You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એકનાથ શિંદે : એક રિક્ષાચાલકથી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી સુધીની સફર
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા છે.
એવી ધારણા હતી કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી બનશે, પણ તેમણે ઉપમુખ્ય મંત્રીપદના શપથ લીધા હતા.
આ સમગ્ર રાજકીય ગડમથલ વચ્ચે સૌથી વધારે ચર્ચા જેમની થઈ રહી છે, એ છે એકનાથ શિંદે.
ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ એક પત્રકારપરિષદ ભરી હતી.
પ્રેસ-કૉન્ફરન્સમાં એકનાથ શિંદેએ આરોપ મૂક્યો હતો કે સરકારમાં કેટલીક એવી સમસ્યાઓ હતી અને સરકારમાં રહેતા તેઓ સારી રીતે કામ નહોતા કરી શકતા એટલે આ નિર્ણય લેવો પડ્યો.
તેમણે કહ્યું કે, "ભાજપની સાથે અમારું પ્રાકૃતિક ગઠબંધન હતું અને મહાવિકાસ અઘાડીમાં કામ કરવું મુશ્કેલ હતું."
તેમણે કહ્યું કે, "હું તો મંત્રી હતો અને મને કોઈ પણ કમી નહોતી પરંતુ જે લોકોએ પોતાની ચિંતાઓ મને જણાવી ત્યારે મને આ નિર્ણય લેવા માટે વિચારવું પડ્યું."
તેમણે દાવો કર્યો કે તેમણે અનેક વખત ઉદ્ધવ ઠાકરેને પોતાની ચિંતા જણાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કંઈ ફેર ન પડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ફડણવીસની સરાહના કરતા કહ્યું કે ભાજપે મોટી પાર્ટી હોવા છતાં તેમને અવસર આપ્યો એ મોટી વાત છે. શિંદેએ કહ્યું કે, "ફડણવીસે મોટું મન રાખ્યું એ મોટી વાત છે."
એકનાથ શિંદેએ પોતાના સંબોધનમાં વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
શિંદેએ દાવો કર્યો કે તેઓ બાલ ઠાકરેના વિચારોને આગળ વધારશે. તેમણે જનતાને સંબોધિત કરતાં વાયદો કર્યો કે તેઓ એક મજબૂત સરકાર આપશે.
રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું
એકનાથ શિંદે થાણેના ધારાસભ્ય તો છે જ, પણ સાથે જ તેઓ દાયકાઓથી શિવસેનાનું સંગઠન વધારનારા કદાવર નેતા પણ રહ્યા છે. તેમના દીકરા શ્રીકાંત શિંદે કલ્યાણ મતવિસ્તારથી લોકસભામાં ચૂંટાયા છે.
એકનાથ શિંદે અનેક દાયકાઓથી શિવસેનામાં સક્રિય છે. ઠાણેથી ચૂંટણીમેદાનમાં ઝંપલાવ્યું, ઠાણે મહાનગરપાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે કામ કર્યું, એ બાદ 2004માં વિધાનસભામાં પહોંચ્યા. જોકે તેમની કારકિર્દીની શરૂઆત રિક્ષાચાલક તરીકે થઈ હતી.
ઠાણેવૈભવના તંત્રી મિલિંદ બલ્લાળ એકનાથ શિંદેની રાજકીય કારકિર્દીને આ રીતે દર્શાવે છે, 'આક્રમક શિવસૈનિકથી શાખાપ્રમુખ અને પછી જવાબદાર મંત્રી'.
તેઓ શિંદે વિશે કહે છે કે, "સતારા એકનાથ શિંદેનું વતન છે. તેઓ ઠાણે શિક્ષણ પૂરું કરવા માટે આવ્યા હતા."
"ઘરની આર્થિક સ્થિતિને પગલે તેમને ભણતર અધૂરું છોડવું પડ્યું. નોકરી નહોતી, તેથી તેમણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું."
"એ પછી તેઓ થાણેના શિવસેનાના નેતા આનંદ દિઘેના સંપર્કમાં આવ્યા અને 18 વર્ષની ઉંમરે તેમણે શિવસેનામાં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી."
કોણ છે એકનાથ શિંદે?
- સતારાના એકનાથ શિંદેની કારકિર્દીની શરૂઆત રિક્ષાચાલક તરીકે થઈ હતી
- થાણેના શિવસેનાના નેતા આનંદ દિધેના સંપર્કમાં આવ્યા અને 18 વર્ષની ઉંમરે તેમણે શિવસેનામાં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી
- 1997માં આનંદ દિધેએ શિંદેને થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી અને સભાગૃહના પ્રમુખ બન્યા
- 2004થી સળંગ ચાર ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા
- શિંદેને 2015થી 2019 સુધી જાહેર બાંધકામખાતાના મંત્રી બનાવવામાં આવ્યા હતા
બલ્લાળ આગળ જણાવે છે કે, "શિવસેનાનાં તમામ આંદોલનોમાં ભાગ લેનારા શિંદે નેતાઓના ધ્યાને આવ્યા અને તેમને કિસનનગરના શાખાપ્રમુખ બનાવવામાં આવ્યા."
એ બાદ 1997માં આનંદ દિધેએ શિંદેને થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી.
પહેલી જ વારમાં શિંદેએ બાજી મારી લીધી અને ઠાણે મહાનગરપાલિકાના સભાગૃહના પ્રમુખ પણ બન્યા. 2004માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા, એમાં પણ તેઓ પહેલી જ વારમાં જીતી ગયા.
2004થી સળંગ ચાર ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. શિંદેને 2015થી 2019 સુધી જાહેર બાંધકામ ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
એ બાદ તેઓ નગરવિકાસમંત્રી પણ બન્યા હતા.
જ્યારે ધારાસભ્યોને ગુજરાત લઈ ગયા
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ત્યારે શરૂ થયું જ્યારે શિવસેનાના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય એકનાથ શિંદેએ બળવો કર્યો.
એકનાથ શિંદે શિવસેનાના કેટલાક ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતમાં પહોંચી ગયા અને બાદમાં આસામના ગૌહાટી ગયા હતા.
ગુવાહાટી પહોંચતા જ શિવસેનાના વધુ ધારાસભ્યો તેમની છાવણીમાં જોડાયા હતા.
દરમિયાન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને 30 જૂને વિશ્વાસમત મેળવવા કહ્યું હતું. શિવસેનાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
જોકે ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નહોતી અને બુધવારે રાત્રે તેમણે મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો