You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આમ આદમી પાર્ટી : ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા સિવાય તમામ હોદ્દેદારોને કેમ હટાવી દીધા?
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશપ્રમુખના પદ સિવાયનું પાર્ટીનું સમગ્ર માળખું વિખેરી નાખવાની જાહેરાત કરી છે.
આ જાહેરાતને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ સ્વરૂપે જોવામાં આવી રહી છે.
ગુજરાતમાં 'સત્તાધારી પક્ષના વિકલ્પ' તરીકે રજૂ કરનાર આમ આદમી પાર્ટીમાં આટલા મોટા ફેરફારની જરૂરિયાતને લઈને હવે ચર્ચા શરૂ થઈ છે.
આ જાહેરાત કરતી વખતે ગોપાલ ઇટાલિયાએ ફેરફાર અંગેના કારણ જણાવતાં કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવા માટે પક્ષમાં જોડાયેલી નવી ઊર્જાનો સંચાર કરવા માટે આ પગલું લેવાયું છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસો પણ વધી રહ્યા છે, પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પણ આશા દેખાઈ રહી છે.
આમ આદમી પાર્ટીના આ પગલાની રાજકીય અસરો અને તેનાં સંભવિત કારણો અંગે જાણવા માટે ગુજરાતના રાજકારણના જાણકારો અને વિશ્લેષકો સાથે બીબીસી ગુજરાતીએ વાતચીત કરી હતી.
શું પાર્ટીમાં બધું બરોબર નહોતું?
ગોપાલ ઇટાલિયાએ આ જાહેરાત કરી ત્યારે તેમણે પાર્ટીમાં નવા જોડાયેલા લોકોને સંગઠનમાં જવાબદારી અને જગ્યા આપવાના હેતુસર અને ચૂંટણીમાં જીત માટે ઊતરવાની વાત કરી હતી.
ગુજરાતનાં જાણીતાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી આ પગલા અંગે પોતાનું વિશ્લેષણ રજૂ કરતાં જણાવે છે કે, "મારા મતે આમ આદમી પાર્ટીમાં અગાઉના હોદ્દેદારો બિનકાર્યક્ષમ બન્યા હતા. જેના કારણે પાર્ટીના કામ પર અસર પડી રહી હતી. આ સમસ્યાના નિવારણ માટે ચૂંટણી પહેલાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરાયો છે. જોકે આ પગલું લેવામાં ખૂબ જ મોડું થયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ જણાવે છે કે, "ચૂંટણીમાં સફળ થવા માટે આવું કરાયું છે, કારણ કે ગુજરાતમાં હજુ પણ લોકોને આમ આદમી પાર્ટી પ્રત્યે થોડી હકારાત્મક લાગણી છે. જે લોકો સુધી પહોંચાડવા માટેનો આ પ્રયાસ છે. વ્યૂહરચનાના ભાગરૂપે આવું કરાઈ રહ્યું હોવાનું હું નથી માનતી."
જોકે, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજ ગોસ્વામી માને છે કે આવું માત્ર ચૂંટણીમાં વધુ મજબૂતીથી ઊતરવાની વ્યૂહરચનાના ભાગરૂપે કરાયું છે.
તેઓ કહે છે કે, "આવું કરવાનો સીધો અર્થ એ છે કે ગુજરાતમાં આગામી દિવસમાં ચૂંટણી યોજાવાની છે, તેને ધ્યાન રાખીને તેઓ નવેસરથી માળખું ગોઠવવા માગે છે. અગાઉ સંગઠનના વિસ્તરને ધ્યાને રાખીને માળખું ગોઠવાયેલું હતું."
"પાછલી કૉર્પોરેશનની ચૂંટણી અને પંજાબની ચૂંટણીમાં જીત બાદ તેમનામાં નવો જુસ્સો અને નવી આશા છે. હવે તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે તે કારણે તેઓ ગંભીરતાથી આ ચૂંટણીમાં ઝંપલાવવા માગે છે, આ બધી તેની જ તૈયારીઓ છે."
કંઈક આવું જ આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ આ જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું.
જોકે, જાણકારો આ પગલાને પાર્ટીમાં બધું બરોબર ન હોવના સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો