You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબના મુખ્ય મંત્રીની બેઠક પર જ AAP કઈ રીતે લોકસભાની ચૂંટણી હારી ગઈ?
- પંજાબની સંગરુર લોકસભા બેઠક પર શિરોમણી અકાલીદળ (અમૃતસર) ના સિમરનજીતસિંહ માનને 2.53 લાખ મત મળ્યા, જ્યારે AAP ઉમેદવાર ગુરમેલ સિંહને 2.47 લાખ મત મળ્યા
- ભગવંત માન 2014માં આ બેઠક પરથી 2.11 લાખ મતોના માર્જિન સાથે અને 2019માં 1.10 લાખ મતોના માર્જિન સાથે જીત્યા હતા
- પંજાબ સરકાર દિલ્હી દ્વારા ચલાવવામાં અને નિયંત્રિત કરવામાં આવે છે એવી ધારણા જનમાનસમાં બંધાઈ જે હારનું કારણ માનવામાં આવી રહ્યું છે
- 1945માં શિમલામાં જન્મેલા સિમરનજીતસિંહ માન આઈપીએસ અધિકારી હતા. તેમણે ઑપરેશન બ્લૂસ્ટારના વિરોધમાં રાજીનામું આપ્યું હતું
- તેઓ 1989માં લોકસભાની ચૂંટણી વખતે જેલમાં હતા છતાં પંજાબના ઇતિહાસના સૌથી વધુ માર્જિનથી લગભગ 4.5 લાખ મતોથી જીત્યા હતા.
- સિમરનજીતસિંહ માન ખાલિસ્તાન તરફી છે અને સતત તેની માગ કરી રહ્યા છે
પંજાબ 'જંગી બહુમત' સાથે આમ આદમી પાર્ટી- AAPને જીત મળ્યા બાદ, પંજાબના લોકોએ સંગરુર લોકસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને હારનો સ્વાદ ચખાડ્યો. 23 જૂને યોજાયેલી ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યા હતા.
શિરોમણી અકાલીદળ (અમૃતસર) ના સિમરનજીતસિંહ માનને 2.53 લાખ મત મળ્યા, જ્યારે AAP ઉમેદવાર ગુરમેલ સિંહને 2.47 લાખ મત મળ્યા હતા.
આ હાર નોંધપાત્ર છે કારણ કે આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ ભગવંત માન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં AAPની જીત બાદ રાજીનામું આપ્યું હતું. હાલમાં તેઓ પંજાબના મુખ્યમંત્રી છે. તેમણે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે મળીને મતવિસ્તારમાં વ્યાપક પ્રચાર કર્યો હતો.
ભગવંત માન 2014માં સંગરુર લોકસભા મતવિસ્તારમાંથી 2.11 લાખ મતોના માર્જિન સાથે અને 2019માં 1.10 લાખ મતોના માર્જિન સાથે જીત્યા હતા.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણી બાદ AAPએ 117માંથી 92 સીટો પર જીત મેળવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પંજાબના લોકો રાજ્યમાં પરંપરાગત રીતે શાસન કરી રહેલા રાજકીય પક્ષો પાસેથી પરિવર્તન ઇચ્છે છે.
થોડા મહિનાના શાસનમાં AAPમાં શું ગરબડ થઈ?
પંજાબ સરકાર દિલ્હીના મુખ્ય મંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલ દ્વારા ચલાવવામાં અને નિયંત્રિત કરવામાં આવે છે એવી ધારણા જનમાનસમાં બંધાઈ જે AAP માટે મોંઘી સાબિત થઈ છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમૅન્ટ ઍન્ડ કૉમ્યુનિકેશનના ડાયરેક્ટર ડૉ. પ્રમોદ કુમારે કહ્યું, "AAPને તેના ગવર્નન્સ મૉડલને પંજાબ-કેન્દ્રિત બનાવવાની જરૂર છે."
તેમણે કહ્યું કે, "સામાન્ય રીતે સત્તાધારી પક્ષ પેટાચૂંટણીમાં જીતે છે. જો કે ત્રણ મહિનામાં AAPની સ્વીકૃતિ ઘટી ગઈ છે, તે પણ વર્તમાન મુખ્ય મંત્રી દ્વારા ખાલી કરાયેલા મતવિસ્તારમાં. જે AAP માટે ભારે ચિંતાનો વિષય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. પ્રમોદે કહ્યું કે, "AAP પાસે કાર્યક્ષમ ચૂંટણી તંત્ર છે, પરંતુ તેમની પાસે રાજકીય મશીનરી નથી. તેમના ધારાસભ્યોને કોઈ સ્વાયત્તતા નથી અને તેમનો લોકસંપર્ક ઓછો છે."
પંજાબના લોકોમાં ચિંતાનું કારણ બનેલો બીજો મુદ્દો છેલ્લા કેટલાક મહિનાઓમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે. તાજેતરની ઘટના ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની છે.
વરિષ્ઠ પત્રકાર જગતાર સિંહે બીબીસી પંજાબીને કહ્યું હતું, "વિધાનસભા ચૂંટણી દરમિયાન મહિલાઓ અને યુવાનોએ AAPને મત આપ્યા હતા. આ વખતે યુવાનોએ સિમરનજીતસિંહ માનને સમર્થન આપ્યું હતું. ખેડૂતોનું સંગઠન ભારતીય કિસાન યુનિયન જેણે અગાઉ AAPને સમર્થન આપ્યું હતું તેણે પણ આ વખતે પીછેહઠ કરી છે."
તેમણે કહ્યું કે પંજાબના લોકોમાં એવી માન્યતા વ્યાપક બની છે કે અહીંની સરકાર પ્રૉક્સી સરકાર છે. તમામ નિર્ણયો દિલ્હીમાં લેવામાં આવી રહ્યા છે.
કોણ છે સિમરનજીતસિંહ માન
1945માં શિમલામાં જન્મેલા સિમરનજીતસિંહ માન આઈપીએસ અધિકારી હતા. તેમણે ઑપરેશન બ્લૂસ્ટારના વિરોધમાં રાજીનામું આપ્યું હતું.
સિમરનજીતસિંહ માનના રાજકારણમાં પ્રવેશ અંગે તેઓ કહે છે કે માનને ઑપરેશન બ્લૂસ્ટારના વિરોધમાં 1984માં આઈપીએસ અધિકારી તરીકે રાજીનામું આપ્યું હતું.
તે સમયે સરમનજીતસિંહ માન ફરીદકોટના એસએસપી હતા. તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
તેઓ 1989માં લોકસભાની ચૂંટણી વખતે જેલમાં હતા છતાં લગભગ 4.5 લાખ મતોથી જીત્યા હતા. જગતાપસિંહ કહે છે કે પંજાબના ઇતિહાસમાં સૌથી વધુ માર્જિનથી લોકસભા બેઠક જીતવાનો એ કીર્તિમાન છે.
1989ની લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી શિરોમણી અકાલીદળ (સિમરનજીતસિંહ માન)એ પંજાબમાં સાત લોકસભા બેઠકો જીતી હતી. જેમાં લુધિયાણા, રોપર, ફરીદકોટ, ફિરોઝપુર, તરનતારન, સંગરુર અને બઠિંડાનો સમાવેશ થાય છે.
તેમણે તેમના કિરપાણ વિના સંસદ ભવનમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ રાજીનામું આપ્યું હતું.
જગતારસિંહનું કહેવું છે કે સિમરનજીતસિંહ માન યુનાઈટેડ અકાલીદળના જૉઈન્ટ પ્રેસિડન્ટ બન્યા પરંતુ તે લાંબો સમય ટકી શક્યા નહીં અને અકાલીદળનું વિસર્જન થઈ ગયું.
ત્યારબાદ સિમરનજીતસિંહ માને તેમની પાર્ટી શિરોમણી અકાલી દળ (અમૃતસર) ઊભી કરી અને ત્યારબાદ તેઓ 1999માં સંગરુર લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારપછી તેઓ ચૂંટણી જીત્યા નથી.
જગતાર સિંહનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી સિવાય સિમરનજીતસિંહ વિધાનસભાની ચૂંટણી તેમજ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
ખાલિસ્તાન વિચારધારા અને સિમરનજીતસિંહ માન
જગતાર સિંહનું કહેવું છે કે આ પછી સિમરનજીત સિંહ માન ભૂગર્ભમાં જતા રહ્યા હતા કારણ કે તેમની વિરુદ્ધ વૉરંટ જારી કરવામાં આવ્યું હતું.
ઇન્દિરા ગાંધી હત્યા કેસમાં તેમના નામનો ઉલ્લેખ થયો ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય સિમરનજીત માનનું નામ ખાલિસ્તાન સાથે વિવિધ કેસોમાં જોડાયેલું રહ્યું છે.
સિમરનજીતસિંહ માન 1984 થી 1989 સુધી જેલમાં હતા.
ખાલિસ્તાન પર સિમરનજીતસિંહ માનની વિચારધારા વિશે જણાવતા જગતારસિંહે કહ્યું કે સિમરનજીતસિંહ માન ખાલિસ્તાન તરફી છે અને સતત તેની માગ કરી રહ્યા છે.
તેમના મતે સિમરનજીતસિંહ માન લોકતાંત્રિક રીતે ખાલિસ્તાનની માંગણી કરે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો