You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હલાલ અને ઝટકા માંસ શું છે જેની પર કર્ણાટકમાં નવો વિવાદ શરૂ થયો છે
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે, બૅંગ્લુરૂથી
કર્ણાટકમાં રાજકારણ ક્યારેય ઠંડું નથી પડતું. હિજાબ વિવાદ હજી શમ્યો નથી ત્યાં તો કર્ણાટકમાં હિંદુ સમુદાયને વિનંતી કરવામાં આવી છે કે તેઓ શનિવારના કન્નડ નવ વર્ષ 'ઉગાદી'ના આગલા દિવસે હલાલ માંસ ન ખાય.
ગત 15 દિવસમાં આ મામલો રાજ્યમાં સોશિયલ મીડિયા અને મીડિયામાં છવાઈ ગયો છે. આનો પ્રારંભ કર્ણાટક હાઈકોર્ટે હિજાબ મામલા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે થયો.
હાઈકોર્ટના નિર્ણય પછી મંદિરોમાં યોજાતા સમારોહોમાં મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર પીડા વ્યક્ત કરવામાં આવી અને મુસ્લિમ દુકાનદારોને તેમની દુકાનો બંધ રાખવાની વિનંતી કરવામાં આવી.
પરંપરા અનુસાર નવા વર્ષની ઉજવણીમાં કર્ણાટકમાં ખાસ કરીને દક્ષિણ ભાગના લોકો માંસાહારી ભોજન રાંધીને ખાય છે. આને 'હોસાતોડાકુ' અથવા 'વર્ષાદા તોડાકુ'નાં નામોથી ઓળખાય છે. આનો અર્થ છે 'નવા વર્ષની શરૂઆત'.
હિંદુ જનજાગૃતિ સમિતિના પ્રવક્તા મોહન ગૌડાએ આ વિશે બીબીસી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ''અમે આ હોસાતાડુકા પર્વના અવસર પર પોતાના હિંદુ સમુદાયને હલાલ માંસ ન ખરીદવાની વિનંતી કરી રહ્યા છીએ. હલાલ કરવા માટે ઇસ્લામિક રિવાજો અપનાવાય છે.''
મોહન ગૌડા કહે છે કે, ''તેઓ કુરાનની આયતો પઢતા અને અલ્લાહના નામ પર જાનવરને મારે છે. એ માંસ સૌપ્રથમ તેમના અલ્લાહને ધરાવવામાં આવે છે. એટલે તેને દેવીદેવતાઓને ધરાવવામાં ન આવે. આવું કરવું અમારા શાસ્ત્રોની વિરુદ્ધ હશે.''
ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ બીબીસી સાથે વાત કરી.
તેમને કહ્યું, ''તેઓ કહે છે કે અમારો દેશ ધર્મનિરપેક્ષ છે. તો પછી એને હલાલ કેમ કહેવાય. આને હલાલ કહીને પ્રચારિત ન કરવામાં આવે. જેઓ નથી ખાવા માગતા, ન ખરીદે. જો તમે ઇચ્છો છો કે આને માત્ર એ નામથી જ બોલાવીએ તો આ આર્થિક જેહાદ હશે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, ''જો કોઈ મુસ્લિમ હલાલ માંસ માગે છે તો પછી હિંદુ પણ કહી શકે છે કે હું હલાલ કેમ લઉં. આખરે એમાં ખોટું શું છે.''
હિંદુ જનજાગૃતિ સમિતિની આ પહેલ પછી હવે સંઘ પરિવારનાં કેટલાંક સંગઠનોએ રાજ્યમાં આ વિશે ચોપાનિયાં વહેંચ્યાં છે. કેટલાક હિંદુઓની દુકાનો અને હોટેલ માલિકોથી તેમનાં બોર્ડ પર લખેલા 'હલાલ' શબ્દને હઠાવવાનો અનુરોધ કરાયો છે.
શું છે હલાલ તથા ઝટકા માંસ ?
બેંગલુરુની જામા મસ્જિદના મૌલાના મકસૂદ ઇમરાન રશ્દીએ બીબીસી સાથે વાત કરતી વેળાએ બંને માંસ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો.
તેમના કહેવા પ્રમાણે, જ્યારે જાનવરની ગરદનની ચારેય બાજુની નસને કાપી નાખવામાં આવે, પરંતુ તેના માથાને ધડથી અલગ કરવામાં ન આવે તેને હલાલ કર્યું કહેવાય. હલાલમાં જાનવરનું લોહી વહી જાય છે.
મૌલાના રશ્દી કહે છે, "મોહમ્મદ પયગંબરે કહ્યું હતું કે જો માંસની અંદર લોહી સૂકાઈ જાય તો તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. જો (જાનવરની અંદરનું) બધું લોહી વહાવી દેવામાં આવે તો આ પ્રકારનું માંસ ખાવાથી માણસને કોઈપણ પ્રકારની બીમારી નથી થતી. તેને 'જબિહા' કહેવાય છે."
મૌલાના રશ્દીના કહેવા પ્રમાણે, "જ્યારે 'જબિહા' કરવાનું હોય ત્યારે પ્રાણીને જમીન ઉપર સુવડાવીને 'બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર' પઢવામાં આવે છે અને પછી જાનવરનું ગળું કાપવામાં આવે છે. નસોને એવી રીતે કાપવામાં આવે છે કે જેથી કરીને ધડ અને માથું અલગ ન થઈ જાય અને શરીરમાંથી બધું લોહી નીકળી જાય."
મૌલાના રશ્દી ઉમેરે છે કે "બીજી બાજુ ઝટકામાં ધડ અને માથું અલગ કરી દેવામાં આવે છે."
અભિયાન ચલાવનારા મોહન ગૌડાના કહેવા પ્રમાણે, "આ અભિયાન મુસ્લિમો વિરુદ્ધ નથી, પરંતુ હલાલની વિરુદ્ધ છે. જે બંધારણ તથા ખાદ્ય સુરક્ષાના નિયમોની વિરુદ્ધ છે."
રાષ્ટ્રીય પોષણ સંસ્થા (એનઆઈએન), હૈદરાબાદનાં પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. વીણા શત્રુઘ્નના કહેવા પ્રમાણે, "હલાલ માંસ અન્ય પ્રકારના માંસ કરતાં સુરક્ષિત કે વધુ સુરક્ષિત છે. આપણે ખાવાના અધિકારને નથી સમજી રહ્યા, તે અફસોસજનક છે. વાસ્તવમાં મીટ પ્રોસેસિંગ કરવા માટેની એક પરંપરા છે, પરંતુ આપણે તે કૌશલ્યને ગુમાવી દેવાના આરે છીએ. જો કોઈ કૌશલ્યહિન વ્યક્તિ આ કામ કરવા માંડશે તો બીમારી ફેલાવાની શક્યતા વધી જશે."
બોમ્મઈ સરકારની ટીકા
પીયુસીએલની કર્ણાટક શાખાના પ્રમુખ અરવિંદ નારાયણે બીબીસીને જણાવ્યું કે, ''સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના એક નિર્ણયને ફગાવતાં કહ્યું હતું કે ધર્મના આધાર પર શરાબબંધી ન થઈ શકે. પ્રશ્ન એ છે કે શું બંધારણને ધ્યાનમાં રાખીને દરેક સરકારે દરેક સમયે નિયમોને ટાંકવા જોઈએ. કોઈ સરકાર ભેદભાવની મંજૂરી ન આપી શકે.''
ત્યારે રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને જેડીએસ નેતા એચ. ડી. કુમારસ્વામીએ મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈને 'કેટલાંક સંગઠનોની કઠપૂતળી' ગણાવ્યા છે. તેમણે કહ્યું કે સંઘ પરિવાર સાથે સંબંધિત સંગઠનોના દબાણની સામે મંદિરોની તમામ સમિતિઓએ ઝૂકવું પડ્યું.
તેમણે કહ્યું, ''ભાજપ કર્ણાટકમાં ઉત્તર પ્રદેશ જેવી વાતનું પુનરાવર્તનનો પ્રયત્ન કરી રહી છે પરંતુ અહીંયા આવું રાજકારણ નહીં ચાલે.''
વિશ્વનાથે કુમારસ્વામીની વાત અંગે સંમતિ વ્યક્ત થતાં કહ્યું કે, "એક સરકાર બધા માટે છે. જે લોકો આ પ્રકારની માગ કરી રહ્યા છે તેમણે સમજવું જોઈએ કે ભારતીયો આખી દુનિયામાં ફેલાયેલા છે અને તેમણે દેશની બહાર પણ રોકાણ કર્યું છે. જો બીજા દેશો પણ આવું કરશે તો તેઓ શું કરશે."
જોકે મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ આ વાતથી બહુ ચિંતિત નથી. તેમણે કહ્યું, "સરકારે સંપૂર્ણ રીતે આ મામલાનો અભ્યાસ કરવો પડશે. આનો નિયમો સાથે કોઈ સંબંધ નથી. આ એક પ્રથા હતી જે ચાલી રહી હતી. અત્યારે ગંભીર રીતે આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. અમે આ મુદ્દાને જોઈશું."
ત્યારે કૉંગ્રેસ પ્રવક્તા બૃજેશ કલપ્પાએ બીબીસી હિંદીને કહ્યું, ''જો તેઓ હલાલ મીટની વિરુદ્ધ અભિયાન ચલાવવા માગે છે તો તેમને પ્રોસેસ કરવામાં આવેલા મીટની નિકાસ બંધ કરવામાં આવે. વડા પ્રધાન મોદીએ 2015માં ગુલાબી ક્રાંતિ વિશે બોલે છે. પરંતુ ત્યારથી માંસની નિકાસથી થનારી કમાણી બમણી થઈ ગઈ છે.''
આંકડાઓ અનુસાર, 2019-20માં ભારતથી થનાર હલાલ માંસની નિકાસ વધીને 14.4 અબજ ડૉલર થઈ ગઈ છે. આ રીતે દુનિયામાં ભારત બીજા નંબર પર પહોંચી ગયું છે. ભારતથી આગે માત્ર બ્રાઝિલ છે.
હલાલ માંસને લઈને હિંદુ સંગઠનો દ્વારા શરૂ કરાયેલા અભિયાન પહેલાં મુસ્લિમ વેપારીઓને મંદિરમાં યોજાતા તહેવારોથી દૂર રાખવા માટે એક અભિયાન શરૂ કરાયું હતું.
જોકે થોડું વિચિત્ર લાગી શકે કે બંને અભિયાનનો ભાજપની અંદર જ વિરોધ થઈ રહ્યો છે. વિરોધ કરનારાઓમાં એક ધારાસભ્ય છે અને એક એમએલસી.
ભાજપના એમએલસી એએચ વિશ્વનાથે આનો વિરોધ કરતાં કહ્યું કે, ''ખરીદનાર કોઈ નથી પૂછતું કે માંસ હલાલ છે કે નહીં. મારે શું ખાવું છે કે હું શું ખાઉં. મને જે ગમે તે ખાવાની આઝાદી છે. તમે કોણ છો કે મને કહો કે મારે શું ખાવું અને શું નહીં.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો