You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : એ પરિવારો, જેઓ તાલિબાનના શાસનમાં બાળકો વેચવા મજબૂર થયાં
- લેેખક, યોગિતા લિમયે
- પદ, બીબીસી સંવાદદાતા
અમે હેરાત શહેરની બહાર નીકળ્યાં કે અમને ખુલ્લો હાઇવે મળ્યો, જેના પર અમે તાલિબાનોની બે ચોકીઓ પાર કરી, જેનાથી સ્પષ્ટ હતું કે દેશ પર હવે કોણ શાસન કરી રહ્યું છે.
સૌથી પહેલી ચોકીના લડવૈયાઓ મિલનસાર હતા, છતાં તેમણે અમારી ગાડીઓ તથા ત્યાંનાં સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા મળેલી પરમિટની વિસ્તારપૂર્વક તપાસ કરી.
અમે ત્યાંથી નીકળી રહ્યાં હતાં, ત્યારે ખભા પર અસોલ્ટ રાઇફલવાળા એક લડવૈયાએ ચહેરા પર સ્મિત સાથે કહ્યું, "તાલિબાનથી ડરો નહીં, અમે સારા લોકો છીએ."
જોકે બીજી ચોકી પરના ગાર્ડ્સ થોડા અલગ હતા : ઠંડા તથા ભયાનક જેવા. કેવા પ્રકારના તાલિબાન સાથે તમારો ભેંટો થઈ જાય, તેનો અંદાજ તમને પણ ન રહે.
કેટલાક તાલિબાન લડવૈયાઓએ વિરોધપ્રદર્શનને કવર કરવા પહોંચેલા અફઘાન પત્રકારોને નિર્દયતાપૂર્વક ફટકાર્યા હતા.
તાજેતરમાં એક ઑનલાઇન વીડિયો વાઇરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે તેઓ કેવી રીતે વિદેશી ફોટોગ્રાફરને બંદૂકના બટથી મારી રહ્યા હતા. સારી વાત એ રહી કે અમને ખૂબ જ ઝડપથી ચેકપૉઇન્ટમાંથી છુટકારો મળી ગયો. પરંતુ એક નિવેદન પણ કર્યું, જે ચેતવણી સમાન લાગી રહ્યું હતું, "અમારા વિશે સારી વાતો લખવામાં આવે એ નક્કી રાખજો."
65 હજારમાં બાળક
અમે હેરાતથી લગભગ 15 કિલોમીટર દૂર એક રૂમવાળા માટી-ઈંટનાં ઘરોના વિસ્તારમાં પહોંચ્યાં. વર્ષોના આંતરિક વિગ્રહ તથા દુષ્કાળને કારણે અનેક લોકો છેવાડાના વિસ્તારોમાં પોતાનાં ઘર છોડીને અહીં આવીને વસ્યા હતા, જેથી શહેરની પાસે તેમને કામ તથા સુરક્ષા મળી રહે.
અમે ગાડીમાંથી બહાર નીકળ્યાં તો ધૂળ ઊડી રહી હતી અને હવામાં ડંખ જેવું હતું, થોડાં અઠવાડિયાંમાં તે ભારે ઠંડીમાં બદલાઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું કોઈ ખરેખર ગરીબીને કારણે પોતાનાં સંતાનોને વેચી રહ્યું છે? તેની તપાસ કરવા અમે ત્યાં પહોંચ્યાં હતાં. મેં જ્યારે આ વિશે સાંભળ્યું, ત્યારે મનમાં વિચાર્યું: આવો એકાદ કિસ્સો હશે, પરંતુ ત્યાં જઈને જે કંઈ જોયું, તેના માટે હું પૂર્ણપણે તૈયાર ન હતી.
અમે ત્યાં પહોંચ્યાં કે થોડી વારમાં એક શખ્સે અમારી ટીમના એક સભ્યને સીધું જ પૂછ્યું કે શું અમે તેમની પાસેથી કોઈ બાળક ખરીદવા માગીએ છીએ? બાળકના સાટે 900 ડૉલર (અંદાજે રૂ. 65 હજાર)ની માગણી કરી હતી.
જ્યારે મારા સાથીએ તેને પૂછ્યું કે તેઓ બાળકને શા માટે વેચવા માગે છે, તો એ શખ્સે જવાબ આપ્યો કે તેના આઠ સંતાન છે તથા તેમને ખવડાવવા માટે તેની પાસે ભોજન નથી.
'કાળજું' વેચી કોળિયો
અમે થોડા આગળ વધ્યાં કે એક મહિલા બાળકી સાથે અમારી પાસે આવ્યાં. તેઓ ખૂબ જ ઝડપભેર તથા ગભરાટ સાથે અમારી સાથે વાત કરી રહ્યાં હતાં.
દુભાષિયા મારફત અમને જણાવ્યું કે તેમણે અગાઉ જ એક બાળક વેચી દીધું છે અને તેમને પૈસાની ખૂબ જ જરૂર છે. તેમની કાખમાં દોઢ વર્ષનું બાળક હતું.
અમે તેમને વધુ કંઈ પૂછીએ તે પહેલાં જ અમારી આજુબાજુ ભીડ એકઠી થઈ ગઈ, તેમાંથી એક યુવકે અમને કહ્યું કે તેમની 13 મહિનાની ભાણેજને અગાઉ જ વેચી દેવાઈ છે.
તેણે જણાવ્યું કે દૂર આવેલા ઘોર પ્રાંતના કબિલાના એક શખ્સે તેને ખરીદી હતી. ખરીદનાર શખ્સે પરિવારને જણાવ્યું કે જ્યારે બાળકી મોટી થઈ જશે, ત્યારે તે છોકરીનાં નિકાહ તેના દીકરા સાથે કરાવશે.
આ બાળકોનું ભાવિ કેવું હશે, તેના વિશે ખાતરીપૂર્વક કશું કહી શકાય તેમ નથી. એક ઘરમાં અમે છ માસની બાળકીને ઘોડિયામાં ઊંઘેલી જોઈ.
અમને માલૂમ પડ્યું કે તેને વેચી દેવાઈ છે અને ખરીદદાર આવીને તેને લઈ જશે. માતાપિતા વધુ ત્રણ બાળક ધરાવે છે - જેમાં લીલી આંખવાળા નાના બાળકનો પણ સમાવેશ થાય છે.
પરિવારને અનેક દિવસ સુધી ભોજન વગર ભૂખ્યા રહેવું પડે છે. બાળકીના પિતા કચરો વીણીને આજીવિકા રળતા હતા.
તેમણે અમને જણાવ્યું: "અનેક દિવસ સુધી કંઈ આવક નથી થતી. જ્યારે કોઈ કમાણી થાય ત્યારે છ-સાત બ્રૅડ ખરીદીને તેને પરસ્પર વહેંચી લે છે."
"મારી પત્ની બાળકી વેચવાના મારા નિર્ણય સાથે સહમત નથી, એટલે તે વ્યથિત છે, પરંતુ હું લાચાર છું. જીવવા માટે બીજો કોઈ રસ્તો વધ્યો નથી."
હું તેમનાં પત્નીની આંખોને ક્યારેય નહીં ભૂલી શકું. તેમાં ક્રોધ અને લાચારી બંને દેખાઈ રહ્યા હતા. બાળકીને વેચવાથી તેમને જે પૈસા મળવાના હતા, તે તેમને જીવતા રહેવામાં મદદ કરશે. તેનાથી અન્ય બાળકોનાં ભોજનની વ્યવસ્થા થઈ શકશે, અલબત અમુક મહિનાઓ માટે જ.
અમે જેવાં ત્યાંથી બહાર નીકળ્યાં કે અન્ય એક મહિલા ત્યાં આવ્યાં. સંકેતમાં નાણાનો ઇશારો કરતા તેણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ બાળકને સોંપવા તૈયાર હતાં.
'આવી સ્થિતિની અપેક્ષા ન હતી'
બાળકને વેચવા મુદ્દે સ્પષ્ટ રીતે વાત કરવાની તો દૂર આટલા બધા પરિવારો બાળકને વેચવા મજબૂર હશે, તેની અમને અપેક્ષા ન હતી. અમારી પાસે જે કોઈ માહિતી ઉપલબ્ધ હતી, તેના આધારે અમે સંયુક્ત રાષ્ટ્રોની બાળકો માટેની સંસ્થા યુનિસેફનો સંપર્ક સાધ્યો. તેમણે અમને જણાવ્યું કે તેઓ આવા પરિવારો સુધી પહોંચીને તેમને મદદ કરવા માટે પ્રયાસ કરશે.
અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા વિદેશી ધન પર આધારિત છે. ઑગસ્ટ મહિનામાં તાલિબાને દેશની શાસનની ધૂરા સંભાળી, ત્યારથી તેના સંશાધનોને અટકાવી દેવામાં આવ્યા હતા.
આનો સ્પષ્ટ મતલબ હતો કે દરેક પ્રકારના સરકારી ખર્ચ ચાહે તે સરકારી કર્મચારીઓના પગાર હોય કે વિકાસકાર્ય, બધું અટકી ગયું.
આને કારણે અર્થવ્યવસ્થામાં તળિયા ઉપર રહેલા લોકો માટે ભયજનક સ્થિતિ ઊભી થઈ ગઈ. ઑગસ્ટ મહિના પહેલાં તેઓ માંડ-માંડ ગુજરાન ચલાવતા હતા.
માનવ અધિકારોના રક્ષણની ખાતરી વગર તથા સહાયની રકમ કેવી રીતે વપરાય રહી છે, તેની પડતાલ વગર તાલિબાનને પૈસા આપવા ખતરનાક નીવડી શકે છે.
સમસ્યાનો ઉકેલ નહીં નિકળવાને કારણે જેમ-જેમ દિવસ પસાર થઈ રહ્યો ચે તેમ-તેમ અફઘાનો ભૂખમરામાં ધકેલાઈ જવા મજબૂર છે. અમે હેરાતમાં જે કંઈ જોયું, તેનાથી સ્પષ્ટ છે કે બહારની મદદ વગર અફઘાનિસ્તાનના લાખો લોકો શિયાળો કાઢી નહીં શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો