You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Indian Air Force Day : કારગિલના યુદ્ધમાં ઇન્ડિયન ઍરફૉર્સે પરવેઝ મુર્શરફની યોજના ઊંધી વાળી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કૅપ્ટન વિક્રમ બત્રા, લેફટનન્ટ મનોજ પાંડે, ગ્રૅનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ, રાયફલમૅન સંજય કુમાર એવાં નામો છે કે જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન અભૂતપૂર્વ બહાદુરી બતાવી અને પરમવીર ચક્રના હકદાર બન્યાં.
આ સિવાય પણ કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના જવાનોને મહાવીર ચક્ર, વીર ચક્ર એનાયત થયા, પરંતુ આ કહાણીઓની ચર્ચામાં એક ભાગ લગભગ ભૂલાઈ જ જાય છે, ભારતીય વાયુદળ.
ભારતીય સરહદમાં પ્રવેશેલા ઘૂસણખોરોને બહાર કાઢવા માટે ભારતીય સેના દ્વારા 'ઑપરેશન વિજય' હાથ ધરવામાં આવ્યું હતું, તેની સાથોસાથ વાયુદળે 'ઑપરેશન સફેદ સાગર' હાથ ધર્યું, જેણે સેનાના જવાનોનું કામ સરળ બનાવી દીધું.
વાયુદળ માટે આ અભિયાન સરળ ન હતું, દરિયાથી 18 હજાર ફૂટની ઊંચાઈએ કારગત હોય તેવાં હથિયારને કામે લગાડવાનાં તથા દુશ્મનને સાથ આપે તેવા ભૌગોલિક વિસ્તારનો પણ સામનો કરવાનો.
'ઑપરેશન સફેદ સાગર'
મે મહિનાના પહેલા પખવાડિયા દરમિયાન ભારતની પેટ્રોલિંગ પાર્ટી ઉપર ઘૂસણખોરોએ હુમલો કર્યો, સ્થિતિની સમીક્ષા કરતાં સેનાના ઉચ્ચ અધિકારીઓને ગંભીરતા સમજાઈ કે ઘૂસણખોરોએ કારગિલ, દ્રાસ તથા બટાલિક સૅક્ટરમાં ઘૂસણખોરી કરી છે. વળતી કાર્યવાહી માટે સેનાએ 'ઑપરેશન વિજય' શરૂ કરી દીધું.
1961માં ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગિઝોને હઠાવવા માટે ભારતે જે અભિયાન હાથ ધર્યું હતું, તેને પણ 'ઑપરેશન વિજય' જ નામ આપ્યું હતું.
શરૂઆતમાં ભારતીય સેનાએ પોતાનાં લામા હેલિકૉપ્ટર દ્વારા ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી ઇચ્છિત પરિણામ ન મળ્યાં. ભારતીય હેલિકૉપ્ટર એટલી નીચી ઉડ્ડાણે ઉડી રહ્યું હતું કે નીચે રહેલા પાકિસ્તાની સેનાના કૅપ્ટન ઇફ્તેખારને પાઇલટનો બિલ્લો પણ દેખાતો હતો.
કારગિલની ઉપર પુસ્તક 'વિટનેસ ટુ બ્લન્ડર - કારગિલ સ્ટોરી અનફૉલ્ડ્સ' લખનાર પાકિસ્તાની સેનાના રિટાયર્ડ કર્નલ અશફાક હુસેને બીબીસીને જણાવ્યું હતું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કૅપ્ટન ઇફ્તેખાર સાથે મારી વાત થઈ હતી. તેમણે મને જણાવ્યું કે બીજા દિવસે ફરી ભારતનું લામા હેલિકૉપ્ટર આવ્યું અને તેણે આઝમ, તારિક તથા તશફીન ચોકીઓ ઉપર ગોળીબાર કર્યો હતો. "
"કૅપ્ટન ઇફ્તેખારે બટાલિયન હેડક્વાર્ટર પાસે ભારતીય હેલિકૉપ્ટર પર વળતો ગોળીબાર કરવા માટે મંજૂરી માગી હતી, પણ તેમને મંજૂરી મળી નહોતી. તેના કારણે ભારતીયો માટે 'સરપ્રાઇઝ ઍલિમૅન્ટ' ખતમ થઈ જાય એમ હતું."
11મી મેના દિવસે સેનાની ઉત્તર કમાન્ડના ઉચ્ચ અધિકારીઓએ સેનામુખ્યાલય મારફત હેલિકૉપ્ટર ગનશિપની મદદ માગી. આ માગ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી.
પરંતુ ધરાતલના સ્પષ્ટ ચિત્રના અભાવે તથા પરિસ્થિતિ વકરી જવાની આશંકાએ વાયુદળને સામેલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એક પખવાડિયા સુધી ભારતીય સેના હવાઈ સંરક્ષણ અને સાથ વગર લડતી રહી.
પરંતુ ભારતીય વાયુદળે પોતાની રીતે સ્થિતિનું આકલન કરીને વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું હતું.
અંતે તા. 25મી મે 1999ના રોજ ભારતની 'કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી'એ હવાઈ હુમલાને લીલીઝંડી આપી દીધી. સરકાર ઇચ્છતી હતી કે ભારતીય વાયુદળ દ્વારા માત્ર અને માત્ર ઍટેક હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવે.
વાયુદળના તત્કાલીન વડા એ. વાય. ટિપનીસ સરકારને એ વાત સમજાવવામાં સફળ રહ્યા કે ઍટેક હેલિકૉપ્ટર ઉપરાંત ફાઇટર જેટની પણ જરૂર પડશે.
કચવાતા મને સરકાર આ માટે સહમત થઈ, સાથે જ કોઈ પણ સંજોગોમાં લાઇન ઑફ કંટ્રોલ પાર ન કરવા માટે સૂચના આપવામાં આવી.
આ સાથે જ પહાડોની વચ્ચે, હિમાચ્છાદિત જમીન ઉપર શરૂ થયું 'ઑપરેશન સફેદ સાગર', જેણે યુદ્ધનું પાસું પલટવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
શરૂઆતમાં જ નુકસાન
બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે, તા. 26મી મેના દિવસે સવારે સાડા છ કલાકે ભારતીય વાયુદળનાં વિમાનો તથા ફાઇટર હેલિકૉપ્ટરોએ છ ઉડ્ડાણ ભરી અને એલ.ઓ.સી.ની ભારતની બાજુએ ઘૂસણખોરોના ત્રણ ઠેકાણાં ઉપર હુમલા કર્યા.
ભારતે પાકિસ્તાનસમર્થિત ઘૂસણખોરો બહાર ન નીકળી જાય ત્યાં સુધી બૉમ્બમારો ચાલુ રાખવાનું એલાન કર્યું, તો બીજી બાજુ, પાકિસ્તાને પણ ખુદની રક્ષા માટે દરેક પગલાં લેવાની વાત કહી.
વાયુદળના હુમલાને કારણે ધરાતલ ઉપર સૈનિકોનું તથા અધિકારીઓનું મનોબળ વધ્યું, પરંતુ બીજા જ દિવસે બેવડો ફટકો પડ્યો.
ભારતીય વાયુદળના વિમાન ફ્લાઇટ લેફટનન્ટ કમ્બમપતિ નચિકેતા મિગ-27 વિમાન મારફત 17 હજાર ફૂટની ઊંચાઈએથી 80 મિલિમીટરનાં રૉકેટ દુશ્મનોનાં ઠેકાણાં ઉપર છોડી રહ્યા હતા, એવા સમયે તેમનું એન્જિન ખોટવાઈ ગયું અને તેમને યુદ્ધકેદી તરીકે પકડી લેવામાં આવ્યા.
તેમની સાથે જ ઉડ્ડાણ ભરનાર સ્ક્વૉડ્રન લીડર અજય આહુજા નીચે પોતાના સાથી ફ્લાઇટ લેફટનન્ટ કે. નચિકેતાને શોધી રહ્યા હતા ત્યારે તેમના મિગ-21 વિમાનને સ્ટ્રિંગર મિસાઇલ વાગી. જે ખભ્ભા ઉપરથી છોડી શકાય તેવી હોય છે. તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને તેમણે ઉતરાણ કર્યું.
એક અઠવાડિયા સુધી ફ્લાઇટ લેફટનન્ટ કે. નચિકેતા પાકિસ્તાનના કબજામાં રહ્યા, જ્યાં તેમના ઉપર દમન ગુજારવામાં આવ્યો. બાદમાં ઇન્ટરનેશનલ રેડક્રોસ મારફત તેમને ભારતને સોંપી દેવાયા. 20 વર્ષ બાદ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના સ્વરુપમાં એ દૃશ્યોનું વધુ એક વખત પુનરાવર્તન થયું.
સ્કવૉડ્રન લીડર અજય આહુજાના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું કે તેમને ગોળી લાગી હતી, જેના પરથી ભારત વાયુદળના અધિકારીઓએ તેમને જીવતા પકડ્યા બાદ ગોળી મારવામાં આવી હોવાનું તારણ કાઢ્યું અને વધુ સજ્જડ મિશન હાથ ધરવાનો હુંકાર કર્યો.
જોકે, બીજા દિવસે સ્ટ્રિંગર મિસાઇલને કારણે ભારતનું એમ.આઈ.-17 હેલિકૉપ્ટર તોડી પડાયું, જેમાં વાયુદળના ચાર સૈનિક મૃત્યુ પામ્યા. ભારત પાસે એમ.આઈ. 25 તથા 35 હેલિકૉપ્ટર હતાં, પરંતુ તે આવા વાતાવરણમાં કામ આપી શકે તેમ ન હતાં.
વાયુદળના નિષ્ણાતોના કહેવા પ્રમાણે, કારગિલ જેવા વિસ્તારમાં કારગત રીતે કામ કરી શકે તેવાં વિમાન એ સમયે ન હતાં.
નિશાન અને સમસ્યા
યુદ્ધવિમાનો કારગિલ જેવી ભૂગોળ અને વાતાવરણમાં કામ આપવા માટે ડિઝાઇન થયેલાં નથી. હવાનું તાપમાન, ઘનતા ઊંચાઈ જેવાં પરિબળોને નિર્માતા દ્વારા ધ્યાને લેવામાં નથી આવતાં. જેના કારણે કૉમ્પ્યુટરાઇઝ્ડ વિમાન નોંધપાત્ર પરિણામ મેળવી શકતાં નહોતાં.
સામાન્ય રીતે સપાટ જમીન ઉપર એક હજાર પાઉન્ડ વજનનો બૉમ્બ 25 યાર્ડ જેટલો આઘોપાછો પડે, તો તે 'ટાર્ગેટ'ને તોડી ન પાડે તો પણ તેની કમર તો તોડી જ નાખે, પરંતુ પહાડી વિસ્તારમાં અન્ય પરિમાણ બદલી જતાં હોવાથી બૉમ્બ તેના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં અમુક મીટર દૂર પડે તો પણ તે જાણે કિલોમીટર દૂર પડ્યો હોય તેટલી નિશ્ચિંતતાનો અનુભવ કરાવે છે.
આથી પાહાડી વિસ્તારમાં એકદમ પાક્કું નિશાન જ હથિયાર તથા તેની ઘાતકતાને અસરકારક બનાવે.
આથી ટ્રાન્સપૉર્ટ ઍરક્રાફ્ટ, ફાઇટર જેટ, હેલિકૉપ્ટર વગેરે કામે લગાડાયાં, જેણે ઍટેક મિશન, ઍરડિફેન્સ કૉમ્બેટ પેટ્રોલ (દુશ્મનનું વિમાન આવે તો તેને આંતરવાનું કામ કરવાના મિશન ઉપરનું વિમાન), રેકી મિશન (દુશ્મનોની સ્થિતિ, સાધન, હથિયાર તથા સ્થળ વગેરેની આગોતરી માહિતી એકઠી કરવા માટેનું અભિયાન), બેટલ ડૅમેજ ઍસેસમૅન્ટ મિશન વગેરે હાથ ધર્યાં.
જુગાડનો જલવો
પાકિસ્તાનની સેના તથા ઘૂસણખોરોની પાસે સ્ટ્રિંગર મિસાઇલો હતી, જે 'ગરમ ચીજ'ની પાછળ જઈને તોડી પાડે છે. તેનો તોડ કાઉન્ટર મેઝર ડિસ્પેન્સિંગ સિસ્ટમ (CMDS)માં હતો. જ્યારે CMDS દ્વારા ઝબકારો છોડવામાં આવે છે અને સ્ટ્રિંગર મિસાઇલ તેનો માર્ગ ભૂલીને તેની પાછળ પડી જાય છે, જેના કારણે હેલિકૉપ્ટર સલામત રહી શકે છે.
આ સિવાય આર્મર પ્લેટ (મજબૂત બખ્તર) હેલિકૉપ્ટર ઉપર બેસાડીને તેનો તોડ શોધવામાં આવ્યો હતો.
ઍર વાઇસ માર્શલ (રિટાયર્ડ) મનમોહન બહાદુરના કહેવા પ્રમાણે, "હેલિકૉપ્ટર એમ.આઈ.-17ની ગતિ 180 કિલોમીટર આજુબાજુ હોય છે, જ્યારે જેટની ગતિ આઠસોથી 960 કિલોમીટર જેટલી હોય છે."
"જેટ આટલી ગતિએ નિશાન ન બની શકે, જ્યારે હેલિકૉપ્ટર સરળતાથી સ્ટ્રિંગર મિસાઇલનો ભોગ બની શકે છે. આથી એવું નક્કી કરવામાં આવ્યું કે જેટ વિમાન પહેલાં જાય અને હજાર-હજાર રતલના બૉમ્બ ફેંકે."
"જેના કારણે ઘૂસણખોરો માથું ઊંચકી ન શકે. તેની પાછળ પાંચ-પાંચ હેલિકૉપ્ટરનો કાફલો જાય, જે 57 મિલિમીટરના 128-128 રૉકેટ ફેંકે અને કેર વર્તાવે."
જોકે, સમસ્યા અહીં પણ હતી. ભારતીય વાયુદળ પાસે હેલિકૉપ્ટરની ઉપર બેસાડી શકાય તેવી CMDS સિસ્ટમ અને તેનાં બખ્તર ચાર-પાંચ જ હતાં. આથી એવું નક્કી કરવામાં આવ્યું કે કાફલામાં જે પહેલું હેલિકૉપ્ટર જાય તેમાં CMDS સિસ્ટમ તથા બખ્તર બેસાડેલાં હોય, જ્યારે બાકીનાં ચાર હેલિકૉપ્ટર તેની ઓથમાં રહે.
ત્યાં સુધીમાં ભારતીય વાયુદળને પ્રિસિસન લૅસર ગાઇડેડ બૉમ્બ મળી ગયા. આથી હેલિકૉપ્ટર દ્વારા હુમલાની જરૂર ન રહી.
એ સમયે વિંગ કમાન્ડર બિરેન્દ્રસિંહ ધનોઆના યુનિટને માત્ર રેકી મિશન જ હાથ ધરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે બૉમ્બ વરસાવવા માટેની મંજૂરી માગી. રેકર્ડ સમયમાં તેમણે પોતાના સામાન્ય વિમાનને બૉમ્બ વરસાવી શકે તે માટે ટેકનિકલ ફેરફાર દ્વારા સજ્જ કર્યું.
બાદમાં તેમની યુનિટે દિવસે જ નહીં, રાત્રે પણ દુશ્મનો ઉપર બૉમ્બ વરસાવ્યા.
કારગિલ યુદ્ધ દરમિયાન શરૂઆતના દિવસોમાં વાયુદળે એક જ દિવસમાં બે વિમાન ગુમાવ્યાં હતાં. 20 વર્ષ બાદ ફેબ્રુઆરી-2019માં ભારતીય વાયુદળે એક જ દિવસમાં બે વિમાન ગુમાવ્યાં.
મુશર્રફને આજીવન અફસોસ
મુશર્રફ છેક સુધી કહેતા રહ્યા કે પાકિસ્તાનની રાજકીય નેતાગીરીએ તેમને સાથ આપ્યો હોત તો સમગ્ર કહાની જુદી જ હોત.
તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, "ભારતે પોતાના વાયુદળને કામે લગાડીને એક રીતે ઓવર રિએક્ટ કર્યું હતું. તેમણે માત્ર મુજાહિદીનોના અડ્ડા પર જ નહીં, પણ સરહદ પાર કરીને પાકિસ્તાની સેનાની છાવણીઓ પર પણ બૉમ્બમારો શરૂ કર્યો હતો."
ઇન્ડિયન એક્સપ્રેસના ઍસોસિએટ એડિટર સુશાંત સિંહ કહે છે, "ઇરાદો એવો જ હતો કે ભારતના ઉત્તરમાં સૌથી દૂરના છેડાના, સિયાચીન ગ્લેશિયરની લાઇફ-લાઇન ગણાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વન-ડીને વચ્ચેથી કાપીને તેના પર કબજો કરી લેવો."
"લદ્દાખ સુધી આવનજાવન માટે જે માર્ગ જતો હતો તેના ઉપરની ટેકરીઓ પર કબજો કરી લેવો, જેથી સિયાચીન છોડી દેવાની ભારતને ફરજ પડે."
સુશાંત સિંહનું માનવું છે કે 1984માં ભારતે સિયાચીન પર કબજો કરી લીધો હતો તે વાતથી મુશર્રફ ભારે નારાજ હતા. તે વખતે તેઓ પાકિસ્તાની સેનાના કમાન્ડો ફૉર્સમાં મેજર હતા."
"તેમણે ઘણી વખત તે જગ્યાનો ફરી કબજો કરવાની કોશિશ કરી હતી, પણ ક્યારેય સફળ થઈ શક્યા નહોતા."
નસીમ ઝેહરાએ પોતાના પુસ્તક 'ફ્રૉમ કારગિલ ટૂ ધ કૂ'માં લખ્યું છે, "આ હુમલા એટલા ભયાનક અને અચૂક હતા કે પાકિસ્તાની ચોકીઓ 'ચૂરેચૂરા' થવા લાગી હતી. પાકિસ્તાનીઓ કોઈ સાધન-સરંજામ વિના લડી રહ્યા હતા."
"બંદૂકોની જાળવણી બરાબર થઈ નહોતી, તેના કારણે તે લાકડી બનીને જ રહી ગઈ હતી."
ભારતે ઘૂસણખોરો તથા તેમના માર્ગદર્શકોની વચ્ચેની વાતચીતને સાંભળી હતી, જેમાં તેમની પાસે ખાવાની ચીજોનો અભાવ, પાણીનો અભાવ અને હથિયાર ગોળાબારુત ન હોવાની ફરિયાદ કરી હતી. ભારતીય વાયુદળે હુમલા કરીને તેમની સપ્લાય માટેની વ્યવસ્થાને તોડી પાડી હતી.
પૂરક હથિયાર ભોજન અને ગોળાબારુત વગર ઘૂસણખોરો ફસાઈ ગયા હતા.
ભારતીયોએ પણ કબૂલ્યું હતું કે નાના વિસ્તારમાં ભારે તોપમારો કરાયો હતો. એક અખરોટ તોડવા માટે હથોડા મારવામાં આવ્યા હોય તેના જેવી આ વાત હતી.
કારગિલ યુદ્ધમાં કમાન્ડર તરીકે રહેલા લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પુરીનું માનવું છે કે કારગિલમાં વાયુદળની ભૂમિકા વધારે તો મનોવૈજ્ઞાનિક હતી. ઉપર ભારતીય જેટ વિમાનો ગરજતાં દેખાય એટલે પાકિસ્તાની સૈનિકો ડરીને આમતેમ ભાગવા લાગતા હતા.
ભારતીય સેનાએ કારગિલ મામલાને જે રીતે સંભાળ્યો તેની ઘણા લોકોએ ટીકા કરી હતી.
બાદમાં ખુદ કારગિલમાં ફરજ બજાવનારા ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ હરચરણજિતસિંહ પનાગ કહે છે, "હું એવું કહીશ કે પાકિસ્તાનીઓએ બહુ જોરદાર પ્લાન બનાવ્યો હતો. તેમણે ખાલી પડેલા વિશાળ વિસ્તાર પર આગળ વધીને કબજો કરી લીધો."
"તેઓ લેહ-કારગિલ સડક પર છવાઈ ગયા હતા. આ તેમની બહુ મોટી સફળતા હતી."
પનાગ કહે છે, "ત્રીજી મેથી જૂનના પહેલા અઠવાડિયા સુધી આપણી સેનાની કામગીરી 'બિલો પાર' એટલે કે સામાન્ય કરતાં નીચા દરજ્જાની રહી હતી. હું તો ત્યાં સુધી કહીશ કે એક મહિના સુધી આપણી કામગીરી શરમજનક હતી."
"બાદમાં આઠમી ડિવિઝને ચાર્જ લીધો અને તે પછી ખ્યાલ આવ્યો કે આ વિસ્તારમાં કેવી રીતે કામગીરી બજાવવાની છે. તે લોકો શિખર પર કબજો જમાવીને બેઠા હતા અને આપણે તળેટીમાં હતા એટલે સ્પષ્ટ છે આ એક બહુ મુશ્કેલ ઑપરેશન હતું."
પનાગ તે વખતની સ્થિતિને સમજાવતાં કહે છે, "આ એવી વાત થઈ કે કોઈ દાદરા ઉપર ચડી ગયું હોય અને તમારે તેની પાછળ દાદરા ચડીને તેને નીચે ઉતારવાનો હોય."
"બીજી મુશ્કેલી એ હતી કે ઊંચાઈ પર ઓક્સિજન ઓછો હોય છે. ત્રીજું પર્વતમાળા પર હુમલો કરવાની આપણી તાલીમ પણ નબળી હતી."
પાઠ ભણ્યો અને ભણાવ્યો
શરૂઆતના દિવસોમાં ભારતીય સેનાના સ્થાનિક અધિકારીઓએ સેનાના ઉચ્ચ અધિકારીઓને કે રાજનેતાઓને પણ અંધારામાં રાખ્યા હતા અને તેમને 'અન્ય માધ્યમો' થકી આ વાતની જાણ થઈ હતી.
ભારતીય વાયુદળ અને સેના વચ્ચેના સંકલને ઇચ્છિત પરિણામ આપ્યાં હતાં, પરંતુ ભારતીય વાયુદળને જંગલ, રણ, પહાડ તથા હિમાચ્છાદિત વિસ્તાર માટે પોતાના કર્મચારીઓને તૈયાર કરવાની જરૂર જણાઈ.
સેના, નૌકાદળ તથા વાયુદળનાં હથિયાર સમય સાથે તાલ મીલાવે તેવાં નથી એવું છતું થયું અને આધુનિકરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.
કારગિલના યુદ્ધમાં મળેલા પાઠે ભારતીય વાયુદળને ઊંચાઈ ઉપર મિશનને અંજામ આપી શકે તેવાં વિમાનની જરૂરિયાતનો અહેસાસ કરાવ્યો. વાયુદળના સૌથી નવા સભ્ય રફાલ વિમાન કૉલ્ડ એન્જિન સ્ટાર્ટની સવલત ધરાવે છે, જે બરફવાળા વિસ્તારમાં મિશનને અંજામ આપવામાં મદદરૂપ થાય છે.
લડાઈમાં વાયુદળના સામેલ થયા બાદ દુશ્મનો વિશે આગોતરી માહિતી મળવા લાગી. અને વાયુદળના હુમલાને કારણે દુશ્મનની કમર તૂટી જાય તે પછી ભારતીય સેનાના જવાનોનું કામ સરળ થઈ ગયું હતું. બાદમાં એક પણ હુમલો એવો ન હતો કે જે આગોતરા હવાઈ હુમલા વગર થયો હોય.
અગાઉ એવું માનવામાં આવતું હતું કે યુદ્ધના સમયમાં જ વાયુદળનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ 'ઑપરેશન સફેદ સાગર'એ ઍરફૉર્સની ઉપયોગિતા સમજાવી, વર્ષ 2019માં બાલાકોટ વખતે વધુ એક વખત ભારતે વાયુદળનો ઉપયોગ કર્યો અને ઇચ્છિત પરિણામ મેળવવાનો દાવો કર્યો.
કારગિલ યુદ્ધ દરમિયાન આર્મી ફિલ્ડ યુનિટે ભારતીય વાયુદળની પ્રશંસા કરતો પત્ર લખ્યો, "તમે લોકોએ શાનદાર કામ કર્યું છે. તમારા મિરાજ બૉયઝ (પાઇલટો)એ પ્રિસિસન લૅસર ગાઇડેડ બૉમ્બ દ્વારા ટાઇગર હિલ ઉપર દુશ્મનોના બટાલિયન હેડક્વાર્ટર ઉપર જે હુમલો કર્યો, તે ભારે સફળ રહ્યો હતો."
"આ હુમલામાં પાકિસ્તાનના પાંચ અધિકારીઓ માર્યા ગયા છે અને તેમનાં કમાન્ડ ઍન્ડ કંટ્રોલ તૂટી ગયાં છે. અમારા સૈનિકો માટે ટાઇગર હિલ વિસ્તાર ઉપરનો કબજો મેળવવો એકદમ સરળ બની ગયો."
"દુશ્મનોમાં નાસભાગ મચી ગઈ છે અન્ય સૅક્ટરમાં પણ આવી જ સ્થિતિ છે. આ રીતે જ ચાલતું રહ્યું તો આ અથડામણ બહુ વહેલી સમાપ્ત થઈ જશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો