નરસિમ્હા રાવ: PM જેને કૉંગ્રેસની સરકાર છતાં દિલ્હીમાં અંતિમસંસ્કાર નસીબ ન થયા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

તા. 25 ડિસેમ્બર, 2004. ટીવી ચેનલો પર ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું હતું અને તેના કાર્યક્રમો દેખાડી રહ્યા હતા. અચાનક જ 11 વાગ્યા આસપાસ એવાં દૃશ્ય દેખાડવામાં આવ્યા, જે કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને વિચલિત કરી દે તેવા હતા.

હૈદરાબાદના હુસૈન સાગર તળાવની પાસે ખુલ્લા મેદાનમાં પૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવના અંતિમસંસ્કાર થયાને આંગળીના વેઢે ગણી શકાય એટલા કલાક પણ નહોતા થયા કે તેમની ચિતાની અગ્નિ ઠરી ગઈ હત, અસ્થિ અને માથાનો ભાગ પૂર્ણતઃ સળગ્યા ન હતા અને તેમની ચિતાની આસપાસ રખડતાં કૂતરાં આંટા મારી રહ્યાં હતાં.

તત્કાળ પરિવારજનો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ત્યાં ધસી ગયા. પાસે રાખવામાં આવેલાં લાકડાંથી ફરી એક વખત ચિતાને ગોઠવી હતી. પોલીસે પણ વિસ્તારને કૉર્ડન કરી લીધો અને અવરજવર અટકાવી દીધી.

સામાન્ય રીતે વડા પ્રધાન કે પૂર્વ વડા પ્રધાનના અંતિમસંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીમાં જ કરવામાં આવે છે. એ સમયે કેન્દ્રમાં તથા આંધ્ર પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર હતી, છતાં તેમના અંતિમસંસ્કાર દેશની રાજધાનીમાં કેમ શક્ય બન્યા ન હતા?

એ સમયના સત્તાના વર્તુળમાં રહેલા લોકો અને પરિવારજનો આના વિશે અલગ-અલગ મત ધરાવે છે.

મૃત્યુ અને પછી....

દેશમાં આર્થિક સુધારના જનક ગણાતા પૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવને નવેમ્બર-2004માં યુરિનને લગતી સમસ્યા થઈ હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી. તે સમયે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, અહમદ પટેલ તથા અન્ય નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી.

તા. 10મી ડિસેમ્બરના રોજ તેઓ ફરી એક વખત બીમાર પડ્યા. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેમને દિલ્હીની એઇમ્સ (ઑલ ઇન્ડિયા મેડિકલ સાયન્સિઝ) હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તા. 20મી ડિસેમ્બરના દિવસે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ તથા તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે તેમની મુલાકાત લીધી હતી.

23 ડિસેમ્બરના સવારે 11 વાગ્યા આસપાસ તેમનું અવસાન થઈ ગયું. બપોરે અઢી વાગ્યે નરસિમ્હા રાવના મૃતદેહને 9, મોતીલાલ નહેરુ માર્ગ ખાતે લાવવામાં આવ્યો, જ્યાં તેઓ નિવૃત્તિ પછી રહેતા હતા. સૌથી મોટા પુત્ર રંગા રાવ કૉંગ્રેસની ટિકિટ ઉપરથી ધારાસભ્ય બન્યા હતા અને આંધ્ર પ્રદેશની સરકારમાં મંત્રી પણ બન્યા હતા, પરંતુ પિતા-પુત્ર વચ્ચે અણબનાવ રહેતો હતો.

નરસિમ્હા રાવની અંતિમવિધિ માટે તેમના સૌથી નાના દીકરા પ્રભાકર રાવ જ સંપર્કસૂત્ર હતા. તત્કાલીન ગૃહ મંત્રી શિવરાજ પાટીલે પરિવારને જણાવ્યું કે રાવના અંતિમસંસ્કાર હૈદરાબાદમાં થવા જોઈએ. ગુલામ નબી આઝાદે પણ આ જ વાત કહી.

લગભગ એકાદ કલાક પછી પ્રભાકરના ફોન પર આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનો ફોન આવ્યો અને કહ્યું કે, 'હું અત્યારે અનંતપુર પાસે છું અને સાંજે દિલ્હી પહોંચીશ. હું ખાતરી આપું છું કે આપણે (હૈદરાબાદમાં) તેમને ભવ્ય વિદાય આપીશું.'

પરિવારનું માનવું હતું કે છેલ્લા 35 વર્ષથી રાવ દિલ્હીમાં રહેતા હતા. તેઓ પાર્ટીના મહાસચિવ, અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી અને વડા પ્રધાન પણ બન્યા હતા, એટલે તેમના અંતિમસંસ્કાર દિલ્હીમાં જ થવા જોઈએ.

સાંજે સાડા છ વાગ્યે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પ્રણવ મુખરજી સહિતના કૉંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા. વડા પ્રધાને પૂછ્યું, 'તમે મૃતદેહનું શું કરવા માગો છો.' ત્યારે પ્રભાકરે કહ્યું, 'આ લોકો કહે છે કે હૈદરાબાદ લઈ જવા જોઈએ. દિલ્હી તેમની કર્મભૂમિ છે. તમારે તમારા કૅબિનેટના સહયોગીઓને સમજાવવા જોઈએ.' તેમણે હકારમાં માથું હલાવ્યું. સોનિયા ગાંધી પણ ત્યાં જ હતાં, પરંતુ બહુ થોડું બોલ્યાં.

મોડીરાત્રે પાટીલ અને રાવના પરિવારજનો ડૉ. મનમોહન સિંહને તેમના સત્તાવાર નિવાસસ્થાન 7, રેસકોર્સ રોડ (હવે જનકલ્યાણ માર્ગ) ખાતે મળ્યા. પરિવાર ઇચ્છતો હતો કે દિલ્હીમાં સ્મૃતિસ્થળ અંગે વડા પ્રધાન કોઈ નક્કર ખાતરી આપે. ડૉ. મનમોહન સિંહે ખાતરી ઉચ્ચારતા પરિવાર મૃતદહેને લઈ જવા તૈયાર થયો.

મૃતદેહને સૈન્ય ટ્રકમાં ગોઠવવામાં આવ્યો. ટ્રક ધીમે-ધીમે આગળ વધતા કૉંગ્રેસ મુખ્યાલય 24-અકબર રોડ (સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથની સામે) પહોંચ્યો. સામાન્ય રીતે કોઈપણ પૂર્વ કૉંગ્રેસપ્રમુખનું અવસાન થાય એટલે તેના મૃતદેહને કૉંગ્રેસ મુખ્યાલય લઈ જવાની પરંપરા રહી છે. પરંતુ મુખ્ય પ્રવેશદ્વારના દરવાજા ન ખુલ્યા.

સોનિયા ગાંધી તથા અન્ય કૉંગ્રેસી નેતાઓએ પુષ્પાંજલી અર્પિત કરી. લગભગ અડધી કલાક પછી મોડું થતું હોવાથી તેમના મૃતદેહને વિશેષ વિમાનમાં હૈદરાબાદ લઈ જવામાં આવ્યો, જ્યાં આંધ્ર પ્રદેશના રાજ્યપાલ, કૅબિનેટ તથા ઉચ્ચ અધિકારીઓ રાહ જોઈ રહ્યા હતા. પાર્થિવદેહને શહેરની મધ્યમાં આવેલા જ્યુબિલી હૉલ ખાતે લઈ જવામાં આવ્યો.

વિનય સીતાપતિએ તેમના પુસ્તક Half - Lion: How P.V Narasimha Rao Transformed Indiaનું પહેલું ચૅપ્ટર 'Half-Burnt Body'માં ઉપરોક્ત ઘટનાક્રમ વર્ણવ્યો છે.

પુસ્તકમાં નટવરસિંહને ટાંકતા સીતાપતિ લખે છે કે 'નરસિમ્હા રાવને લાગ્યું કે વડા પ્રધાન તરીકે તેમણે સોનિયા ગાંધીને રિપોર્ટ કરવાની જરૂર નથી. એટલે તેમણે રિપોર્ટ કરવાનું બંધ કર્યું. તેઓ આ મુદ્દે ગુસ્સે હતા.'

આ સિવાય રાજીવ ગાંધીના મૃત્યુ બાદ સોનિયા ગાંધીને રાજકારણમાં લાવવાની તથા પાર્ટીમાં સક્રિય કરવાની વાત થઈ હતી, ત્યારે નરસિમ્હા રાવે તેનો વિરોધ કર્યો હતો. આ સિવાય પાર્ટી માનતી હતી કે જો રાવે ઇચ્છ્યું હોત તો તેઓ બાબરી ધ્વંસને અટકાવી શક્યા હોત, જેના કારણે પાર્ટીની છાપને બટ્ટો લાગ્યો.

અહમદ પટેલના પ્રયાસ

ડૉ. મનમોહનસિંહના તત્કાલીન મીડિયા સલાહકાર સંજય બારૂએ મૃત્યુ પછીના ઘટનાક્રમ વિશે પોતાના પુસ્તકમાં (The Accidental Prime Minister: The Making and Unmaking of Manmohan Singh, પેજ નંબર (72-73) પર લખ્યું છે :

મારે અને (સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર) અહમદ પટેલ સાથે બહુ થોડી વખત વાતો થઈ હતી, જ્યારે પણ વાત થતી તેઓ ઉષ્માપૂર્ણ તથા મૈત્રીપૂર્વક વર્ત્યા. મારે તેમની સાથે મુખ્યત્વે બે વખત જ વાત થઈ હતી.

પહેલી વખત જ્યારે હું વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ સાથે રાવને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો, ત્યારે હજુ હું પાર્થિવ શરીરની પાસે પહોંચું તે પહેલાં જ અહમદ પટેલ મને બાજુએ લઈ ગયા. તેઓ ઇચ્છતા હતા કે હું રાવના પરિવારજનોને જણાવું કે મૃતદેહને હૈદરાબાદ લઈ જવામાં આવે. મને લાગ્યું કે સોનિયા ગાંધી દિલ્હીમાં તેમનું (રાવનું) મૅમોરિયલ બનવા દેવા માગતા નથી.

અહેમદ પટેલની વિનંતી અંગે મેં થોડીવાર વિચાર કર્યો અને પછી થયું કે મારે આવો સંદેશ ન આપવો જોઈએ. પરિવારને આવી માગણી કરવાનો પૂરો હક છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને બિનકૉંગ્રેસી વડા પ્રધાન ચરણસિંહ એટલે સુધી કે માત્ર સંસદસભ્ય હતા એવા સંજય ગાંધીનું પણ સમાધિસ્થળ છે ત્યારે રાવના પરિવારજનોને આવી માગણી કરવાનો હક છે. એટલે શ્રદ્ધાંજલી અર્પીને આ વિશે પરિવારજનોને કશું કહ્યાં વગર પરત ફરી ગયો.

બારૂના પિતા બીપીઆર વિઠ્ઠલ આંધ્ર પ્રદેશમાં સનદી અધિકારી હતા અને નરસિમ્હા રાવ જ્યારે અખંડ આંધ્ર પ્રદેશના (તેલંગણા સહિત) મુખ્ય મંત્રી હતા, ત્યારે રાવ અનેક વખત સંજયના પિતાને સ્પીચ લખી આપવા માટે કહેતા હતા.

આગળ જતાં તેમના પુસ્તક પરથી 'ઍક્સિડેન્ટલ પ્રાઇમમિનિસ્ટર' નામની ફિલ્મ પણ બની, જેમાં ડૉ. મનમોહન સિંહની ભૂમિકા અનુપમ ખેરે ભજવી, જ્યારે બારૂની ભૂમિકા અક્ષય ખન્નાએ ભજવી હતી.

વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, તેમના કૅબિનેટ મંત્રીઓ, પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા તથા ભાજપના એલકે અડવાણી સહિતના નેતાઓ અંતિમવિધિમાં હૈદરાબાદ ખાતે હાજર રહ્યા હતા.

નરસિમ્હા રાવના જીવન પર બનેલી ડૉક્યુ સિરીઝ ' P V: Change with Continuity Documentary series'ના પ્રથમ ઍપિસોડમાં પુત્ર પીવી પ્રભાકરરાવ કહે છે, "કપાલમોક્ષમ્ પછી અમે ઘરે આવી ગયા હતા. રાત્રે 11 વાગ્યે મારી બહેનનો મને ફોન આવ્યો, તેણે મને ટીવી જોવા માટે કહ્યું. પરિવાર માટે તે ખૂબ જ દર્દનાક અનુભવ હતો. અમે આખી રાત ઊંઘી ન શક્યા. શું ખોટું થયું તેના વિશે મને જાણ નથી. તેના વિશે કોણ જવાબદાર હતું, શું તેઓ આ બધું અટકાવી શક્યા હોત કે કેમ, ખરું કહું તો આના વિશે મારી પાસે કોઈ જવાબ નથી."

બારૂ તથા તત્કાલીન વિદેશ મંત્રી નટવરસિંહના કહેવા પ્રમાણે, રાવના અંતિમસંસ્કાર દરમિયાન જે કંઈ થયું, તેનાથી ડૉ. મનમોહન સિંહ ખુશ ન હતા.

જ્યારે ટેલિવિઝન ચેનલોએ દૃશ્યો દેખાડ્યા એ પછી વિપક્ષે તત્કાલીન કૉંગ્રેસ સરકાર પર રાવની ઉપેક્ષા કરવાનો આરોપ મૂક્યો હતો. ત્યારે રાવના પુત્ર રંગા રાવે આરોપોને નકાર્યા હતા. ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાત કરતા કહ્યું હતું :

"મારા પિતાએ દેશ અને પાર્ટી માટે જે કંઈ કર્યું, તેના બદલ તેમને જે કંઈ સન્માન મળ્યું, તેનાથી અમને સંતોષ છે. હૈદરાબાદમાં અંતિમસંસ્કારના સૂચન સામે અમને કોઈ વાંધો નથી. તેઓ પણ અમારા હિતેચ્છુ છે."

કપાલમોક્ષમ્ એટલે 'કપાલક્રિયા'. હિંદુ માન્યતા પ્રમાણે, આ વિધિ પછી મૃતકના આત્મા સાથે સંબંધ તૂટી જાય છે. આ વિધિ પછી અગાઉ મૃતકના પરિવારજન દ્વારા માથામાં વાંસ મારીને ખોપડી તોડવામાં આવતી, જેથી કરીને તેનું દહન થઈ શકે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી આ પ્રક્રિયાનું સ્થાન પાણી ભરેલાં કાણાંવાળા ઘડા સાથે ચિતાની પ્રદક્ષિણા કરીને માથા પાસે પ્રતીકરૂપ ઘડાને પટકીને તેને ફોડી નાખવાની વિધિએ સ્થાન લીધું છે. એ પછી ડાઘુઓ પાછું વળીને ચિતાને જોઈ ન શકે અને સ્મશાન (કે દહનસ્થળ) છોડી જાય છે.

મૅમોરિયલનો સ્મૃતિલોપ

2004થી 2014 સુધી કેન્દ્રમાં તથા આંધ્રમાં કૉંગ્રેસની સરકાર રહી હતી, પરંતુ મૅમોરિયલની કામગીરી આગળ વધી શકી ન હતી. રાજધાનીમાં સ્મૃતિસ્થળ બનાવવાની ખાતરી ડૉ. મનમોહન સિંહે રાવના પરિવારજનોને આપી હતી, પરંતુ તેનું પાલન થઈ શક્યું ન હતું.

હેલિકૉપ્ટર દુર્ઘટનામાં રાજશેખર રેડ્ડીના અકાળે અવસાન પછી કે.રોશૈય્યા તથા કિરણ કુમાર રેડ્ડી મુખ્ય મંત્રી બન્યા, પરંતુ હૈદરાબાદમાં પણ મૅમોરિયલનું કામ થઈ શક્યું ન હતું.

2016માં પી. ચિદમ્બરમે એક ખાનગી ચેનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં કૉંગ્રેસ દ્વારા તેમની ઉપેક્ષાના આરોપોને નકારવામાં આવ્યા હતા. 100મી જયંતી વખતે તેલંગણામાં કૉંગ્રેસ એકમો દ્વારા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા અને તેમની આર્થિકનીતિની પ્રશંસા કરવામાં આવી હતી.

નરસિમ્હા રાવના કેટલાક પરિવારજનો તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) સાથે જોડાયેલા છે, જે હાલ તેલંગણામાં સત્તા પર છે. રાવના જન્મ શતાબ્દી વર્ષે તેમના ગામમાં સ્મૃતિસ્મારકની જાહેરાત કરવામાં આવી હતી, જે ચાલુ વર્ષમાં પૂર્ણ થઈ જશે, તેવો અંદાજ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો