મહારાષ્ટ્ર સંકટ : ભાજપ પોતાના વિરોધીઓને કઈ રીતે ઘૂંટણે પાડી દે છે?

સપ્ટેમ્બર-2013માં ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા બાદ કદાચ પહેલી વખત જાન્યુઆરી-2014માં ગોવા ખાતે યોજાયેલી ભાજપની 'વિજય સંકલ્પ રેલી' ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ 'કૉંગ્રેસ-મુક્ત ભારત'ની વાત જાહેરમાં કહી હતી.

એ સમયે વિશ્લેષકો દ્વારા તેમની વાતને ગંભીરતાથી લેવામાં નહોતી આવી, પરંતુ આજે દેશના ભૌગોલિક નકશા ઉપર નજર કરવામાં આવે રાજસ્થાન, છત્તીસગઢમાં કૉંગ્રેસ સત્તા ઉપર રહેવા પામી છે, જ્યારે ઝારખંડમાં સત્તામાં ભાગીદાર છે.

છેલ્લા છ મહિનામાં પાર્ટીએ પંજાબમાં સત્તા ગુમાવી છે અને મહારાષ્ટ્રમાં તે સત્તામાં ભાગીદાર હતી, પરંતુ ત્યાં પણ સંકટ ઊભું થયું છે અને નવી સરકારમાં (કે યુતિ સરકાર) તેનું સ્થાન હશે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ છે.

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી 'મહાવિકાસ અઘાડી સરકાર' પર સંકટ ઊભું થયું છે. શિવસેનામાં આંતરિક બળવો થયો છે. વિપક્ષનો આરોપ છે કે ભાજપ દ્વારા 'યેનકેન પ્રકારેણ' બહુમત મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

આ પહેલાં પણ વિપક્ષે ભાજપની ઉપર વિપક્ષને નબળો પાડવા માટે અનૈતિક આચરણ કરવાના આરોપ મૂક્યા છે. કેટલાંક સબળ પાસાંને કારણે ભાજપ એક પછી એક રાજ્યમાં ભગવો ફરકાવવામાં સફળ રહ્યો છે, તો વિપક્ષની કેટલીક નબળાઈ ભાજપની તાકત બની રહે છે.

જનાધારવાળા નેતા પર નિર્ભરતા

છેલ્લાં આઠ વર્ષ દરમિયાન વિપક્ષ કૉંગ્રેસે જે વાતનો સૌથી વધુ સામનો કરવો પડ્યો છે, તે જનાધારવાળા મહત્ત્વકાંક્ષી નેતાઓનું નિર્ગમન, જેની કિંમત કેટલાંક રાજ્યોમાં પાર્ટીએ સત્તા ગુમાવીને ચૂકવી છે.

ભાજપના મુખ્ય મંત્રી હેમંતા બિશ્વા શર્મા (આસામ) , પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશ), માણિક સહા (ત્રિપુરા) આઠ વર્ષ પહેલાં કૉંગ્રેસમાં હતા, જ્યારે કર્ણાટકના મુખ્ય મંત્રી બીએસ બોમ્માઈએ તેમની રાજકીય કારકિર્દી જનતા દળથી શરૂ કરી હતી. બોમ્માઈ 2008માં ભાજપમાં જોડાયા હતા. શર્માના પુરોગામી મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત આસામ ગણપરિષદથી કરી હતી.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા માર્ચ-2020માં ભાજપમાં જોડાયા. સિંધિયા તથા તેમના સમર્થકોને કારણે જ મધ્ય પ્રદેશમાં કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકારનું પતન થયું હતું.

ગુજરાત વિધાનસભાનાં સ્પીકર નીમાબહેન આચાર્ય (2007), ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય નરહરિ અમીન ; કુંવરજીભાઈ બાવળિયા અને જવાહર ચાવડા સહિત અનેક નેતા તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતથી ભાજપમાં ન હતાં. એટલે જ કૉંગ્રેસ દ્વારા 'કૉંગ્રેસ-યુક્ત બીજેપી'નો ટોણો મારવામાં આવે છે.

હાલમાં પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી મુખ્ય મંત્રી મમતા બેનરજીને પડકાર આપી રહ્યા છે, તેઓ અગાઉ તૃણમૂલ કૉંગ્રેસમાં હતા. જોકે, દરેક વખતે આયાતી નેતા ઉપર લગાડવામાં આવેલો દાવ સફળ નથી રહ્યો. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો તથા મુકુલ રોય સહિત કેટલાક ધારાસભ્ય અને સંસદસભ્ય પાર્ટી છોડી ગયા હતા.

પક્ષ પર પકડ

જ્યારે કોઈ બહારથી આવેલા નેતાને પાર્ટીમાં ઊંચા સ્થાન પર બેસાડવામાં આવે, મંત્રીપદ આપવામાં આવે, એટલે સુધી કે મુખ્ય મંત્રીપદ પણ આપવામાં આવે તો પાર્ટીમાં આંતરિક વિરોધ ઊભો થવાની શક્યતા હોય છે. છતાં ભાજપનું વર્તમાન કેન્દ્રીય નેતૃત્વની પક્ષ પર એટલી પકડ ધરાવે છે કે પાર્ટીમાં બળવો નથી થતો અને અસંતોષ ઊભો થયો હોય તો પણ નારાજ નેતા જાહેરમાં વ્યક્ત નથી કરાતો અને તે બહાર નથી આવતો.

એક સમયે અમિત શાહ અને ભાજપ વિશે ખૂબ જ તીખી ટિપ્પણી કરનારા ગુજરાત કૉંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પાર્ટીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા, ત્યારે પાર્ટીમાંથી નારાજગીનો સૂર તો ઊઠ્યો, પરંતુ તે બળવા કે સામૂહિક રાજીનામાં સ્વરૂપે બહાર નથી આવ્યો.

ગુજરાતમાં વિજય રૂપાણી તથા સમગ્ર મંત્રીમંડળનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યાં અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ. છતાં કોઈપણ મંત્રીએ જાહેરમાં કોઈ એવી ટિપ્પણી નથી કરી કે જેને 'નક્કર અસંતોષની અભિવ્યક્તિ' ગણી શકાય.

ગત વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ત્રણ વખતથી વધુ વખત ચૂંટાયેલાઓને તથા 60 વર્ષની વધુનાઓને ટિકિટ નહીં આપવાનો પાર્ટીએ નિર્ણય કર્યો, એમ છતાં તેનો વિજય થયો. ગુજરાત ઉપરાંત ત્રિપુરા તથા ઉત્તરાખંડમાં પણ ભાજપ સરળતાથી નેતૃત્વપરિવર્તન કરી શક્યો છે.

વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિંહાએ એપ્રિલ-2018માં ભાજપ છોડ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામી, અરુણ શૌરી અને જસવંતસિંહ જેવા નેતાઓ 'નવા નેતૃત્વ' હેઠળ ભાજપની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે.

કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ ?

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના ટ્રબલ-શૂટર મનાતા રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ફેબ્રુઆરી મહિનામાં આરોપ મૂક્યો હતો કે, "હેતુપૂર્વક અમુક લોકોની સામે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેમને મળેલી સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. કેટલાક અધિકારીઓ એજન્ટ મારફત વસૂલી તથા બ્લૅકમેઇલિંગમાં સંડોવાયેલા છે. આ વિશેના પુરાવા વડા પ્રધાન કાર્યાલયને સોંપ્યા છે."

એટલું જ નહીં તેમણે આરોપ મૂક્યો હતો કે શિવસેનાના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને કૉંગ્રેસ પાર્ટીની મહાવિકાસ અઘાડી સરકારને અસ્થિર કરવામાં કેન્દ્રીય એજન્સીઓ લાગેલી છે, જેથી કરીને મધ્યસત્રી ચૂંટણીઓ યોજી શકાય.

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે તેના ધારાસભ્યોને સાચવી રાખવા માટે કર્ણાટક મોકલ્યા હતા. એના ગણતરીના કલાકોમાં તેઓને જે રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા, તેને રૂ. 900 કરોડ કરતાં વધુની આવકવેરાની નોટિસ કાઢવામાં આવી. રિસોર્ટ ઉપરાંત ધારાસભ્યોને સાચવવાની જવાબદારી લેનારા કર્ણાટક સરકારના મંત્રી ડીકે શિવકુમાર તથા તેમના સાથીઓ ઉપર પણ ઇન્કમટેક્સની રેડ પડી હતી.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી. ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ, ડી. શીવકુમાર, અનિલ દેશમુખ, નવાબ મલિક, છગન ભૂજબળ, ફારુખ અબ્દુલ્લા, લાલુપ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, રાબડીદેવી, કલ્યાણ બેનરજી, જગન મોહન રેડ્ડી જેવા વિપક્ષના નેતાઓ સામે ઈડીની તપાસ ચાલી રહી છે. વિપક્ષનો આરોપ છે કે ભાજપ દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.

એક સમયે હેમંતા બિશ્વા શર્મા સામે શારદા ચીટફંડ કેસની તપાસ ચાલતી હતી, પરંતુ તે ભાજપમાં જોડાયા તે પછી તેની તપાસ ઢીલી પડી ગઈ હોવાના આરોપ પણ મમતા બેનરજીએ મૂક્યા હતા.

કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ સામે તપાસ એજન્સીઓના દુરુપયોગના આરોપ નવા નથી. નરેન્દ્ર મોદી, અમિત શાહ, એ રાજા, દયાનિધિ મારન, જગન મોહન રેડ્ડી જેના નેતાઓ સામે ઈડી (ઇન્ફોર્સમૅન્ટ ડિરેક્ટ્રેટ) કે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ તપાસ હાથ ધરી, ત્યારે પણ આવા જ આરોપ લાગ્યા હતા.

રાજીખુશીથી રાજીનામાં

મધ્ય પ્રદેશ (2020) અને કર્ણાટકમાં (2020) ભાજપે અનુક્રમે કૉંગ્રેસ અને એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી જનતા દળ સેક્યુલરને હઠાવી હતી. સત્તારૂઢ પક્ષના (કે યુતિ) જ ધારાસભ્ય તૂટ્યા હતા, પરંતુ એ એટલી વધુ સંખ્યામાં ન હતા કે તેઓ પક્ષાંતરવિરોધી કાયદાની જોગવાઈઓથી બચી શકે. જે મુજબ બે તૃતીયાંશ (કે તેથી) વધુ સભ્યો પક્ષ છોડે તો તેમનું સભ્યપદ યથાવત્ રહે.

બંને રાજ્યોમાં પાંચ વર્ષ માટે ચૂંટાયેલા ધારાસભ્યોએ પોત-પોતાની બેઠકો પરથી રાજીનામાં ધરી દીધાં. એ પછી ઘટી ગયેલી ગૃહની સંખ્યાના આધારે શિવરાજસિંહ ચૌહાણ અને બીએસ યેદિયુરપ્પા સત્તારૂઢ થયા. રાજીનામાં આપનાર મોટાભાગના ધારાસભ્યોને ભાજપની ટિકિટ આપવામાં આવી અને બહુમત સુનિશ્ચિત કરવામાં આવ્યો.

ગુજરાતમાં વર્ષ 2017, 2019 અને 2020માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન આવાં જ દૃશ્યો ભજવાયાં હતાં, જ્યારે ધારાસભ્યો પોતાના સભ્યપદેથી રાજીનામાં સ્પીકરને ધરી દે. એ પછી તેઓ ભાજપમાં જોડાય અને ફરીથી ચૂંટણી જીતે.

જોકે, દરેક વખતે ધારાસભ્યોનો આ રાજકીય દાવ સફળ થાય એવું નથી હોતું. જુલાઈ-2019માં 'ઓબીસી આંદોલન'થી ચર્ચામાં આવેલા અલ્પેશ ઠાકોર (રાધનપુર) તથા તેમના સાથી ધવલસિંહ ઝાલાએ ભાજપના ઉમેદવાર એસ. જયશંકર તથા જુગલજી ઠાકોરની તરફેણમાં ક્રૉસ-વોટિંગ કર્યું હતું અને કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધાં હતાં.

ભાજપે બંનેને તેમની બેઠકો પરથી ટિકિટ આપીને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા, પરંતુ જનતાએ તેમને જાકારો આપ્યો હતો.

એકતાનો અભાવ

એક તરફ ભાજપ કૉંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષોના નેતાઓને પોતાની સાથે જોડીને વિપક્ષને તોડી રહ્યો છે અને પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. તો બીજી તરફ વિપક્ષને એક થવામાં અનેક મુશ્કેલીઓ છે.

તાજેતરની રાષ્ટ્રપતિપદની ચૂંટણી વખતે શરદ પવાર (એનસીપી) તથા ફારુખ અબ્દુલ્લાના (નેશનલ કૉન્ફરન્સ) ઉમેદવાર બનવાનો ઇન્કાર કરી દીધો. અંતે પશ્ચિમ બંગાળના પ્રાદેશિક પક્ષ તૃણમુલ કૉંગ્રેસના નેતા યશવંત સિંહાના નામ ઉપર કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, સીપીઆઈ અને સીપીઆઈ-એમ જેવા પક્ષોએ સહમતિ આપી હતી. સિંહા ટીએમસીમાં જોડાયા તે પહેલાં ભાજપ સાથે જોડાયેલા હતા.

મમતા બેનરજી અને શરદ પવારે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે બેઠક બોલાવી ત્યારે વાયએસઆર કૉંગ્રેસ (આંધ્ર પ્રદેશ), તેલંગણા રાષ્ટ્ર સમિતિ (તેલંગણા), બીજુ જનતા દલ (ઓડિશા) અને આમ આદમી પાર્ટીના (દિલ્હી અને પંજાબ) પ્રતિનિધિઓ તેમાં હાજર રહ્યા ન હતા.

મહારાષ્ટ્રમાં શિવસેનાએ એનસીપી-કૉંગ્રેસની સામે ચૂંટણી લડી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સપાની યુતિ ન હતી.

લોકશાહીમાં માત્ર વિરોધ કરવા માટે જ નહીં, પરંતુ વિકલ્પ રજૂ કરવા માટે પણ વિપક્ષની જરૂર રહે છે. સવાલ એ હશે કે વિપક્ષી જૂથનું નેતૃત્વ કોણ કરશે,તેઓ શાને માટે લડશે અને કયા મુદ્દા ઉઠાવશે. જ્યાર સુધી આ સવાલોના જવાબ નહીં મળે, ત્યાર સુધી કદાચ 'કૉંગ્રેસમુક્ત ભારત'ની વાતો સંભળાતી રહેશે.

'ઑપરેશન કમલ'

છેલ્લાં આઠ વર્ષ દરમિયાન પૂર્વ (અરુણાચલ પ્રદેશ), પશ્ચિમ (મહારાષ્ટ્ર, 2019), ઉત્તર (હરિયાણા), દક્ષિણમાં (કર્ણાટક) એવા દાખલા જોવા મળ્યા છે કે ભાજપે 'ઑપરેશન કમલ' દ્વારા વિપક્ષ પાસેથી સત્તા આંચકી લીધી હોય કે તેને સત્તાથી વંચિત રાખ્યો હોય.

2019માં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં, એ પછી ભાજપે એનસીપીના અજિત પવારની મદદથી સરકાર રચવાનો દાવો કર્યો હતો, ઉતાવળે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી તથા અજિત પવારને નાયબમુખ્ય મંત્રીપદના શપથ લેવડાવવામાં આવ્યા. જોકે આ સરકાર ત્રણ દિવસ જ ટકી અને તેનું પતન થયું.

મીડિયામાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે, હાલમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના આંતરિક બળવાની પાછળ ભાજપનો જ દોરીસંચાર છે અને તેને 'ઑપરેશન કમલ 2.0' એવું નામ આપવામાં આવી રહ્યું છે.

ડિસેમ્બર-2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની તેના છ મહિનામાં ઝારખંડમાં ચૂંટણી યોજાઈ. ભાજપ 81 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ભાજપને 37 બેઠક મળી હતી. બે મહિનામાં ઝારખંડ વિકાસ મોરચાના આઠમાંથી છ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા, અંતે તેનું ભાજપમાં વિલિનીકરણ થઈ ગયું.

વર્ષ 2017માં ગોવામાં ભાજપને 40માંથી માત્ર 13 બેઠક મળી હતી, જ્યારે કૉંગ્રેસને 17 બેઠક મળી હતી. એવું લાગતું હતું કે આંકડા કૉંગ્રેસની તરફેણમાં છે, પરંતુ ભાજપ સામે લડનારા સ્થાનિક પક્ષો અને અપક્ષોએ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી. સૌથી મોટા પક્ષ કૉંગ્રેસ પાંચ વર્ષ વિપક્ષમાં બેસવું પડ્યું.

જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ જ રાજસ્થાનમાં કૉંગ્રેસના યુવા અને જમીન સાથે જોડાયેલા નેતા સચીન પાઇલટે વર્ષ 2020માં અશોક ગેહલોત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપશાસિત હરિયાણાના માનેસર ખાતેના એક રિસોર્ટમાં પોતાના સમર્થક ધારાસભ્યો સાથે પહોંચી ગયા હતા, પરંતુ ગેહલોત પોતાની સરકાર ટકાવવામાં સફળ રહ્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો