કોરોના દવા Molnupiravir : પહેલી દવાની ગોળીને બ્રિટનમાં મંજૂરી, ભારતમાં ક્યારે મળી શકે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બ્રિટન દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે, જેણે કોરોનાની રોકથામ માટે મોં વાટે લેવાની દવાને મંજૂરી આપી દીધી છે.

આ દવા ભારતમાં પણ વિકસાવાઈ રહી છે, જેના ઇમર્જન્સી ઉપયોગ માટે થોડા મહિનાઓ પહેલાં મંજૂરી માંગવામાં આવી હતી, વિશેષજ્ઞો કહે છે કે આ દવાને હવે ભારતમાં પણ જલદી જ મંજૂરી મળી શકે છે.

અમેરિકાની દવા બનાવતી કંપની માર્ક અને રિઝબૅક બાયોથેરાપૅટિક્સના સહયારા પ્રયાસ બાદ આ દવા વિકસાવાઈ છે.

બ્રિટનની મેડિસિન અને હેલ્થકૅર ઉત્પાદનોનું નિયમન કરતી સંસ્થાએ મોલ્નુપિરાવિરને દવાને ક્લિનિકલ ડેટાના આધારે મંજૂરી આપી છે.

આ દવા કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય એના પાંચ દિવસની અંદર આપી શકાશે.

અમેરિકાના અધિકારીઓ હજી નિર્ણય લેશે કે તેમના દેશમાં આ દવાને મંજૂરી આપવી કે નહીં.

ક્લિનિકલ ડેટાના આધારે ગયા મહિને જાણવા મળ્યું કે મર્કની દવા મોલ્નુપિરાવિરથી મૃત્યુની શક્યતા અડધી થઈ જાય છે. આ દવા બ્રિટનમાં લાગેવરિયોના નામતી ઓળખાશે.

ભારતમાં પણ આ દવા વિકસાવાઈ રહી છે, જેના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે તાજેતરમાં વિનંતી કરવામાં આવી હતી.

ત્રીજી ટ્રાયલમાં શું બહાર આવ્યું છે?

ભારતમાં થઈ રહેલી ત્રીજી ટ્રાયલમાં દરદીઓના બે જૂથ પાડવામાં આવ્યા, એક જૂથના દરદીઓને 800 મિલીગ્રામ મોલ્નુપિરાવિર દવા (200 મિલીગ્રામની 4 કૅપ્સૂલ) પાંચ દિવસ સુધી આપવામાં આવી હતી, દર 12 કલાકે દવા આપવામાં આવતી હતી. બીજા જૂથના દરદીઓને નિયત સારવાર આપવામાં આવી હતી.

કંપનીએ જણાવ્યું કે પ્રથમ જૂથ પૈકી બહુ ઓછા દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. મોલ્નુપિરાવિર લીધા બાદ દરદીની તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો છે અને કોરોના નૅગેટિવ થવામાં નિયત કરતાં ઓછો સમય લાગ્યો છે.

કંપની અનુસાર મોલ્નુપિરાવિર લીધા બાદ કેટલીક આડઅસર જોવા મળી શકે છે, જેમકે બેચેની અનુભવાય, ઝાડા થવા અને માથું દુખવું.

કંપનીનું કહેવું છે કે અત્યાર સુધી દરદીઓમાં બીજી કોઈ આડઅસર જોવા મળી નથી.

દવાનો ઇતિહાસ

મોલ્નુપિરાવિર મૂળતઃ ઇમૉરી યુનિવર્સિટી દ્વારા જ્યૉર્જિયામાં તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ કંપનીને રિજબૅક બાયૉથૅરાપેટિક્સે ખરીદી લીધી હતી.

બાયૉટેકનૉલૉજી કંપની રિજબૅક બાયૉથૅરાપેટિક્સ અને મર્ક દ્વારા સંયુક્ત રીતે ઍન્ટિ-વાઇરલ દવા મોલ્નુપિરાવિર (MK-4482/EIDD-2801) વિકસાવવામાં આવી હતી.

રિજબૅકે અગાઉ ઈબોલાની સારવારપદ્ધતિ શોધી છે. આ દવાના દુનિયાભરમાં પ્રસાર અને પરીક્ષણ માટે કંનપીએ મર્ક ઍન્ડ દોમ સાથે હાથ મિલાવ્યા હતા.

દવાની દુનિયામાં મર્ક જૂનું નામ છે, તે લગભગ 130 કરતાં વધુ વર્ષથી કાર્યરત્ છે અને દર વર્ષે અંદાજે 14 અબજ ડૉલરનો ખર્ચ નવી દવાઓ વિકસાવવા અને પરીક્ષણ માટે કરે છે.

ગત વર્ષે અમેરિકાના ફેડરલ ટ્રૅડ કમિશને બંને કંપનીના ગઠબંધન સંદર્ભે છૂટછાટ આપી હતી.

માર્ચ મહિના દરમિયાન અમેરિકામાં કોરોના વાઇરસનો ભોગ બનેલા, પરંતુ હૉસ્પિટલમાં દાખલ નહીં કરાયેલા 200 જેટલા લોકો પર આ દવાનું બીજા તબક્કાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જેમને મોં વાટે મોલ્નુપિરાવિર દવા આપવામાં આવી હતી, તેમનામાં પાંચમા દિવસથી વાઇરલલોડમાં ઘટાડો નોંધાયો હતો.

દવાએ પ્રારંભિક 24 કલાકમાં જ અસર દેખાડવાની શરૂ કરી દીધી હતી. બીજા તબક્કાના પરીક્ષણ બાદ જે આડઅસરો નોંધાઈ હતી તે સામાન્ય હતી અને આ દવાસંબંધિત ન હતી.

મોલ્નુપિરાવિરમાં SARS-CoV-2 RNA (રિબૉન્યુક્લિયિક ઍસિડ) વાઇરસની વૃદ્ધિ અટકે છે, એટલું જ નહીં, હાલની મહામારી માટે જવાબદાર વાઇરસના પૂરોગામી SARS-CoV-1 તથા MERS (મિડ-ઇસ્ટ રૅસ્પિરેટરી સિન્ડ્રોમ) પર પણ તે અસરકારક રહે છે.

દેશમાં દવાનું ભવિષ્ય

કરાર મુજબ, પાંચેય કંપનીઓ તમામ પક્ષકારો સાથે મળીને તેનો ખર્ચ ઉઠાવશે, તેની દેખરેખ રાખશે અને તેનું મૉનિટરિંગ કરશે.

સબ્જેક્ટ ઍક્સ્પર્ટ કમિટીના નિર્દેશ પ્રમાણે, ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝ કંપની દ્વારા દવાનું ક્લિનિકલ પરીક્ષણ હાથ ધરવામાં આવશે, જ્યારે અન્ય કંપનીઓ દ્વારા તેમની દવા પણ ડૉ. રેડ્ડીઝની દવાને ભળતી દવા છે, તેના પ્રમાણ અપાશે.

DCGI (ડ્રગ્સ કંટ્રૉલર જનરલ ઑફ ઇંડિયા)ના પ્રોટૉકોલ મુજબ, કોવિડ-19નાં હળવાં લક્ષણો ધરાવતા દરદીઓને દવા આપી અભ્યાસ હાથ ધરવામાં આવશે.

જૂન અને જુલાઈ મહિના દરમિયાન દેશના 1200 જેટલા દરદીઓ પર તેનું પરીક્ષણ હાથ ધરવાની કંપનીએ જાહેરાત કરી હતી.

ભારતના ફાર્મા સૅક્ટરમાં પાંચ કંપની વચ્ચે આ પ્રકારનું સંયુક્ત સાહસ પહેલી વખત થઈ રહ્યું છે.

જો આ દવાને મંજૂરી મળશે તો મોં વાટે લઈ શકાય તેવી કોરોનાની કોઈ દવાને મંજૂરી આપવાનો આ પ્રથમ કિસ્સો હશે. પરીક્ષણ પૂર્ણ થયે દરેક કંપની સ્વતંત્ર રીતે નિયમન સંસ્થાઓ પાસે જશે અને ભારતમાં આ દવાના ઉત્પાદન તથા વેચાણ માટે મંજૂરીઓ મેળવશે.

આ દવાનું સફળ પરીક્ષણ થયા બાદ પાંચેય કંપનીઓ દ્વારા વિશ્વના 100 મધ્યમ તથા ઓછી આવક ધરાવતા દેશોને મર્ક સાથે મળીને આ દવા વેચવાનો પ્રયાસ કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો