મુસ્લિમ રાજકુંવરનું રણમાં શહેર વસાવવાનું એ સપનું, જેની સામે આદિવાસીઓ પડ્યા

    • લેેખક, ફ્રેન્ક ગાર્ડનર
    • પદ, બીબીસી સિક્યૉરિટી કૉરસ્પૉન્ડન્ટ

સાઉદી અરેબિયામાં માનવાધિકારો માટે કામ કરતા કાર્યકર્તાએ લંડનમાં આક્ષેપ કર્યો છે તેમને, મોહમ્મદ બિન સલમાનના ટેકેદારો તરફથી ધમકીઓ મળી રહી છે.

આલ્યા અબુતયા અલહવૈતીએ બીબીસીને જણાવ્યું છે કે ફોન કરીને તેમને ધમકી આપવામાં આવી હતી અને ટ્વિટર પર પણ ધમકીઓ મળી હતી.

રાતા સમુદ્રના કિનારે 21મી સદીને અનુરૂપ હાઈ-ટેક સિટી બનાવવાની યોજના તૈયાર થઈ છે, તેના માટે અલહવૈતી જે કબીલાના છે તે સ્થાનિક લોકોને ત્યાંથી હઠાવવા માટેની સાઉદી સરકારની યોજના છે. આ યોજના વિરુદ્ધ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવ્યો તે પછી તેમને ધમકીઓ મળી હતી.

અલહવૈતીના જણાવ્યા અનુસાર તેમને ફોન પર ધમકી આપીને કહેવાયું હતું કે "અમે તને લંડનમાં પણ પાડી દઈશું. તને લાગતું હોય કે તું ત્યાં સલામત છે તો એ ભૂલ છે."

'મોઢું ખોલ્યું તો ખાશોગ્જી જેવા હાલ થશે'

અલહવૈતીએ વધુમાં જણાવ્યું કે તેમને એવું પણ કહેવાયું કે "જમાલ ખાશોગ્જીના હાલ થયા હતા, એવા જ તારા થશે". તેમણે પોતાને મળેલી ધમકી વિશે બ્રિટિશ પોલીસને ફરિયાદ કરી છે.

ખાશોગ્જી સાઉદી અરેબિયાના પત્રકાર હતા અને તેઓ પાટવીકુંવરની આકરી ટીકાઓ માટે જાણીતા થયા હતા.

2018માં ઇસ્તંબૂલ ખાતેના સાઉદી રાજદૂતાલયમાં સરકારી એજન્ટોના હાથે તેમની હત્યા થઈ હતી. પશ્ચિમની ગુપ્તચર સંસ્થાઓ માને છે કે પાટવીકુંવરની સૂચનાથી ખાશોગજીની હત્યા કરાઈ હતી, પરંતુ તે આક્ષેપોને સાઉદી સરકાર નકારે છે.

13 એપ્રિલે અબ્દુલ રહીમ અલ-હુવૈતી નામની એક વ્યક્તિએ ઑનલાઇન એક વીડિયો મૂક્યો હતો અને દુનિયાને સાવધ કરી હતી કે સાઉદી સલામતી દળો તેમને અને તેમના હુવૈતેત કબીલાના લોકોને તેમના વતનમાંથી ખદેડી દેવા માગે છે.

નિયોમ નામની વિકાસ યોજના માટે વાયવ્ય પ્રાંતમાં આવેલા આ કબીલાના વતનમાં જમીનો કબજે કરવામાં આવી રહી છે.

આલ્યા અલહવૈતી પણ આ જ કબીલાનાં છે અને તેમણે આ વીડિયો ફરતો કર્યો હતો.

વીડિયોમાં અબ્દુલ રહીમ અલ-હુવૈતીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જમીન ખાલી કરવાના સરકારી આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે. એક વીડિયોમાં તેમણે કહેલું કે પોતાને ફસાવી દેવા માટે અધિકારીઓ તેમના ઘરમાં હથિયારો મૂકીને તેમને પકડી લેશે.

બાદમાં સાઉદી સેનાના હાથે અબ્દુલ રહીમની હત્યા પણ થઈ ગઈ.

વિરોધીઓની એક પછી એક હત્યાથી સાઉદી સરકાર સામે સવાલ

સરકારી સુરક્ષાવિભાગે નિવેદન જાહેર કરીને તેઓ માર્યા ગયા હોવાનું જણાવ્યું હતું, પણ તેમાં આક્ષેપ કરાયો હતો કે તેમણે સલામતી દળો સામે ગોળીબાર કર્યો હતો અને સૈનિકોને સામો ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

સરકારે જણાવેલી આ વાત તદ્દન ખોટી હોવાનું અલહવૈતી કહે છે અને જણાવે છે કે અબ્દુલ રહીમ અલ-હુવૈતી પાસે કોઈ હથિયારો હતાં જ નહીં.

બુધવારે તેમણે તેમના વતનના ગામ અલ-ખોરૈબામાં રહીમની અંતિમવિધિ થઈ તેના વીડિયો અને ફોટો મૂક્યા હતા. સાઉદી સેનાની હાજરી છતાં મોટી સંખ્યામાં લોકો તેમના જનાજામાં જોડાયા હતા.

હુવૈતેત બહુ જૂના, ગૌરવશીલ અને બેદુઈન પરંપરા પ્રમાણે જીવતા કબીલાના લોકો છે. તેઓ સદીઓથી સાઉદી અને જોર્ડનની સરહદની બંને બાજુ વસે છે.

ઇતિહાસમાં તેમને નિર્ભીક લડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. 1917ના આરબ બળવા વખતે ટી. ઈ. લૉરેન્સની સાથે રહીને આ કબીલાના લોકો લડ્યા હતા. લૉરેન્સે સેવન પિલર્સ ઑફ વિઝડમ નામનાં પોતાનાં સંસ્મરણોમાં તેમની બહાદુરીને યાદ કરી છે.

“મેં માંડ વીસ વર્ષની ઉંમર પાર કરી હતી ત્યારે જોર્ડનના પૂર્વમાં વાડી રણ વિસ્તારમાં આવેલા ધૂળના ઢુવાઓ વચ્ચે લાંબો સમય રહ્યો છું. આજે આ પ્રકારની ભટકતી જીવનપદ્ધતિ હવે વિસરાતી જાય છે.”

“આજે મોટા ભાગના કબીલાઓએ ઊંટો લઈને ફરતા રહેવાના બદલે મકાનો બનાવીને એક જગ્યાએ વસી જવાનું સ્વીકારી લીધું છે.”

અલહવૈતી કહે છે, "નિયોમ બનાવવા સામે તેમનો વિરોધ નથી. તે લોકો માત્ર પોતાના બાપદાદાની ભૂમિ પર સદીઓથી રહેતા આવ્યા છે ત્યાંથી બળજબરીપૂર્વક હઠાવાઈ રહ્યા હોવાનો વિરોધ કરી રહ્યા છે."

તેમના જણાવ્યા અનુસાર અબ્દુલ રહીમના આઠ પિતરાઈઓની પણ જમીન ખાલી કરવાના હુકમ સામે વિરોધ બદલ ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમની માનવ અધિકાર સંસ્થાના કાર્યકર્તાઓ સાથે મળીને આ મામલામાં કાયદાકીય પડકાર આપવા માટે તેઓ વિચારી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો