You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માંસમચ્છી સારાં કે શાકાહાર? જોડિયા ભાઈ પરના પ્રયોગનું પરિણામ શું આવ્યું?
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
જોડિયા બંધુઓ હ્યુગો અને રૉસ ટર્નરે પાછલાં દસ વર્ષથી પોતાનું જીવન ઍડ્વૅન્ચર સ્પોર્ટને નામે કરી દીધું છે.
હ્યુગો કહે છે કે, "અમારા કામનો એક મહત્ત્વપૂર્ણ ભાગ અમારા શરીરને તૈયાર કરવાનો પણ હતો. અમે જોડિયા છીએ માટે કઈ વ્યૂહરચના કે આદતો અમને મદદ કરે છે તે અમે એકબીજા સાથે સરખાવી શકીએ છીએ."
આ વિચાર સાથે જ બંને ભાઈઓએ પ્રયોગ થકી એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેમના માટે કયું ભોજન સારું કે ખરાબ છે. શું પ્રાણીઓની મદદથી મળતો ખોરાક લેવાથી કે નહીં લેવાથી તેમના પ્રદર્શન પર કોઈ અસર થશે ખરી?
બંને ભાઈઓએ યુનાઇટેડ કિંગડમની કિંગ્સ કૉલેજના જેમિની રિસર્ચ વિભાગના નિષ્ણાતોના કેટલાક અભ્યાસોમાં પણ ભાગ લીધો.
યુનિવર્સિટીના જેનેટિક ઍપિડેમૉલૉજીના પ્રોફેસર ટીમ સ્પેક્ટર જણાવે છે કે, "અમે જેનેટિક નકલ હોય એવા બે જોડિયા મૉડલનો ઉપયોગ કરવા માગતા હતા. જેથી ડાયટ અને કસરતની અસરો આ જોડિયા પર શી થાય તે જાણી શકાય."
12 અઠવાડિયાં સુધી હ્યુગો વીગન (પ્રાણીજન્ય તમામ પ્રકારની પેદાશરહિત) ખોરાક લે છે. જ્યારે રૉસ પોતાના ખોરાકમાં માંસ અને ડેરીની પેદાશો લે છે.
આ તબક્કા દરમિયાન બંનેને એક સમાન કૅલરી મળે તેવો ખોરાક આપવામાં આવ્યો અને બંનેને સમાન પ્રકારની શારીરિક તાલીમ આપવામાં આવી.
ફેરફારો
હ્યુગોએ કબૂલ્યું કે તેમને પોતાના નવા ડાયટ અંગે સંતુલન સાધવામાં તકલીફ પડી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "પહેલા અઠવાડિયાંમાં મને માંસ અને ચીઝ ખાવાની અને દૂધ પીવાની ઇચ્છા થઈ. પરંતુ મારા ડાયટમાં ફળો અને શિંગદાણા સામેલ હતાં."
"બીજી બાજું હું સંપૂર્ણ ખોરાક લઈ રહ્યો હતો, જેથી મારું બ્લડ સુગર લેવલ સ્થિર રહ્યું અને હું આખો દિવસ ધરાયેલો અનુભવતો."
તેમણે કહ્યું કે, "એવું પણ લાગ્યું કે મારામાં વધુ શક્તિ છે." રૉસ પ્રમાણે તેમણે ઉતાર-ચઢાવનો સામનો કર્યો.
"અમુક દિવસો એવા રહ્યા જે દરમિયાન ઊર્જામાં મોટો વધારો અનુભવાયો જ્યારે થાકની ક્ષણો લાંબી થઈ."
પ્રોફેસર સ્પેક્ટર પ્રમાણે આ પ્રયોગ થકી જાણવા મળ્યું કે શરીર કઈ રીતે ભોજનને હૅન્ડલ કરે છે.
કંઈક આવા જ ફેરફારો અન્ય બે જોડિયામાં પણ જોવા મળ્યા હતા. જે સંશોધક અને કિંગ્સ કૉલેજના તેમના ગ્રૂપ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ભાગ લઈ રહ્યા હતા.
સ્પેક્ટર જણાવે છે કે, "અમને લાગે છે કે કદાચ પરિણામોમાં નૉન-જેનેટિક તત્ત્વ જઠર અને આંતરડામાં રહેલ 'ગટ ફ્લોરા' ભાગ ભજવે છે."
પેટનું આ ફ્લોરા કે પેટનું માઇક્રોબાયોટા, એ એવા કરોડો બૅક્ટેરિયા અને અન્ય માઇક્રોઑર્ગેનિઝમનું સંયોજન છે જે આપણા પાચનતંત્રમાં રહે છે અને આપણા શરીરની વિવિધ ક્રિયાઓ માટે જરૂરી છે.
તેઓ આ વાતને આગળ ધપાવતાં કહે છે કે, "જો આ માઇક્રોઑર્ગેનિઝમને સારી રીતે ટ્રીટ કરવામાં આવે તો, તેઓ એવાં હજારો રસાયણો પેદા કરી શકે છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે."
તેઓ ઉમેરે છે કે, "આ રસાયણો શરીરની રોગપ્રતિકારક શક્તિને મદદરૂપ થાય છે અને મગજ સુધી પહોંચે છે, જ્યાં જઈને તે આપણને વધુ સંતોષી કે ઓછા તણાવમાં હોવાનો અનુભવ કરાવે છે."
સ્પેક્ટરની ગણતરી અનુસાર, આઇડેન્ટિકલ જોડિયામાં 'ગટ ફ્લોરા'માં 25-30 ટકાની સમાનતા હોય છે. અને આ કારણે જ તેઓ અલગ અલગ ડાયટ સામે અલગ અલગ પ્રતિક્રિયા આપતાં હોય તેવું બની શકે.
સ્વાસ્થ્યપ્રદ 'ફ્લોરા' માટે શું કરવું?
સ્પેક્ટર તમારા પેટ સ્વરૂપ 'બાગ'માં વધુ જૈવવૈવિધ્ય જળવાય અને શરીરના માઇક્રોઑર્ગેનિઝમનું સંતુલન જળવાઈ રહે તે માટે ચાર મૂળભૂત પગલાં નોંધે છે.
તેઓની પ્રથમ સલાહ છે કે, "દર અઠવાડિયે 30 પ્રકારની શાકભાજી આરોગો."
એટલે કે દરરોજ પાંચ છ પ્રકારની શાકભાજી કે ફળો આરોગો.
તેઓ કહે છે કે, "જે શાકભાજીમાં પૉલિફેનલ વધુ હોય તેવી શાકભાજી વધુ લો. પૉલિફેનલ એ શાકભાજીને ચળકાટવાળો રંગ અને હળવો કડવો સ્વાદ આપે છે."
આવી શાકભાજી અને ખોરાકનાં ઉદાહરણો કંઈક આ પ્રમાણે છે : રાતી કોબીજ, ગાજર, સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લ્યુબેરી, લીંબુ, નારંગી, કૉફી અને સેમિસ્વીટ ચૉકલેટ.
સ્પેક્ટર ત્રીજા પગલા સ્વરૂપે પ્રોબાયૉટિક્સ આરોગવાનું જણાવે છે.
આ એવા પ્રકારનો ખોરાક છે જેમાં પહેલાંથી માઇક્રોઑર્ગેનિઝમ સારી એવી સંખ્યામાં હોય છે. જે તમારા પેટના સંતુલન અને માઇક્રોબાયોટાના સંતુલનમાં ભાગ ભજવે છે.
સરળતાથી મળી જતા પ્રોબાયૉટિકમાં દહીં, કેફિર (દૂધની બનાવટવાળું પીણું) અને કોમ્બૂચા (મશરૂમવાળું પીણું) સામેલ છે.
પ્રોફેસર આગળ જણાવે છે કે સાથોસાથ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ભોજનથી દૂર રહેવાની પણ જરૂર છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ભોજન એટલે એવું ભોજન જેની બનાવટમાં ઔદ્યોગિક સામગ્રીઓ વપરાઈ હોય અને તેણે ભારે પ્રોસેસમાંથી પસાર થવું પડે. જે કારણે ભોજનનું ખરું માળખું વિખેરાઈ જાય. તેનો રંગ અને ફ્લેવર ગુમ થઈ જાય.
આ યાદીમાં ફિલ્ડ કૂકી, ઔદ્યોગિક રીતે બનાવાયેલ સૉસ, સૉફ્ટ ડ્રિંક, સ્નૅક્સ, આઇસ્ક્રીમ અને ગમનો સમાવેશ થાય છે.
પરિણામો અને શીખ
રૉસને સમજાયું કે તેમના ભાઈ અમુક અઠવાડિયાં માટે વીગન બન્યા તેનાથી તેમને મહત્ત્વપૂર્ણ શીખ મળી છે.
તેઓ કહે છે કે, "મને સમજાયું કે હું કેટલો બધો પ્રોસેસ કરેલો ખોરાક ખાતો હતો અને આના કારણે હું સમસ્યાને સમજી શક્યો."
પરંતુ પ્રોફેસર સ્પેક્ટર જણાવે છે કે એવું જરૂરી નથી કે વીગન ડાયટ એ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે.
તેઓ જણાવે છે કે, "આ બધું તમે કઈ ગુણવત્તાનો ખોરાક લો છો તેના પર નિર્ભર છે ના કે તમારી થાળીમાં માંસની હાજરી-ગેરહાજરી પર."
તેઓ કહે છે કે, "ઘણી વીગન હોય તેવી વ્યક્તિઓ અલ્ટ્રા-પ્રોસેસ ફૂડ આરોગતી હોય તેવું બને."
12 અઠવાડિયાં બાદ હ્યુગો અને રૉસનાં પરિણામોમાં અલગ-અલગ ડાયટ છતાં ભારે ફેરફાર ન હતો.
તેમજ તેમને અમુક આરોગ્યસંબંધી બાબતોમાં થોડા સુધારા જરૂર દેખાયા. જેમ કે કૉલેસ્ટેરોલનું સ્તર, ચરબીનું પ્રમાણ અને ટાઇપ-2 ડાયાબીટિસ સામે રક્ષણ.
પરંતુ આ પરિણામો તમામ પર લાગુ ન પાડી શકાય કારણ કે તેઓ હાઇ-પરફોર્મન્સ ઍથ્લીટ છે, જેઓ કડક તાલીમ અને ડાયટ અનુસરતા હતા, જેમાં અમુક ફેરફારની પણ તેમના પ્રદર્શન પર સારી કે ખરાબ અસર થઈ શકે છે.
આપણા જેવા 'સામાન્ય' લોકો માટે, પેટના માઇક્રોબાયોટા માટે લાભકારી હોય તેવા સ્વાસ્થ્યપ્રદ ડાયટથી થાક, ભૂખ અને વજન ઘટી શકે છે.
પરંતુ જોડિયાઓ પર કરાયેલ આ અભ્યાસ પરથી એ અનુભવ થયો છે કે જુદીજુદી બે વ્યક્તિ માટે શ્રેષ્ઠ કહી શકાય તેવો કોઈ ડાયટ નથી. પછી ભલે તેઓ એક જેવા જીનોમ ધરાવતી વ્યક્તિઓ જ કેમ ન હોય? અને ટર્નર બંધુઓને પણ 12 અઠવાડિયાં લાંબા આ પ્રયોગ પરથી આ વાત સમજાઈ.
હ્યુગો કહે છે કે, "હવે મેં મારા ડાયટમાં થોડો ફેરફાર કર્યો છે. મેં તેમાં થોડું રંગબેરંગી ભોજન ઉમેર્યું છે. સંતુલનમાં જ સાર છે."
રૉસ જણાવે છે કે, "જો કોઈ પણ તમને કહે કે એક ચોક્કસ ડાયટથી તમને અમુક ચોક્કસ પરિણામ મળશે, તેની સામે હંમેશાં સવાલ ઊભો કરો. પ્રયોગ કરવા, મજા માણવી અને એ જોવું કે તમારા માટે શું શ્રેષ્ઠ છે. એ જાણવું જ મહત્ત્વપૂર્ણ છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો