સાબરમતી રિવરફ્રન્ટ પર હેલિકૉપ્ટરની જોયરાઇડને લૉન્ચ કરાશે, એક વર્ષ પહેલાં મોદીએ લૉન્ચ કરેલા સી-પ્લેનનું શું થયું?

31 ઑક્ટોબર, 2020ના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું.

હવે ગુજરાતીઓ હવાઈ મુસાફરીનો આનંદ માણી શકે તે હેતુસર અમદાવાદમાં હેલિકૉપ્ટર સર્વિસ શરૂ થવા જઈ રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

નોંધનીય છે કે સી-પ્લૅન સર્વિસ શરૂ કરાયાના થોડાક જ સમયમાં પહેલાં મેન્ટનન્સ અને પછી કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરને કારણે આ સેવા મોકૂફ રખાઈ હતી. જે હજુ સુધી ચાલુ કરાઈ નથી.

એક તરફ પહેલાંથી ચાલી રહેલી સી-પ્લૅન સર્વિસ હજુ મોકૂફ છે, ત્યારે હવે હેલિકૉપ્ટર સર્વિસ શરૂ થવા જઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.

અમદાવાદમિરર ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડને હેલિપૅડ માટે 4,074 ચોરસ મીટર જમીન ફાળવી છે.

જોકે, હજુ એ સ્પષ્ટ નથી કરાયું કે આ સેવા માત્ર VVIP માટે હશે કે સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે.

હવે જ્યારે ગુજરાતમાં આવતાં વર્ષે ચૂંટણી યોજાવાની છે ત્યારે હેલિકૉપ્ટર સર્વિસ શરૂ થવાના ભણકારા સત્તાપક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટેની વ્યૂહરચના હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે.

આ અંગે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો અને પક્ષકારો સાથે વાત કરી તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

‘સી-પ્લેનની જેમ જ હેલિકૉપ્ટર સર્વિસ પણ મતદારોને આકર્ષવા માટેનો ભાજપનો પેંતરો માત્ર છે’

અમદાવાદ ખાતે હેલિકૉપ્ટર સર્વિસ શરૂ કરવાની વાત અંગે કૉંગ્રેસના જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ચૂંટણી અગાઉ મતદારોને આકર્ષવા માટેના તાયફા સમાન ગણાવી છે.

તેમણે કહ્યું હતું કે, “ગત વખત પણ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલાં સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની વાત કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરાયો હતો. અને હાલ પણ આવું જ થઈ રહ્યું છે. આ માત્ર મોંઘવારી અને બેરોજગારી જેવી વ્યાપક સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન ચૂંટણી સમયે હઠાવી બનાવટી વિકાસનું ચિત્ર ઊભું કરવા માટેની કવાયતથી વધુ કંઈ નથી.”

તેઓ સી-પ્લેનની જેમ જ હેલિકૉપ્ટર રાઇડની શરૂઆતને પણ ભાજપનાં મળતિયાંનાં ખિસ્સાં ભરવા માટેનું કાવતરું ગણાવે છે.

જોકે, ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ કૉંગ્રેસના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવે છે.

તેઓ કહે છે કે, “ગુજરાતમાં કૉંગ્રેસ પાસે લોકો સુધી પહોંચવા માટે કોઈ મુદ્દા ન હોઈ આ પ્રકારના મુદ્દા ઉઠાવવામાં આવે છે. ગુજરાતમાં પ્રજા પાછલાં ઘણાં વર્ષોથી ભાજપ અને ભાજપના કામ પર ભરોસો મૂકીને જ અમને સત્તા સુધી પહોંચાડી રહી છે.”

યમલ વ્યાસ સી-પ્લેન સર્વિસ મોકૂફ રખાયાની વાત અંગે પ્રતિક્રિયા આપતાં જણાવે છે કે, “કૉર્પોરેશનનું કામ સેવા પૂરી પાડી શકાય તે માટે સુવિધા ઊભી કરવાનું છે. સી-પ્લેન સેવા ચાલુ રાખવાનું કામ જે-તે કૉન્ટ્રેક્ટરનું છે. અમારું કામ સેવા ઊભી કરવાનું છે.”

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા હેલિકૉપ્ટર સેવા શરૂ કરવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહે છે કે, “આ ખૂબ જ નાનો મુદ્દો છે. આવી સેવા શરૂ કે બંધ કરવાથી લોકો આકર્ષિત થતાં હોઈ શકે પરંતુ આ આકર્ષણ મતોમાં રૂપાંતરિત થશે એવું ન કહી શકાય.”

સી-પ્લૅન સર્વિસની શરૂઆત, મોકૂફી અને વિવાદ

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાચૂંટણીના બીજા તબક્કાના મતદાન અગાઉ વડા પ્રધાન મોદીએ સી-પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ ડેમ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો.

આ યાત્રા બાદ વડા પ્રધાને દેશમાં વૉટરવે ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. જેમાં અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લૅન સર્વિસ શરૂ કરવાની વાત કરાઈ હતી. જે વર્ષ 2020માં હકીકતમાં પરિણમ્યું પણ ખરું.

પરંતુ આ સર્વિસ શરૂ કરાયાના માત્ર એક મહિનામાં જ સી-પ્લૅન સર્વિસને ઍરક્રાફ્ટ મેન્ટનન્સ માટે સ્થગિત રખાઈ હતી.

જે ફરી શરૂ કરાયા બાદ ફરીથી એપ્રિલ, 2021માં કોરોનાની બીજી લહેરને પરિણામે સ્થગિત કરાઈ છે. જે હજુ સુધી ચાલુ નથી કરાઈ.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલમાં જણાવાયું છે કે સી-પ્લૅનને માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. જે હજુ સુધી પાછું લાવવામાં આવ્યું નથી.

નોંધનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી લઈ જતી સી-પ્લેન સર્વિસ સ્પાઇસજેટની સબસિડરી કંપની સ્પાઇસશટલ દ્વારા ચલાવાતી હતી.

અત્યાર સુધી સી-પ્લેન મારફતે માત્ર 2,458 લોકોએ જ મુસાફરી કરી છે.

ધ હિંદુ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આ સી-પ્લેન સર્વિસ માટે ઉપયોગમાં લેવાયેલ સી-પ્લેન 19 સીટર હતું. જે શરૂઆતમાં દિવસની ચાર ટ્રિપ કરતું હતું.

સ્પાઇસજેટે આ ઍરક્રાફ્ટ માલદિવ્સ આઇલૅન્ડ ઍવિએશન સર્વિસિસ પાસેથી લીઝ પર લીધું હતું.

આ ઍરક્રાફ્ટે 14 જુલાઈ, 1971માં પોતાની પ્રથમ ઉડાણ ભરી હતી. આમ સી-પ્લેન માટે મગાવાયેલ ઍરક્રાફ્ટ 50 વર્ષ જૂનું હતું. તેમજ કૅનેડા, તુર્કી અને શ્રીલંકા જેવા દેશો વચ્ચે 13 વખત તેની માલિકી બદલાઈ ચૂકી છે.

નોંધનીય છે કે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિએશન (DGCA)ના નિયમો પ્રમાણે આ પ્રકારના અનપ્રેશરાઇઝ્ડ ઍરક્રાફ્ટ 20 વર્ષની સમયમર્યાદા પસાર કર્યા પછી સામાન્યપણે ઉપયોગમાં લેવાતાં નથી. પરંતુ આ અંગે કેસ-ટુ-કેસ બેઝ પર નિર્ણય લેવા DGCAને સત્તા છે.

આ અંગે ઘણા અખબારોમાં સી-પ્લેનને 50 વર્ષ જૂનો ગણાવતા અહેવાલો પણ પ્રકાશિત થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો