You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર : વૉટ્સઍપ પર આવેલા એ મૅસેજમાં શું હતું જેને કારણે પત્રકારોએ નોકરી છોડી દીધી
- લેેખક, મજીદ જહાંગીર
- પદ, બીબીસી હિન્દી માટે, શ્રીનગરથી
ભારત પ્રશાસિત કાશ્મીરમાં કેટલાક પત્રકારોને ચરમપંથીઓ દ્વારા ઑનલાઈન ધમકી આપવામાં આવી છે. તેમણે પત્રકારો પર આરોપ લગાવ્યો છે કે તેઓ કાશ્મીરમાં સેના અને પોલીસ માટે કામ કરી રહ્યા છે, એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે પત્રકારો ભાજપ જે કંઈ કહે છે તેને આગળ વધારી રહ્યા છે.
આ ધમકીઓ પછી, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચ પત્રકારોએ તેમની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. સ્થાનિક અંગ્રેજી અખબાર 'રાઇઝિંગ કાશ્મીર'ના ત્રણ પત્રકારોએ સોશિયલ મીડિયા પર નોકરીમાંથી રાજીનામું આપવાની વાત લખી છે.
પોલીસે આ સંદર્ભે શ્રીનગરના શીરગરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે. પોલીસનું કહેવું છે કે, "કાશ્મીરમાં કામ કરતા પત્રકારોને ઑનલાઈન ધમકીઓ આપવા બદલ લશ્કરે તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે."
આ ધમકી લેખિતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વૉટ્સએપ અને ટેલિગ્રામ પર અપલોડ કરવામાં આવી છે અને અપલોડ કરાયેલા પોસ્ટરમાં કેટલાક પત્રકારોના નામ પણ લખવામાં આવ્યા છે.
પત્રકારોને આપવામાં આવેલી ધમકીઓ ‘કાશ્મીરફાઈટ.કૉમ’ નામના પ્લૅટફૉર્મ પરથી આપવામાં આવી છે. તે ધમકીભર્યા પત્રમાં 12 પત્રકારોના નામ સામેલ છે જ્યારે બીજા પત્રમાં 11 પત્રકારોના નામ સામેલ છે.
કાશ્મીરફાઈટ.કૉમ નામની આ વેબસાઈટને ઈન્ટરનેટ પર કાશ્મીરમાં બ્લૅક લિસ્ટ કરવામાં આવી છે.
રાઇઝિંગ કાશ્મીરના એક સંપાદકે નામ જાહેર નહીં કરવાની શરતે બીબીસીને પુષ્ટિ આપી હતી કે ધમકીઓ પછી તેમના અખબારના ચાર પત્રકારો અને એક ક્લાર્કે તેમની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ ધમકીઓ પછી પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવ્યાં છે, ત્યારે તેમણે કહ્યું કે, "પોલીસ અમને સંપૂર્ણ સહકાર આપી રહી છે. પોલીસ અમને દરેક રીતે સાથ આપી રહી છે. જે પત્રકારોને ધમકી આપવામાં આવી છે, તેમને પોલીસે બોલાવીને કહ્યું છે કે તમારે જે જોઈએ તે અમે આપવા તૈયાર છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું હતું કે,"અમને સમજાતું નથી કે અમને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે?"
તેમણે એમ પણ કહ્યું કે યાદીમાં તેમના મૅનેજરનું નામ પણ લખવામાં આવ્યું છે, જેમને પત્રકારત્વ સાથે કોઈ લેવાદેવા નથી.
જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેમણે બે નવા પત્રકારોને નોકરી આપી છે.
પોલીસની સાવચેત રહેવાની સલાહ
અન્ય એક પત્રકારે પણ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે ધમકીભર્યા પત્ર બાદ તેમનામાં એક ડર પેદા થઈ ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે પોલીસે તેમને સાવચેત રહેવાની સલાહ આપી છે.
તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, "જેના નામ પત્રમાં સામેલ છે, તેમાંથી કોઈ પત્રકાર કોઈ સુરક્ષા એજન્સી માટે કામ કરે તો મને કહો."
આ રિપોર્ટમાં તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પત્રકારોના નામ લખવામાં આવ્યા નથી, કેટલાક પત્રકારોએ બીબીસી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
શ્રીનગરના એસપી રાકેશ બલવાલે ફોન પર બીબીસીને જણાવ્યું કે પોલીસ ઑનલાઈન ધમકીઓને પગલે કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે.
તેમણે એમ પણ કહ્યું કે જે પત્રકારોને ધમકી આપવામાં આવી છે તેમની સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષાના કારણોસર કેટલીક માહિતી શેર કરી શકતા નથી.
ગુરુવારે એક ટ્વીટમાં શ્રીનગર પોલીસે મીડિયા સંસ્થાઓને કહ્યું છે કે તેઓ એવા પત્રકારોના નામ જાહેર ન કરે જેમના નામ "ધમકીભર્યા પત્ર"માં લખવામાં આવ્યા છે.
પત્રકારોને ઉગ્રવાદીઓ દ્વારા ધમકી આપવામાં આવી હોય એવું અગાઉ પણ બન્યું છે.
વર્ષ 2018 માં પણ, કાશ્મીરફાઇટ.કોમ પરથી કાશ્મીરના ઘણા પત્રકારોને ધમકી આપવામાં આવી હતી. તે ધમકીઓ પછી વર્ષ 2018માં, રાઇઝિંગ કાશ્મીર અંગ્રેજી અખબારના સંપાદક શુજાત બુખારીને ચરમપંથીઓએ ગોળી મારી દીધી હતી.
વર્ષ 1989માં કાશ્મીરમાં ચરમપંથી હિંસા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં અનેક પત્રકારોની હત્યા કરવામાં આવી છે.
પત્રકારો સમક્ષ પડકારો
છેલ્લા 33 વર્ષમાં કાશ્મીરના પત્રકારોએ અનેક પડકારોનો સામનો કર્યો છે. અહીં કામ કરતા પત્રકારોનું પણ અપહરણ કરવામાં આવ્યું હોય એવું ઘણી વખત બન્યું છે.
કાશ્મીરના પત્રકારો માટે કામ કરતી સંસ્થા કાશ્મીર પ્રેસ ક્લબ (કેપીસી)ને સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં અનેક વિવાદો બાદ બંધ કરી દીધી હતી. આ એકમાત્ર સંસ્થા હતી જે પત્રકારો માટે અવાજ ઉઠાવતી હતી.
હાલમાં, કાશ્મીર ખીણમાંથી અંગ્રેજી, ઉર્દૂ અને કાશ્મીરી ભાષાઓમાં કુલ 226 અખબારો પ્રકાશિત થાય છે. આ સિવાય કેટલાક ન્યૂઝ પોર્ટલ અને ન્યૂઝ એજન્સીઓ પણ કામ કરે છે.
સોશિયલ મીડિયાના કારણે અખબારોના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં પ્રેસને લાંબા સમય સુધી ઈન્ટરનેટ શટડાઉનનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સરકારે પત્રકારો માટે મીડિયા સેન્ટર બનાવ્યું હતું, જ્યાં સેંકડો પત્રકારોએ થોડાક કૉમ્પ્યુટર પર કામ કરવું પડતું હતું. તે સમયગાળો અહીંના પત્રકારો માટે મુશ્કેલ રહ્યો હતો.
કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં લાંબા સમય સુધી ઈન્ટરનેટ બંધ રહ્યું હતું.
એટલું જ નહીં, 5 ઑગસ્ટ, 2019 પછી કાશ્મીરમાં કોઈપણ સ્થળેથી પણ રિપોર્ટિંગ કરવું સરળ કામ નહોતું. શ્રીનગરથી 50 કિલોમીટરનું અંતર કાપવા માટે પત્રકારોને સુરક્ષા દળો દ્વારા ડઝનેક સ્થળોએ તપાસ અને પ્રશ્નોત્તરીમાંથી પસાર થવું પડતુ હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં પત્રકારોને જ ઉગ્રવાદીઓ દ્વારા ધમકીઓ આપવાની સાથેસાથે પોલીસે પણ ઘણા પત્રકારોને તેમના કામ માટે તેમની ઓફિસમાં બોલાવ્યા અને તેમની પૂછપરછ પણ કરી.
જાહેર સુરક્ષા અધિનિયમ
વર્ષ 2022માં, પોલીસે કાશ્મીરમાંથી બે પત્રકારોની ધરપકડ કરી અને તેમના પર પબ્લિક સેફ્ટી ઍક્ટ (પીએસએ) લાદ્યો. તેમની ધરપકડ સમયે, પોલીસે કહ્યું હતું કે 'તેઓ ફૅક ન્યૂઝ ફેલાવે છે અને 'દેશ વિરોધી' સામગ્રી શેર કરે છે.’
કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાંથી પ્રકાશિત થતા અખબારોમાં સંપાદકીય પૃષ્ઠો પર રાજકીય અભિપ્રાયોવાળા લેખોનું પ્રકાશન લગભગ બંધ થઈ ગયું છે. નિષ્ણાતો કહે છે કે ઘણા પત્રકારો એવા અહેસાસ સાથે કામ કરી રહ્યા છે કે સરકાર તેમના પર ઝીણી નજર રાખી રહી છે અને ઘણા મુદ્દાઓને રિપોર્ટ જ નથી કરવા માંગતા.
તાજેતરના દિવસોમાં, કાશ્મીરના બે પત્રકારોને ભારતમાંથી વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
કાશ્મીરનાં પુલિત્ઝર ઍવોર્ડ વિજેતા મહિલા પત્રકાર સના ઈર્શાદને દિલ્હી ઍરપૉર્ટ પરથી વિદેશ જવાની મંજૂરી નહોતી અપાઈ અને તેમને ઍરપૉર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યાં હતાં.
અન્ય કાશ્મીરી પત્રકાર આકાશ હસનને પણ દિલ્હી ઍરપૉર્ટ પર રોકવામાં આવ્યા હતા. આકાશના કહેવા મુજબ તે સમયે તે રિપોર્ટિંગ માટે શ્રીલંકા જઈ રહ્યા હતા.
તે જ વર્ષે પોલીસે ઘણા પત્રકારોના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા અને તેમના મોબાઈલ અને લેપટૉપ ઝપ્ત કર્યા હતા.
કાશ્મીરના ઓછામાં ઓછા બે વરિષ્ઠ પત્રકારોએ "ધમકીભર્યા પત્ર" પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.