You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત આવેલા શિવસેનાના ધારાસભ્યોને ગૌહાટી કેમ લઈ જવાયા?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
- મહારાષ્ટ્રના ધારાસભ્યોને સુરતની હોટલમાં આવ્યા એ એને મહાવિકાસ અઘાડી સરકારના પાયા હચમચાવી નાખવાના ભાજપના કાવતરા સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે.
- નિષ્ણાતોના મતે આ સમગ્ર કાર્યવાહીની જવાબદારી ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલને અપાઈ હોવાની વાત થઈ રહી હતી.
- સી. આર. પાટીલની દક્ષિણ ગુજરાતમાં મજબૂત પકડ અને સરકારી વિભાગો પર દબદબાને આ કાર્યવાહી સુરતમાં હાથ ધરવામાં આવી હોવાનો નિષ્ણાતોનો મત.
- જોકે, ધારાસભ્યોને હવે સુરતથી ગૌહાટી લઈ જવાયા છે.
શિવસેનાની મહાવિકાસ અઘાડી સરકારના મહત્ત્વના પક્ષ શિવસેનાના કેટલાક ધારાસભ્યો સુરત આવી પહોંચ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર સરકારના શહેરીવિકાસમંત્રી અને થાણે જિલ્લાના ધારાસભ્ય એકનાથ શિંદે સાથે સુરતની એક ખાનગી હોટલમાં ઊતર્યા હતા.
નિષ્ણાતો આને મહારાષ્ટ્રની સરકાર ઉથલાવવા માટેનો પ્રયાસ ગણાવી રહ્યા છે.
આવામાં એ પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે કે શિવસેનાના ધારાસભ્યોએ પક્ષથી સંપર્ક કાપી કેમ દેશમાં અન્યત્રે ક્યાંય નહીં અને સુરત ખાતે આવીને જ આગળની વ્યૂહરચના ઘડવાનું નક્કી કર્યું?
તેની પાછળ મૂળ મરાઠી એવા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલની ગુજરાત સરકાર પરની પકડને મૂળ કારણ માનવામાં આવી રહ્યું છે.
આખી હોટલને એક કિલ્લામાં તબદીલ કરી દેવમાં આવી હતી, જેના બંદોબસ્તની જવાબદારી ઉચ્ચ અધિકારી શરદ સિંઘલને આપવામાં આવી હતી. સિંઘલે સોમવારે સાંજે આ હોટલની મુલાકાત લઈ તેના બંદોબસ્તની તમામ ગોઠવણ વિશે જાણકારી લીધી હતી.
આ સિવાય સી. આર. પાટીલનાં ખૂબ જ નજીકના કહેવતા એવા હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી છે. સુરતમાં તેમની મજબૂત પકડને પણ આ ઑપરેશન માટે સુરતની પસંદગી માટેનાં કારણો પૈકીના કારણ ગણાવાઈ રહ્યાં છે.
બીબીસી ગુજરાતીએ આ અંગે વધુ વાત કરવા માટે અમુક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી. જે પૈકી મોટાભાગના લોકોનું કહેવું છે કે, 'આ ઑપરેશન કમલ છે', જેનો આદેશ હાઇકમાન્ડ તરફથી જ કરવામાં આવ્યો છે, પરંતુ તેની મુખ્ય જવાબદારી અને સંકલન સુરતમાં સી. આર. પાટીલને માથે મુકાઈ હોવી જોઈએ.
'મુખ્ય ભૂમિકા અમિત શાહની'
આ વિશે વાત કરતાં સિનિયર એડિટર અજય ઉમટે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "આ ઑપરેશન એક રીતે તો ગુજરાતના જ રાજનેતાઓએ પાર પાડ્યું, જેમાં મુખ્ય ભૂમિકા અમિત શાહની છે અને તેમણે આ તમામ ધારાસભ્યોને સંભાળવાની જવાબદારી પાટીલને આપી. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉમટ વધુમાં જણાવે છે કે, "આ ધારાસભ્યોને સુરતમાં મોકલવાનાં બે કારણો છે, પહેલું તો ત્યાં પાટીલ ખૂબ જ મજબૂત છે અને બીજું તે મહારાષ્ટ્રથી નજીક હોવાથી દરેક હલચલ પર ખૂબ જ સારી રીતે નજર રાખી શકાય તેમ છે."
જોકે તેઓ એ પણ કહે છે કે આ ધારાસભ્યોને મનાવવા કે તેમને અહીં સુધી લાવવામાં પાટીલની કોઈ ભૂમિકા નહીં હોય પરંતુ તેમને સંભાળવાની જવાબદારી ચોક્કસ તેમના શીરે હતી.
'પાટીલ જ છે ખરા CM'
સી. આર. પાટીલ 2020માં ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા હતા, 2021માં જ્યારે વિજય રૂપાણી સરકારની આખી કૅબિનેટને બદલવામાં આવી ત્યારે તમામ નવા ચહેરા સી. આર. પાટીલની ભલામણ થકી લેવામાં આવ્યા હતા.
ઘણા રાજકીય વિશ્લેષકો સી. આર. પાટીલને ગુજરાતના રાજકારણમાં ભાજપના એક નવા પાવરસેન્ટર તરીકે જુએ છે.
આ વિશે વાત કરતાં રાજકીય વિશ્લેષક મનીષી જાની બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "મહારાષ્ટ્રના ધારાસભ્યોને સંભાળવા હોય તો તે માટે ભાજપ પાસે ગુજરાત અને સી. આર. પાટીલ જેવો બીજો કોઈ વિકલ્પ નથી. ગુજરાતમાં તેઓ દરેક સ્થળે મજબૂત છે, તેઓ પોલીસ કે બીજાં કોઈ પણ સરકારી ખાતાં પર સંપૂર્ણ અંકુશ રાખીને બેઠા છે. મારા મત પ્રમાણે હાલમાં ગુજરાતમાં સરકાર સી. આર. પાટીલ જ ચલાવી રહ્યા છે અને ભુપેન્દ્રભાઈ પટેલ તો માત્ર નામના જ મુખ્ય મંત્રી છે."
એક ખાનગી ન્યૂઝ ચેનલના એક અહેવાલ પ્રમાણે સી. આર. પાટીલ સુરતની હોટલમાં એકનાથ શિંદેને મળ્યા હતા.
તેમની આ મુલાકાત વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ સિનિયર એડીટર દીપલ ત્રિવેદી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "પાટીલ અને શિંદે એમ તો ખૂબ નજીકના મિત્રો છે, પરંતુ હું એ વાત નથી માનતી આ આખા ઑપરેશનમાં પાટીલની એક સંકલનકાર સિવાય બીજી કોઈ ભૂમિકા હોય. આ ઑપરેશન ભાજપ હાઇકમાન્ડ દ્વારા પાર પાડવામાં આવ્યું છે અને પાટીલની જવાબદારી આ ધારાસભ્યોને સંભાળવાની છે."
સી. આર. પાટીલ હાલમાં ગુજરાતના નવસારીના સાંસદ છે. હાલ તેઓ દેશમાં સૌથી વધારે લીડ સાથે ચૂંટણી જીતનારા નેતા છે. તેઓ દક્ષિણ ગુજરાતના રાજકારણના ખૂબ જ મહત્ત્વના નેતા મનાય છે, અને ભાજપના પ્રમુખ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ ખૂબ વધ્યું છે.
ધારાસભ્યોને સુરતથી ગૌહાટી કેમ લઈ જવાાયા?
જોકે, સુરત લવાયેલા ધારાસભ્યોને હવે આસામના પાટનગર ગૌહાટી લઈ જવામાં આવ્યા છે.
આ પાછળનું કારણ મુંબઈથી ગૌહાટી વચ્ચેનું અંતર હોવાનું બીબીસી મરાઠી સેવાના એડિટર આશિષ દીક્ષિતનું માનવું છે.
દીક્ષિત જણાવે છે, "એકનાથ શિંદે સાથે આવેલા એક ધારાસભ્ય કૈલાસ પાટીલ નાટકીય રીતે મુંબઈ પહોંચી ગયા હતા. વળી, શિવેસના પણ સુરતમાં આવી ગયેલા ધારાસભ્યોનો સરળતાથી સંપર્ક કરી રહી હતી. એને જોતાં આ ધારાસભ્યોને એવી જગ્યાએ રાખવા જરૂરી હતા, જ્યાંથી તેઓ સરળતાથી પરત ના ફરી શકે. "
વળી, ઍન્ટી ડિફેક્શન લૉ અનુસાર એકનાથ શિંદેને હજુ વધારે પાંચ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.
દીક્ષિતનું માનવું છે કે મુંબઈ અને ગૌહાટી વચ્ચેનું અંતર ઘણું વધારે છે અને બન્ને શહેરો વચ્ચે કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ પણ નથી. એટલે આ ધારાસભ્યોને જ્યાં પણ રાખવામાં આવે ત્યાં લાંબો સમય સુધી રાખવા પડે એવું પણ બની શકે. એ જોતાં, આ ધારાસભ્યોને ગૌહાટી લઈ જવામાં આવ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો