You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉદ્ધવ ઠાકરેએ સરકારી બંગલો છોડ્યો, કહ્યું, 'એક પણ ધારાસભ્ય નારાજ હોય તો રાજીનામું આપવા તૈયાર છું'
- મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે પહેલી વાર મુખ્ય મંત્રીએ ફેસબુક લાઇવથી વાત કરી.
- ઉદ્ધવ ઠાકરેની રાજીનામું આપવાની પેશકશ
- સુરતમાં આવી ગયેલા એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે હવે ગૌહાટી જતા રહ્યા
- શરદ પવારે ભાજપ પર રાજ્ય સરકાર તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.
- વિધાનપરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હતું, ભાજપને 134 મત મળ્યા. ગૃહમાં બહુમતનો આંક હાંસલ કરવા 145 વોટ જરૂરી.
- ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રીનો બંગલો ખાલી કરી દીધો છે અને માતોશ્રી જઈ રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા શિવસેના-એનસીપી-કૉંગ્રેસની સંયુક્ત સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી પહેલી વાર જાહેર નિવેદન આપ્યું છે અને એ સાથે તેમણે પરિવાર સાથે મુખ્ય મંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન છોડી દીધું છે.
ઉદ્ધવ ઠાકરેની વાતચીતના મુખ્ય અંશો આ મુજબ છે.
- જો તમે (ધારાસભ્યો) કહેતા હોય કે સીએમ પોસ્ટ છોડી દો તો હું તૈયાર છું. આ માત્ર આંકડાની વાત નથી પણ કેટલા મારી વિરુદ્ધ છે. જો એક પણ ધારાસભ્ય મારી વિરુદ્ધ હશે તો હું રાજીનામું આપી દઈશ. એક પણ ધારાસભ્ય મારી વિરુદ્ધ હોય તો મારે માટે એ શરમની વાત છે.
- હું રાજીનામું આપવા તૈયાર છું, તેઓ અહીં આવે અને મારું રાજીનામું રાજભવન લઈ જાય. હું શિવસેનાની પાર્ટી પોસ્ટ છોડવા પણ તૈયાર છું.
- જો એક પણ ધારાસભ્ય મને સીએમ પદે ન જોવા માગતો હોય તો હું મારો સામાન લઈને માતોશ્રી જતો રહેવા તૈયાર છું.
- મુખ્ય મંત્રીનું પદ આવશે અને જશે પણ ખરી મૂડી લોકોનો ભરોસો છે. હું ભાગ્યશાળી છું કે છેલ્લા બે વર્ષમાં લોકોનો ભરોસો મળ્યો.
- જ્યારે 2019માં ત્રણે પાર્ટીઓ સાથે આવી ત્યારે શરદ પવારે કહ્યું મારે મુખ્ય મંત્રીપદની જવાબદારી લેવી પડશે. મારો કોઈ અનુભવ ન હતો પણ મેં જવાબદારી લીધી. શરદ પવાર અને સોનિયાજીએ મારી પર ભરોસો મૂક્યો અને મને મદદ કરી પણ મારા પોતાના લોકો જ મને નથી ઇચ્છતા તો હું શું કહી શકું? જો મારી વિરુદ્ધ કંઈ કહેવું છે તો એના માટે સુરત જવાની શું જરૂર છે, એમણે અહીં આવવું જોઈએ અને મારા મોં પર કહેવું જોઈએ.
- અમુક લોકો કહે છે કે આ બાલાસાહેબની શિવસેના નથી. એમણે બાળાસાહેબના વિચારો જોવા જોઈએ. આ એ જ શિવસેના છે અને હિંદુત્ત્વ એનું જીવન છે.
ઉદ્ધવ ઠાકરેને કોરના, વિધાનસભા ભંગની વાતો
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલુ છે. એક બાજુ એકનાથ શિંદે ગૌહાટીમાં છે અને દાવો કરી રહ્યા છે કે તેમની સાથે 40 ધારાસભ્યો છે તો બીજી તરફ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે કૅબિનેટ બેઠક યોજી હતી છે.
આ દરમિયાન કૉંગ્રેસના નેતા કમલનાથે મીડિયાને જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે.
આ પહેલાં કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બાલાસાહિબ થોરાટના નિવાસસ્થાને કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૉંગ્રેસના 44માંથી 41 ધારાસભ્યો સામેલ થયા હતા.
આ બેઠક બાદ થોરાટે કહ્યું કે તેમના તમામ 44 ધારાસભ્યો પક્ષ સાથે જ છે.
કમલનાથે પણ કહ્યું છે, "જે પણ આજે વિરોધ કરી રહ્યા છે એમને હું એ જ કહેવા માગું છું કે કાલ બાદ પરમદિવસ પણ આવે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના ફરીથી એક બનશે."
આ દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણનો જે ખેલ સુરતમાં શરૂ થયો હતો એ હવે ગૌહાટીમાં ખેલાઈ રહ્યો છે. વિધાનપરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ મંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ સાથી ધારાસભ્યો સાથે સુરત આવ્યા બાદ હવે આસામના ગૌહાટીમાં જતા રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિવસેનાના વરિષ્ઠ નેતા અને શહેરી વિકાસમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોનો એક સમૂહ મંગળવારે રાત્રે સુરતથી ગૌહાટી પહોંચી ગયો છે. ગૌહાટી ઍરપૉર્ટ પર મોટી સંખ્યામાં પોલીસકર્મી તહેનાત હતા.
એકનાથ શિંદેએ સુરત ઍરપૉર્ટ પર કહ્યું હતું, "અમે શિવસેના છોડી નથી, અમે નહીં જઈએ. બાલાસાહેબ ઠાકરેએ દેશને હિંદુત્વનો આઇડિયા આપ્યો હતો, અમે એની સાથે કોઈ સમજૂતી નહીં કરીએ"
શિંદેએ કહ્યું, "મુખ્ય મંત્રીની સાથે ચર્ચા કરવામાં આવી છે. શિવસેનાના ધારાસભ્યોએ પાર્ટીની વિરુદ્ધમાં કોઈ સ્ટેન્ડ લીધું નથી. તે ક્યારેય હિંદુત્વ અને આનંદ દિઘનના વિચારોનો રાજકીય ફાયદો ઉઠાવવા માટે ઉપયોગ નહીં કરે."
ગૌહાટી ઍરપૉર્ટ પર પહોંચ્યા બાદ એકનાથ શિંદેએ કહ્યું, 'અમારી પાસે 40 ધારાસભ્યો છે, 10 બીજા ધારાસભ્યો પણ હવે આવશે.'
'એકનાથ શિંદે અમારા સહયોગી અને મિત્ર છે.' - સંજય રાઉત
આ દરમિયાન સંજય રાઉતે દાવો કર્યો, "એકનાથ શિંદે અમારા સહયોગી અને મિત્ર છે. અમે હાલ પણ તેમની રાહ જોઈ રહ્યા છીએ. અમને ભરોસો છે કે તેઓ તમામ ધારાસભ્યોની સાથે પરત ફરશે."
"ધારાસભ્યો પરત આવવા માગે છે પરંતુ તેમને પરત આવવા દેવામાં આવતા નથી. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. "
"જો કોઈ રાજ્ય આ પ્રકારે લાવવાના પ્રયત્નો કરી રહ્યું છે, તો આ એક ગંભીર મામલો છે. અમિત શાહે આની પર ધ્યાન આપવાની જરૂર છે."
મંગળવારે શું થયું?
સુરતની લ મૅરિડિયન હોટલમાં મંગળવારે આખો દિવસ નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો.
મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે સાથે વાત કરી હતી જેની પરથી અંદાજો લગાવી શકાય છે કે એકનાથ શિંદેની પાસે કેટલા ધારાસભ્ય છે.
શિવસેનાના મહાસચિવ અને ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ મિલિંદ નાર્વેકર એકનાથ શિંદેને મળવા સુરત પહોંચ્યા હતા. લગભગ એક કલાક બાદ નાર્વેકર મુંબઈ જવા માટે રવાના થયા હતા.
તેમણે હોટલમાં એકનાથ શિંદે સાથે મુલાકાત કરી. તે દરમિયાન તેમની સાથે શિવસેનાના ધારાસભ્ય રવીન્દ્ર ફાટક પણ હાજર હતા.
સમાચાર છે કે ઉદ્ધવ અને શિંદેની વચ્ચે 15-20 મિનિટ સુધી ચર્ચા થઈ.
એકનાથ શિંદેને મનાવવા ગયેલા મિલિંદ નાર્વેકરના ફોન પર વાત થઈ. ત્યારે એકનાથ શિંદેએ કહ્યું કે ભાજપ સાથે જવું પાર્ટીના હિતમાં છે. તેમણે કહ્યું, 'મેં સેના નથી છોડી. હું બાલાસાહેબનો સિપાહી છું.'
આ દરમિયાન, ભંડારાના શિવેસના પ્રાયોજિત નિર્દલીય ધારાસભ્ય નરેન્દ્ર બોંડેકર સુરતની લ મૅરિડિયન હોટલ પહોંચ્યા હતા. બીબીસી સંવાદદાતા મયંક ભાગવત પ્રમાણે તેઓ આવ્યા તેની થોડી મિનિટ પહેલાં જ મિલિંદ નાર્વેકર પહોંચ્યા.
ભાજપના ધારાસભ્ય સંજય કુટે પણ તે જ હોટલમાં રોકાયા હતા. તેમની સાથે ભાજપના નેતા મોહિત કંબોજ પણ બાગી ધારાસભ્યોની સાથે હોટલમાં જોવા મળ્યા.
આ સમગ્ર ઘટનાક્રમની પૃષ્ઠભૂમિમાં ભાજપ નેતા અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડ સુરતમાં હાજર છે. ભાગવત કરાડે કહ્યું, "મને ખબર પડી છે કે અમુક ધારાસભ્ય સુરત આવ્યા છે, પરંતુ હું તેમને નથી મળ્યો."
બીજી તરફ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ 'વર્ષા'માં શિવસેના ધારાસભ્યો અને અધિકારીઓની બેઠક થઈ. બેઠકમાં એકનાથ શિંદેને વિધાનસભાના ધારાસભ્યદળના નેતા પદેથી હઠાવવાનો નિર્ણય કરાયો છે.
હાલ પૂરતાં મુંબઈના શિવડીના ધારાસભ્ય અજય ચૌધરી વિધાનસભામાં પાર્ટીના નેતા હશે.
મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આવું ત્રીજી વખત થઈ રહ્યું છે.
શરદ પવારે આ મામલે પત્રકારપરિષદ યોજી હતી. જ્યાં પત્રકારોએ તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે શું ઠાકરેની સરકાર પડી જશે? પ્રશ્નનો જવાબ આપતાં પવારે કહ્યું હતું કે સરકાર બચાવવાનો 'કોઈને કોઈ વિકલ્પ મળી જશે.'
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો