નવાબ મલિકની ED દ્વારા ધરપકડ, ભંગાર વેચનારની મહારાષ્ટ્રના મંત્રી બનવાની કહાણી

    • લેેખક, હર્ષલ અકુડે
    • પદ, બીબીસી મરાઠી, સંવાદદાતા

મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (NCP)ના નેતા નવાબ મલિકની મની લૉન્ડ્રિંગના કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ઈડીની ટીમ બુધવારે વહેલી સવારે જ તેમના ધરે પહોંચી ગઈ હતી અને પૂછતાછ માટે તેમને ઈડીના અધિકારીઓ લઈ ગયા હતા.

ત્યારે વાંચો નવાબ મલિકની મહારાષ્ટ્રના મંત્રી બનવા સુધીની કહાણી

1984ની લોકસભાની ચૂંટણીની વાત છે. ઉત્તર-પૂર્વ મુંબઈની લોકસભાની સીટ માટે એક બાજુ કૉંગ્રેસ તરફથી ગુરુદાસ કામત મેદાનમાં હતા, તો બીજી બાજુ ભાજપાના પ્રમોદ મહાજન હતા.

આ ચૂંટણીમાં ગુરુદાસ કામતને બે લાખ 73 હજારથી વધારે મત મળ્યા હતા અને લગભગ 95 હજાર મતથી પ્રમોદ મહાજનને હરાવ્યા હતા.

આ જ ચૂંટણીમાં 25 વર્ષનો એક યુવાન પણ પોતાની કિસ્મત અજમાવી રહ્યો હતો. એડીચોટીના પ્રયત્નો છતાં એ ઉમેદવાર માત્ર 2,620 વોટ મેળવી શક્યો હતો.

પણ છેલ્લા થોડા વખતથી મહારાષ્ટ્રના રાજકારણમાં એ જ હારેલા ઉમેદવારનો પ્રભાવ છે. 25 વર્ષના એ ઉમેદવારનું નામ નવાબ મલિક હતું.

ઉદ્ધવ ઠાકરેની સરકારમાં નવાબ મલિકની પાસે અલ્પસંખ્યક (લઘુમતી), ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસનું કૅબિનેટ મંત્રાલય છે. સાથે જ તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા અને મુંબઈ શહેરના અધ્યક્ષ પણ છે.

ડ્રગ્સના કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ થઈ એ પછીથી નવાબ મલિક ખાસ્સા સક્રિય દેખાયા હતા.

તેઓ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) મુંબઈના ડિવિઝનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને એમના પરિવાર પર સતત આરોપ મૂકતા રહ્યા હતા.

આર્યન ખાન મુક્ત થયા પછી મલિકે કરેલી ટ્વીટ ‘પિક્ચર અભી બાકી હૈ દોસ્ત’એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ પહેલી નવેમ્બરે એમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસનાં પત્નીની જયદીપ રાણા સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું, “ચાલો, આજે બીજેપી અને ડ્રગ્સ પેડલરના સંબંધોની ચર્ચા કરીએ.”

ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપસર જયદીપ રાણા આજકાલ જેલમાં છે. જોકે, આનો જવાબ આપતાં દેવેન્દ્ર ફડનવીસે મલિક પર અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા હોવાનો આરોપ મૂકતાં કહ્યું છે કે દિવાળી પછી તેઓ બૉમ્બ ફોડશે.

જોકે, એક મહિનાથી સોશિયલ મીડિયા અને મીડિયામાં આપેલાં બયાનોને કારણે મલિક સમાચાર-માધ્યમોમાં સતત હેડલાઇન્સ બનતા રહ્યા છે.

નવાબ મલિકનું મૂળ વતન ઉત્તરપ્રદેશ

નવાબ મલિકના પરિવારનું મૂળ વતન ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં છે. એમના પરિવાર પાસે સારી એવી ખેતી અને વ્યવસાય હતાં અને તેમનો પરિવાર આર્થિક રીતે સંપન્ન હતો.

નવાબના જન્મ પહેલાં એમના પિતા મોહમ્મદ ઇસ્લામ મલિક મુંબઈ આવીને વસી ગયા હતા. પણ પહેલા બાળકના જન્મ સમયે તેઓ ઉત્તર પ્રદેશ પાછા ગયા હતા. નવાબનો જન્મ 20 જૂન 1959ના રોજ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉતરૌલા તાલુકાના એક ગામમાં થયો હતો.

એમના જન્મના થોડા સમય પછી મલિક પરિવાર મુંબઈ પરત ફર્યો હતો. મુંબઈમાં મલિક પરિવારના નાનામોટા વ્યવસાય હતા. એમની એક હોટેલ હતી. એ ઉપરાંત ભંગારની લે–વેચના કારોબાર સાથે તેમના બીજા કેટલાક નાનામોટા કામધંધા હતા.

મલિકે બીજેપીએ કરેલી આલોચનાના જવાબમાં કહ્યું કે, “હા, હું ભંગારવાળો છું. મારા પિતા મુંબઈમાં કપડાં અને ભંગારનો કારોબાર કરતા હતા. ધારાસભ્ય બન્યો ત્યાં સુધી મેં પણ ભંગારનો વેપાર કર્યો. મારો પરિવાર હજી પણ કરે છે. મને એના પર ગર્વ છે.”

ભાજપની આલોચના

એમણે એમ પણ કહ્યું કે, “હા, હું ભંગારવાળો છું, પણ, એ લોકો નથી જાણતાં કે ભંગારવાળાનું કામ શું હોય છે. તેઓ એ વસ્તુ લે છે જે ઉપયોગી નથી હોતી. તેઓ એક એક કરીને એને ઉપાડે છે, અલગ અલગ વહેંચીને એમાંથી ઉપયોગી વસ્તુ શોધી કાઢે છે.”

નવાબે 21 વર્ષની ઉંમરે 1980માં મહજબીન સાથે નિકાહ કર્યા હતા. એમનાં બે દીકરા અને બે દીકરી છે. દીકરાનાં નામ ફરાજ અને આમિર, જ્યારે દીકરીઓનાં નામ નીલોફર અને સના છે.

વિરોધના કારણે છોડી અંગ્રેજી સ્કૂલ

હિમાંશી પ્રોડક્શન્સને આપેલા ઇન્ટરવ્યૂમાં નવાબ મલિકે પોતાના જીવન વિશે ઘણી વાતો જણાવી.

પ્રાથમિક શિક્ષણ માટે નવાબ મલિકને સેન્ટ જોસેફ ઇંગ્લિશ સ્કૂલમાં દાખલો અપાવાયો હતો. પણ પિતા મોહમ્મદ ઇસ્લામના સગા અને મિત્રોના વિરોધના કારણે તેઓ અંગ્રેજી શાળામાં ન ગયા.

પછીથી નવાબને એનએમસીની નૂરબાગ ઉર્દૂ સ્કૂલમાં બેસાડ્યા. અહીં એમણે ચોથા ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું. ત્યાર બાદ એમણે ડોંગરીની જીઆર નંબર 2 સ્કૂલમાં સાતમા ધોરણ સુધી અને સીએસટી વિસ્તારની અંજુમન સ્કૂલમાં 11મા ધોરણ (ત્યારની મૅટ્રિક) સુધીનો અભ્યાસ કર્યો.

મૅટ્રિક પછી એમણે બુરહાની કૉલેજમાંથી 12મા ધોરણનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આ જ કૉલેજમાં બી.એ.માં એડમિશન લીધું, પણ, પારિવારિક કારણોને લીધે તેઓ બી.એ.ની ફાઇનલ પરીક્ષા ન આપી શક્યા.

વિદ્યાર્થીઆંદોલનથી રાજનીતિમાં રુચિ

જ્યારે નવાબ કૉલેજમાં ભણતા હતા ત્યારે મુંબઈ યુનિવર્સિટીએ કૉલેજની ફી વધારી દીધી હતી. એ ફી-વધારાના વિરોધમાં શહેરમાં આંદોલન ચાલતું હતું. એક વિદ્યાર્થી તરીકે એ આંદોલનમાં નવાબ મલિકે પણ ભાગ લીધો હતો.

આંદોલન દરમિયાન પોલીસના મારથી નવાબ ઘાયલ થયા હતા. બીજા દિવસે વિદ્યાર્થીઓએ પોલીસ કમિશનર કચેરીએ માર્ચ કરેલી. નવાબ મલિક કહે છે કે, એ દરમિયાન જ રાજનીતિમાં એમની રુચિ વધી હતી.

એમણે જણાવ્યું કે, “1977માં કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી. પાછળથી, યુવાનોમાં આ સરકાર-વિરોધી માહોલ હતો. એટલે હું, કૉંગ્રેસ દ્વારા સમયસમયાંતરે યોજાતી નાનીમોટી સભાઓમાં ભાગ લેવા લાગ્યો.”

1984ની લોકસભાની ચૂંટણી

1981માં સંજય ગાંધીનું આકસ્મિક મૃત્યુ થયું, ત્યાર બાદ એમનાં પત્ની મેનકા ગાંધીએ સંજય વિચાર મંચ નામનું એક અલગ જૂથ બનાવ્યું હતું. એ વખતે નવાબ સંજય વિચાર મંચ સાથે જોડાઈ ગયા હતા.

સંજય વિચાર મંચના પક્ષે ઉમેદવારી નોંધાવીને નવાબ મલિક 1984ની લોકસભાની ચૂંટણી લડ્યા હતા પણ એમની પાસે એક રાજકીય પક્ષનો દરજ્જો નહોતો એટલે એ ચૂંટણીમાં એમને અપક્ષ ઉમેદવાર જ ગણવામાં આવેલા.

એ સમયે મલિક માત્ર 25 વર્ષના હતા અને એ ચૂંટણીમાં એમને માત્ર 2,620 મત મળ્યા હતા.

નવાબ મલિકે પોતાના એ ચૂંટણી અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું કે, “મને થોડાક જ વોટ મળેલા. ચૂંટણી લડવાનો નિર્ણય મેં એટલા માટે કરેલો કેમ કે એ સમયે હું રાજકીય રીતે અપરિપક્વ હતો. પણ મને સમજાઈ ગયું કે જો રાજનીતિમાં કામ કરવું હોય તો કૉંગ્રેસ પાર્ટી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”

ત્યાર બાદ નવાબ મલિક ફરીથી કૉંગ્રેસનું કામ કરવા લાગ્યા. એમણે 1991માં યોજાયેલી નગર પંચાયતની ચૂંટણી માટે કૉંગ્રેસ પાસે ટિકિટની માગણી કરેલી પણ કૉંગ્રેસે એમને ટિકિટ ન આપી.

તોપણ, નવાબ મલિકનો રાજકીય તોર પોતાનું સ્થાન નિશ્ચિત કરાવવાની કવાયતમાં લાગી ગયો. 1992ના ડિસેમ્બરમાં બાબરી મસ્જિદની ઘટના પછી મુંબઈમાં કોમી રમખાણો થયાં. ત્યાર બાદ બધી બાજુ સંવેદનશીલ વાતાવરણ હતું. એ સમયે નવાબ મલિકને એક અખબાર શરૂ કરવાનો વિચાર આવ્યો.

શિવસેનાનું મુખપત્ર સામના કેટલાંક વરસો પહેલાં જ શરૂ થયું હતું અને મુંબઈમાં લોકપ્રિય બની ગયેલું. એમાંથી પ્રેરણા લઈને મલિક અને એમના સહયોગીઓએ એક અખબાર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

ત્યાર પછી મલિકે નીરજકુમાર સાથે મળીને મુંબઈમાં સાંજ સમાચાર નામનું છાપું શરૂ કર્યું હતું પણ થોડાં વરસો પછી આર્થિક સંકડામણને કારણે એ બંધ કરવું પડ્યું.

સમાજવાદી પાર્ટી, પેટાચૂંટણી અને વિધાનસભાની લૉટરી

બાબરી મસ્જિદની ઘટના પછી સમાજવાદી પાર્ટી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મુસ્લિમ મતદાતાઓમાં લોકપ્રિયતા મેળવી રહી હતી. આ લહેરમાં નવાબ મલિક સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા.

અને, 1995માં વિધાનસભાની ચૂંટણીમાં નવાબ મલિકને પાર્ટી તરફથી મુસ્લિમ બહુમતીવાળા નહેરુનગર મતવિસ્તાર માટેની ટિકિટ મળી.

એ ચૂંટણીમાં શિવસેનાના સૂર્યકાન્ત મહાદિક 51,569 મત મેળવીને જીત્યા હતા. 37,511 મત સાથે નવાબ મલિકે બીજા ક્રમે હતા.

મલિક હારી ગયા પણ બીજા જ વર્ષે વિધાનસભામાં પહોંચી ગયા. ધર્મના આધારે વોટ માંગવાના આરોપસર ધારાસભ્ય મહાદિક વિરુદ્ધ એક અરજી થઈ હતી, જેમાં તેઓ દોષિત જણાતાં ચૂંટણી પંચે ચૂંટણી રદ કરી દીધી હતી. એટલે, 1996માં, નહેરુનગર મતવિસ્તાર માટે ફરીથી ચૂંટણી થઈ.

આ વખતે નવાબ મલિક લગભગ સાડા છ હજાર મતોની સરસાઈથી જીતી ગયા.

‘રાકાંપાનો મુસ્લિમ ચહેરો’

1999ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાંથી નવાબ મલિક ફરી વાર જીત્યા. ત્યારે કૉંગ્રેસ અને રાકાંપા સત્તામાં આવી. સમાજવાદી પાર્ટીમાંથી બે ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી. મોરચાનું સમર્થન કરવા માટે એમને પણ સત્તામાં ભાગીદાર બનાવાયા.

નવાબ મલિક આવાસ રાજ્યમંત્રી બન્યા. રાજકીય રીતે તેઓ ખૂબ સારું કામ કરતા હતા પણ સમયની સાથે સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથેના મલિકના મતભેદો સામે આવવા લાગ્યા. એનાથી કંટાળીને છેવટે મલિકે, મંત્રી હોવા છતાં, એનસીપીમાં જોડાવાનો નિર્ણય કર્યો.

પાર્ટી છોડવાના પોતાના નિર્ણય વિશે તેમણે જણાવ્યું કે, “એ વખતે સમાજવાદી પાર્ટીના મુંબઈના નેતાઓ ધર્મ આધારિત રાજનીતિ કરવાની કોશિશ કરતા હતા. સમાજવાદી પાર્ટી એવી રીતે કામ કરતી હતી જાણે એ મુસ્લિમ લીગ હોય.”

ત્યાર પછી એનસીપીના સદસ્ય તરીકે ઉચ્ચ અને તકનીકી શિક્ષા અને શ્રમમંત્રી બન્યા. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈએ મલિક વિશે જણાવ્યું કે, “મહારાષ્ટ્રની રાજનીતિમાં જે મુસ્લિમ ચહેરા સામે આવ્યા છે એમાં નવાબ મલિકનું નામ સૌથી આગળ છે. મલિકને શરૂઆતમાં એનસીપીના મુસ્લિમ ચહેરા તરીકે પાર્ટીમાં જગા અપાઈ હતી.”

હજારેના આરોપોને કારણે આપેલું રાજીનામું

2005–06 દરમિયાન મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખની સરકારમાં મંત્રી રહેલા નવાબ મલિકે રાજીનામું આપવું પડ્યું હતું.

માહિમની જરીવાલા ચાલ પુનર્વિકાસ પરિયોજનાના કામ સંદર્ભે મલિક પર ભ્રષ્ટાચારના ઘણા આરોપ મુકાયા હતા. સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પણ આ મામલો આગળ કર્યો હતો. પછી એક તપાસ શરૂ થઈ અને નવાબ મલિકે રાજીનામું આપવું પડ્યું. 12 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરતાં કહેલું કે તત્કાલીન રાજ્યમંત્રી દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય હતો.

દરમિયાનમાં મામલો શાંત પડ્યા પછી 2008માં નવાબ મલિકને ફરી મંત્રી બનાવાયા હતા.

સમીર વાનખેડેના વિરોધનું કારણ જમાઈની ધરપકડ કે બીજું કંઈ

આર્યન ખાન ડ્રગ્સ કેસ પછી સૌથી આક્રમક વિરોધ નવાબ મલિકે કર્યો છે. જોકે, ભારતીય જનતા પાર્ટીએ એનસીબી અને સમીર વાનખેડે પર આરોપ મૂકવા બદલ નવાબ મલિકની ભારે ટીકા કરી છે.

એનસીબીને 9 જાન્યુઆરીએ સંદિગ્ધ ગતિવિધિ થવાની હોવા બાબતે સાવધાન કરાઈ હતી. ત્યાર બાદ સમીર વાનખેડેએ ‘મુંબઈ બાંદ્રામાંથી ભાંગ જપ્ત કર્યાનો દાવો કર્યો હતો.’

એમ કહેવાયું કે આરોપી કરણ સજલાણીના ઘરની બહારથી મંગાવાયેલી ભાંગ જપ્ત કરાઈ છે. આ કેસમાં ચાર જણાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી પહેલી વાર નવાબ મલિકના જમાઈ સમીર ખાનનું નામ સાંભળવા મળ્યું હતું.

સમીર ખાન નવાબ મલિકની મોટી દીકરી નીલોફરના પતિ છે. એનસીબીએ એનડીપીએસ એક્ટની કલમ 27(એ) આધારે માદક પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સ માટે પૈસા આપવાના આરોપસર સમીર ખાનની જાન્યુઆરીમાં ધરપકડ કરી હતી.

સમીર ખાનના કેસમાં 14 ઑક્ટોબરે સત્ર અદાલતે જામીન આપી દીધા છે. અદાલતે માદક દ્રવ્યોની હેરાફેરી અને ડ્રગ્સ માટે પૈસા આપવાના આરોપમાં સમીર ખાનને જામીન આપ્યા છે.

કોર્ટના આદેશ પછી નવાબ મલિકે આરોપ મૂક્યો કે, “એનસીબી ખોટા ગુનામાં સંકળાયેલા લોકોને બદનામ કરવાનું કામ કરે છે. એનસીબીએ કહ્યું કે 200 કિલો ગાંજો મળ્યો છે, પણ રિપૉર્ટમાંથી જાણવા મળે છે કે એ હર્બલ તમાકુ હતી.” નવાબ મલિકના આ આરોપના જવાબમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો તરફથી કશી પ્રતિક્રિયા જોવા નથી મળી.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર એક નજર

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી નવાબ મલિક સક્રિય થયા છે એની પાછળ બીજું એક કારણ પણ છે.

એમના જણાવ્યા અનુસાર, એનસીપીની નજર હમણાં તો મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પર છે. નવાબ મલિક મુંબઈ શહેર પ્રમુખનું પદ સંભાળે છે, એટલે પાર્ટીને લાગે છે કે એમને આગળ લાવવાથી મુંબઈ મહાનગરપાલિકાને ફાયદો થશે.

દેસાઈ જણાવે છે કે, “નવાબ મલિક પ્રેસ કૉન્ફરન્સોમાં કેટલાક મુદ્દા પર ચર્ચા કરે છે. અત્યાર સુધીમાં તેમણે શરદ પવારના વિશ્વાસને સાચો સાબિત કર્યો છે. ભૂતકાળમાં એમની પ્રેસ કૉન્ફરન્સની ખાસ કંઈ ચર્ચા નહોતી થતી. પણ એક મહિનાની અંદર એમણે નક્કર મુદ્દા આગળ કરીને મીડિયામાં હેડલાઇન્સ બનાવી છે, એ મહત્ત્વપૂર્ણ છે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો