Volodymyr Zelenskyy : 'અમે રશિયા સામે લડીશું', પુતિનને પડકારનાર યુક્રેનના રાષ્ટ્રપતિ કોણ છે?

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીને યુક્રેનમાંથીબહાર કાઢવાની ઑફર યુએસએ આપી હતી, ઝૅલેન્સ્કીએ આ ઑફર ફગાવી દીધી છે. અમેરિકી મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

સમાચાર સંસ્થા એપી એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીને ટાંકીને જણાવે છે કે રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, "લડાઈ અહીં છે. મારે શસ્ત્રોની જરૂર છે, સવારીની નહીં."

અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે અમેરિકા અને યુક્રેનના અધિકારીઓને ટાંકીને કહ્યું કે અમેરિકાની સરકાર રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીની મદદ કરવા તૈયાર છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સામે સૈન્ય અભિયાન છેડ્યું છે અને તેને લઈને વૈશ્વિક કૂટનીતિમાં ગરમાવો આવ્યો છે. રશિયાનું કહેવું છે કે યુક્રેનના સૈનિકોએ હથિયાર મૂકી દેવા જોઈએ. જોકે, પ્રથમ વખત રાષ્ટ્રપતિ બનેલા અને ઉંમરમાં પુતિનથી ખૂબ જ નાના એવા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી મચક નથી આપી રહ્યા.

હિંદી ફિલ્મ 'નાયક'માં અનિલ કપૂર પડદા ઉપર ટીવી રિપોર્ટરની ભૂમિકા ભજવે છે અને સંજોગ તેમને રૂપેરી પડદેથી રાજ્યના મુખ્ય મંત્રીની ખુરશી સુધી દોરી જાય છે. કંઈક આવું જ ઝૅલેન્સ્કીના જીવનમાં પણ ઘટ્યું છે.

યુક્રેનની કૉમેડી સિરિયલ 'સર્વન્ટ ઑફ ધ પીપલ'માં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી હતી. એપ્રિલ-2019માં રીલ લાઇફ રિયલ લાઇફ બની ગઈ અને તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા.

આજે તેઓ ચાર કરોડ 40 લાખ યુક્રેનવાસીઓને સાથે લઈને તાકતવર રશિયન સેના સામે પડકાર ઊભો કરી રહ્યા છે.

રીલ લાઇફ અને રિયલ લાઇફ

2014માં રશિયાએ ક્રીમિયા પર કબજો કરીને પોતાની સાથે ભેળવી દીધું. એ પછી ફાટી નીકળેલાં ભારે વિરોધપ્રદર્શનોને કારણે રશિયાતરફી રાષ્ટ્રપતિ વિકતોર યાનુકોવિચે રાજીનામું આપી દીધું. એ પછી વર્ષ 2015માં શરૂ થઈ 'સર્વન્ટ ઑફ ધ પીપલ' સિરિયલ.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ તેમાં ઇતિહાસના શિક્ષક વેસિલી ગોલોબોરોદકોની ભૂમિકા ભજવી હતી. સિરિયલમાં તેઓ યુક્રેનમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર સાથે અપશબ્દો અને આક્રોશથી ભરેલું ભાષણ આપે છે. જે ઑનલાઇન વાઇરલ થઈ જાય છે અને સંજોગો તેમને રાષ્ટ્રપતિની ખુરશી સુધી દોરી જાય છે.

આથી જ ઝૅલેન્સ્કીએ જ્યારે રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે તેમણે પોતાના પક્ષનું નામ 'સર્વન્ટ ઑફ ધ પીપલ' રાખ્યું હતું. તેમણે રાજકારણમાં પારદર્શકતા લાવવાનું તથા અશાંત એવા પૂર્વીય વિસ્તારમાં શાંતિ સ્થાપવાનું વચન આપ્યું.

નાયકથી 'નાયક' સુધી

ઝૅલેન્સ્કીનો જન્મ યહૂદી પરિવારમાં થયો. તેમણે કિવ નેશનલ ઇકૉનૉમિક યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી લીધી. જોકે તેમનો ઝોક કૉમેડી તરફનો રહ્યો. યુવાવસ્થામાં તેઓ રશિયન ટીવી ચૅનલ પરથી પ્રસારિત થતી કૉમેડી સ્પર્ધામાં ભાગ લેતા હતા.

2003માં ઝૅલેન્સ્કીએ અન્યો સાથે મળીને કૉમેડી ટીમ કવારતલ 95ના નામથી પ્રોડક્શન કંપની ખોલી, જે ખૂબ જ સફળ રહી. આ કંપનીએ યુક્રેનના 1+1 નેટવર્ક માટે અનેક સફળ શોનું નિર્માણ કર્યું.

આ ચૅનલની માલિકી વિવાદાસ્પદ અબજપતિ ઇહોર કોલોમૉઇસ્કીની છે, જ્યારે ઝૅલેન્સ્કીએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે કોલોમૉઇસ્કીએ તેમને ટેકો આપ્યો.

તેમણે 2009માં રજૂ થયેલી ફિલ્મ બિગ સિટી તથા 2012ની ફિલ્મ રેઝેસ્ક્વી વર્સસ નેપોલિયનમાં અભિનય કર્યો. 2019ની ચૂંટણી સમયે ઝૅલેન્સ્કીએ તત્કાલીન રાષ્ટ્રપતિ પેટ્રો પોરોસેન્કોને ભારે મતોથી પરાજય આપ્યો. ઝૅલેન્સ્કીને 73.2 ટકા મત મળ્યા અને યુક્રેનના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા.

આજે 44 વર્ષીય ઝૅલેન્સ્કી રશિયા મુદ્દે પોતાના દેશવાસીઓને એક રાખવામાં સફળ રહ્યા છે. તેમણે પશ્ચિમી દેશોને ગભરાટ નહીં ફેલાવવા અપીલ કરી છે, સાથે જ રશિયા વિરુદ્ધ તેમનું સમર્થન મેળવવા માટે પણ પ્રયાસરત્ છે.

કેટલાક સુરક્ષાનિષ્ણાતોના મતે શીતયુદ્ધ પછી યુક્રેનનું સંકટ એ યુરોપ માથે તોળાતું સૌથી મોટું સૈન્યસંકટ છે.

દોનબાસમાં દંગલ

પદભાર સંભાળ્યા બાદ તેમણે પાકટ વલણ દાખવ્યું અને રશિયા સાથે સંઘર્ષના બદલે વાટાઘાટ હાથ ધરી. બંને દેશો વચ્ચે બંદીઓનું આદાનપ્રદાન થયું અને અશાંત વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે મિન્સ્ક કરાર થયા, પરંતુ સંઘર્ષવિરામનું ક્યારેય પાલન ન થઈ શક્યું અને હિંસા યથાવત્ રહી.

ઝૅલેન્સ્કીએ ચૂંટણીવચન મુજબ દોનબાસમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ કર્યાં, જેમાં લગભગ 14 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. દરમિયાન પુતિને કબજાગ્રસ્ત વિસ્તારના લોકોને રશિયાના પાસપૉર્ટ આપવાની જાહેરાત કરી, જેના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ.

ઝૅલેન્સ્કીએ યુરોપિયન સંઘ તથા પશ્ચિમી દેશોના સૈન્યસંગઠન નાટોમાં જોડાવા માટે ભારપૂર્વક જાહેરાત કરી અને ગંભીર પ્રયાસ હાથ ધર્યા, જેના કારણે પુતિન ગિન્નાઈ ગયા. કેટલાક ટીકાકારોના કહેવા પ્રમાણે, રાજકારણનો અનુભવ ન હોવાથી રાજદ્વારી તરીકે પોતાની નોંધ લેવડાવવામાં તેઓ અસફળ રહ્યા.

ઝૅલેન્સ્કીએ 16મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે તથા તેઓ નિયમિત રીતે મોરચા ઉપર તહેનાત સૈનિકોની છાવણીઓની મુલાકાત લઈ રહ્યા છે અને તેમનું મનોબળ વધારવા પ્રયાસ કરી રહ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે દેશ ગુમાવવો તેમને પાલવે તેમ નથી. નાટો માત્ર ચાર અક્ષર નથી, પરંતુ સુરક્ષાની ખાતરી છે.

દોલતમંદોની દખલ

ચૂંટણી દરમિયાન ઝૅલેન્સ્કીએ યુક્રેનની ચૂંટણીપ્રક્રિયા તથા અર્થતંત્ર પરથી અતિધનાઢ્યોની અસરને દૂર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેઓ આમ કરી શકશે કે કેમ તેની અનેકને શંકા હતી.

કારણ કે યુક્રેનના 1+1 નેટવર્કના માલિક કોલોમૉઇસ્કીની ગણના આવા જ ધનવાન તરીકે થતી હતી. જ્યારે ઝૅલેન્સ્કીએ રાષ્ટ્રપતિ બનવાની ચૂંટણીમાં ઝુકાવ્યું ત્યારે કોલોમૉઇસ્કી અને તેમના મીડિયા નેટવર્કે તેમનું સમર્થન કર્યું હતું.

રાષ્ટ્રપતિ બન્યા પછી ઝૅલેન્સ્કીએ બંને વચ્ચે અંતર હોય તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

ઝૅલેન્સ્કીએ રશિયાતરફી કેટલાક ધનવાનોની સામે કાર્યવાહી પણ કરી. જેમાં વિપક્ષના નેતા વિકતોર મેદવેદચુકનો પણ સમાવેશ થાય છે. તેમની પર દેશદ્રોહનો આરોપ મૂકીને તેમને નજરકેદ કરવામાં આવ્યા.

તેમની પાર્ટી ધનાઢ્યોની પર લગામ કસવા માટે કાયદો લાવી, જેમાં અતિધનાઢ્યોની વ્યાખ્યા કરવામાં આવી, તેમના પર અનેક નિયંત્રણ લાદવામાં આવ્યાં તથા તેઓ રાજકીય પક્ષોને દાન ન આપી શકે તેવી જોગવાઈ કરવામાં આવી.

ઑક્ટોબર-2021માં ધનવાનો દ્વારા વિદેશમાં ગુપ્ત રીતે ધનસંગ્રહનો ખુલાસો કરતા પેન્ડોરા પૅપર્સ બહાર આવ્યા ત્યારે ઝૅલેન્સ્કી તથા તેમની નજીકના લોકોએ વિદેશોમાં કંપનીઓ ખોલીને લાભ મેળવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ટીકાકારોના કહેવા પ્રમાણે, આ પગલાં ઉપરછેલ્લાં અને અધકચરાં હતાં, ઝૅલેન્સ્કીએ આ બધું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની નજીક સરકવા માટે કર્યું હતું.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હરીફ બાઇડનની સામે ઝૅલેન્સ્કીની મદદ માગી હતી અને તેના બદલામાં સૈન્ય હથિયાર તથા સંરક્ષણ આપવાની વાત કહી હતી. પરંતુ એક વ્હીસલબ્લૉઅરે આ વાતને સાર્વજનિક કરી દીધી હતી.

ઝૅલેન્સ્કીએ કોઈ હિતોના ટકરાવની વાતને નકારી કાઢી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો