WHOએ ભારતમાં બનેલી કોરોનાની રસી કોવૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી - Top News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવૅક્સિનના ઇમરજન્સી ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે.

ભારતમાં બનેલી કોરોનાની રસી કોવૅક્સિનનો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO એ ઇમર્જન્સી ઉપયોગ કરવા માટેની મંજૂરી આપી દીધી છે.

ગત કેટલાક મહિનાથી કોવૅક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેક અને WHO વચ્ચે આ મામલે વાતચીત ચાલી રહી હતી.

સંયુક્ત રાષ્ટ્રના આ સંગઠને ભારતમાં બનેલી આ રસી અંગે નિર્માતાઓ પાસેથી વિસ્તૃત જાણકારીઓ માગી હતી, જેથી તેને આંતરરાષ્ટ્રીય માનકો પર ચકાસી શકાય.

WHO તરફથી કરાયેલા ટ્વીટમાં લખવામાં આવ્યું છે, "WHOએ ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવૅક્સિનને 'ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ'માં સામેલ કરી લીધી છે. હવે કોવિડને અટકાવનારી રસીઓમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે."

WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના નિદેશકે કોવૅક્સિનના ઇમરજન્સી યુઝની પરવાનગી મળતાં અભિનંદન પાઠવ્યાં છે.

COP26માં શી જિનપિંગ, પુતિન સામેલ નહીં થતા નારાજ બાઇડને શું કહ્યું?

જળવાયુ પરિવર્તન પર ગ્લાસગોમાં ચાલી રહેલી COP26 બેઠકમાં ચીન અને રશિયાના ટોચના નેતાઓના ભાગ ન લેવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટીકા કરી છે.

મંગળવારની રાત્રે પોતાના ભાષણમાં બાઇડને કહ્યું કે જળવાયું ખૂબ મોટો મુદ્દો હતો અને ચીન અને રશિયા આમાં જોવા મળી રહ્યા નથી, તેઓ આનાથી દૂર ચાલ્યા ગયા.

બાઇડને કહ્યું, "વાસ્તવિકતા એ છે કે ચીન જે સ્પષ્ટપણે વર્લ્ડ લીડર તરીકેની પોતાની એક નવી ભૂમિકા પર ભાર આપવાનો પ્રયત્ન કરે છે, તે દેખાઈ રહ્યું નથી."

તેમણે કહ્યું કે જિનપિંગે નહીં આવીને "એક મોટી ભૂલ કરી છે."

પુતિન વિશે બાઇડને કહ્યું કે રશિયાના જંગલોમાં લગેલી આગ પર રાષ્ટ્રપતિ "મૌન રહ્યા."

ચીન, રશિયા અને સાઉદી અરેબિયા સહિત અન્ય દેશોએ અત્યાર સુધી વાતચીતમાં શું ભૂમિકા ભજવી છે, તે પૂછવામાં આવતા અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ વર્ષે સોનાની ખરીદીમાં જોવા મળી ચમક

આ વર્ષે ધનતેરસ અને પુષ્ય નક્ષત્રના મુહૂર્તમાં સોનાની ખરીદી માટે ભારે ધસારો જોવા મળ્યો છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં 372 કરોડ રૂપિયાનું 750 કિલોગ્રામ સોનું વેચાયું છે.

જ્વૅલર્સનું કહેવું છે કે સોના માટે પાછલા પાંચ વર્ષમાં આ સૌથી સારી દિવાળી રહી છે.

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વૅલર્સ ઍસોસિયેશનના અનુમાન મુજબ, ધનતેરસ પર રાજ્યભરમાં અંદાજે 300 કિલો સોનાનો વેપાર થયો હતો, જ્યારે પુષ્ય નક્ષત્ર પર આશરે 450 કિલો વેચાણ થયું હતું, જે 28 ઑક્ટોબરે ઘટી ગયું હતું.

IBJAના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું કે, "ગુજરાતમાં ગયા વર્ષે પુષ્ય નક્ષત્ર-ધનતેરસના તહેવાર પર અંદાજિત 300 કિલોના વેપારની સરખામણીમાં મુહૂર્તમાં સોનાનું વેચાણ 150 ટકા વધ્યું છે."

અફઘાનિસ્તાનમાં જમીન માર્ગે અનાજ લઈ જવા ભારતને પાકિસ્તાનના જવાબની પ્રતીક્ષા

ભારત સરકારે 50 હજાર મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાનમાં લઈ જતા ટ્રકોની અવરજવરની પરવાનગી આપવા માટે પાકિસ્તાનને એક નોંધ મોકલી છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ભારતે ગયા મહિને જમીન માર્ગે અફઘાનિસ્તાનમાં અનાજ મોકલવા માટે પાકિસ્તાનનો સંપર્ક કર્યો હતો.

જો કે, ઇસ્લામાબાદે હજુ સુધી પ્રસ્તાવ માટે ના કહ્યું નથી, નવી દિલ્હીના અધિકારીઓ ઝડપી પ્રતિસાદ મળે તેવી આશા રાખી રહ્યા છે. જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે સહાય પહોંચાડવાનું આયોજન કરી શકે.

અનેક પ્રસંગોએ, ભારતે અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાની ઇચ્છા દર્શાવી છે. જો કે તેણે આંતરરાષ્ટ્રીય સમુદાયને તાલિબાન શાસનને માન્યતા આપવાના પરિણામો વિશે વિચારવાની ચેતવણી આપી છે.

કોરોના પ્રતિબંધો બાદ હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખુલ્યું ભારત

કોરોનામાં પ્રતિબંધો બાદ હવે વિદેશી લોકોને ભારત પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે અને નવેમ્બરથી કોમર્શિયલ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવશે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ લગભગ 18 મહિના બંધ રહ્યા બાદ, ભારતે આખરે 15 ઑક્ટોબરથી સંપૂર્ણ રીતે રસી લગાવેલા વિદેશી પ્રવાસીઓ માટે તેની સરહદો ખોલી દીધી છે.

ગૃહ મંત્રાલયે ઘોષણા કરી કે પહેલા ચાર્ટર્ડ ફ્લાઇટથી આવનારાઓને વિઝિટર વિઝા આપવામાં આવશે, જ્યારો કોમર્શિયલ ફ્લાઇટ્સમાં આવતા પ્રવાસીઓને નવેમ્બરથી તેમના વિઝાની મંજૂરી મળવાની શરૂ થશે.

ભારતનો પ્રવાસ અને પર્યટન ઉદ્યોગ કોરોના મહામારીથી ઘણો પ્રભાવિત થયો છે આ નિર્ણયથી ત્યારે આ ક્ષેત્રમાં કામ કરતા લોકો બિઝનેસમાં તેજીની આશા રાખી રહ્યા છે.

ICMRએ જણાવ્યું કે, "સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કારણોસર એકઠી થતી ભીડ અથવા આવનારા પ્રવાસીઓના કારણે વસતિની ગીચતામાં અચાનક વધારો ત્રીજી લહેરની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો