એસ. પી. બાલાસુબ્રમણ્યમ: એક સંપૂર્ણ કલાકારની વિદાય

    • લેેખક, મુરાલીથરન કાશીવિશ્વનાથન
    • પદ, બીબીસી તમિલ

દિગ્ગજ પ્લેબૅક સિંગર એસ. પી. બાલાસુબ્રમણ્યમનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલમાં શુક્રવારે બપોરે એક વાગ્યે અવસાન થયું. એસ. પી. બાલાસુબ્રમણ્યમે (એસપીબી) 40000થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે અને એક ઉમદા ગાયક હોવાની સાથે-સાથે તેમને અભિનેતા, મ્યુઝિક ડિરેક્ટર અને ફિલ્મ નિર્માતા તરીકે પણ નામના મેળવી.

છેલ્લા ચાલીસ વર્ષોથી તેઓ સંગીતના ક્ષેત્રે સંકળાયેલા હતા અને ફક્ત તમિલ લોકોને જ નહીં, પરતું દરેક ભારતીયને તેમને પોતાના મધુર આવાજથી મોહિત કર્યા.

ભારતીય સિનેજગતમાં મોહમ્મદ રફી, કિશોર કુમાર, આશા ભોંસલે, કે. જે. યેસુદાસ, ટી.એમ. સૌંદરાજન, એસ. જાનકી અને લતા મંગેશકર જેવાં જાણીતા અને અવિસ્મરણીય ગાયકોની એક લાંબી યાદી છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમનું નામ પણ જો આ ગાયકોની હરોળમાં મૂકવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

બૉલીવુડની ફિલ્મોમાં તેમને સુપરસ્ટાર સલમાન ખાનના ગાયક તરીકે બહુ નામના મેળવી હતી. એક દાયકા પહેલાં તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન માત્ર અભિનય અને ફિલ્મ નિર્માણમાં આપવાનું નક્કી કર્યું અને અને ગાયનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

બાલાસુબ્રમણ્યમે ગીત ગાવાનું બંધ કરતા સોનુ નિગમ, ઉદિત નારાયણ અને અન્ય ગાયકોએ તક ઝડપી લીધી અને બૉલીવુડ ફિલ્મોમાં સલમાન ખાન માટે ગાવાનું શરૂ કર્યું.

સલમાન ખાનની પ્રથમ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી લઈને બીજી ઘણી સુપરહિટ ફિલ્મોમાં બાલાસુબ્રમણ્યમે પોતાના મોઘમ અને મનમોહક અવાજમાં ગીતો ગાયા છે. આ યાદીમાં હિટ ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' પણ સામેલ છે.

કમલ હસન અને રતિ અગ્નિહોત્રીની બ્લૉકબસ્ટર ફિલ્મ 'એક દુજે કે લિયે' માં ગાયેલા ગીતો માટે એસ. પી. બાલાસુબ્રમણ્યમને સૌથી વધુ યાદ કરવામાં આવે છે.

સુપરહિટ બૉલીવુડ ગીતો, જે એસ. પી. બાલાસુબ્રમણ્યમે ગાયા છેઃ

હમ આપકે હૈ કૌન,

મેરે રંગ મેં રંગને વાલી

તેરે મેરે બીચ મેં

રૂપ સુહાના લગતા હૈ

પહેલા પહેલા પ્યાર

આજા શામ હોને આયે

હમ બને તુમ બને

સોનુ નિગમની સાથે એક કાર્યક્રમમાં તેમને જણાવ્યું હતું કે, "હું સાઇકલ ચલાવીને કૉલેજ જતો હતો. તે દિવસોમાં રફીનું એક ગીત હતું, 'દિવાના હુઆ મૌસમ.' ઘણી વાર ગીત સાંભળતાં-સાંભળતાં હું થોડા સમય માટે રોકાઈ જતો. જાણે કે તેઓ નાચતાં-નાચતાં બોલતા હોય."

તેમના પિતા એસ.પી. સંબામૂર્તિ 'હરિ-કથા' કલાકાર હતા. આ એક પ્રાચીન કળા છે જેમાં ભગવાન હરિની કથાઓને મૂક અભિનય અને સંગીત દ્વારા રજુ કરવામાં આવે છે.

એસ. પી. બાલાસુબ્રમણ્યમ મૂળ તિરુવલ્લુર જિલ્લામાં આવેલા કોનેડમદપટ્ટુ ગામના હતા. આ ગામ તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ (એપી)ની સરહદ નજીક આવેલું છે. તેમનો જન્મ 4 જૂન 1946ના રોજ થયો હતો.

નાનપણથી સંગીતમાં રસ

શાળાનાં દિવસો દરમિયાન બાલાસુબ્રમણ્યમે ઘણી ગાયન સ્પર્ધાઓમાં ભાગ લીધો અને ઇનામ પણ જીત્યાં. 1964માં 18 વર્ષની ઉંમરે લાઇટ મ્યુઝિક જૂથોની હરિફાઈમાં તેમણે પ્રથમ ઇનામ મેળવ્યું. તેલગુ સંગીત દિગ્દર્શક એસ. પી. ગોથંદાપાની અને ગાયક ઘંટસલા આ સ્પર્ધામાં જજ હતાં.

આ પછી, એસ. પી. ગોથંદાપાણી તેમના માર્ગદર્શક બન્યા. ડિસેમ્બર 1966માં રજૂ થયેલી "શ્રી શ્રી મરિતા રમણ" ફિલ્મમાં બાલાસુબ્રમણ્યમને ગાવાની તક મળી. આ ફિલ્મનું સંગીત એસ. પી. ગોથંદાપાણીએ આપ્યું હતું.

ત્યારબાદ તેમણે એલ.આર. એશ્વરી સાથે તમિલ ફિલ્મ "હોટલ રમ્બા"માં "આથથાનોડો ઇપ્પાદી ઇરન્દુથુથનાઇ નાલાચુ" ગીત ગાયું. પરંતુ આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ ન થઈ શકી. આ દરમિયાન તેમને કન્નડ ફિલ્મોમાં પણ ગાવાનું શરૂ કર્યું.

બાલાસુબ્રમણ્યમે આંધ્ર પ્રદેશના અનંતપુરમાં આવેલ જે.એન.ડી.યુ. એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અભ્યાસ બાદ તેઓ ચેન્નાઈસ્થિત ઇન્સ્ટિટ્યુશન ઑફ એન્જિનિયર્સમાં ઍસોસિયેટ સભ્ય તરીકે જોડાયા અને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.

એમજીઆરની ફિલ્મ "અદિમાઇપન"માં તેમણે પહેલું ગીત "આયરામ નીલાવે વા" ગાયું હતું. આ ફિલ્મ 1 મે, 1969માં રજૂ થઈ હતી. "આયરામ નીલાવે વા" પહેલાં તેમને "સંતીલીયમ" ફિલ્મમાં "આઈરકાયેનમ ઇલ્યા કન્ની" ગીત ગાયું હતું, પરતું આ ફિલ્મ 23 મે, 1969ના રોજ રિલીઝ થઈ હતી.

બાલાસુબ્રમણ્યમે જ્યારે તમિલ ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ કર્યો તે સમયે ટી.એમ.સૌંધરરાજન (ટીએમએસ) સૌથી પ્રખ્યાત ગાયક હતા. ટીએમએસ સુપરસ્ટાર એમજીઆર અને શિવાજી માટે ગાતા હતા.

સંગીત રસિકો ટીએમએસ સિવાય બીજા કોઈ ગાયકને નહીં સ્વીકારે એવું સંગીત દિગ્દર્શકો માની લીધું હતું. આજ કારણોસર નવા ગાયક પાસે ગીત ગવડાવમાં દિગ્દર્શકો ખચકાતાં હતાં. પરંતુ "આદિમાપેન" ફિલ્મ પછી બાલાસુબ્રમણ્યમ પોતાના અવાજને કારણે તમિલ ફિલ્મઉદ્યોગમાં છવાઈ ગયા.

1970માં તેમને ઇલ્લ્યરાજા માટે ગાવાનું શરૂ કર્યું, જેઓ તે સમયે ઉદય પામી રહેલા મ્યુઝિક ડિરેક્ટર હતા. તમિલ ફિલ્મ પ્રેમીઓ બાલાસુબ્રમણ્ય - ઇલ્લ્યરાજા -એસ જાનકી દ્વારા બનાવવામાં આવેલા ગીતો ક્યારેય ભૂલી શકશે નહીં.

છેલ્લા ત્રીસ વર્ષોથી તમિલ, તેલગુ અને કન્નડ ફિલ્મનાં ગીતો પર તેઓ સંપૂર્ણ રીતે પ્રભુત્વ ધરાવતા હતા.

શરૂઆતનાં દિવસોમાં તેઓ એક જ દિવસમાં 15 કરતા વધુ ગીતો ગાતા હતા. 1981માં 8મી ફેબ્રુઆરીએ એક કન્નડ ફિલ્મ માટે 12 કલાકની અંદર તેમને 17 ગીતો ગાયા.

એટલું જ નહીં, એક દિવસની અંદર તેમને 19 તમિલ અને તેલગુ ફિલ્મમાં અને અને 16 હિંદી ફિલ્મોમાં ગીતો ગાયાં જે આનંદ મિલિંદ દ્વારા રચિત છે.

1980માં રજૂ થયેલ "સંગારપારણમ"થી તેઓ નવી ઊંચાઈએ પહોંચી ગયા. આ ફિલ્મનું સંગીત કે. વી. મહાદેવન દ્વારા આપવામાં આવ્યું હતું અને આ કર્નાટિક સંગીત પર આધારિત હતું. કર્નાટિક સંગીતને યોગ્ય રીતે શીખ્યા ન હોવા છતાં બાલાસુબ્રમણ્યને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય ઍવૉર્ડ એનાયત થયો હતો.

એક પ્રખ્યાત ગાયક હોવાની સાથે તેઓ એક જાણીતા સંગીતકાર પણ હતા. તેમણે અભિનય કરવાની સાથે ડબિંગ કલાકાર તરીકે પણ કામ કર્યું છે.

કમલ હસને જેટલી પણ તેલગુ ફિલ્મો કરી છે, તેમાંથી મોટાભાગની ફિલ્મોની ડબિંગ બાલાસુબ્રમણ્યમે કર્યું છે. ફિલમ દશાઅવતારમની તેલગુ આવૃત્તિમાં કમલ હસનનાં 10 પાત્રો છે અને મોટાભાગનાં પાત્રોનું ડબિંગ તેમણે કર્યું છે.

ડબિંગ માટે તેમને બે વાર નંદી પુરસ્કાર પણ મળ્યો છે, જે તેલગુ સિનેમા, થિએટર અને ટી.વી. માટે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આપવા આવતું સર્વોચ્ચ સન્માન છે.

14 ભારતીય ભાષાઓમાં તેમણે ગીતો ગાયા

ગાયન માટે તેમને 6 વાર રાષ્ટ્રીય ઍવૉર્ડ એનાયત થયો. રાજ્ય સરકારો અને ખાનગી સંસ્થાઓનો દ્વાર એનાયત થેયલાં ઍવૉર્ડની યાદી બહુ લાંબી છે. 50 વર્ષના વ્યાવસાયિક જીવનમાં તેમને 40000થી વધુ ગીતો ગાયાં છે, જે એક વર્લ્ડ રૅકર્ડ છે. ચાર વિશ્વવિદ્યાલયો દ્વારા તેમને ડૉક્ટરની પદવી આપવામાં આવી છે. 2011માં તેમને પદ્મવિભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું.

તામિલ, તેલગુ, કન્નડ અને મલયાલમ સહિત 14 ભારતીય ભાષાઓમાં તેમણે ગીતો ગાયા છે, જેમાં સંસ્કૃતમાં પણ સામેલ છે.

ફક્ત પ્લેબૅક સિંગર તરીકે જ નહીં, પણ કળા, સંગીત અને સિનેમાઉદ્યોગ પ્રત્યે પ્રેમ ધરાવતા એક માણસ તરીકે તેઓ ઓળખાતા હતા. તેમનો અવાજ કાયમ અમર રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો