You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સી.આર. પાટીલ પર જ શા માટે પ્રહાર કરે છે?
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા બે મહિનામાં ચાર વખત ગુજરાત આવ્યા અને આ દરમિયાન સી. આર. પાટીલ પર સીધા પ્રહાર કરતા જોવા મળ્યા.
- અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં નરેન્દ્ર મોદી કે અમિત શાહ પર ટિપ્પણી કરવાનું કેમ ટાળી રહ્યા છે?
- એવું તો શું થયું તો અરવિંદ કેજરીવાલ ભારે આક્રમકતાથી સી. આર. પાટીલ પર પ્રહાર કરી રહ્યા છે?
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયા બાદ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં રોડ-શો યોજ્યો હતો.
આ રોડ-શો યોજ્યા બાદ તેમણે ગુજરાતી ન્યૂઝ ચૅનલ ટીવી9ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે પંજાબમાં ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ લોકોને સ્પર્શતા મુદ્દા ઊઠાવ્યા હતા. જેના કારણે તેમની જીત થઈ છે.
ત્યાર બાદ તેઓ બોલ્યા હતા કે, પંજાબની ચૂંટણી વખતે તેમની પાર્ટીએ ક્યારેય કોઈના વિશે કંઈ સારુંનરસું કહ્યું નથી. તેઓ માત્ર વિકાસ અને લોકોના મુદ્દાને લઈને જ વાત કરતા હતા અને તેઓ તે જ રીતે કામ કરે છે.
જોકે, પંજાબની જીત બાદ ગુજરાતની પહેલી મુલાકાતમાં આ નિવેદન આપ્યા બાદની તમામ મુલાકાતોમાં તેઓ ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પર શાબ્દિક પ્રહાર કરતા જોવા મળ્યા હતા.
તો પછી પ્રશ્ન એ છે કે એવું તો શું થયું તો અરવિંદ કેજરીવાલ ત્યાર બાદથી ખૂબ આક્રમકતાથી સી. આર. પાટીલ પર પ્રહાર કરવાના શરૂ કર્યા?
અરવિંદ કેજરીવાલે સી. આર. પાટીલ વિશે શું-શું કહ્યું?
અમદાવાદના રોડ-શો બાદ અરવિંદ કેજરીવાલે પહેલી મેના રોજ ભરૂચ ખાતે જાહેર સભા સંબોધી હતી.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યા બાદ ગુજરાતમાં તેમની આ પહેલી જાહેરસભા હતી. જેમાં તેમણે ગુજરાતમાં પેપરલીક, શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને ભાજપ સરકારને આડેહાથ લીધી હતી.
ત્યાર બાદ સી. આર. પાટીલ વિશે ટિપ્પણી કરતાં કહ્યું, "મને ક્યારની એક વાત ખટકી રહી છે. ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ કોણ છે? સી. આર. પાટીલ ક્યાંના રહેવાસી છે, મહારાષ્ટ્રના."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું, "શું ભાજપને ગુજરાતના 6.5 કરોડ લોકોમાંથી એક માણસ ન મળ્યો પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે? આ લોકો મહારાષ્ટ્રના માણસથી ગુજરાત ચલાવશે?"
આ નિવેદનના દસ દિવસ બાદ અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે ફરીથી પાટીલને નિશાન બનાવ્યા હતા.
રાજકોટમાં સી. આર. પાટીલ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે પણ ગુજરાતમાં મુખ્ય મંત્રી કોઈ પણ બને, સરકાર તો તેઓ જ ચલાવે છે.
આ જ વાત તેમણે છ મેના રોજ મહેસાણામાં ત્રિરંગા યાત્રાને સંબોધતી વખતે પણ જણાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે સી. આર. પાટીલમાં તેમનું નામ લેવાની હિંમત નથી.
એ યાત્રા દરમિયાન દિલ્હીના મુખ્ય મંત્રી બોલ્યા હતા, "હું તેમને ચૅલેન્જ કરું છું કે તેઓ મારું નામ લઈને બતાવે."
જોકે, અરવિંદ કેજરીવાલના સી. આર. પાટીલને લગતાં નિવેદનો પાછળ જવાબદાર કારણોમાંનું એક કારણ છે સી. આર. પાટીલની એક ટિપ્પણી.
સાતમી મેના રોજ સુરત ભાજપ દ્વારા યોજાયેલી એક પત્રકારપરિષદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આમ આદમી પાર્ટી પર અને તેમાં પણ ખાસ કરીને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું, "દિલ્હીથી કોઈ ઠગ આવી રહ્યો છે. આવવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતની પ્રજા તેને ઓળખી પણ ગઈ છે. હવે પ્રજાએ તેને મક્કમતાથી રોકવાનો પ્રયત્ન કરવો પડશે."
અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર સી. આર. પાટીલે આ નિવેદન કર્યું હતું.
ત્યાર બાદથી કેજરીવાલે ગુજરાતમાં પોતાની સભાઓમાં સી. આર. પાટીલની સાથેસાથે 'ઠગ' તેમજ 'મહાઠગ' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.
અન્ય ક્યાં કારણો જવાબદાર?
સામાન્ય રીતે પોતાના દરેક ભાષણોમાં અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદી કે અમિત શાહ પર ટિપ્પણી કરવાનું ટાળતા હોય છે. ત્યારે ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પર તેઓ શા માટે ટિપ્પણી કરી રહ્યા છે, તે જાણવા રાજકીય તજજ્ઞો સાથે વાત કરી.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "અરવિંદ કેજરીવાલ જાણે છે કે જો તેઓ નરેન્દ્ર મોદી કે અમિત શાહ પર કોઈ ટિપ્પણી કરશે તો તે બૅકફાયર થશે. આ ઉપરાંત તેમના પર કરાયેલી ટિપ્પણીઓથી એક મોટો વર્ગ નારાજ થઈ જાય છે. તેથી તેઓ આ બંનેને ટાંકીને નિવેદનો કરવાનું ટાળે છે. "
તેઓ આગળ કહે છે, "હવે વાત ગુજરાતની. ગુજરાતમાં સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતના મુદ્દાને લઈને કેજરીવાલને એક રાજકારણી તરીકે આક્ષેપો કરવા માટે કોઈને કોઈ જોઈએ. સી. આર. પાટીલે તેમને ઠગ કહીને એ તક આપી."
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા આ વાતથી સહમત છે. તેઓ કહે છે, "ગુજરાતનાં રાજકીય વર્તુળોમાં એ માન્યતા તો છે જ કે સી. આર. પાટીલ સરકાર બનાવે અને ચલાવે પણ છે. કેજરીવાલને નામ લીધા વગર 'મહાઠગ' કહીને તેમણે મોકો આપી દીધો છે, જેને કેજરીવાલ છોડવા માગતા નથી."
કૌશિક મહેતા નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા સમજાવે છે, "જે રીતે વિપક્ષે તેમને વિવિધ નામ થકી સંબોધ્યા અને નરેન્દ્ર મોદીએ તેનો ઉપયોગ કરીને વળતા પ્રહારો કર્યા, કેજરીવાલ પણ કંઈક તેવું જ કરતા હોય તેમ લાગે છે."
જગદીશ આચાર્યનું માનવું છે કે કૉંગ્રેસની સરખામણીએ આમ આદમી પાર્ટી હાલમાં વધુ સક્રિય છે.
તેઓ જણાવે છે,"હાલમાં કૉંગ્રેસ સાવ નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે. જેની સામે ભાજપ અને આમ આદમી પાર્ટી લોકસંપર્ક, યાત્રાઓ યોજવા ઉપરાંત સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય છે, એનો સીધો ફાયદો તેમને થશે."
જોકે, કૌશિક મહેતા કહે છે, "ભાજપની સ્ટ્રેટેજી છે કે તેઓ વિરોધીઓ કોણ છે તે જોયા વિના ચૂંટણીના એકાદ વર્ષ પહેલાંથી કામ પર લાગી જાય છે પણ આ વખતે કૉંગ્રેસની હાલત જોતા તેમનું ધ્યાન માત્ર કૉંગ્રેસના મતો એકઠાં કરવા પર અને આમ આદમી પાર્ટીનું નેટવર્ક પ્રસરે તે પહેલાં જ તેમના મતો ખેંચી લેવા પર હોય તેમ લાગે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો