એ ખૂંખાર ડાકુ, 'જે લૂંટ પહેલાં વિરોધીઓની ત્રણ આંગળી કાપી નાખતો'

    • લેેખક, અકીલ અબ્બાસ જાફરી
    • પદ, સંશોધક અને ઈતિહાસકાર, કરાચી

શ્રીમંતો પાસેથી લૂંટેલા નાણાંની ખૈરાત ગરીબોમાં કરવાની વાત આવે ત્યારે 14મી સદીનું એક વિખ્યાત પાત્ર રોબિન હૂડ યાદ આવે. રોબિન હૂડ તેના સાથીઓ જોડે બ્રિટનની નોટિંઘમ શાયર કાઉન્ટીના શેરવૂડ જંગલમાં રહેતો હતો.

તે સામાન્ય નાગરિક હતો, પણ નોટિઘમના કુખ્યાત શેરીફે તેની જમીન બળજબરીથી છીનવી લીધી હતી એટલે તે ડાકુ બની ગયો હતો.

રોબિન હૂડ વિશે અનેક નવલકથાઓ લખવામાં આવી છે અને ઘણી ફિલ્મો પણ બની છે, છતાં રોબિન હૂડ વાસ્તવમાં હતો કે નહીં એ વિશે શંકા પ્રવર્તે છે.

આ પ્રકારનું એક પાત્ર ભારતમાં પણ હતું. તેના વિશે કહેવાતું હતું કે તે અમીરોને લૂંટીને ગરીબોને મદદ કરતો હતો. તે હતો સુલતાના ડાકુ. તેને 96 વર્ષ પહેલાં 1924ની સાતમી જુલાઈએ ફાંસીના માચડે લટકાવી દેવાયો હતો.

સુલતાના ડાકુના ધર્મ વિશે કશું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. મોટા ભાગના લોકો માને છે કે તે મુસલમાન હતો, પરંતુ કેટલાક ઇતિહાસકારો તેને હિન્દુ ગણાવે છે, કારણ કે તે ભાતો સમુદાયનો હતો અને ભાતો સમુદાય હિન્દુ ધર્મનું અનુસરણ કરતો હતો.

સુલતાના શરૂઆતમાં નાની-નાની ચોરી કરતો હતો. ઉર્દૂના પહેલા નવલકથાકાર અને એક જમાનાના વિખ્યાત પોલીસ અધિકારી ઝફર ઉમર તેને પકડી પાડવામાં એક વાર સફળ થયા હતા. એ માટે ઝફરને પાંચ હજાર રૂપિયાનું ઈનામ પણ મળ્યું હતું.

ઝફર ઉમરનાં પુત્રી હમીદા અખ્તર હુસૈન રાય પુરીએ તેમના પુસ્તક ‘નાયાબ હૈં હમ’માં લખ્યું છે કે ઝફર ઉમરે સુલતાનાની એક અથડામણમાં ધરપકડ કરી હતી.

એ સમયે સુલતાના પર ચોરી સિવાયનો કોઈ આરોપ ન હતો. તેથી તેના ચાર વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી.

સુલતાનાની ધરપકડ બદલ મળેલા ઈનામના પૈસા ઝફર ઉમરે તેમના સિપાહીઓ અને સ્થાનિક લોકોમાં વહેંચી નાખ્યા હતા. એ પછી ઝફર ઉમરે ઉર્દૂમાં અનેક જાસૂસી નવલકથાઓ લખી હતી. તેમની પહેલી નવલકથા ‘નીલી છતરી’ હતી અને તેની કહાણીનું મુખ્ય પાત્ર સુલતાના ડાકુ જ હતો.

સુલતાનાની ગુનો કરવાની પદ્ધતિ

જેલમાંથી મુક્તિ બાદ સુલતાનાએ તેના સાથીઓને ફરી એકઠા કર્યા હતા. તેણે નબીબાબાદ અને સાહીનપુરના સક્રિય લોકોનો સંપર્ક કર્યો હતો અને પોતાના વિશ્વાસુ ખબરીઓની જાળ બિછાવીને લોકોને લૂંટવાનું શરૂ કર્યું હતું.

સુલતાના લૂંટની દરેક યોજના ચોકસાઈપૂર્વક બનાવતો હતો અને હંમેશાં સફળ થઈને પાછો ફરતો હતો. વિખ્યાત શિકારી જિમ કોર્બેટે પણ તેમના અનેક લેખોમાં સુલતાના વિશે લખ્યું છે.

ઝફર ઉમરના જણાવ્યા અનુસાર, સુલતાના જરાય ડર્યા વિના લૂંટ કરતો હતો અને લોકોને અગાઉથી જણાવી દેતો હતો કે શ્રીમાન પધારી રહ્યા છે.

લૂંટ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી લોહી ન વહે તેની તકેદારી એ રાખતો હતો, પરંતુ તેનો કોઈ શિકાર વિરોધ કરે કે તેના સાથીની હત્યાનો પ્રયાસ કરે ત્યારે સુલતાના ડાકુ નિર્દય બનીને એ વ્યક્તિની હત્યા કરતો હતો.

બીજી જાણીતી વાત એ છે કે સુલતાના તેના વિરોધીઓ અને બીજા જે લોકોની હત્યા કરતો હતો એમની ત્રણ આંગળી પણ કાપી નાખતો હતો. શ્રીમંત સાહુકારો અને જમીનદારોથી પીડિત ગરીબ જનતા તેના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરતી હતી. સુલતાના જે વિસ્તારમાંથી લૂંટફાટ કરતો હતો, એ જ વિસ્તારમાં લૂંટનો માલ જરૂરતમંદોમાં વહેંચી નાખતો હતો.

ડાકુને પકડવા અંગ્રેજ પોલીસ અધિકારીને બોલાવ્યા

સુલતાનાની લૂંટ અને આતંકનો આ સિલસિલો વર્ષો સુધી ચાલતો રહ્યો હતો, પરંતુ એ વખતે અંગ્રેજોનું શાસન હતું અને એ લોકો તેને લાંબા સમય સુધી સહન કરી શક્યા ન હતા.

પહેલાં તો તેમણે ભારતીય પોલીસ મારફતે સુલતાનાને ઠેકાણે પાડવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સુલતાના ખબરીઓ અને ગરીબ ગ્રામજનોને લીધે ભારતીય પોલીસ સફળ થઈ શકી ન હતી.

આખરે સુલતાનાને પકડી પાડવા માટે અંગ્રેજોએ બ્રિટનથી ફ્રેડી યંગ નામના એક અનુભવી પોલીસ અધિકારીને ભારત બોલાવવાનો નિર્ણય કર્યો હતો.

ફ્રેડી યંગે ભારત પહોંચ્યા પછી સુલતાનાની લૂંટની તમામ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ કર્યો હતો અને સુલતાના તથા તેની ટોળકીના સભ્યો પોલીસના હાથમાંથી કેટલી વાર છટકી ગયા તેની વિગત મેળવી હતી.

સુલતાનાની સફળતાનું રહસ્ય, પોલીસ વિભાગ સુધી ફેલાયેલું તેના ખબરીઓનું નેટવર્ક છે એ જાણવામાં ફ્રેડી યંગને બહુ વાર લાગી ન હતી. ફ્રેડીને એવું પણ જાણવા મળ્યું હતું કે મનોહરલાલ નામના એક પોલીસ અધિકારી સુલતાનાનો ખાસ માણસ છે અને સુલતાનાની ધરપકડની તમામ યોજનાની માહિતી મનોહરલાલ જ સુલતાનાને પહોંચાડે છે. પરિણામે પોલીસ પહોંચે એ પહેલાં સુલતાના પોતાનો બચાવ કરી લે છે.

ફ્રેડી યંગે સુલતાનાની ધરપકડ માટે બહુ ચોકસાઈપૂર્વકની યોજના બનાવી હતી. સૌપ્રથમ તો તેમણે મનોહરલાલની બદલી દૂરના વિસ્તારમાં કરી નાખી હતી. એ પછી નબીબાબાદના વૃદ્ધોની મદદથી સુલતાનાના મુનશી અબ્દુલ રઝ્ઝાક નામના વિશ્વાસુનો સાથ મેળવવામાં સફળ થયા હતા. આ મુનશી અબ્દુલ રઝ્ઝાક પર સુલતાનાને સૌથી વધારે ભરોસો હતો.

સુલતાના નજીબાબાદ નજીકના એક જંગતમાં છુપાતો હતો. તે જગ્યા કજલી વન નામે ઓળખાતી હતી. એ જંગલ બહુ ગાઢ હતું. તેમાં સંખ્યાબંધ જંગલી જાનવરો હતાં, પરંતુ સુલતાના તે જંગલના દરેક હિસ્સાથી પરિચિત હતો.

સુલતાના ગાઢ જંગલમાં એવા સ્થળે રહેતો હતો કે જ્યાં દિવસ દરમિયાન પણ સૂર્યનાં કિરણો પહોંચી શકતાં ન હતાં. સુલતાના વેશ બદલવામાં ઉસ્તાદ હતો અને તેને કોઈ વ્યક્તિ ઓળખી શકતી ન હતી.

ફ્રેડી યંગે મુનશી અબ્દુલ રઝ્ઝાકની બાતમીના આધારે સુલતાનાની ચારે તરફના ઘેરાને સઘન બનાવ્યો હતો. અબ્દુલ રઝ્ઝાક એક બાજુ સુલતાનાના સંપર્કમાં હતો અને બીજી બાજુ તેની તમામ હરકતની માહિતી ફ્રેડી યંગને આપતો હતો.

એક દિવસ મુનશી અબ્દુલ રઝ્ઝાકે સુલતાનાને એવા સ્થળે બોલાવ્યો હતો, જ્યાં પોલીસ પહેલેથી જ છુપાયેલી હતી. સુલતાના મુનશીએ બિછાવેલી જાળ સુધી પહોંચ્યો કે તરત જ સેમ્યુઅલ પેરિસ નામના એક અંગ્રેજ અધિકારીએ પોતાના સાથીઓની મદદથી સુલતાનાને બરાબર ઘેરી લીધો હતો. સુલતાનાએ ગોળીબારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ તેની રાઇફલ ઝૂંટવી લેવામાં સફળ થઈ હતી.

સુલતાનાએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે એક કૉન્સ્ટેબલે તેના પગ પર રાઇફલનો બટ મારીને તેને નીચે પછાડ્યો હતો. આ રીતે સુલતાનાની ધરપકડ કરવામાં આવી હતી.

આ કામગીરીનું નેતૃત્વ ફ્રેડી યંગે કર્યું હતું અને આ ઑપરેશન પછી તેમને પ્રમોશન આપીને ભોપાલમાં જેલ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા.

ફ્રેડી યંગ સુલતાનાને પકડીને આગ્રા જેલ લાવ્યા હતા, જ્યાં તેમના પર અદાલતી કાર્યવાહી કરવામાં આવી હતી અને સુલતાના સહિતના 13 લોકોને મોતની સજા કરવામાં આવી હતી.

ઉપરાંત સુલતાના અને તેના ઘણા સાથીઓને આજીવન કારાવાસ અને કાળા પાણીની સજા પણ ફરમાવવામાં આવી હતી.

1924ની સાતમી જુલાઈએ સુલતાનાને ફાંસી આપવામાં આવી હતી, પરંતુ શ્રીમંતોમાંના તેના ખૌફ અને લોકોમાં તેના આતંકની ચર્ચા લાંબા સમય સુધી ચાલતી રહી હતી.

ડાકુ અને તેને પકડનાર પોલીસ અધિકારીની દોસ્તી

સુલતાના અંગ્રેજોથી બહુ નફરત કરતો હતો. એ નફરતને કારણે જ તે પોતાના કૂતરાને રાય બહાદુર કહીને બોલાવતો હોવાનું કહેવાય છે. રાય બહાદુર એક આદરણીય સન્માન હતું, જે અંગ્રેજ સરકાર તેના વફાદાર ભારતીયોને આપતી હતી.

સુલતાનાના ઘોડાનું નામ ચેતક હતું. જિમ કોર્બેટે લખ્યું છે કે સુલતાના સામે કેસ ચલાવવામાં આવી રહ્યો હતો એ દિવસોમાં તેને ફ્રેડી યંગ સાથે દોસ્તી થઈ ગઈ હતી. સુલતાનાની ધરપકડનું કારણ ફ્રેડી યંગ જ હતા. સુલતાનાની કથા સાંભળીને ફ્રેડી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે સુલતાનાને સજામાફીની અરજી તૈયાર કરવામાં મદદ કરી હતી, પરંતુ તે અરજી ફગાવી દેવામાં આવી હતી.

સુલતાનાએ ફ્રેડી યંગને જણાવ્યું હતું કે તેના મૃત્યુ બાદ તેના પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે. ફ્રેડીએ સુલતાનાની ઇચ્છાનો આદર કર્યો હતો અને સુલતાનાના મૃત્યુ પછી તેના પુત્રને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લૅન્ડ મોકલી આપ્યો હતો.

શિક્ષણ પ્રાપ્ત કરીને સુલતાનાનો દીકરો ફરી ભારત આવ્યો હતો અને આઈસીએસની એક્ઝામ પાસ કરીને ઉચ્ચ પોલીસ અધિકારી બન્યો હતો, જે બાદમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિવૃત્ત થયો હતો.

ફિલ્મોમાં સુલતાના

સુલતાના તેના જીવનકાળમાં જ એક કાલ્પનિક પાત્ર બની ચૂક્યો હતો. જનતા તેને પ્રેમ કરતી હતી. તેના પાત્રની ખૂબીઓએ સાહિત્યકારો તથા લેખકોને તેના તરફ આકર્ષિત કર્યા હતા. સુલતાના વિશે હોલીવૂડ, બોલીવૂડ અને લોલીવૂડ (પાકિસ્તાન)માં ત્રણ ફિલ્મો બની હતી.

હોલીવૂડમાં તેના વિશે બનેલી ફિલ્મનું નામ ‘ઘ લૉંગ ડેવિલ’ હતું. તેમાં સુલતાનાની ભૂમિકા યૂલ બ્રેનરે ભજવી હતી.

પાકિસ્તાનમાં 1975માં બનેલી તેના વિશેની પંજાબી ફિલ્મમાં સુલતાનાનું પાત્ર સુધીરે ભજવ્યું હતું.

સુજિત સરાફે સુલતાનાના જીવન પર આધારિત ‘ધ કન્ફેશન ઑફ સુલતાના ડાકુ’ નામની નવલકથા લખી પણ હતી.

ગુજરાતનો ભૂપત ડાકુ

ભારતના વિભાજન બાદ પાકિસ્તાનનું નિર્માણ થયું એ પછી જે બે ડાકુ વિખ્યાત બન્યા હતા તેમાં બીજો ડાકુ ભૂપત જૂનાગઢનો હતો.

જૂનાગઢ સુખી રાજ્ય હતું અને તેની ખુશહાલી ડાકુઓને બહુ પસંદ હતી. પાકિસ્તાનના નિર્માણ પહેલાં વિખ્યાત બનેલા ડાકુઓમાં ભૂપત ઉપરાંત ઝીણા નામના ડાકુનું નામ મોખરે છે.

આ ડાકુઓ સંબંધી સંખ્યાબંધ લોકકથાઓ જેવી ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે. ભૂપત ડાકુ પાકિસ્તાનના નિર્માણ પછી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો, જ્યાં 1962માં તેને તેની તેના ત્રણ સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

ભૂપત ડાકુએ ભારતમાં શિવ રાષ્ટ્રમાં સંખ્યાબંધ લૂંટ અને હત્યાઓ કરી હતી. તેના પર હત્યા અને લૂંટના 200થી વધુ આરોપ હતા. ભારત સરકારે ભૂપતની ધરપકડ માટે રૂ. 50,000નું ઈનામ પણ જાહેર કર્યું હતું.

રસપ્રદ વાત એ હતી કે આટલા બધા ગુનાઓમાં સંડોવાયેલો હોવા છતાં અને ભારત સરકારે તેના માટે ઈનામ જાહેર કર્યું હોવા છતાં ભૂપત ડાકુ પાકિસ્તાનમાં કોઈ ગુનામાં સંડોવાયો ન હતો. તેથી પાકિસ્તાનમાં પરમિટ વિના દાખલ થવા બદલ અને પરવાના વિના હથિયાર રાખવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.

ભૂપતની ધરપકડના સમાચાર ભારત સરકારને મળ્યા ત્યારે ભારત સરકારે પાકિસ્તાન સરકાર પાસેથી ભૂપતનો કબજો માગ્યો હતો, પરંતુ એ વખતે બન્ને દેશો વચ્ચે ગુનેગારોની પરસ્પર સોંપણીનો કોઈ કરાર થયો ન હતો એટલે ભૂપત પાકિસ્તાનમાં જ રહ્યો હતો.

આ મામલાને એટલો મહત્ત્વનો ગણવામાં આવ્યો હતો કે તત્કાલીન ભારતીય વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન મહમદઅલી બોગરા સાથે આ બાબતે જાતે વાત કરી હતી.

મહમદઅલી બોગરાએ તેમને જણાવ્યુ હતું કે અમે વધુમાં વધુ એટલું કરી શકીએ કે ભૂપતને ભારતીય સીમામાં ધકેલી દઈએ અને ત્યાંથી ભારતીય પોલીસ તેની ધરપકડ કરી લે, પરંતુ આ વાત અખબારો સુધી પહોંચી ગઈ હતી અને પાકિસ્તાને તેની ઑફર પાછી ખેંચી લીધી હતી.

ભૂપત ડાકુને માત્ર એક વર્ષ બાદ મુક્તિ મળી હતી. કારાવાસ દરમિયાન તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને પોતાનું નામ બદલીને અમીન યુસૂફ રાખી લીધું હતું.

અમીન યુસૂફે જેલમાંથી મુક્તિ બાદ હમીદાબાનો નામની એક મહિલા સાથે નિકાહ કર્યા હતા. એ લગ્નથી તે ત્રણ દીકરા અને ચાર દીકરીનો પિતા બન્યો હતો. દીકરાઓનાં નામ મહમદ ફારુક, મહમદ રશીદ તથા મહમદ યાસીન અને દીકરીઓનાં નામ નઝમા, બિલકીસ, પરવીન તથા બાઈમા રાખવામાં આવ્યાં હતાં. અમીન યુસૂફે કરાચીમાં દૂધનો ધંધો અપનાવ્યો હતો.

કરાચીના પાકિસ્તાન ચોકમાંની તેની દૂધની દુકાન હતી, જ્યાં મને તેમના હાથે બનેલી લસ્સી પીવાની તક ઘણી વાર મળી હતી. અમીન યુસૂફે હજયાત્રા પણ કરી હતી.

અમીન યુસૂફે જેલવાસ દરમિયાન પોતાની કથા કાલુ વાનિક નામના સાથી કેદીના હાથે લખાવી હતી. તેનો ઉર્દૂ અનુવાદ જાફર મન્સૂરે કર્યો હતો. તે પુસ્તકની પહેલી આવૃત્તિ 1957માં સિખરથી અને બીજી આવૃત્તિ 2017માં કરાચીથી પ્રકાશિત કરવામાં આવી હતી.

1996ની 28 સપ્ટેમ્બરે કરાચીમાં અમીન યુસૂફનું મોત થયું હતું અને તેમને કરાચીના જ એક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.

મહમદ ખાન ડાકુ

1960ના દાયકામાં પંજાબમાં વધુ એક ડાકુ કાલ્પનિક કથાઓ જેવી ખ્યાતિ પામ્યો હતો. તેનું નામ મહમદ ખાન હતું.

મહમદ ખાનનો જન્મ 1927માં ઢરનાલમાં થયો હતો. તે સૈન્યમાં હવાલદાર હતો, પરંતુ તેની કોમમાં થયેલા ઝઘડામાં તેના ભાઈની હત્યા કરવામાં આવી ત્યારે ભાઈના મોતનો બદલો લેવા માટે મહમદે તેના એક પછી એક વિરોધીઓની હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો.

પોલીસે તેને ભાગેડુ ગુનેગાર જાહેર કર્યો હતો. મહમદ ફરાર હતો એ દરમિયાન તેના વિરોધીઓએ તેના વધુ એક ભાઈની પણ હત્યા કરી હતી. એ પછી મહમદ બદલાની આગમાં આંધળો થઈ ગયો હતો.

તેણે પોતાની ટોળકી બનાવી હતી અને વિરોધીઓની હત્યા કરવાનું તથા લૂંટફાટ શરૂ કરી હતી. કેટલાકની હત્યા તો તેણે પોલીસ તથા વિરોધીઓને જણાવીને કરી હતી.

તેનો એટલો જોરદાર પ્રભાવ હતો કે મામૂલી સિપાઈથી માંડીને ક્ષેત્રના પોલીસવડા સુધીની કોઈ વ્યક્તિ તેની પરવાનગી વિના ગામમાં દાખલ થઈ પ્રવેશી શકતી ન હતી. કાલા બાગના નવાબ અમીર મહમદ સાથે તેને ગાઢ સંબંધ હતો અને નવાબ મલિક પશ્ચિમી પાકિસ્તાનના ગવર્નર હતા ત્યાં સુધી કોઈ સત્તાધારી મહમદને આંગળી અડાડી શક્યો ન હતો. 1963થી 1966 સુધી તે તેની રિયાસતનો બેતાજ બાદશાહ હતો.

1965ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મહમદે તેના વિસ્તારના તમામ બીડી સભ્યો અને ચૅરમૅનના વોટ અય્યુબ ખાનને અપાવ્યા હતા. કાલા બાદના નવાબ ગવર્નર પદેથી હટ્યા પછી મહમદની ધરપકડ કરવામાં આવી હતી.

1968ની 12 સપ્ટેમ્બરે મહમદ ખાન ઢરનાલને ચાર વખત મૃત્યુદંડ અને 149 વર્ષના આકરા જેલવાસની સજા કરવામાં આવી હતી. આ ચુકાદાને તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને પોતાનો કેસ જાતે લડ્યા હતા.

તેમણે કોર્ટમાં સાબિત કર્યું હતું કે તેમની સામેના બધા કેસ તપાસ અધિકારીએ વ્યક્તિગત દુશ્મનાવટને લીધે કર્યા છે અને તમામ આરોપ મનઘડંત છે.

તેઓ અદાલતમાંથી એવું કહીને નીકળ્યા હતા કે મારા નસીબમાં જે લખ્યું હશે એ થશે, પરંતુ અદાલતે મારી વાત સાંભળી તેનો મને સંતોષ છે. હાઈકોર્ટે મહમદ ખાનને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યા હતા, પરંતુ બાકીની બન્ને સજા યથાવત્ રાખી હતી.

1976ની 8 જાન્યુઆરીએ તેમના ફાંસી પર લટકાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ એ સજાના અમલની પાંચ મિનિટ પહેલાં હાઈકોર્ટે તેની સામે સ્ટે ઓર્ડર આપ્યો હતો.

1978માં તેમની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં પરિવર્તિત કરવામાં આવી હતી અને બેનઝીર ભુટ્ટોના કાર્યકાળ દરમિયાન 60થી વધુ વર્ષના કેદીઓની સજા માફ કરવાની જાહેરાત પછી મહમદ ખાન જેલમાંથી મુક્ત થયો હતો.

1995ની 29 સપ્ટેમ્બરે તેનું મોત થયું હતું અને તેને તેમના ચકવાલ જિલ્લાના તિલા ગંગ તાલુકાના પૈતૃક ગામ ઢોક મસાયબમાં દફનાવવામાં આવ્યો હતો.

મહમદ ખાન જીવતો હતો ત્યારે જ તેના જીવન પર આધારિત એક પંજાબી ફિલ્મ કૈફી નામના એક દિગ્દર્શકે બનાવી હતી. તેનું ફિલ્મનું નામ મહમદ ખાન હતું અને તેમાં મુખ્ય ભૂમિકા સુલતાન રાહીએ ભજવી હતી. જોકે, નબળી સ્ક્રિપ્ટને લીધે એ ફિલ્મ બહુ ચાલી ન હતી.