You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટ્રોલ-ડીઝલના ભાવ 'મોદી સરકારે 27 રૂપિયા વધારીને પાંચ રૂપિયા ઓછા કર્યા' - સોશિયલ
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી, એ બાદ અનેક રાજ્યોએ પણ ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
જેમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આસામ, સિક્કિમ તેમજ ગુજરાત સહિતનાં રાજ્યોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં પણ આ અંગે ચર્ચા છે.
કેટલાક યુઝરનું કહેવું છે કે, "ભાજપની હારના કારણે આ ભાવ ઘટ્યા છે, એક યુઝરે લખ્યું છે કે જ્યારે કૉંગ્રેસ જીતે છે, ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ નીચા આવે છે."
બીજી તરફ કેટલાક લોકો ભાવ ઘટાડાને લઈ સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. રાજકીય નેતાઓએ પણ આ મુદ્દે પોતાના મત રજૂ કર્યા છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતો પર લોકો શું કહી રહ્યા છે?
ભાજપના નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને લખ્યું કે, "મોદી સરકાર તરફથી દિવાળીની ભેટઃ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો."
કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે એક વીડિયો શૅર કરતાં ટ્વીટ કર્યું કે,"પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વર્ષ 2021માં 28 રૂપિયા અને 26 રૂપિયા પ્રતિલિટરનો વધારો અને પછી 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિલિટર ઘટાડીને દિવાળીની ભેટ!"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતાં લખ્યું કે, "પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં નોંધપાત્ર ઘટાડો કરવા બદલ હું પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું."
"ગ્રાહકો માટે, ખાસ કરીને અમારા ખેડૂતો માટે મોટી રાહત છે. "
કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "આ દિલથી નહીં ડરથી લેવાયેલો નિર્ણય છે. વસૂલી સરકારની લૂંટને આવનારી ચૂંટણીઓમાં જવાબ આપવાનો છે."
સામાન્ય નાગરિકોનું શું કહેવું છે?
રાજકીય નેતાઓની સાથે સામાન્ય નાગરિકો પણ આ અંગે મત રજૂ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જુદી-જુદી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
આ તરફ હમઝા નામના યુઝરે કહ્યું કે જ્યારે પણ કૉંગ્રેસ જીતે છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચા આવે છે.
અજય ચંદક લખે છે કે, "આ પેટાચૂંટણીની અસર છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવો અને આપણને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે."
કુલદીપસિંહે ટ્વીટ કર્યું કે, "હજુ સુધી એક પણ કૉંગ્રેસશાસિત રાજ્યે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નથી કર્યો."
એક યુઝરે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં લખ્યું કે, "ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ 17 રૂપિયા સસ્તું, રાજ્ય અને કેન્દ્ર સરકાર તફથી ગુજરાતીઓને દિવાળીની ભેટ."
મુકેશ બારિયા કહે છે કે, "સરકારે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયા ઘટાડીને કોઈ ઉપકાર નથી કર્યો. 27 રૂપિયા વધારીને 5 રૂપિયા ઘટાડ્યા છે. ઘી ઢોળાયું તો એમની જ થાળીમાં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો