યુક્રેન યુદ્ધ : રશિયાના એ સાયબર ઍટેક, જેનાથી અમેરિકા સહિત દુનિયાના અનેક દેશો ફફડે છે

    • લેેખક, જો ટાઇડી
    • પદ, બીબીસી સાયબર સંવાદદાતા

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને દેશની ખાનગી કંપનીઓ તથા સંગઠનોને પોતપોતાના 'ડિજિટલ દરવાજા બંધ રાખવા' માટે કહ્યું છે. તેમણે ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીને ટાંકતા કહ્યું છે કે રશિયા દ્વારા અમેરિકા પર સાયબર હુમલા કરવાની યોજના ઘડવામાં આવી છે.

બ્રિટનના સાયબર અધિકારીઓ પણ વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામા આવેલી સાયબર સિક્યૉરિટી વૉર્નિંગને ગંભીરતાથી લેવાની તથા સાવચેતી રાખવાની વાત કહી રહ્યા છે. હજુ સુધી પ્રત્યક્ષ રીતે એવા કોઈ પુરાવા નથી મળ્યા કે રશિયા સાયબર હુમલાની તૈયારીઓ કરી રહ્યું છે.

રશિયા પર આ પ્રકારના આરોપ અગાઉ પણ લાગ્યા છે, પરંતુ રશિયાએ તેને 'રુસોફૉબિયા' ગણાવ્યા છે. એ વાત નિઃશંક છે કે રશિયા સાયબર સુપરપાવર છે તથા તેની પાસે અનેક ઘાતક સાયબરશસ્ત્ર છે.

રશિયા પાસે એવા હૅકર છે કે જે દુનિયાભરમાં ઊથલપાથલ મચાવી શકે છે અને ખૂબ જ ખતરનાક સાયબર હુમલાઓને અંજામ આપી શકે છે.

હજુ સુધી રશિયાના સાયબર હુમલાથી યુક્રેન મહદંશે બચી શક્યું છે, પરંતુ જાણકારોના મતે હવે યુક્રેનના સાથી દેશો વિરુદ્ધ સાયબર હુમલા થઈ શકે છે.

સાયબર સિક્યૉરિટી કંપની જેન ઇલિસનું કહેવું છે, "બાઇડનની ચેતવણી સાચી પડી શકે છે. વિશેષ કરીને પશ્ચિમી દેશોએ રશિયાની ઉપર પ્રતિબંધ લાદ્યાં છે, ત્યારે આમ થવાની શક્યતા વધારે છે."

"હૅક્ટિવિસ્ટ પણ આ લડાઈમાં સામેલ થઈ ગયા છે. એ પણ ખરું છે કે રશિયાને તેની યોજના પ્રમાણે હુમલાને આગળ ધપાવવામાં મુશ્કેલી પડી રહી છે."

એવા કયા હુમલા છે કે નિષ્ણાતોને તેનો ભય છે અને તેમને લાગે છે કે ફરી હુમલા થઈ શકે છે.

બ્લૅક ઍનર્જી - મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધા પર હુમલા

યુક્રેનને ઘણી વખત રશિયાના હૅકરોના 'પ્લૅગ્રાઉન્ડ' તરીકે ઓળખવામાં આવે છે, રશિયાએ પોતાની ટેકનિક તથા ટુલ્સની અસરકારકતાની ચકાસણી યુક્રેનમાં જ કરી હતી.

2015માં બ્લૅક ઍનર્જી તરીકે ઓળખાતા સાયબર ઍટેક દરમિયાન યુક્રેનની ઇલેક્ટ્રિસિટી ગ્રીડમાં ખોટકો ઊભો થયો હતો, જેના કારણે પશ્ચિમ યુક્રેનની યુટિલિટી કંપનીના 80 હજાર ગ્રાહકોનાં ઘરોમાં બ્લૅકઆઉટ છવાઈ ગયો હતો.

આના એક વર્ષ પછી 'ઇન્ડસ્ટ્રોયર' નામનો વધુ એક સાયબર હુમલો થયો હતો, જેના કારણે યુક્રેનની રાજધાની કિએવના લગભગ 20 ટકા વિસ્તારમાં એક કલાક માટે સંપૂર્ણપણે અંધારપટ છવાઈ ગયો હતો.

એ સમયે અમેરિકા તથા યુરોપિયન સંઘે આ હુમલા માટે રશિયાના મિલિટરી હૅકરોને જવાબદાર ઠેરવ્યા હતા. વીજપુરવઠો ખોરવાઈ જવા સંદર્ભે તપાસમાં મદદ કરનારા સાયબર સિક્યૉરિટી રિસ્પૉન્ડર મરીના કોરોતોફિલ કહે છે:

"રશિયા દ્વારા પશ્ચિમી દેશો વિરુદ્ધ આ પ્રકારના હુમલાનો પ્રયાસ થઈ શકે છે. તે પોતાની તાકત દેખાડવા માટે આ પ્રકારના હુમલા કરી શકે છે અને પછી તેની જવાબદારી લઈને નિવેદન પણ બહાર પાડી શકે છે."

એવું પણ માનવામાં આવે છે કે આમ કરવું રશિયા માટે જોખમરૂપ બની શકે છે, કારણ કે તાજેતરનાં વર્ષોમાં પશ્ચિમી દેશોએ રશિયાના નૅટવર્કોમાં ઊંડી પેઠ મેળવી લીધી છે.

નૉટપેટ્યા - અનિયંત્રિત વિધ્વંસ

નૉટપેટ્યાને સાયબર ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી વધુ નુકસાન કરનારો સાયબર ઍટેક માનવામાં આવે છે. અમેરિકા, યુરોપિયન સંઘ તથા બ્રિટનના અધિકારીઓએ આ હુમલાનો આરોપ રશિયાના સૈન્ય હૅકરો પર નાખ્યો હતો.

આ સોફ્ટવૅરને ફેલાવવા માટે યુક્રેનમાં વ્યાપક રીતે વપરાતા ઍકાઉન્ટિંગ સોફ્ટવૅરના અપડેટમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યો હતો.

જોકે તે દુનિયાભરમાં ફેલાઈ ગયો અને હજારો કમ્પ્યૂટર સિસ્ટમોને ધ્વસ્ત કરી દીધી. જેના કારણે 10 અબજ ડૉલર એટલે કે અંદાજે 78 હજાર કરોડનું નુકસાન થયું હતું.

આથી એક મહિના પહેલાં ઉત્તર કોરિયાના હૅકરો પર આ પ્રકારના હુમલા કરીને ઊથલપાથલ મચાવવાના આરોપ લાગ્યા હતા.

એ સમયે 'વૉર્મ' નામના વાઇરસે વિશ્વભરના 150 જેટલા દેશોમાં ત્રણ લાખ કરતાં વધુ કમ્પ્યૂટરોના ડેટાને નષ્ટ કરી દીધો હતો. એ સમયે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે ટી સંખ્યામાં દરદીઓની ઍપોઇન્ટમૅન્ટ રદ કરવી પડી હતી.

ઇલિસ કહે છે, "આ પ્રકારના હુમલા મોટાપાયે અફરાતફરી ફેલાવી શકે છે અને તે આર્થિક અસ્થિરતા ઊભી કરી શકે છે. લોકોના જીવ પણ જઈ શકે છે."

તેઓ ઉમેરે છે, "નજીકના ભવિષ્યમાં આ પ્રકારના હુમલા થાય એવું નથી લાગતું, પરંતુ તમામ દેશોની માળખાકીય સુવિધાઓ મોટાભાગે એકબીજા સાથે જોડાયેલી ટેકનૉલૉજી પર આધાર રાખતી હોય છે."

સરે યુનિવર્સિટી ખાતે કમ્પ્યૂટર વૈજ્ઞાનિક પ્રોફેસર એલન વુડવર્ડના કહેવા પ્રમાણે, "આ પ્રકારના હુમલાને કારણે રશિયા પર પણ જોખમ ઊભું થઈ શકે છે. આ પ્રકારના અનિયંત્રિત હૅક જૈવિકયુદ્ધની જેમ ખતરનાક હોય છે."

"તેનાથી માત્ર મહત્ત્વૂપર્ણ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ નિશાન બનાવી શકાય એવું નથી. તે વ્યાપક રીતે ફેલાઈ શકે છે. રશિયા પણ વાનાક્રાઈ તથા નૉટપેટ્યાનું ભોગ બન્યું હતું."

અમેરિકાની કોલિનિયલ પાઇપલાઇનને ઠપ કરવાનો પ્રયાસ

મે-2021માં હૅકિંગને કારણે અમેરિકાની એક મહત્ત્વપૂર્ણ ઑઇલ પાઇપલાઇનને બંધ કરવી પડી હતી, જેના કારણે અમેરિકાનાં અનેક રાજ્યોમાં કટોકટી જાહેર કરવી પડી હતી.

અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ એવી આ કોલિનિયલ પાઇપલાઇન દ્વારા પૂર્વ તટેથી ડીઝલ, પેટ્રોલ તથા વિમાન ઈંધણનો 45 ટકા સપ્લાય આવે છે. આથી સાયબર હુમલાને કારણે પેટ્રોલપમ્પ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

આ હુમલા પાછળ રશિયન હૅકરોનો હાથ હતો. ડાર્ક ઇન્ટરનેટ પર સક્રિય રેન્સમવૅર (ખંડણી માગનારા) માગનારા ગ્રૂપે કરી હતી. એવું માનવામાં આવે છે કે આ ગ્રૂપ રશિયામાંથી ઑપરેટ કરે છે.

પાઇપલાઇન કંપનીએ સ્વીકાર્યું છે કે ખંડણી પેટે 44 લાખ ડૉલરના બિટકૉઇન ચૂકવ્યા હતા, જેથી કરીને બૅકઅપ કમ્પ્યૂટર સિસ્ટમ કામ કરી શકે.

આ ઘટનાના અમુક અઠવાડિયાં પછી 'અરાઇવલ' તરીકે ઓળખાતી અન્ય એક રેન્સમવૅર ગૅંગે દુનિયાના સૌથી મોટા બીફ પ્રૉસેસર જેબીએસની સિસ્ટમ પર હુમલો કર્યો હતો. જેના કારણે મીટના સપ્લાય પર અસર થઈ હતી.

નિષ્ણાતોના એક સમૂહને રશિયાની સાયબર ક્ષમતા વિશે આશંકા છે. એવું માનવામાં આવે છે કે પુતિન સરકાર આવી ક્રિમિનલ ટુકડીઓને અમેરિકાની ઉપર આયોજનબદ્ધ રીતે હુમલા કરવા માટે કહી શકે છે, જેથી કરીને તેને વધુમાં વધુ નુકસાન થાય.

પ્રો. વુડવાર્ડના કહેવા પ્રમાણે, "સાયબર અપરાધીઓને રેન્સમવૅર હુમલા કરવા માટે કહેવાનું લાભપ્રદ થઈ શકે છે. તેના કારણે મોટાપાયે અફરાતફરી ફેલઈ શકે છે તથા મોટાપાયે આર્થિક ખાનાખરાબી પણ સર્જી શકાય છે."

અમેરિકા પાસે કયા વિકલ્પ?

એવું લાગે છે કે જો નાટોના કોઈ પણ સભ્યદેશ પર હુમલો થાય તથા તેના કારણે મોટાપાયે જાન કે માલનું નુકસાન થાય તો સૈન્ય ગઠબંધનનો અનુચ્છેદ 5 લાગુ થશે. જેની જોગવાઈ પ્રમાણે, નાટોના કોઈ પણ સભ્ય દેશ પરના હુમલાને તમામ સભ્યદેશ પરના હુમલા તરીકે માનવામાં આવશે તથા બધા મળીને તેનો સામનો કરશે.

જો આમ થયું તો નાટોએ અનિચ્છાએ પણ એક યુદ્ધમાં સામેલ થવું પડી શકે છે. આ પ્રકારના કોઈ પણ હુમલાનો જવાબ અમેરિકા તથા તેની નજીકના દેશો તરફથી મળવાની શક્યતા વધુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અગાઉ જ કહી ચૂક્યા છે કે જો રશિયા દ્વારા અમેરિકા પર કોઈ મોટો હુમલો કરવામાં આવશે, તો તેમનો દેશ જવાબ આપવા માટે તૈયાર બેઠો છે.

છેલ્લાં કેટલાંક અઠવડિયાંમાં યુક્રેન યુદ્ધ દરમિયાન બંને તરફથી હૅકરોએ સતર્કતા દાખવી છે અને જે રીતે સાયબર અરાજકતા જોઈ છે, તેને જોતા લાગે છે કે આ વાત વણસી શકે છે. સાયબર હુમલા જેવી કોઈ કાર્યવાહી ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો