You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકઅપ : મુનવ્વર ફારૂકી અને કંગના રનૌત જેમાં સાથે દેખાશે, એ શો શું છે?
ગત વર્ષે મૂળ ગુજરાતના મુસ્લિમ સ્ટૅન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારૂકીએ એક જોકના કારણે એક માસ જેલમાં વિતાવ્યો હતો.
જમણેરી હિંદુ જૂથોનાં પ્રદર્શનોને કારણે તેમના એક ડઝન જેટલા શો રદ કરાયા હતા, જે બાદ કૉમેડી કરવાનું બંધ કરવા તરફ ઇશારો કર્યો હતો. હવે ફરી એક વાર મુનવ્વર ફારૂકી ચર્ચામાં આવ્યા છે.
તેઓ એક 'લૉકઅપ' નામના રિયાલિટી શોનો ભાગ બની રહ્યા છે. આ શોનું સંચાલન કંગના રનૌત કરવાનાં છે. મુનવ્વર ફારૂકીની ઘણા લોકો તેમની સોશિયલ મીડિયા પર ટીકા કરી રહ્યા છે.
આ અગાઉ પણ મુનવ્વર ફારૂકી અનેક વખત ચર્ચામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર ટીકા
મુનવ્વર ફારૂકી કંગના રનૌતના શોમાં ભાગ લેશે, એ વાત સામે આવતાં જ ટ્વિટર પર ઘણા યુઝર તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા.
કંગના રનૌત સાથે કામ કરવાને લઈને એક યુઝરે લખ્યું કે, "નસીબજોગે, મેં મુનવ્વરને સારા સમયમાં ટેકો ન આપ્યો. કારણ કે હું જાણતો હતો કે વ્યક્તિમાં અંદરથી આસ્થાની કમી છે. આવા લોકોને ક્યારેય ટેકો ન આપી શકાય. અલ્લાહ અમાર ઇમાનને સુરક્ષિત રાખે."
જવ્વાદ સૈયદ નામના એક યુઝરે લખ્યું કે, "મને મુનવ્વર ફારૂકીની કૉમેડી ક્યારેય નથી ગમી. સ્વાર્થ અને સ્વતંત્ર વિચારધારા મામલે તે ઝાકીર ખાન કરતાં પણ ખરાબ વ્યક્તિ હોઈ શકે છે, તેવી મને ખબર હતી. હું ભારતના મુસ્લિમોને વિનંતી કરવા માગું છું કે આવા સ્વાર્થી લિબરલ આર્ટિસ્ટ માટે ક્યારેય પોતાની શક્તિ ન વેડફશો."
વધુ એક યુઝરે ફારૂકીના નિર્ણયની ટીકા કરતાં લખ્યું કે, "કદાચ કોઈ ફાલતું શો આવી રહ્યો છે. મજાની વાત તો એ છે કે જે લોકો તેનો વિરોધ કરતા હતા, તેના જ શોમાં મુનવ્વર ફારૂકી આવી રહ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય પણ ઘણા યુઝરોએ તેમના નિર્ણયની ટીકા કરતાં ટ્વીટ કરી હતી. તેમજ ઘણા તેમના સમર્થનમાં પણ આવ્યા હતા.
કોણ છે મુનવ્વર ફારૂકી?
જાન્યુઆરી 2021માં ગુજરાતના કૉમેડિયન મુનવ્વર ફારૂકીની મધ્ય પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના સામે આરોપ હતો કે તેમણે હિંદુ દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરી હતી.
ફારૂકી સાથે અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તમામને કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. એ સમયે કૉમેડિયનની ધરપકડનો મામલો સોશિયલ મીડિયામાં છવાયેલો હતો.
ભાજપના ધારાસભ્યના પુત્ર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ આ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશના ઇંદૌરમાં 56 દુકાન વિસ્તારમાં નવા વર્ષની ઉજવણીના સંદર્ભમાં મુનવ્વર ફારૂકીનો એક કૉમેડી શો રાખવામાં આવ્યો હતો.
જેમાં ભાજપના ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના પુત્ર એકલવ્ય ગૌડ અને તેમના મિત્રો સાથે આ શો જોવા ગયા હતા.
અહેવાલ મુજબ કૉમેડી શોમાં હિંદુ દેવતાઓ પર કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીનો એકલવ્યસિંહે વિરોધ કર્યો અને કાર્યક્રમ રોકાવી દીધો. બાદમાં શોના વીડિયો ફૂટેજ સાથે એકલવ્યસિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે ધરપકડ કરી હતી.
મુનવ્વર ફારૂકી મૂળ જૂનાગઢના રહેવાસી છે અને તેઓ સ્ટેન્ડઅપ કૉમેડિયન છે. ફરિયાદ દાખલ થતાંની સાથે જ આ મામલો સોશિયલ મીડિયા પર છવાયો અને તેમના કેટલાક વીડિયો વાઇરલ પણ થવા લાગ્યા.
જોકે મુનવ્વરના સમર્થનમાં અન્ય સ્ટેન્ડઅપ કૉમેડિયન આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ તેમની ટીકા કરી હતી. વરુણ ગ્રોવર, વીર દાસ અને રોહન જોશી સહિતના હાસ્યકલાકારો ફારૂકીના સમર્થનમાં આવ્યા હતા. તેમણે ફારૂકીની ધરપકડની ટીકા કરી હતી.
જોકે આના એક માસ બાદ તેમને જામીન મળી ગયા હતા, પરંતુ તે બાદથી તેમના શો અવારનવાર રદ થવા લાગ્યા.
કથિતપણે જમણેરી વિચારધારાવાળાં દળો તેમના શોના આયોજકોને ધમકાવતા હતા. જેને લીધે તેમણે સ્ટેન્ડઅપ કૉમેડી છોડી રહ્યા છે તેવો સંકેત આપતી પોસ્ટ મૂકી હતી. જે બાદ ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા હતા.
પોતાની આ જાહેરાત બાદ જ્યારે બીબીસીએ તેમનો સંપર્ક સાધ્યો હતો, ત્યારે તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "તેઓ હસાવાનું નહીં છોડે. પરંતુ જે કાંઈ થઈ રહ્યું છે, તેનાથી તેમને તકલીફ થઈ છે."
"હું કંઈ બોલી નથી રહ્યો, તેનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હું સ્ટેજ પર જવા માગું છું. એ મારું મેદાન છે."
શું છે લૉકઅપ શો?
ખ્યાતનામ પ્રોડ્યૂસર એકતા કપૂરની વીડિયો ઑન ડિમાન્ડ સર્વિસ અલ્ટ બાલાજી દ્વારા એક નવીન રિયાલિટી શો લાવવામાં આવી રહ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આ શોનું નામ 'લૉકઅપ' હશે. જેને કંગના રણૌત હોસ્ટ કરશે.
આ શોના ફૉર્મેટ અનુસાર 16 વિવાદાસ્પદ સ્પર્ધકોને જેલમાં 72 દિવસ સુધી બંધ કરવામાં આવશે.
આ શોના જુદા-જુદા પ્રોમો પરથી જાણવા મળે છે કે આ શોમાં સ્પર્ધકોએ શોમાં જળવાઈ રહેવા માટે પોતાનાં જીવનનાં રહસ્યો જાહેર કરવાં પડશે.
આ શો 27 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે, લૉકઅપ સાતેય દિવસ 24 કલાક અલ્ટ બાલાજી અને એમએક્સ પ્લેયર પર જોઈ શકાશે.
અહેવાલો પ્રમાણે દર્શકોને પોતાના મનગમતા સ્પર્ધક સાથે સંપર્ક સાધવાની પણ તક મળશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો