You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતે સોનું ગિરવી મૂકવું પડ્યું અને મનમોહનસિંહે આફતને અવસરમાં પલટાવી
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
24 જુલાઈ, 1991ના દિવસને ભારતની આર્થિક આઝાદીનો દિવસ કહીએ તો ખોટું નહીં ગણાય. ત્રીસ વર્ષ પહેલાં 24 જુલાઈએ રજૂ થયેલું બજેટ ભારતમાં એક મુક્ત અર્થતંત્રનો પાયો નાખનારું ગણાય છે.
ભારતના નિયંત્રિત અર્થતંત્રમાં બધા નિર્ણયો સરકાર જ કરતી હતી. સરકાર નક્કી કરતી હતી કે કઈ ચીજવસ્તુનું કેટલું ઉત્પાદન કરવામાં આવે. તેના માટે કામદારો કેટલા જોઈએ અને તેની કિંમત શું હોવી જોઈએ.
આ સિસ્ટમને 'લાઇસન્સ પરમિટ રાજ'ના નામથી ઓળખવામાં આવતી હતી.
તેની સામે મુક્ત અર્થતંત્રમાં ખાનગી કંપનીઓને મોકળાશ આપવાનો નિર્ણય લેવાયો. ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન, સરકારી રોકાણમાં ઘટાડો અને મુક્ત બજારને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવાયો હતો.
ત્રીસ વર્ષ પહેલાં ભારતે મુક્ત અર્થતંત્રના માર્ગે આગળ વધવા માટે આર્થિક સુધારાની અનેક યોજનાઓની જાહેરાતનો સમાવેશ 24 જુલાઈ, 1991ના બજેટમાં કરાયો હતો.
બજેટની વિશેષતા
- સ્થાનિક બજારમાં કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધારવાની જાહેરાત
- લાઇસન્સ રાજનો અંત, કંપનીઓ પરના ઘણા પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા
- બજેટમાં આયાત-નિકાસ નીતિમાં ફેરફારની શરૂઆત થઈ, જેનો ઉદ્દેશ આયાત લાઇસન્સમાં છૂટછાટ અને નિકાસને વધારવાનો હતો
- બજેટમાં વિદેશી મૂડીરોકાણનું સ્વાગત કરાયું અને જણાવાયું કે સીધા વિદેશી મૂડીરોકાણથી રોજગારી ઊભી થશે
- બજેટમાં સોફ્ટવૅરની નિકાસ માટે આવકવેરા અધિનિયમની કલમ 80HHC હેઠળ ટૅક્સમાં છૂટની જાહેરાત
આ મહત્ત્વના બજેટને આધુનિક ભારતના ઇતિહાસમાં આવેલાં અગત્યનાં પરિવર્તનોમાંનું એક ગણવામાં આવે છે.
તે માટેનું શ્રેય તે વખતના વડા પ્રધાન નરસિંહ રાવ અને તેમના નાણામંત્રી ડૉક્ટર મનમોહન સિંહની જોડીને આપવામાં આવે છે.
મનમોહન સિંહે આ બજેટ રજૂ કરતી વખતે ફ્રાંસના વિચારક વિક્ટર હ્યૂગોના શબ્દો સંસદમાં ટાંક્યા હતા કે, "જેનો સમય આવી ગયો હોય તે વિચારને ધરતી પર કોઈ રોકી શકે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનમોહન સિંહના કહેવાનો ભાવ એ હતો કે ભારત એક અગ્રણી આર્થિક મહાસત્તા તરીકે ઊપસી આવે તેવા વિચાર કરવા માટેનો સમય આવી ગયો છે અને તેને હવે કોઈ રોકી શકે તેમ નથી.
મનમોહન સિંહે ભલે આત્મવિશ્વાસથી ભરપૂર આ શબ્દો કહ્યા, પરંતુ તેનાથી વિપરીત આર્થિક સુધારા કરવા એ ભારત માટે મજબૂરી પણ હતી, કેમ કે દેશ પોતાના ઇતિહાસના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો.
પ્રસારભારતીના ભૂતપૂર્વ ચૅરમૅન સૂર્યપ્રકાશ તે વખતે 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારમાં સિનિયર પત્રકાર હતા.
બીબીસી સાથે વાતચીત કરતાં કહે છે, "મને લાગે છે કે તે એક મજબૂરી હતી પણ કોઈ રાષ્ટ્રના જીવનમાં મજબૂરી આવે ત્યારે તે એક પડકાર હોય છે. તે પડકારનો સ્વીકાર આપણે કરીએ તો પરિવર્તન અને પ્રગતિ તરફ જઈ શકીએ છીએ."
"1991નું સંકટ એવું જ એક સંકટ હતું. બીજું એ કે આ દેશનું એ સૌભાગ્ય હતું કે નરસિંહ રાવ જેવા વરિષ્ઠ નેતા વડા પ્રધાન તરીકે હતા. તેમણે બહુ સમજી વિચારીને જે પગલાં લીધાં તેના કારણે દેશની દશા અને દિશા બધું જ બદલાઈ ગયું."
ભારત અહીં સુધી કેવી રીતે પહોંચ્યું?
ભારતને સ્વતંત્રતા પછી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આર્થિક સુધારાઓની જરૂર જણાતી હતી, પણ તેના માટે રાજકીય પક્ષોમાં સહમતિ થઈ નહોતી. ઇંદિરા ગાંધીએ 1966માં સુધારા માટે નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા.
રાજીવ ગાંધી કમ્પ્યુટર અને કલર ટીવી લઈ આવ્યાં પણ આર્થિક સુધારા પર આગળ વધી શક્યા નહીં.
દરમિયાન ભારતની આર્થિક સમસ્યાઓ વધવા લાગી હતી. 1980ના દાયકામાં સમસ્યાઓ વધારે ઊભી થઈ અને 1990 સુધીમાં સમસ્યાઓ એક ગંભીર આર્થિક સંકટમાં ફેરવાઈ ગઈ હતી. તે વખતે નાણામંત્રી યશવંત સિંહા હતા અને વડા પ્રધાન હતા ચંદ્રશેખર.
બીબીસી સાથે વિશેષ વાતચીતમાં તે વખતના નાણામંત્રી યશવંત સિંહાએ એ સમયને યાદ કરતાં જણાવ્યું કે, "હું તમને યાદ કરાવું કે જાણીતા અર્થશાસ્ત્રી આઈ.જી. પટેલે 1991માં બેંગલુરુમાં એક લેક્ચરમાં કહ્યું હતું કે 80ના દાયકામાં ખાસ કરીને છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે એવી રીતે ખર્ચ કર્યો કે જાણે કંઈ પડી જ ના હોય."
વરિષ્ઠ પત્રકાર શંકર ઐયરના જણાવ્યા અનુસાર 1988માં આઈએમએફે વડા પ્રધાન રાજીવ ગાંધીને જણાવ્યું હતું કે ભારત આર્થિક સંકટ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, તેને રોકવા માટે તમારે એક લૉન લઈ લેવી જોઈએ.
રાજીવ ગાંધી આ સલાહ માનવા તૈયાર હતા, પરંતુ ચૂંટણી નજીક હતી એટલે તેના પર ધ્યાન આપી શકાયું નહીં. તે વખતે પક્ષના બીજા મોટા નેતાઓ પણ તે માટે બહુ તૈયાર નહોતા.
30 વર્ષમાં વિદેશી હૂંડિયામણ
1989માં ચૂંટણી પછી વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર બની. આ સરકારને કાખઘોડી પર ચાલતી સરકાર કહેવાતી હતી, કેમ કે કૉંગ્રેસ અને ભાજપના સમર્થનને કારણે સરકાર ચાલતી હતી.
વીપી સિંહે વડા પ્રધાનપદે બેઠા પછી શરૂઆતના દિવસોમાં જ કહ્યું હતું કે સરકારની તિજોરી ખાલી પડી છે.
વીપી સિંહ સરકારે અનામત માટે મોટી જાહેરાત કરી હતી. અનામતના મુદ્દાને કારણે મોટો રાજકીય વિવાદ થયો હતો અને દોઢ જ વર્ષમાં તેમની સરકાર પડી ભાંગી હતી.
ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા, નાણામંત્રી તરીકે યશવંત સિંહા આવ્યા અને સરકારમાં આર્થિક સલાહકાર તરીકે ડૉક્ટર મનમોહન સિંહ પણ હતા.
જોકે ત્યાં સુધીમાં આર્થિક સંકટ ગંભીર થઈ ગયું હતું. મનમોહન સિંહે પત્રકાર શેખર ગુપ્તાને ઇન્ટરવ્યૂ આપ્યો તેમાં એ સમયને યાદ કરતાં કહ્યું હતું કે, "ભારત સંકટમાં હતું. ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા અને તેમણે મને આર્થિક સલાહકાર તરીકે મદદ કરવા કહ્યું હતું. મેં વિચારવાનું શરૂ કરી દીધું હતું કે શું રસ્તો કાઢી શકાય."
રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે નવા નાણામંત્રી બનેલા યશવંત સિંહા સામે પડકારો વધી રહ્યા હતા.
તેમણે આ વિશે વાતચીત કરતાં બીબીસીને કહ્યું કે, "હું ડિસેમ્બર 1990માં નાણામંત્રી બન્યો ત્યારે ભારતમાં વિદેશી હૂંડિયામણની અનામત ઘટીને માત્ર બે અબજ ડૉલર થઈ ગઈ હતી. તેનો અર્થ એ થયો કે તે વખતે ભારત પાસે વિદેશી હૂંડિયામણની માત્ર એટલી અનામત હતી, જેનાથી ફક્ત બે અઠવાડિયાં આયાતનું બિલ ભરી શકાય."
સોનું ગિરવી રાખવામાં આવ્યું
તે વખતે ભારત દેવાદાર દેશ બન્યો હતો અને હજી વધારે દેવું કરવું જરૂરી હતું.
ભારત પર ઘણા દેશોની શૉર્ટ ટર્મ લૉનનો બોજ પણ હતો, જેનો હપ્તો લગભગ 5 અબજ ડૉલરનો હતો. ધિરાણ પરનું વ્યાજ પણ ચૂકવી શકાય તેમ નહોતું.
યશવંત સિંહા કહે છે, "હું નાણામંત્રી બન્યો તેની પહેલાં જ પાંચ અબજ ડૉલરની શૉર્ટ ટર્મ લૉન લેવામાં આવી હતી. એટલે કે 30થી 90 દિવસ માટેનું જ દેવું હતું. તે મુદ્દત પૂરી થાય એટલે ભરપાઈ કરવાનું હતું, પરંતુ આપણી પાસે વિદેશી હૂંડિયામણની અનામત લગભગ નહીં જેવી હતી. અમને લાગ્યું કે આના કારણે ક્યાંક આપણે ડિફૉલ્ટર ના બની જઈએ."
તેમના જણાવ્યા અનુસાર ગંભીર આર્થિક સંકટની શરૂઆત બૅલેન્સ ઑફ પૅમેન્ટમાં અસંતુલન સાથે થઈ અને બાદમાં તે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ તરીકે ગંભીર સ્થિતમાં આવી ગઈ.
આથી કેન્દ્ર સરકારે દાણચોરો પાસેથી કબજે કરાયેલાં સોનાના જથ્થાને સ્વિટ્ઝર્લૅન્ડની એક બૅન્કમાં ગિરવી મૂક્યો. આ પગલું ચુપચાપ લેવામાં આવ્યું હતું, અને વિવાદો પછીય તેનાથી કંઈ મોટી આર્થિક રાહત મળી નહોતી.
થોડા મહિના પછી નરસિંહ રાવ સરકારે આરબીઆઈમાં રહેલા દેશના ગોલ્ડ રિઝર્વને પણ બે વિદેશી બૅન્કોમાં ગિરવી મૂક્યું.
સોનાને વિદેશ મોકલવામાં આવ્યું તે વાત ખાનગી રાખવામાં આવી હતી, પરંતુ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક ઇન્વેસ્ટિગેટિવ પત્રકારે તેનો ઘટસ્ફોટ કર્યો હતો.
હર્ષદ મહેતા કૌભાંડને બહાર લાવવામાં વરિષ્ઠ પત્રકાર સુચેતા દલાલનું નામ લેવામાં આવે છે, તે રીતે 1990-91ના આર્થિક સંકટની વાસ્તવિકતાને સામે લાવવા માટે પત્રકાર શંકર ઐયરનું નામ લેવામાં આવે છે.
ભારત સરકારના આ વિવાદાસ્પદ પગલે ખુલ્લું પાડવાનું કામ તેમણે જ કર્યું હતું.
બીબીસી સાથે વાતચીત કરતાં તેઓ કહે છે, "પરિવારમાં મોટું આર્થિક સંકટ આવે ત્યારે સૌથી છેલ્લે ગૃહિણીઓનું સોનું ગિરવી રાખવામાં આવે છે. મારા અહેવાલના કારણે લોકોને પ્રથમ વાર દેશનું આર્થિક સંકટ કેટલું ગંભીર છે તેનો ખ્યાલ આવ્યો."
દેશનું સોનું 40 કરોડ ડૉલરની લૉન માટે ગિરવી રખાયું હતું. આજે મોટા ઉદ્યોગપતિ માટે આ નાની રકમ લાગે. તે વખતનાં વિપક્ષના નેતાઓ અને અખબારોએ યશવંત સિંહા અને ચંદ્રશેખરની ખૂબ જ ટીકાઓ કરી.
યશવંત સિંહા તે દિવસો યાદ કરતાં જણાવે છે, "મને એ પણ યાદ છે કે હું ચૂંટણી લડવા માટે પટના ગયો હતો. નાણા મંત્રાલયના એક અધિકારી મારી સહી લેવા માટે આવ્યા હતા. સોનું ગિરવી મૂકવાનો નિર્ણય સરકારનો હતો, સરકારની બહાર રાજીવ ગાંધી હતા તેમની પણ સહમતિ હતી એટલે મેં દરખાસ્ત પર સહી કરી હતી."
તેના કારણે પોતાની બહુ બદનામી થઈ એમ તેઓ પોતે જ કહે છે, "અમારા હરીફોએ ચૂંટણીસભાઓમાં આની બહુ ટીકાઓ કરી અને એવું કહેવાયું કે જુઓ આ જ માણસ છે, જેમણે દેશનું સોનું ગિરવી મૂકવાનું કામ કર્યું."
અખાતનું યુદ્ધ અને ખનીજતેલનું સંકટ
ભારત સરકારે સોનું ગિરવી રાખ્યું, પણ તેનાથી ખાસ કોઈ ફાયદો થયો નહીં. આર્થિક સંકટ વધતું ગયું.
દરમિયાન અખાત યુદ્ધ પણ શરૂ થયું. તેનાથી ભારતને બે રીતે અસર થઈ, રાજકીય રીતે ભારત સામે એ વિમાસણ આવી કે નીકટના મિત્ર ઇરાકને સાથ આપવો કે અમેરિકાને.
બીજી મુશ્કેલી એ આવી કે ક્રૂડઑઈલની કિંમતો વધવા લાગી. યુદ્ધ પહેલાં ભારતે ખનીજતેલની આયાત પાછળ દર મહિને 500 કરોડ રૂપિયાનો ખર્ચવા પડતા હતા. પરંતુ યુદ્ધ પછી હવે દર મહિને 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો હતો.
ચંદ્રશેખર સરકારે આર્થિક સંકટનો સામનો કરવા માટે આઈએમએફનો સંપર્ક કરવો પડ્યો.
શંકર ઐયર કહે છે, "લઘુમતી ધરાવતી સરકાર હોવા છતાં તેમણે (ચંદ્રશેખરે) હિંમતભર્યો નિર્ણય લીધો. આઈએમએફમાં અમેરિકા તરફથી આપણને સહકાર મળતો નહોતો. તે વખતે સુબ્રમણ્યમ સ્વામી વાણિજ્યમંત્રી હતા. ચંદ્રશેખરે તેમને કહ્યું કે તમે અમેરિકાના વિદેશ મંત્રાલય સાથે વાત કરીને અમેરિકાનો સહયોગ મેળવો."
અમેરિકા અખાતના યુદ્ધમાં હુમલા માટે વિમાનો મોકલે તેને વળતા બળતણ ભરવા માટે ભારતના ઍરપૉર્ટની જરૂર હતી. સ્વામી તેની છૂટ આપવા તૈયાર થઈ ગયા.
શંકર ઐયર કહે છે, "જે દિવસે સમજૂતી થઈ અને પ્રથમ વિમાન ભારતમાં ઊતરીને બળતણ મેળવી શક્યું, તેના ચાર કે પાંચ દિવસ પછી આઈએમએફ તરફથી ભારતને બેઇલ આઉટ પૅકેજ આપવા માટે સહીસિક્કા થઈ ગયાં."
ચંદ્રશેખર અને સુબ્રમણ્યમ સ્વામીની સમજદારીને આમાં હતી ખરી, પણ સાથે જ ભારતની આર્થિક મજબૂરી પણ હતી. આઈએમએફ સિવાય બીજું કોઈ ભારતને ધિરાણ આપવા તૈયાર નહોતું.
ડૉક્ટર મનમોહન સિંહની ભૂમિકા
આઈએમએફે લૉન આપી પણ તેની સાથે કુલ 25 શરતો રાખી હતી, જેમાં ભારતના અર્થતંત્રને મુક્ત કરવા તથા સરકારી કંપનીઓના ખાનગીકરણનો પણ સમાવેશ થતો હતો.
મે 1991માં લોકસભાની ચૂંટણી યોજાઈ. રાજીવ ગાંધીએ નરસિંહ રાવને લોકસભાની ટિકિટ પણ આપી નહોતી અને તેઓ રાજકીય નિવૃત્તિ ભણી જઈ રહ્યા હતા.
જોકે નિયતિને આ મંજૂર નહોતું. ચૂંટણીપ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ. કૉંગ્રેસના નેતા તરીકે નરસિંહ રાવની પસંદગી થઈ. બહુમતી માટે જરૂરી સાંસદોનો ટેકો તેમણે મેળવ્યો અને સરકાર બનાવી.
નાણામંત્રી તરીકે તેમની પ્રથમ પસંદગી અર્થશાસ્ત્રી આઈજી પટેલ હતા, પરંતુ તેમણે પ્રધાનપદું સ્વીકારવા ના પાડી હતી. તે પછી હવે વડા પ્રધાન રાવની નજર ચંદ્રશેખર સરકારના આર્થિક સલાહકાર મનમોહન સિંહ પર પડી. બાદમાં તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચૅરમૅન બન્યા હતા.
શંકર ઐયરના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓમાં મનમોહન સિંહની પ્રતિષ્ઠા હતી અને વડા પ્રધાન રાવ તેમને નાણામંત્રી બનાવીને આંતરરાષ્ટ્રીય બૅન્કો પાસેથી સરળતાથી ધિરાણ લેવા માગતા હતા.
મનમોહન સિંહ નાણામંત્રી બનવા તૈયાર થયા અને નરસિંહ રાવે તેમને સતત સાથ આપ્યો.
સૂર્યપ્રકાશ કહે છે, "અર્થતંત્રને મુક્ત કરવાના પ્રયાસો સામે ડાબેરી સાંસદો મનમોહન સિંહ પર પ્રહારો કરતા હતા. નરસિંહ રાવ તેમની પાછળ મજબૂતીથી ઊભા રહ્યા. તેમણે કહ્યું કે અમે તમારી સાથે છીએ, તમે મક્કમ રહેજો. પાંચ વર્ષ નાણામંત્રી તરીકે રહ્યા અને નરસિંહ રાવ તેમને સમર્થન આપતા રહ્યા."
વર્ષો પછી નરસિંહ રાવે પત્રકાર શેખર ગુપ્તાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "ડૉક્ટર મનમોહન સિંહે તેને (આર્થિક સુધારાને) આગળ વધાર્યા અને હું તેમની પાછળ મજબૂત ખડકની જેમ ઊભો રહ્યો."
24 જુલાઈ, 1991નો ઐતિહાસિક દિવસ
નરસિંહ રાવની સરકાર જૂનમાં સત્તામાં આવી અને એક મહિના પછી બજેટ રજૂ થયું તે ઐતિહાસિક સાબિત થયું અને દેશનું નસીબ પલટાયું. તે દિવસ હતો 24 જુલાઈ, વર્ષ 1991નો.
સામાન્ય રીતે બજેટ તૈયાર કરવામાં ત્રણેક મહિના લાગી જતા હોય છે, પરંતુ મનમોહન સિંહ પાસે માત્ર એક જ મહિનાનો સમય હતો.
આટલા ટૂંકા ગાળામાં તૈયાર કરીને તેમણે બજેટ રજૂ કર્યું, જેનાથી લાઇસન્સ પરમિટ રાજના યુગનો અંત આવી ગયો. નિયંત્રિત અર્થતંત્રના દરવાજા ખોલી દેવાયા, ખાનગી કંપનીઓ આવી, વિદેશી કંપનીઓએ પણ પ્રવેશ કર્યો.
નરસિંહ રાવે ઉદ્યોગ મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું. આ મંત્રાલયમાં પણ વધારે ફેરફારોની જરૂર હતી, અને સાથી નેતાઓના વિરોધ છતાં તેમણે એક પછી એક અનેક સુધારા વાણિજ્યમાં દાખલ કર્યા.
આ ફેરફારોનાં પરિણામો ઝડપથી દેખાવાં લાગ્યાં. પૈસો પૈસાને ખેંચીને લાવવા લાગ્યો. કેટલીક સરકારી કંપનીઓનું ખાનગીકરણ થયું. વિદેશી મૂડીરોકાણ આવ્યું.
વિદેશી કંપનીઓ આવવાથી ભારતીય કંપનીઓ મુશ્કેલીમાં મુકાશે અને વિદેશી કંપનીઓ માટે માત્ર લોકલ સપ્લાયર બનીને રહી જશે એવો ભય વ્યક્ત થયો હતો. તેવું ના થયું અને ભારતીય કંપનીઓનો પણ વિકાસ થવા લાગ્યો.
કરોડો નવી રોજગારી ઊભી થઈ અને પહેલી વાર કરોડો લોકો ગરીબીરેખાની ઉપર આવી શક્યા.
યોગ્ય વ્યક્તિ, ખોટો સમય
તે વખતે ભારતીય અખબારોમાં મનમોહન સિંહ હીરો બની ગયા હતા. જોકે સૂર્યપ્રકાશ અને શંકર ઐયર કહે છે કે આર્થિક સુધારાના અસલી હીરો પીવી નરસિંહ રાવ હતા.
1991માં ચંદ્રશેખરની સરકાર પડી ના ગઈ હોત તો આર્થિક સુધારાના હીરો ચંદ્રશેખર અને યશવંત સિંહા બન્યા હોત.
યશવંત સિંહાએ 1991નું બજેટ તૈયાર કરી લીધું હતું અને તેમાં આર્થિક સુધારા માટેના ઘણા નિર્ણયો લઈ લેવાયા હતા.
એ બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ થવાનું હતું, પરંતુ કૉંગ્રેસે ટેકો પાછો લીધો. તેના કારણે યશવંત સિંહાને માત્ર વચગાળાનું બજેટ રજૂ કરવા માટે જ જણાવાયું હતું.
તે સમયગાળાને યાદ કરતાં યશવંત સિંહા કહે છે, "અમારી યોજના હતી કે 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરીએ તેમાં આર્થિક સુધારાનાં પગલાંને મજબૂતી સાથે મૂકીએ અને તે પછી આઈએમએફ પાસે જઈએ અને 5-6 અબજ ડૉલરની લૉન માગીએ. પરંતુ એવું થઈ શક્યું નહીં, કેમ કે કૉંગ્રેસે કહ્યું કે માત્ર આગામી ત્રણ મહિનાનું વચગાળાનું બજેટ રજૂ કરો. તેના કારણે સ્થિતિ વધારે વકરી હતી."
યશવંત સિંહાએ રાજીનામું આપી દીધું. તેઓ ઉમેરે છે, "વચગાળાનું બજેટ રજૂ કરવાની વાત આવી ત્યારે મેં જોરદાર વિરોધ કર્યો. હું ઘરે જતો રહ્યો અને ચંદ્રશેખરજીને મારા હાથે રાજીનામું લખીનું મોકલી દીધું."
"રાજીનામું આપીને હું ઘરે જ બેસી ગયો. સરકારી કાર પાછી મોકલી દીધી અને ઑફિસે જવાનું પણ બંધ કરી દીધું."
જોકે ચંદ્રશેખરે તેમને રાજીનામું પરત લેવા મનાવી લીધા અને તે રીતે આખરે તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું (તેના થોડાં અઠવાડિયાં પછી જ સરકારે પણ રાજીનામું આપી દેવું પડ્યું હતું).
યશવંત સિંહા કહે છે, "બજેટ ભાષણ સિવાયનું બાકીનું બધું તૈયાર હતું. બજેટ સ્પીચ ના થઈ, પરંતુ વચગાળાના બજેટ માટેનું ભાષણ અપાયું. તે ભાષણને તમે જોઈ લો અને જુલાઈમાં મનમોહન સિંહે બજેટ ભાષણ આપ્યું તેની સાથે સરખામણી કરો તો તમને એક સરખી ભાષા જોવા મળશે. ઘણા બધા પૅરાગ્રાફ્સમાં એ જ વાતો કહેવામાં આવી છે, જે અમે વચગાળાના બજેટમાં મૂકી હતી."
શંકર ઐયર પણ આ વાત સાથે સહમત છે. તેમના જણાવ્યા અનુસાર બજેટ બનાવનારા આ બંને નેતાઓની ટીમ લગભગ એક સરખી જ હતી.
તેમના જણાવ્યા અનુસાર કૉંગ્રેસ પક્ષ ચંદ્રશેખરની સરકારને બહારથી ટેકો આપી રહ્યો હતો. પક્ષને ખ્યાલ આવી ગયો હતો કે યશવંત સિંહા સુધારાઓ સાથે મોટાં પગલાંની જાહેરાતો કરવાના છે.
કૉંગ્રેસ તેનું શ્રેય ચંદ્રશેખર સરકારને મળે તેમ ઇચ્છતી નહોતી એટલે સરકારને પાડી દેવામાં આવી હતી.
શંકર ઐયર કહે છે, "સિંહાની વાત સાથે હું સહમત છું. તેમણે બજેટ રજૂ કર્યું હોત તો તેમને શ્રેય મળત. હું હંમેશાં યશવંત સિંહા માટે એવું કહું છું કે તેઓ ખોટા સમયે તેઓ એક સાચા માણસ હતા."
તે વખતે પોતાના માટે યોગ્ય સમય નહોતો એ વાતનો સ્વીકાર યશવંત સિંહા પણ કરે છે.
કેટલાક એ વાત પર ભાર મૂકે છે કે સુધારાની ધીમી ગતિને ઝડપી કરવી જોઈએ, જ્યારે અન્ય લોકો કહે છે કે સુધારાને કારણે સમાજમાં અસમાનતા વધી છે.
અસમાનતા ઓછી કરવા પર તેઓ ભાર મૂકી રહ્યા છે. પરંતુ કોઈ પણ જણ એ વાતનો ઇન્કાર કરી શકે તેમ નથી કે 30 વર્ષ પહેલાં દેશમાં આર્થિક સુધારા સાથે ઇતિહાસ રચાયો તેના કારણે આજે દેશ એક વિશાળ અર્થતંત્ર ધરાવે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો