મનમોહન સિંહ, જેમને નરસિમ્હા રાવે આ રીતે શોધ્યા હતા

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો આજે 89મો જન્મદિવસ છે. તેઓ જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધી બાદ સૌથી લાંબા સમય સુધી ભારતના વડા પ્રધાન રહી ચૂક્યા છે.

મનમોહન સિંહ એક રાજનેતા નહીં, પણ અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. તેમને રાજકારણમાં લાવવાનો શ્રેય પૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિમ્હા રાવને જાય છે.

પૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવની સરકારમાં એ વખતના નાણામંત્રી અને હાલના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના સમયમાં ભારતમાં નવી આર્થિક નીતિની શરૂઆત થઈ હતી.

ખાડે જઈ રહેલા દેશના અર્થતંત્રને નવી દિશા આપવાનો શ્રેય અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિહંને આપવામાં આવે છે પરંતુ તેમને ખોળી લાવનાર એ વખતના વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ હતા.

1991માં નરસિમ્હા રાવનો રાજકીય દાવ પૂરો થવાને આરે હતો. રોજર્સ રિમૂવલ કંપનીનો ટ્રક તેમનાં પુસ્તકોનાં 45 બૉક્સ લઈને રવાના થઈ ચૂક્યો હતો.

એ અલગ વાત છે કે તેમના એક કર્મચારી અને જ્યોતિષ શાસ્ત્રનો શોખ ધરાવતી વ્યક્તિએ તેમને કહેલું, "આ પુસ્તકો અહીં જ રહેવા દો, મને લાગે છે કે તમે ફરી પાછા આવશો."

વિનય સીતાપતિ પોતાના પુસ્તક "હાફ લાયન-હાઉ પી વી નરસિમ્હા રાવ ટ્રાન્સર્ફૉર્મ્ડ ઇન્ડિયા"માં તેનું વર્ણન કર્યું છે.

તેઓ લખે છે કે નરસિમ્હા રાવ એટલી હદે નિવૃત્તિ માટે તૈયાર હતા કે, તેમણે જાણીતા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરના સભ્યપદ માટે પણ અરજી કરી દીધી હતી. જેથી તેઓ ભવિષ્યમાં દિલ્હી આવે તો તેમને રહેવા માટે કોઈ મુશ્કેલી ન પડે.

પણ ત્યારે જ જાણે અચાનક બધું જ બદલાઈ ગયું. 21 મે, 1991ના રોજ શ્રીપેરંબદૂરમાં રાજીવ ગાંધીની હત્યા થઈ.

આ ઘટનાના અમુક કલાકો બાદ બીબીસીના પરવેઝ આલમે નાગપુરમાં નરસિમ્હા રાવનો સંપર્ક કર્યો હતો.

ત્યારે થયેલી વાતચીતથી કલ્પના પણ નહોતી કરી શકાતી કે આવનારા થોડા જ દિવસોમાં તેઓ ભારતના વડા પ્રધાન બની જશે.

નટવરસિંહે બીબીસીને જણાવ્યું કે રાજીવ ગાંધીની હત્યા બાદ શોક વ્યક્ત કરવા આવેલા મહેમાનોના નીકળ્યા બાદ સોનિયા ગાંધીએ ઇંદિરા ગાંધીના પૂર્વ મુખ્ય સચિવ પી. એન. હક્સરને 10, જનપથમાં બોલાવ્યા.

તેમણે હક્સરને પૂછ્યું કે તમારી નજરમાં કૉંગ્રેસના અધ્યક્ષ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ કોણ છે? હક્સરે ત્યારના ઉપરાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માનું નામ આપ્યું.

નટવરસિંહ અને અરુણા આસફ અલીને શંકરદયાલ શર્માની ઇચ્છા જાણવાની જવાબદારી સોંપવામાં આવી.

શર્માએ આ બંનેની વાત સાંભળી અને કહ્યું કે તેઓ સોનિયા ગાંધીના આ પ્રસ્તાવથી અહોભાગ્ય અને સન્માન અનુભવે છે.

પણ "ભારતના વડા પ્રધાન હોવું એ એક અનંતકાળ સુધી ચાલે તેવી જવાબદારી છે. મારી ઉંમર અને મારા સ્વાસ્થ્યના કારણે આ દેશના સૌથી મોટા હોદ્દાને માન આપી નહીં શકું."

આ બંનેએ શર્માનો આ સંદેશો સોનિયા ગાંધી સુધી પહોંચાડ્યો. ફરી એક વખત સોનિયાએ હક્સરને બોલાવ્યા. આ વખતે હક્સરે નરસિમ્હા રાવનું નામ લીધું. આગળની કહાણી ઇતિહાસ છે.

નરસિમ્હા રાવ ભારતીય રાજકારણના ઊબડખાબડ રસ્તાઓ પર ઠોકરો ખાઈને સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા હતા. કોઈ પણ પદ મેળવવા માટે તેમણે રાજકીય પૅરાશૂટનો ઉપયોગ કર્યો નહોતો. રાવનું કૉંગ્રેસ અને ભારત માટે સૌથી મોટું પ્રદાન હતું ડૉ. મનમોહન સિંઘની શોધ.

એલેક્ઝેન્ડરે સૂચવ્યું મનમોહનનું નામ

વિનય સીતાપતિએ બીબીસીને જણાવ્યું, "જ્યારે નરસિમ્હા રાવ 1991માં વડા પ્રધાન બન્યા તો તેઓ ઘણી બાબતોમાં નિષ્ણાત બની ચૂક્યા હતા."

"તેઓ પહેલાં સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રાલય સંભાળી ચૂક્યા હતા. તેઓ ભારતના વિદેશમંત્રી પણ રહી ચૂક્યા હતા. એક જ વિષય તેમના માટે અઘરો હતો, નાણા વિભાગ."

"વડા પ્રધાન બનવાના બે દિવસ પહેલાં તેમને કૅબિનેટ સચિવ નરેશ ચંદ્રાએ આઠ પાનાનો પત્ર લખીને જણાવ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે."

સીતાપતિ આગળ જણાવે છે, "તેમને એક નવા ચહેરાની જરૂર હતી, જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડાર સંભાળી શકે."

"તેમજ તેમના વિરોધીઓને સમજાવી શકે કે હવે ભારત જૂની રૂઢિઓથી નહીં ચાલે."

"રાવે એ વખતના પોતાના સૌથી મોટા સલાહકાર ઍલેક્ઝૅન્ડરને પૂછ્યું કે શું તેઓ કોઈ એવી વ્યક્તિનું નામ સૂચવી શકે જેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકૃતિ મળી હોય."

"ઍલેક્ઝૅન્ડરે તેમને રિઝર્વ બૅન્કના ગવર્નર રહી ચૂકેલા અને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના ડિરેક્ટર આઈ. જી. પટેલનું નામ સૂચવ્યું."

સીતાપતિના મતે, "આઈ. જી. પટેલ દિલ્હી આવવા માગતા નહોતા, કારણ કે તેમના માતા બીમાર હતા અને તેઓ વડોદરામાં રહેતાં હતાં."

"પછી ઍલેક્ઝૅન્ડરે જ મનમોહનનું નામ લીધું. એલેક્ઝેન્ડરે શપથગ્રહણ સમારોહના એક દિવસ પહેલાં મનમોહન સિંહને ફોન કર્યો."

"ડૉ. સિંઘ ઊંઘી રહ્યા હતા, કારણ કે અમુક કલાક પહેલાં જ તેઓ વિદેશથી પરત આવ્યા હતા."

"ઊઠીને જ્યારે તેમને આ પ્રસ્તાવ વિશે કહેવામાં આવ્યું તો તેમને વિશ્વાસ થતો નહોતો."

"પછીના દિવસે શપથ ગ્રહણ સમારોહના ત્રણ કલાક પહેલાં ડૉ. મનમોહનસિંહ પર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ઑફિસમાં નરસિમ્હા રાવનો ફોન આવ્યો કે હું તમને મારા નાણામંત્રી બનાવવા માગું છું."

શપથ ગ્રહણ સમારોહ પહેલાં નરસિમ્હા રાવે મનમોહન સિંઘને કહ્યું, "જો આપણે સફળ થઈએ તો આપણને બંનેને તેનું શ્રેય મળશે. જો આપણા હાથ નિષ્ફળતા લાગી તો તમારે જવું પડશે."

સીતાપતિ જણાવે છે કે 1991ના બજેટના બે અઠવાડિયાં પહેલાં જ્યારે મનમોહન બજેટનો મુસદ્દો લઈને નરસિમ્હા રાવ પાસે ગયા તો તેમણે મથાળાથી જ તેને રદ કરી નાખ્યો.

તેમનાથી બોલાઈ ગયું, "જો મારે આ જ જોઈતું હોત, તો મેં તમને કેમ પસંદ કર્યા હોત?"

પોતાના પહેલા બજેટ ભાષણમાં ડૉ. મનમોહન સિંઘે વિક્ટર હ્યુગોની આ જાણીતી પંક્તિ ટાંકતા બોલ્યા, "દુનિયાની કોઈ પણ તાકાત એ વિચારને નહીં રોકી શકે જેનો સમય આવી ગયો છે."

તેમણે પોતાના બજેટ ભાષણમાં રાજીવ ગાંધી, ઇંદિરા ગાંઘી અને નહેરુનું વારંવાર નામ તો લીધું પણ તેમની આર્થિક નીતિઓને બદલતા તેઓ સહેજ પણ ખચકાયા નહીં અને એ રીતે 1991માં ખાડે જઈ રહેલા અર્થતંત્રને નવી દિશા મળી પીવી નરસિમ્હા રાવની સરકારમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો