મલખાનસિંહ : ભારતના ખૂનખાર મનાતા 'ડાકુ કિંગ'ના આત્મસમર્પણની કહાણી

સંક્ષિપ્તમાં :

  • ચંબલમાં મલખાનસિંહ અને તેમની ગૅંગ સૌથી ઘાતક હતી, તે પગપાળા ચાલતી અને કોતરોમાં તંબુ લગાવીને રહેતી હતી.
  • 13 વર્ષના લૂંટના સમયગાળા દરમિયાન એક સમય એવો હતો, જ્યારે સિંહની ગૅંગમાં 100 સભ્યો હતા; અને હરિફોએ તેમને ‘ડાકુ કિંગ’નો ખિતાબ આપ્યો હતો.
  • 1982માં પોલીસે તેમની ગૅંગ સામે 94 કેસ દાખલ કર્યા. તેમની સામે લૂંટ, અપહરણ અને હત્યાના કેસ દાખલ કરાયા હતા.
  • “મલખાન એકદમ ઊંચા કદનો અને મોટી મૂંછવાળો માણસ હતો. તે ઓછું બોલતો અને અમેરિકી બનાવટની રાઇફલ સાથે રાખતો હતો.”
  • "તે 'પછાત જ્ઞાતિ'માંથી આવતા યુવાન હતા અને પછી સન્માન તથા સ્વસુરક્ષા માટે તેમણે બંદૂક ઉઠાવી હતી. તેમણે તેમના 'ઉચ્ચ જ્ઞાતિ'માંથી આવતા કેટલાક દુશ્મનો સામે જંગ છેડી હતી."

વર્ષ 1980ની શરૂઆતમાં ફોટોગ્રાફર પ્રશાંત પંજિયારે ભારતની મધ્યમાં આવેલી કુખ્યાત જગ્યાઓની મુલાકાત લીધી અને દેશના લૂંટારાઓના જીવનમાં ડોકિયું કરવાની કોશિશ કરી.

મોટાભાગના ડાકુ-લૂંટારા મધ્ય પ્રદેશના ચંબલમાં રહેતા અને ત્યાંથી યોજના બનાવતા હતા. પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા લેખક સાલોપેક તેને કંઈક આ રીતે વર્ણવે છે, ‘ટેકરીઓ અને નદીઓ-કોતરોવાળી તે જગ્યા એવી છે; જ્યાં ઠગ, લૂંટારા, હત્યારા, ગૅંગસ્ટર અને ડાકુઓનો જમાવડો રહેતો હતો.’

કેટલાક મહિનાઓની કોશિશ બાદ પંજિયાર અને તેમના બે સાથી પત્રકારો મલખાનસિંહને મળ્યા. 1982ના મે મહિનામાં ચંબલમાં તેઓ મળ્યા હતા, મલખાનસિંહ ભારતના ‘ડાકુ કિંગ’ કહેવાતા હતા.

વળી તેના પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી પણ તેઓ લૂંટની યોજનાઓ ઘડતા અને ત્યાં રહેતા હતા. એક વર્ષ અગાઉ 'કુખ્યાતોની યાદી'માં મહિલા ડાકુ ફૂલનદેવીનું નામ પણ ચમક્યું હતું. તેમણે સામૂહિક બળાત્કાર કરનારા 22 પુરુષોને વૅલેન્ટાઇન ડેના દિવસે મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ચંબલમાં મલખાનસિંહ અને તેમની ગૅંગ સૌથી ઘાતક હતી, તે પગપાળા ચાલતી અને કોતરોમાં તંબુ લગાવીને રહેતી હતી.

13 વર્ષના લૂંટના સમયગાળા દરમિયાન એક સમય એવો હતો, જ્યારે સિંહની ગૅંગમાં 100 સભ્યો હતા; અને હરિફોએ તેમને ‘ડાકુ કિંગ’નો ખિતાબ આપ્યો હતો. 1982માં પોલીસે તેમની ગૅંગ સામે 94 કેસ દાખલ કર્યા. તેમની સામે લૂંટ, અપહરણ અને હત્યાના કેસ દાખલ કરાયા હતા.

કેટલાક અહેવાલો અનુસાર મલખાનસિંહ પર એ સમયે 70 હજાર રૂપિયાનું ઇનામ હતું. આજની કિંમત સાથે સરખાવીએ તો તે 900 ડૉલરથી વધુ છે, પણ એ સમયે તેનું મૂલ્ય 8 હજાર ડૉલર જેટલું હતું.

વળી સરકારે કેટલીક વાર ગૅંગમાં પોતાના માણસોને પણ ઘુસાડવાની કોશિશ કરી, જેથી તે સિંહને હથિયાર હેઠા મૂકવા મજબૂર કરી શકે.

મલખાનસિંહ વિશે પંજિયારે શું લખ્યું?

1982ના ઉનાળામાં પંજિયાર અને તેમના સાથી કલ્યાણ મુખરજી તથા બ્રિજરાજસિંહ મધ્ય પ્રદેશની કૉંગ્રેસના નેતૃત્ત્વવાળી સરકાર અને સિંહની ગૅંગ વચ્ચે આત્મસમર્પણ માટે મધ્યસ્થી કરાવતા હતા. તેમણે સિંહને મળવા માટે સંપર્કો બનાવ્યા.

પંજિયાર કહે છે, “મને ગૅંગ સાથે કેટલાક દિવસો પસાર કરવા મળ્યા. મને બંધક તરીકે વાંધો નહોતો, કેમ કે તે દગા સામે વફાદારીની ગૅરંટી તરીકેની વાત હતી; અને મને તસવીરો પણ ખેંચવા મળતી હતી.”

પહેલાં તેઓ ચંબલમાં અમાસની રાતે ગૅંગને મળ્યા હતા.

પંજિયાર યાદ કરતા કહે છે કે, “મલખાન એકદમ ઊંચા કદનો અને મોટી મૂંછવાળો માણસ હતો. તે ઓછું બોલતો અને અમેરિકી બનાવટની રાઇફલ સાથે રાખતો હતો.”

“તે ઓછું બોલતો અને ઘમંડી હતો તથા ગૅંગમાં તેનો દબદબો હતો.”

એ સમયે ગૅંગમાં બે ડઝન લોકો હતા. તે રાત્રે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા અને સાથે સામાન પણ હતો. જેમાં સૂવાનાં પાથરણાં, હથિયારો, વરસાદ માટે પ્લાસ્ટિકનાં કવર અને ખાવાપીવાની સાધારણ ચીજવસ્તુઓ સામેલ હતાં. તેઓ ખુલ્લામાં સૂઈ જતા હતા.

પંજિયાર જણાવે છે કે ગૅંગના એક સભ્ય પાસે એકે-47 હતી, જ્યારે બીજા સભ્યો પાસે રાઇફલ હતી.

પંજિયાર કહે છે કે, “મલખાનસિંહ ચંબલની એક રસપ્રદ કહાણી છે. તે 'પછાત જ્ઞાતિ'માંથી આવતા યુવાન હતા અને પછી સન્માન તથા સ્વસુરક્ષા માટે તેમણે બંદૂક ઉઠાવી હતી. તેમણે તેમના 'ઉચ્ચ જ્ઞાતિ'માંથી આવતા કેટલાક દુશ્મનો સામે જંગ છેડી હતી.“

સપ્તાહ બાદ પંજિયારે નિકોન કૅમેરાથી ગૅંગનું શૂટિંગ કરવાનું ચાલુ કર્યું. તેની કેટલીક દુર્લભ તસવીરો ‘ધેટ વિચ ઇઝ અનસીન’માં પ્રકાશિત થઈ છે.

જૂન મહિનામાં હજારો લોકોની સામે આત્મસમર્પણ કરવામાં આવ્યું. જે શરતો રાખવામાં આવી હતી, તેમાં એક શરત એવી હતી કે તેમના કોઈ પણ સાથીને મૃત્યુદંડની સજા નહીં કરવામાં આવે.

જ્યારે મલખાનસિંહે કર્યું આત્મસમર્પણ

ઇન્ડિયા ટુડે સામયિકના રિપોર્ટ અનુસાર, “તે એક હીરોની જેમ આવ્યા હતા. જે પોલીસ યુનિફોર્મમાં તેઓ વર્ષો સુધી લડ્યા હતા, તેમાં જ આવ્યા. તેમણે 30 હજાર લોકોનાં ટોળા વચ્ચે મધ્ય પ્રદેશના ઉત્તરમાં ભીંડ નામના નગરમાં હથિયાર હેઠાં મૂક્યાં હતાં અને ડાકુ કિંગ તરીકે વિદાય લીધી હતી.”

પંજિયાર અનુસાર સિંહ મજાક પણ કરતા હતા. આત્મસમર્પણ પછી પત્રકારોએ તેમના પર સવાલ વરસાવ્યા હતા.

આખરે મલખાનસિંહ અને તેમની ગૅંગના સભ્યો કેટલાક ગુના હેઠળ દોષિત ઠર્યા અને તેમને રાજ્યની એક ખુલ્લી જેલમાં મોકલી દેવાયા. સિંહે કેટલાંક વર્ષો જેલમાં વિતાવ્યાં.

78 વર્ષની વયે તેઓ રાજનીતિમાં આવ્યા અને ભાજપ માટે તાજેતરનાં વર્ષોમાં ચૂંટણીઅભિયાન પણ કર્યાં હતાં.

તેમણે 2019માં કહ્યું હતું, “હું ડાકુ નહોતો. હું બળવાખોર હતો. મેં મારા આત્મસન્માન અને સ્વરક્ષા માટે હથિયાર ઉઠાવ્યાં હતા. મને ખબર છે કે સાચા ડાકુ કોણ છે અને કેવી રીતે તેમનો સામનો કરવાનો છે.”

પ્રશાંત પંજિયાર એક જાણીતા ફોટોગ્રાફર છે અને લેખક છે. તાજેતરમાં નવજીવન ટ્રસ્ટ પ્રકાશને તેમનું પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસીન’ રિલીઝ કર્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો