઘરની બારીઓ ખુલ્લી રાખવાનો હુકમ

રોમાનિયાની એક મહિલા કાર્મેન બુગાનના પિતા ચાચેસ્કૂના વિરોધીઓ પૈકીના એક હતા. ગુપ્ત પોલીસ સિક્યૉરિતેતે 1982ની 10 માર્ચે ગામમાં આવેલા બુગાનના ઘર પર દરોડો પાડ્યો હતા અને એ પછીનાં પાંચ વર્ષ સુધી બુગાન પરિવારના ઘરમાં બોલવામાં આવેલો પ્રત્યેક શબ્દ રેકોર્ડ કર્યો હતો.

કાર્મેન બુગાને બીબીસીને કહ્યું હતું કે “હું સ્કૂલેથી પાછી ઘરે આવી ત્યારે જોયું તો મારું આખું ઘર પોલીસથી ભરેલું હતું. તેઓ મારા ઘરમાં દરેક ઠેકાણે માઇક્રોફોન લગાવી રહ્યા હતા. તેઓ મારાં માતા-પિતાની સિગારેટ પી રહ્યા હતા અને અમારી પરવાનગી લીધા વિના પોતાના માટે કૉફી બનાવતા હતા.”

“એ સમયે મને ખબર ન હતી, પણ પછી જાણવા મળ્યું હતું કે મારા પિતાએ બુખારેસ્ટમાં તેમની કારમાં બેસીને ચાચેસ્કૂવિરોધી ચોપાનિયાં વહેંચ્યાં હતાં. મારા પિતા એ સમયે ભૂગર્ભમાં હતા અને માતા હૉસ્પિટલમાં હતાં.”

મોટા કદની તસવીરો દેખાડવાની સૂચના

ચાચેસ્કૂની ઊંચાઈ માત્ર પાંચ ફૂટ, ચાર ઈંચ હતી. તેથી રોમાનિયાના તમામ ફોટોગ્રાફરોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ ચાચેસ્કૂની તસવીરો એવી રીતે ઝડપે કે તેમનું શારીરિક કદ મોટું દેખાય.

ચાચેસ્કૂ 70 વર્ષના થઈ ગયા પછી પણ તેઓ 40 વર્ષના હતા ત્યારે ઝડપવામાં આવેલી તેમની તસવીરો જ પ્રકાશિત કરવામાં આવતી હતી. કોઈ સુંદર સ્ત્રી ચાચેસ્કૂની પાસે ઊભી રહીને ફોટો પડાવે તે ઍલિનાને જરાય ગમતું ન હતું.

ચાચેસ્કૂનાં પત્ની એલિના અનેક વિષયમાં નાપાસ થયાં બાદ 14 વર્ષની વયે અભ્યાસ છોડી દીધો હતો, પણ રોમાનિયાનાં ફર્સ્ટ લેડી બન્યાં બાદ તેમણે જાહેર કરાવ્યું હતું કે તેમની પાસે રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી છે. એ ડિગ્રી નકલી હતી એ સ્પષ્ટ છે.

અબજો ડૉલરના ખર્ચે વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઈમારત

ચાચેસ્કૂ રોમાનિયાને એક વિશ્વશક્તિ બનાવવા ઇચ્છતા હતા. એ માટે દેશની વસતી મોટી હોય એ જરૂરી હતું. એ હેતુસર તેમણે સમગ્ર રોમાનિયામાં ગર્ભપાત પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમણે છૂટાછેડા લેવાનું પણ મુશ્કેલ બનાવી દીધું હતું.

ચાચેસ્કૂ વામન કદના હતા એટલે તેમને બધી મોટી ચીજો ગમતી હતા.

તેમણે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાં અબજો ડૉલરના ખર્ચે ‘પીપલ્સ હાઉસ’ બનાવ્યું હતું. એ ઈમારતનો હીટિંગ અને વીજળીનો ખર્ચો જ લાખો ડૉલર થતો હતો. પીપલ્સ હાઉસના નિર્માણને 25 વર્ષ થયાં પછી પણ તેના 70 ટકા ઓરડાઓ આજે ખાલી છે.

લગભગ 15,000 મજૂરોએ ત્રણ શિફ્ટમાં કામ કરીને પીપલ્સ હાઉસનું નિર્માણ કર્યું હતું. એ ભવનનું નિરિક્ષણ કરવા ચાચેસ્કૂ વારંવાર જતા હતા. ડિસેમ્બર, 1989 સુધીમાં તો તેઓ સપ્તાહમાં ત્રણ-ચાર વખત નિરિક્ષણ માટે આવતા થઈ ગયા હતા.

ચાચેસ્કૂની જીવનકથા ‘ધ લાઈફ ઍન્ડ ઇવિલ ટાઇમ્સ ઑફ નિકોલાઈ ચાચેસ્કૂ’ના લેખક જૉન સ્વીનીએ લખ્યું છે કે “15,000 મજૂરો માટે એક પણ ટૉઇલેટ નહોતું. તેથી દરેક મજૂરને તક મળતી ત્યારે ભવનમાં ગમે ત્યાં ખુદને હળવો કરી લેતો હતો.”

“એ કારણને પીપલ્સ હાઉસમાં એટલી દૂર્ગંધ ફેલાયેલી હતી કે ચાચેસ્કૂ આવવાનો છે એવી ખબર પડે કે તરત મજૂરોની એક ટુકડી દોડીને, જ્યાં ચાચેસ્કૂ જવાના હોય એ વિસ્તારની ગંદકી સાફ કરી નાખતી હતી.”

“એક દિવસ એવું થયું કે ચાચેસ્કૂ સાફ કરવામાં આવેલા વિસ્તારને બદલે કોઈ અન્ય વિસ્તારમાં પહોંચી ગયા. ત્યાં થોડું અંધારું હતું. અંધારામાં ચોચેસ્કૂના પગ મળના ઢગલામાં પડ્યા હતા અને એમનાં બન્ને પગરખાં અત્યંત ખરાબ થઈ ગયાં હતાં.”

દિવસમાં 20 વખત આલ્કોહોલથી ધોતા હતા હાથ

જોન સ્વીનીએ લખ્યું છે કે “ચાચેસ્કૂની એ હાલત જોઈને કેટલાક મજૂરો હસી પડ્યા હતા, પણ સિક્યૉરિતેતના લોકોએ તેમના તરફ નજર કરી એટલે એ મજૂરો બીજી તરફ જોવા લાગ્યા હતા.”

“સિક્યોરિતેતના એક કર્મચારીએ ચાચેસ્કૂનાં પગરખાં પરની ગંદગી સાફ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાચેસ્કૂ ગંદા પગરખાં સાથે તેમની કાર તરફ ચાલવા લાગ્યા હતા. જ્યાં-જ્યાં તેમનાં પગલાં પડ્યાં ત્યાં- ત્યાં ગંદકીનાં નિશાન પણ ચોટતાં હતાં. જાણે કે કોઈ ઍટમબૉમ્બ ફૂટ્યો હોય તેમ કોઈ એક શબ્દ બોલ્યું નહીં કે કોઈ હસ્યું નહીં.”

“જે ચાચેસ્કૂ ઇન્ફેક્શનથી બચવા માટે દિવસમાં 20 વખત પોતાના હાથ આલ્કોહોલથી ધોતા હતા એ ચાચેસ્કૂની હાલત એ વખતે કેવી થઈ હશે એ વિચારવા જેવું છે.”

“સિક્યૉરિતેતે એ ઘટનાની કાયદેસર તપાસ કરાવી હતી, પણ એ માટે જવાબદાર કોણ હતું એ ખબર પડી ન હતી. અલબત, એ ઘટના બાબતે ક્યારેય વાત નહીં કરવાનો આદેશ અધિકારીઓને આપવામાં આવ્યો હતો.”

સોવિયેટ સંઘનો ખુલ્લેઆમ વિરોધ

સોવિયેટ કૅમ્પમાં રહેવા છતાં ચાચેસ્કૂને સોવિયેટ સંઘને હેરાન કરવામાં બહુ મજા આવતી હતી અને સંઘની ટીકા કરતા હોય તેવા વિશ્વના નેતાઓને ચાચેસ્કૂ રોમાનિયામાં વારંવાર આમંત્રિત કરતા હતા.

તેમણે 1966માં ચીનના તત્કાલીન વડા પ્રધાન ચૂ એન લાઈને રોમાનિયા બોલાવ્યા હતા અને 1967માં અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમના મહેમાન બન્યા હતા.

તાજેતરમાં જ પ્રકાશિત ‘હાઉ ટુ બી અ ડિક્ટેટર’ પુસ્તકના લેખક ફ્રેન્ક ડિકોટેરે લખ્યું છે કે “સામ્યવાદ વિરુદ્ધના બળવાને દબાવવા માટે સોવિયેટ સંઘે ચેકોસ્લવાકિયા પર હુમલો કર્યો ત્યારે ચાચેસ્કૂના જીવનની સૌથી આકરી પળ આવી હતી.”

“બલ્ગેરિયા, પોલૅન્ડ અને હંગેરીએ સોવિયેટ સંઘના સમર્થનમાં પોતાના સૈનિકો મોકલવાનું વચન આપ્યું હતું, પણ રોમાનિયાએ સોવિયેટ સંઘને ટેકો આપ્યો નહોતો.”

“સોવિયેટ સંઘની ટૅન્કો પ્રાગમાં ઘૂસી ત્યારે ચાચેસ્કૂએ રોમાનિયાના પૅલેસ સ્ક્વૅરમાં એક મોટી જનસભાને સંબોધતાં લિયોનિદ બ્રેઝનેવના એ પગલાની ઝાટકણી કાઢી હતી અને તેને એક મોટી ભૂલ ગણાવ્યું હતું. ચાચેસ્કૂએ કહ્યું હતું કે એ પગલાંથી યુરોપમાં શાંતિ માટે મોટું જોખમ સર્જાયું છે. આવું નિવેદન કરીને ચાચેસ્કૂ રાતોરાત રાષ્ટ્રીય હીરો બની ગયા હતા.”

ચાચેસ્કૂ ચીન ગયા ત્યારે ચીનના સમગ્ર નેતૃત્વે ઍરપૉર્ટ પર ઉપસ્થિત થઈને ચાચેસ્કૂનું સ્વાગત કર્યું હતું. રસ્તાની બન્ને બાજુ પર ઊભેલા હજ્જારો બીજિંગવાસીઓએ હાથ હલાવીને તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

બીજિંગના તેયાનાનમૅન સ્ક્વૅરમાં ચાચેસ્કૂ માટે ભવ્ય જિમનાસ્ટિક શોનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ હિટલરની પહેલી ઇટાલી યાત્રાની માફક ચાચેસ્કૂ પણ એ જાણી શક્યા ન હતા કે તેમના પ્રત્યેનો ચીનનો આટલો બધો ઉત્સાહ ખાલી દેખાડો હતો.

સ્વદેશ પાછા ફરેલા ચાચેસ્કૂએ ચીનની માફક રોમાનિયામાં પણ એક ‘મિની સાંસ્કૃતિક ક્રાંતિ’ની શરૂઆત કરી હતી. સેન્સરશિપ હળવી કરવામાં આવી હતી અને ટેલિવિઝન પર કેટલાક વિદેશી કાર્યક્રમોનું પ્રસારણ શરૂ થયું હતું.

મોટા-મોટા અક્ષરોમાં નામ

ચાચેસ્કૂએ તેમના વિશે ઘણી ભ્રમણા ફેલાવી હતી. દાખલા તરીકે, તેમની જીવનકથાના એક ફ્રેન્ચ લેખક માઇકલ પિયર હેમલેટે લખ્યું હતું કે ચાચેસ્કૂ અત્યંત ગરીબીમાં જન્મ્યા હતા અને ઉઘાડા પગે સ્કૂલે જતા હતા.

ડોનલ્ડ કૈચલોવે 1972માં યુકેમાં ચાચેસ્કૂની જીવનકથા પ્રકાશિત કરાવી હતી. તેને લીધે ચાચેસ્કૂ સંબંધી ભ્રમણાઓને ફેલાવવામાં વધારે મદદ મળી હતી. એ પુસ્તકમાં લખેલી પ્રત્યેક વાતને ખુદ ચાચેસ્કૂએ સમર્થન આપ્યું હતું અને એ પણ જણાવ્યું હતું કે એ પુસ્તકની કેટલી નકલો છાપવામાં આવી હતી.

ચાચેસ્કૂની ચમચાગીરી એટલી હદે વધી ગઈ હતી કે રોમાનિયાના મુખ્ય અખબાર ‘સિનતિયા’ ચાચેસ્કૂને રોમાનિયાના જૂલિયસ સીઝર, નેપોલિયન, પીટર ગ્રેટ અને લિંકન કહીને સંબોધતું હતું.

ચાચેસ્કૂના 60મા જન્મદિવસે રોમાનિયાના એક રાજનેતા કોન્સટાનટિન પિરવુલેસ્કૂએ તેમને રોમાનિયાના ઇતિહાસના સૌથી લોકપ્રિય નેતા ગણાવી દીધા હતા.

ચાચેસ્કૂની વ્યક્તિપૂજાનું પ્રમાણ એ હદે વધ્યું હતું કે તેમનું નામ મોટા-મોટા અક્ષરોમાં લખવામાં આવતું હતું. તેમને રોમાનિયાના સૌથી મોટા નાગરિક સન્માન ‘હીરો ઑફ ધ સોશલિસ્ટ રિપબ્લિક ઑફ રોમાનિયા’ વડે બે વાર સન્માનિત કરવામાં આવ્યા હતા.

બ્રિટનના બકિંઘમ પૅલેસમાં પ્રવાસ

1979માં ચોચેસ્કૂ બ્રિટન ગયા હતા અને ક્વીન એલિઝાબેથ સાથે બગીમાં બેસીને માર્ગો પરથી પસાર થયા હતા.

તેમને બકિંઘમ પૅલેસમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ચાચેસ્કૂ માટેનું ભોજન પહેલાં તેમના અંગરક્ષકોએ ચાખ્યું ત્યારે પૅલેસમાં અટપટી સ્થિતિ સર્જાઈ હતી.

જોન સ્વીનીએ તેમના પુસ્તક ‘ધ લાઇફ ઍન્ડ ઇવિલ ટાઇમ્સ ઑફ નિકોલાઈ ચાચેસ્કૂ’માં લખ્યું છે કે “ચાચેસ્કૂની બ્રિટનયાત્રા ઉપર-ઉપરથી તો બહુ સફળ દેખાતી હતી, કારણ કે મહારાણીએ તેમને 270 બોરની એક ટેલિસ્કોપિક રાઈફલ ભેટ આપી હતી. એલિનાને ગોલ્ડ તથા ડાયમન્ડનો એક બ્રોચ ભેટ મળ્યો હતો.”

“બકિંઘમ એ જમાનામાં અને આજે પણ તેની શાનદાર મહેમાનગતિ તથા ઉત્તમ ખાનપાન માટે વિખ્યાત છે, પરંતુ ચાચેસ્કૂ દરેક વ્યક્તિને મળ્યા બાદ પોતાના હાથ આલ્કોહોલથી ધોતા હતા એ જાણીને બકિંઘમ પૅલેસને પણ આંચકો લાગ્યો હતો.”

“ચાચેસ્કૂએ તેમના સ્વીટના ત્રણેય બાથરૂમમાં હાથ ધોવા માટે આલ્કોહોલની એક-એક બૉટલ રખાવી હતી.”

બ્રિટનનાં મહારાણીની નારાજગી

જોન સ્વીનીએ લખ્યું છે કે “પોતાના પૅલેસમાં એક વિચિત્ર વ્યક્તિ મહેમાન બની છે એ મહારાણી થોડીવારમાં જ સમજી ગયાં હતાં.”

“એક દિવસ સવારે છ વાગ્યે ચાચેસ્કૂ તેમની ટીમ સાથે બકિંઘમ પૅલેસના ગાર્ડનમાં ટહેલતા જોવા મળ્યા હતા. તેમને ડર હતો કે બકિંઘમ પૅલેસમાંના તેમના સ્વીટમાં તેમની દરેક વાત ટેપ કરવામાં આવી રહી છે. તેથી ચાચેસ્કૂ તેમની ટીમના લોકો સાથે વાત કરવા ગાર્ડનમાં પહોંચી ગયા હતા.”

“યોગાનુયોગે મહારાણી પણ એ સમયે ગાર્ડનમાં ટહેલી રહ્યાં હતાં. ચાચેસ્કૂને જોઈને તેઓ એક ઝાડીમાં છુપાઈ ગયાં હતાં અને તેમણે ત્યારે જ નક્કી કર્યું હતું કે તેઓ રોમાનિયાના પ્રવાસે જશે નહીં.”

ખાદ્યસામગ્રી પર નિયંત્રણ અને હીટિંગ પર પ્રતિબંધ

ચાચેસ્કૂનો સમગ્ર શાસનકાળ રોમાનિયાના લોકો માટે અભાવનો વખત હતો. દરેક ચીજ ખરીદવા માટે લાંબી લાઈનો લાગેલી રહેતી હતી. કસાઈની દુકાનો પર મરઘીની ટાંગ સિવાય બીજું કશું મળતું નહીં.

દુકાનોમાં ફળ ભાગ્યે જ મળતાં હતાં. ક્યારેક સફરજન અને પીચ દેખાતાં હતાં. વાઈન સામાન્ય લોકોની પહોંચની બહાર હતો અને કેટલીક ખાસ રેસ્ટોરાંમાં જ વાઈન મળતો હતો.

ફ્રેન્ક ડિકોટરે તેમના પુસ્તક ‘હાઉ ટુ બી એ ડિક્ટેટર’માં લખ્યું છે કે “સૌથી મોટી સમસ્યા વીજળીની હતી. દરેક ત્રણમાંથી એક જ બલ્બ પ્રકાશિત થતો હતો અને જાહેર વાહનોને રવિવારે ચલાવવા પર પ્રતિબંધ હતો.”

“ચાચેસ્કૂએ મોટો ઔદ્યોગિક બેઝ બનાવવા માટે પશ્ચિમી દેશો પાસેથી મોટા પ્રમાણમાં ટેકનૉલૉજી, કાચો માલ અને મશીનો આયાત કર્યાં હતાં, પણ 1979માં ક્રૂડઑઇઈલના ભાવ વધી જતાં તેમણે લોન પર વધારે વ્યાજ ચૂકવવું પડતું હતું.”

“તેમણે બધી લોન એકસાથે ચૂકતે કરવાનો નિર્ણય અચાનક લીધો હતો. તેનું પરિણામ એ આવ્યું કે સસ્તા કાર્યક્રમો અમલી બનાવવામાં આવ્યા. આયાત ઘટાડી દેવામાં આવી અને નિકાસમાં વધારો કરવામાં આવ્યો.”

“સોવિયેટ સંઘને માંસની નિકાસ બે વર્ષમાં ત્રણગણી કરી નાખવામાં આવી હતી. ફળો, શાકભાજી અને વાઈન વિદેશી માર્કેટ માટે મોકલવામાં આવતાં હતાં.”

“ખાદ્યસામગ્રી પર નિયંત્રણ લગાવી દેવામાં આવ્યું હતું. વીજળીના વપરાશમાં મોટી કપાત કરવામાં આવી હતી. તેથી લોકો કડકડતી ઠંડીમાં હીટિંગ વિના અંધારામાં ધ્રૂજતા રહેવા મજબૂર બની ગયા હતા.”

મોં પર વખાણ અને પીઠ પાછળ ગાળ

ચાચેસ્કૂની વ્યક્તિપૂજા એટલા મોટા પ્રમાણમાં થતી હતી કે દરેક પાઠ્ય પુસ્તકના પહેલા પાને તેમની તસવીર હોવી જોઈએ એવો કાયદો બનાવવામાં આવ્યો હતો.

ટેલિવિઝન પર માત્ર એક ચેનલ પ્રસારિત થતી હતી. તેમાં અરધોઅરધ કાર્યક્રમોમાં માત્ર ચાચેસ્કૂના ગુણગાન અને સિદ્ધિઓ દર્શાવવામાં આવતી હતી.

પુસ્તકોની દુકાનો તથા મ્યુઝિક સ્ટોર્સ માટે ચાચેસ્કૂના ભાષણોનો સંગ્રહ રાખવાનું અનિવાર્ય હતું. નાનામાં નાનો નિર્ણય પણ ચાચેસ્કૂની પરવાનગી વિના લઈ શકાતો ન હતો.રસ્તાનું નામ બદલવા માટે પણ ચાચેસ્કૂની પરવાનગી લેવી જરૂરી હતી.

બે ફૂટબૉલ ટીમો વચ્ચે મૅચ રમાતી ત્યારે ચાચેસ્કૂનાં પત્ની નક્કી કરતાં હતાં કે કઈ ટીમ જીતશે અને એ મૅચ ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે કે નહીં.

ફ્રેન્ક ડિકોટેરે લખ્યું છે કે “ઉપર ઉપરથી બધા પોતાના નેતાનું ગુણગાન કરતા હતા, પરંતુ અંદર અંદરથી તેમને ધિક્કારતા હતા. મેં પોતે જોયું છે કે ચાચેસ્કૂ કોઈ ઈમારતનું નિરિક્ષણ કરવા જતા હતા ત્યારે લોકો તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કરતા હતા, પણ તેઓ પાછા જતા કે તરત જ તેમના માટે ગાળાગાળી શરૂ થઈ જતી હતી.”

21 ડિસેમ્બર, 1989નું અંતિમ ભાષણ

17 ડિસેમ્બર, 1989ના રોજ રોમાનિયાના સૈનિકોએ તિમિસ્વારાના વિરોધ પ્રદર્શનકર્તાઓ પર ગોળીબાર કર્યો તેના પગલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનનો શરૂ થઈ ગયાં હતાં.

ચાચેસ્કૂએ 21 ડિસેમ્બર, 1989ના રોજ બુખારેસ્ટની મધ્યમાં આવેલા તેમના પક્ષના વડામથકની બાલ્કનીમાંથી એક જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે ભાષણ શરૂ કર્યાની થોડી મિનિટોમાં જ પાછળથી લોકો સિટી વગાડવા અને કૉમેન્ટ્સ કરવા લાગ્યા હતા.

ચાચેસ્કૂએ હાથ ઉઠાવી, માઈક પર ટકટક કરી લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ પાછળની તરફથી અવાજ આવતો રહ્યો હતો.

એ જોઈને ચાચેસ્કૂ દંગ થઈ ગયા હતા. તેમનાં પત્ની એલિનાએ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. એલિના બરાડીબરાડીને કહેતાં હતાં કે “શાંત થઈ જાઓ. તમને શું થઈ ગયું છે?”

એલિનાના બરાડાની ભીડ પર કોઈ અસર થઈ ન હતી. એલિનાએ તેના રુક્ષ અવાજમાં માઈક પર તેના પતિને સલાહ આપી કે લઘુતમ વેતન વધારવાની જાહેરાત કરી દો.

ચાચેસ્કૂએ એવી જાહેરાત પણ કરી, પરંતુ ભીડ પર તેની કોઈ અસર થઈ નહીં અને થોડીવારમાં એ જનસભાએ હુલ્લડનું સ્વરૂપ લઈ લીધું હતું.

ક્રાંતિની શરૂઆત

ચાચેસ્કૂના એ ભાષણનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવતું હતું. ટેલિવિઝન પર દૃશ્યો દેખાતાં બંધ થયાં કે તરત જ દરેકને લાગ્યું હતું કે ક્રાંતિની શરૂઆત થઈ રહી છે.

સમગ્ર દેશના લોકો વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ ગયા હતા. દરેક જગ્યાએ સરકારી ઈમારતો પર હુમલા કરવામાં આવતા હતા અને ચાચેસ્કૂની તસવીરો ફાડવામાં આવતી હતી.

ચાચેસ્કૂએ આ વિદ્રોહને કચડી નાખવાનો આદેશ સિક્યોરિતેતને આપ્યો હતો. સિક્યોરિતેતે આખી રાત વિદ્રોહીઓ પર ગોળીબાર કર્યા હતા, પણ વિદ્રોહને કચડવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

ભાગતી વખતે લિફ્ટમાં ફસાયા

બીજા દિવસે સૈન્ય પણ વિદ્રોહમાં સામેલ થઈ ગયું હતું. ગુસ્સે થયેલા વિરોધ પ્રદર્શનકર્તાઓએ ચાચેસ્કૂના પક્ષના વડામથકને ઘેરવાનું શરૂ કરી દીધું હતું.

એલિના અને ચાચેસ્કૂએ હેલિકૉપ્ટરમાં બેસીને ભાગવું પડ્યું ત્યારે પણ ડ્રામા ચાલુ રહ્યો હતો.

પક્ષના વડામથકની છત પર એક હેલિકૉપ્ટર ચાચેસ્કૂની રાહ જોઈ રહ્યું હતું. જોન સ્વીનીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે “ચાચેસ્કૂ લિફ્ટમાં ઘૂસ્યા કે તરત જ તેમના સેના અધ્યક્ષ જનરલ સ્ટૈનકુલુસ્કૂ કારમાં બેસીને સંરક્ષણ મંત્રાલય જવા રવાના થઈ ગયા હતા.”

“જનરલે પક્ષના વડામથકની સલામતીમાંથી હટી જવાનો આદેશ સુરક્ષા દળોને કારમાંથી જ આપ્યો હતો. સૈનિકો ત્યાંથી હટ્યા કે તરત જ ક્રાંતિકારીઓએ વડામથકમાં ઘૂસવાનું શરૂ કર્યું હતું.”

“ક્રાંતિકારોઓને એ ખબર ન હતી કે ચાચેસ્કૂ વડામથકમાં જ છે, કારણ કે તેમની લિફ્ટના દરવાજા જામ થઈ ગયા હતા.”

“કોઈક રીતે લિફ્ટનો દરવાજો તોડીને ચાચેસ્કૂને બહાર કાઢવામાં આવ્યા. ક્રાંતિકારીઓ ઈમારતની છત પર પહોંચ્યા ત્યારે છ લોકોને લઈને હેલિકોપ્ટરે ત્યાંથી ઉડાન ભરી હતી. હેલિકૉપ્ટરમાં એટલી ઓછી જગ્યા હતી કે પાયલટના સાથીને ચાચેસ્કૂના ખોળામાં બેસાડવા પડ્યા હતા.”

નિરંકુશ તાનાશાહનો ક્રૂર અંત

પાઇલટે હેલિકૉપ્ટરને રાજધાની બુખારેસ્ટની બહાર એક ખેતરમાં ઊતાર્યું હતું અને ચાચેસ્કૂ દંપતિને તેમના એક અંગરક્ષક સાથે છોડીને હેલિકૉપ્ટર સાથે રવાના થઈ ગયો હતો.

ચાચેસ્કૂ અને એલિનાની એ જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. બન્ને પર ક્રિસમસના દિવસે સૈન્ય અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને મોતની સજા ફરમાવવામાં આવી હતી.

બન્નેના હાથ બાંધીને એક દિવાલ સામે ઊભા રાખવામાં આવ્યા હતા. પહેલાં બન્નેને અલગ-અલગ ગોળી મારવાની હતી, પણ એલિનાએ કહ્યું હતું કે તેઓ સાથે મરવાનું પસંદ કરશે.

સૈનિકોએ નિશાન તાક્યું અને 25 વર્ષ સુધી રોમાનિયા પર રાજ કરનાર નિરંકુશ તાનાશાહ નિકોલાઈ ચાચેસ્કૂ ધરાશાઈ થઈ ગયા.

માર્ક્સવાદના પ્રવર્તક કાર્લ માર્ક્સે એકવાર એકદમ સાચું કહ્યું હતું કે “લોકો પોતાનો ઇતિહાસ જાતે રચે છે, પણ ઇતિહાસનું નિર્માણ ક્યારેય એમની પસંદથી નથી થતું.”