You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરદાર પટેલની એ વાત જે નરેન્દ્ર મોદીએ સૌને યાદ રાખવા કહ્યું
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ રહી છે.
ગુજરાતના કેવડિયામાં સ્થિત સરદારની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેમણે સંબોધન કરતાં દેશને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ આ પ્રસંગે પાઠવ્યો હતો. તેમણે કહ્યું, "એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે જીવનની હરેક પળ સમર્પિત કરી હતી, એ વ્યક્તિને દેશ આજે અંજલિ આપી રહ્યો છે."
"સરદાર પટેલ ઇચ્છતા હતા કે ભારત સશક્ત બને, સમાવેશી હોય, સંવેદનશીલ હોય અને સતર્ક પણ હોય, વિનમ્ર હોય, વિકસિત હોય."
"સરદારની પ્રેરણાથી ભારત આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારના પડકારો સામે લડવા માટે સક્ષમ થઈ રહ્યું છે. છેલ્લાં સાત વર્ષમાં દેશે દાયકાઓ જૂના બિનજરૂરી કાયદાઓમાંથી મુક્તિ મેળવી છે."
"જમ્મુ-કાશ્મીર, ઉત્તર-પૂર્વનાં રાજ્યો હોય કે હિમાલયનું કોઈ ગામ હોય તમામ લોકો પ્રગતિના પથ પર આગળ વધી રહ્યા છે."
ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં શું કહ્યું?
અમિત શાહે કહ્યું, "અંગ્રેજોએ જે દેશના ટુકડા કરવાનું ષડયંત્ર યોજ્યું હતું અને તેની નિષ્ફળ બનાવવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. તેમણે રાષ્ટ્રને એક કરવાનું કામ કર્યું હતું."
"સદીઓમાં કોઈ એક જ સરદાર પાકે છે અને પછી એ સરદારને લોકો સદીઓ સુધી યાદ રાખે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિત શાહે કહ્યું કે, "સરદાર પટેલની વધુ એક ઉપલબ્ધિ એ લક્ષદ્વીપ છે, ભારત દેશ આઝાદ થયો એ બાદ તેમણે નૌસેના મોકલીને લક્ષદ્વીપ પર શાસન સ્થપાવ્યું હતું. લક્ષદ્વીપ આજે ભારતમાં છે, એનો શ્રેય સરદારને જ જાય છે."
શાહે કહ્યું કે, "આ વર્ષ ભારતની આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ છે. 1857થી 1947 સુધીમાં આઝાદીનો જે સંઘર્ષ રહ્યો, એમાં હજારો-લાખો લોકોએ બલિદાન આપ્યા છે. આ જાણ્યા-અજાણ્યા સ્વાતંત્રસેનાનીઓને અંજલિ આપવી છે અને તેમની પ્રેરણાથી નવી પેઢીને રાષ્ટ્રના નિર્માણમાં જોતરવાની છે."
સરદાર સાહેબનાં દીકરીએ તેમની ડાયરીમાં લખ્યું છે કે, "સવારે પાંચ વાગ્યાથી વલ્લભભાઈની બેઠકો શરૂ થતી હતી અને રાત્રે 11 વાગ્યા સુધી ચાલતી હતી."
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પરેડ યોજાઈ રહી છે, જેમાં પુરુષ હોકી ટીમના કૅપ્ટન અને ઓલિમ્પિક્સવિજેતા મનપ્રીતસિંહ અને અન્ય રમતવીરોએ પણ ભાગ લીધો હતો.
અમિત શાહે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એ બાદ તેઓ પરેડમાં હાજર રહ્યા હતા.
નરેન્દ્ર મોદીના બદલે અમિત શાહ કેમ આવ્યા?
દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે છે, પરંતુ આ વખતે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશપ્રવાસે છે, શનિવારે તેઓ રોમમાં જી20 સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
સાથે જ નરેન્દ્ર મોદીએ રોમમાં સિંગાપોરના વડા પ્રધાન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ કરી હતી.
સાથે જ સમિટમાં તેઓ વિશ્વના અન્ય નેતાઓને પણ મળ્યા હતા.
એ પહેલાં નરેન્દ્ર મોદી વૅટિકન સિટી ખાતે પોપ ફ્રાંસિસને મળ્યા હતા.
જી20 સમિટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્લાસગો ખાતે આયોજિત ક્લાઇમેટ સમિટમાં હાજરી આપવા માટે જશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો