You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ સંજોગો જે શ્રીલંકાની જેમ ભારતને નાદારી તરફ દોરી ગયા હતા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
તા. 20મી જૂન, 1991ની સાંજે કૅબિનેટ સૅક્રેટરી નરેશ ચંદ્રાએ પદનામિત વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ સાથે મુલાકાત કરી અને તેમને આઠ પન્નાંની ટોપ સિક્રેટ નોંધ સુપ્રત કરી, જેમાં કયાં-કયાં મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની જરૂર છે, તેની વાત હતી.
આ નોટ વાંચીને રાવના ચહેરા પર ચિંતાની રેખાઓ આવી ગઈ. તેમણે પૂછ્યું, "ભારતની આર્થિક સ્થિતિ આટલી ખરાબ છે?" તેના જવાબમાં ચંદ્રાએ કહ્યું, "ના સર, એનાથી પણ ખરાબ છે." એ સમયે ભારત પાસે માંડ બે અઠવાડિયાં ચલાવી શકાય એટલું વિદેશી મુદ્રા ભંડોળ હતું. જો તત્કાળ અને આઉટ ઑફ બૉક્સ પગલાં લેવામાં ન આવે તો ભારતનું નાદાર જાહેર થવું નિશ્ચિત હતું.
જો નરસિમ્હા રાવ અને ડૉ. મનમોહનસિંહની જોડીએ બાજી ન સંભાળી હોત તો આજે જેવી શ્રીલંકાની સ્થિતિ ઊભી થઈ છે, તેવી ભારતની સ્થિતિ થઈ હોત. દેશમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હોત અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાવે રાજકીય મજબૂરીને ધ્યાને લેવાને બદલે પ્રોફેશનલ વ્યક્તિની નિમણૂક કરવાનું નક્કી કર્યું, ગુજરાતી મૂળના આઈજી પટેલ તેમની પ્રથમ અને ડૉ. મનમોહનસિંહ તેમની બીજી પસંદ હતા. અંતે ડૉ. સિંહ નાણા મંત્રી બન્યા.
આક્રમક ઉદ્યોગનીતિ, બે વખત રૂપિયાનું અવમૂલ્યન, LPG (લિબ્રલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન તથા ગ્લૉબલાઇઝેશન) દ્વારા દેશ સંકટમાંથી ઉગરી ગયો.
ચંદ્રાએ જ્યારે રાવને માહિતગાર કર્યા, તેના બીજા દિવસે તેઓ વડા પ્રધાન તરીકે શપથ લેવાના હતા, તો શું રાતોરાત દેશે દેવાળું ફૂંકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી? એવી તે શું બાબતો હતી, જે દેશને આ સ્થિતિ સુધી દોરી ગઈ હતી?
સમસ્યા અને 'ખાડી'યુદ્ધ
ઑગસ્ટ-1990માં ઇરાકના તત્કાલીન શાસક સદ્દામ હુસૈને પાડોશી દેશ કુવૈત ઉપર હુમલો કરી દીધો હતો, જેના પગલે અમેરિકાના નેતૃત્વમાં આરબ દેશોએ સદ્દામ સામે મોરચો ખોલી દીધો હતો.
ભારતના વિદેશીમુદ્રાની આવકમાં ખાડી દેશોમાં કામ કરતા ભારતીય શ્રમિકો પણ એક મોટો હિસ્સો ધરાવતા હતા. તેઓ પોતાની આવકમાંથી વિદેશી હુંડિયામણ ભારત મોકલતા હતા. યુદ્ધની અંધાધૂંધીને કારણે આ સ્રોત બંધ થઈ ગયો, એટલું જ નહીં તેમને ભારત લાવવા માટે તજવીજ હાથ ધરવી પડી.
બીજું ખાડીયુદ્ધને કારણે ક્રૂડઑઇલના ભાવ 34 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી ગયા હતા. હજુ થોડાં મહિના પહેલાં આ ભાવ 17 ડૉલરનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદ્રશેખરની કૅબિનેટમાં વરિષ્ઠ મંત્રી સુબ્રમણ્યમ સ્વામી તેમના પુસ્તક RESET: Regaining India's Economic Legacy (પૃષ્ઠ ક્રમાંક 104) પર લખે છે : 'મેં વિદેશી હુંડિયામણની સમસ્યાને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) પાસેથી બે અબજ ડૉલરની રાહતદરે લૉન લેવાનો તથા મધ્યમગાળે અર્થતંત્રમાં સુધારના ઉપાય સૂચવ્યા. સોવિયેટ સંઘનું વિઘટન થઈ રહ્યું હતું અને તંત્ર પરથી તેમની પકડ ઢીલી પડી રહી હતી, જેથી અમારું કામ થોડું સરળ બન્યું હતું.'
'ખાડીયુદ્ધને પગલે અમેરિકા તેના વિમાનોને સાઉદી અરેબિયા મોકલવા માગતું હતું. તેને ઇંધણ ભરવાની જરૂર હતી. આ માટે ચંદ્રશેખરને ભારતીય હવાઈસીમાનો ઉપયોગ કરવા દેવા માટે મનાવ્યા. આ વિમાનોએ ચેન્નાઈ, મુંબઈ, આગ્રા અને નાગપુરનો ઉપયોગ કર્યો. આ પગલાંને કારણે ભારત પ્રત્યેના અમેરિકાના દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. પરિણામસ્વરૂપે આઈએમએફે ભારતને બે અબજ ડૉલરની રાહતદરે લૉન આપી, જેના કારણે ભારત તાત્કાલિક નાદાર જાહેર થવાથી બચી ગયું.'
'આ સિવાય નવી વેપારનીતિ નક્કી જાહેર કરવામાં આવી. જેનો હેતુ નિકાસને અપાતી સહાય ઘટાડવાનો હતો અને વિનિમય દરને વાજબી સ્તરે લાવવાનો હતો.'
ભારતની નોંધપાત્ર નિકાસ સોવિયેટ સંઘને થતી હતી, વિઘટન બાદ નિકાસકારોના પૈસા ફસાઈ ગયા હતા અને માલની નિકાસ માટે નવા બજાર શોધવાના હતા. આ સિવાય સંરક્ષણ સાધનોની આયાતનો ખર્ચ યથાવત્ રહેવા પામ્યો હતો.
લોકરંજક જાહેરાતો
ચંદ્રશેખરના પુરોગામી વિશ્વનાથ પ્રતાપ સિંહ (વીપી સિંહ) વડા પ્રધાન બન્યા, ત્યારે વિરોધાભાસી વિચારસરણી ધરાવતા ડાબેરી પક્ષો અને ભારતીય જનતા પાર્ટીએ તેમને ટેકો આપ્યો હતો.
ડાબેરી પક્ષોના દબાણ હેઠળ ખેડૂતોનું લગભગ રૂ. 55 અબજનું દેવું માફ કરવામાં આવ્યું હતું. જેનું ભારણ સરકારી બૅન્કોની સદ્ધરતા ઉપર આવ્યું હતું અને તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાંથી નાણાં ઊભા કરવાની તેમની ક્ષમતા તથા લેતી-દેતી પર પણ પડી હતી.
1991: How P. V. Narasimha Rao Made Historyમાં સંજય બારૂ લખે છે કે સ્થિતિનું વિશ્લેષણ કરતાં બજેટની સાથે નાણાં ખાધ પણ વધતી રહી. 1980-81માં ભારતનું કુલ વિદેશી દેવું 20.6 અબજ ડૉલરથી વધીને વર્ષ 1989- '90માં 64.4 અબજ ડૉલર સુધી પહોંચી ગયું હતું. 1980-85 દરમિયાન નાણાંખાધ જીડીપીના 1.7 ટકા હતી, જે વધીને 1985- '90 દરમિયાન 2.9 ટકા પર પહોંચી ગઈ હતી.
કૉંગ્રેસના નેતા જયરામ રમેશ તેમના પુસ્તક To the Brink and Back: India's 1991 Storyમાં સ્વીકારે છે કે વીપી સિંહને કેટલીક સમસ્યાઓ 'વારસામાં મળી હતી.' અત્રે એ યાદ રાખવું ઘટે કે 1980માં ચૌધરી ચરણસિંહની સરકારનું પતન થયું તે પછી ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી એમ કૉંગ્રેસની સરકારો હતી.
આંતરિક અસ્થિરતા
બૉફોર્સ કૌભાંડ તથા ભ્રષ્ટાચારના આરોપોને કારણે 1989ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસ સરકારનું પતન થયું. તેમના સ્થાને મૂળે કૉંગ્રેસી અને નાણામંત્રી રહી ચૂકેલા વિશ્વનાથ પ્રતાપસિંહ જનતા દળના વડા પ્રધાન બન્યા.
અગાઉથી જ કાશ્મીરનો ચરૂ ઉકળી રહ્યો હતો, તે ફૂટ્યો. તેમના પદગ્રહણના ગણતરીના દિવસોમાં જ કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી મુફતી મહોમ્મદ સઇદનાં પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું. તેમનાં સાટે પાંચ ઉગ્રવાદીઓને મુક્ત કરવામાં આવ્યા, જેના કારણે ખીણપ્રદેશમાં ભાગલાવાદીઓનું મનોબળ વધી ગયું. આ પછી કાશ્મીરમાંથી પંડિતોની હિજરતનો ક્રમ શરૂ થયો, જેમણે જમ્મુ તથા દિલ્હી સહિત દેશના અલગ-અલગ ભાગોમાં આશરો લીધો. આ સિવાય પંજાબમાં ઉગ્રવાદ ફરીથી માથું ઊંચકી રહ્યો હતો.
ભારતમાં આંતરિક પેટ્રોલિયમ પેદાશોની જરૂરિયાતો માટેનું મહત્ત્વપૂર્ણ મથક આસામ છે, જ્યાં બૉડો ઉગ્રવાદ માથું ઊંચકી રહ્યો હતો. જેના કારણે આ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો.
આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થા 'મૂડીઝે' ભારતની આંતરિક અસ્થિરતા પર ચિંતા પ્રગટ કરી હતી અને તેના કારણે ભારતના રેટિંગ પર અસર પહોંચી હતી. આથી, આંતરરાષ્ટ્રીય બજારમાંથી નાણા ઊભા કરવાનું ભારત માટે મુશ્કેલ બન્યું હતું.
મંડળ વિ. કમંડલ
વિશ્વનાથ પ્રતાપ સિંહને પોતાની સરકારના કાર્યકાળ અંગે સંશય હતો, એટલે જ તેમણે ટૂંકાગાળામાં અનેક લોકરંજક જાહેરાતોની શરૂઆત કરી દીધી હતી. મોરારજી દેસાઈના કાર્યકાળ દરમિયાન આર્થિક રીતે પછાત વર્ગોનો અભ્યાસ કરવા માટે મંડલ પંચની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેનો અહેવાલ આવે તે પહેલાં પહેલાં મોરચા સરકારનું પતન થયું.
પૂર્ણ બહુમતવાળી ઇન્દિરા કે રાજીવ ગાંધીની સરકારોને આ પ્રકારના લોકાર્ષક પગલાં લેવાની જરૂર રહી ન હતી.
વીપી સિંહે એ ફાઇલ પરથી ધૂળ ખંખેરી. સરકારી (સેના સિવાય) તથા જાહેર સાહસની નોકરીઓમાં 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી. એક આને કારણે વિદ્યાર્થીઓના એક વર્ગમાં આક્રોશ ફાટી નીકળ્યો.
દિલ્હીમાં વિદ્યાર્થીઓએ આત્મવિલોપનનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરી. બે વિદ્યાર્થીઓએ આત્મવિલોપનના પ્રયાસ કર્યા, જેમાંથી એકને અટકાવી શકાયો, જ્યારે રાજીવ ગોસ્વામી નામના બીજા વિદ્યાર્થીની તસવીરે દેશભરમાં હાહાકાર મચાવી દીધો. દેશભરમાં ઠેર-ઠેર વિદ્યાર્થીઓએ સરકાર વિરૂદ્ધ આંદોલનો કર્યા.
વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારને ટેકો આપી રહેલી ભાજપાની વૈચારિક માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે અનામતના નામે હિંદુ સમાજનું વિભાજન ચિંતાજનક સ્થિતિ ઊભી કરી રહી હતી. આથી, અડવાણીના નેતૃત્વમાં ગુજરાતના સોમનાથથી રામ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી. ગુજરાત ભાજપના સચિવ નરેન્દ્ર મોદી પર ગુજરાતમાં આ રથયાત્રાને સફળ બનાવવાની જવાબદારી હતી. આ રથયાત્રાએ દેશમાં ભારે કોમી હિંસા ભડકી અને દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ હિંસામાં હોમાયું તેથી પણ ઇમેજ ખરડાઈ.
આ રથ જ્યારે બિહારના સમસ્તીપુર ખાતે પહોંચ્યો ત્યારે આર. કે. સિંહ નામના કલેકટરે લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી. ભાજપે આ બહાનું આગળ કરીને વીપી સિંહ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. અડવાણીની ધરપકડ કરનાર આર.કે. સિંહ હાલની નરેન્દ્ર મોદી સરકારમાં કૅબિનેટ મંત્રી છે.
માંડ એક વર્ષ પહેલાં સૌથી મોટો પક્ષ બન્યો હોવા છતાં સત્તા માટે આગળ નહીં આવનાર કૉંગ્રેસ માટે તક ઊભી થઈ. રાજીવ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીએ સમાજવાદી પાર્ટીના ચંદ્રશેખરને ટેકો આપ્યો. આઠ મહિનામાં કૉંગ્રેસે તેમને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો.
સંક્ષિપ્તમાં: એ સંજોગો જે શ્રીલંકાની જેમ ભારતને નાદારી તરફ દોરી ગયા હતા
- ઑગસ્ટ-1990માં ઇરાકના તત્કાલીન શાસક સદ્દામ હુસૈને પાડોશી દેશ કુવૈત ઉપર હુમલો કરી દીધો હતો
- ખાડીયુદ્ધને કારણે ક્રૂડઑઇલના ભાવ બમણાં કરતાં વધું 17 ડૉલરથી 34 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી ગયા હતા
- ડાબેરી પક્ષોના દબાણ હેઠળ ખેડૂતોનું લગભગ રૂ. 55 અબજનું દેવું માફ કરવામાં આવ્યું હતું
- 1980-81માં ભારતનું કુલ વિદેશી દેવું 20.6 અબજ ડૉલરથી વધીને વર્ષ 1989- '90માં 64.4 અબજ ડૉલર સુધી પહોંચી ગયું હતું
- 'મૂડીઝે' ભારતનું રેટિંગ ઘટાડ્યું આથી, આંતરરાષ્ટ્રીય બજારમાંથી નાણા ઊભા કરવાનું ભારત માટે મુશ્કેલ બન્યું હતું
- મોન્ટેકસિંહ અનુસાર, વીપી સિંહની સરકારની પ્રથમ કૅબિનેટ બેઠક દરમિયાન જ તેમને આર્થિકસ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું
- નરેશ ચંદ્રાએ સોનુ ગીરવે મૂકવાની યોજના જણાવી
- યશવંત સિંહાએ બિહારમાંથી સોનું ગીરવે મૂકવાની ફાઇલને મંજૂરી આપી અને તેને ચંદ્રશેખરને મોકલી આપી
સમયસર સહાય સુધાર નહીં
મોન્ટેકસિંહ આહલુવાલિયા તેમના પુસ્તક BACKSTAGE: The Story behind India's High Growth Yearsમાં લખે છે કે વીપી સિંહની સરકારની પ્રથમ કૅબિનેટ બેઠક દરમિયાન જ તેમને આર્થિકસ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકાર દ્વારા આવક કરતાં વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનો મુદ્દો જણાવ્યો. જેના કારણે નાણાખાધ વધી રહી હતી તથા અર્થતંત્રમાં બિનજરૂરી માગ વધી હતી, જેને આયાત દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી હતી. જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય ચૂકવણાં પર જોવા મળી રહી હતી.
વ્યક્તિગત મુલાકાતમાં આહલુવાલિયાએ સિંહને જણાવ્યું કે તેમના પુરોગામી રાજીવ ગાંધીને આર્થિકનીતિઓમાં સુધાર કરવા માટે આઈએમએફના વડાએ તાકીદ કરી હતી. આમ છતાં તેઓ આના વિશે કોઈ નિર્ણય લઈ શક્યા નહીં.
બારૂ તેમના પુસ્તકમાં લખે છે કે, જ્યારે ચંદ્રશેખર તેમના અનુગામી બન્યા ત્યારે તેમને નરેશ ચંદ્રાએ સોનુ ગીરવે મૂકવાની યોજના જણાવી ત્યારે તેમણે કહ્યું કે 'ઇતિહાસમાં એવી વ્યક્તિ તરીકે નામ લખાવવા નથી માગતો કે જેણે, સોનું વેચીને (ક્રૂડ) તેલ ખરીદ્યું હોય.' ત્યારે ચંદ્રાએ કહ્યું હતું, "સર, તમારે ઇતિહાસમાં સોનું ગીરવે મૂકનાર વડા પ્રધાન તરીકે નોંધાવું છે કે નાદાર થનાર વડા પ્રધાન તરીકે."
નાણા મંત્રાલયના અધિકારીઓ તથા તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાની સમજાવટ બાદ આઈએમએફ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ તથા બૅન્ક ઑફ જાપાન સાથે વાટાઘાટો હાથ ધરવામાં આવી.
બજેટ રજૂ થયા પછી કૉંગ્રેસે રાજીવ ગાંધીની જાસૂસી કરવામાં આવી રહી હોવાના આરોપ ચંદ્રશેખર સરકાર પર મૂક્યા. ચંદ્રશેખર સરકારે રાજીનામું ધરી દીધું, પરંતુ વર્ષ 1981માં આઈએમએફ સાથે વાટાઘાટો કરનાર નાણામંત્રી દેશના રાષ્ટ્રપતિ હતા. તેઓ જાણતા હતા કે જો બજેટ પસાર ન થયું તો પહેલી એપ્રિલે ખર્ચ કરવા માટે એક રૂપિયો પણ છૂટો નહીં કરી શકાય તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની શાખને કેવી માઠી અસર થશે. એટલે બજેટ પસાર થયું તે પછી જ તેમણે રાજીનામાનો સ્વીકાર કર્યો અને નવી સરકારનું ગઠન ન થાય ત્યાર સુધી પદભાર સંભાળવા જણાવ્યું.
જ્યારે ચૂંટણીપ્રચાર ચાલુ હતો ત્યારે યશવંત સિંહાએ બિહારમાંથી સોનું ગીરવે મૂકવાની ફાઇલને મંજૂરી આપી અને તેને ચંદ્રશેખરને મોકલી આપી.
જો ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, વીપી સિંહ કે ચંદ્રશેખરની સરકાર દ્વારા સમયસર સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા હોત, તો દેશ નાદારીની આરે ન આવી ગયો હોત.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો