You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં શિવસેનાના વિજયથી ગુજરાતમાં સી.આર. પાટીલના પ્લાનને કેટલી અસર?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
ફેબ્રુઆરી 2021માં સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આકસ્મિક મૃત્યુ બાદ ફરી વાર કેન્દ્રશાસિત પ્રદેશના સત્તાસ્થાને ડેલકર પરિવાર જ સ્થાપિત થયો છે.
મોહન ડેલકરનાં વિધવા કલાબહેન ડેલકરે શિવસેના પક્ષમાંથી ચૂંટણી લડી અને ભારતીય જનતા પાર્ટીના મહેશ ગાવિત અને કૉંગ્રેસના મહેશકુમાર દોઢીને ચૂંટણીમેદાનમાં હારનો સ્વાદ ચખાડ્યો છે.
તેઓ 50 હજાર કરતાં વધુ મતોથી ચૂંટણીમાં વિજેતા જાહેર થયાં છે.
નોંધનીય છે કે શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને સંજય રાઉતે આ કલાબહેનની જીતને દિલ્હી તરફ શિવસેનાનો લાંબો કૂદકો ગણાવ્યો છે.
આવતાં વર્ષે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શિવસેનાના વિજયની ભાજપના ચૂંટણીઅભિયાન પર રાજ્યમાં કેવી અસર થશે તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય નિષ્ણાતોનો સંપર્ક સાધ્યો હતો.
અહીં એ અગત્યનું છે કે સી.આર.પાટીલ અવારનવાર આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 'મિશન 182'ની વાત કરી ચૂક્યા છે.
આમ, તેઓ અનેકવાર ગુજરાતમાં 2019ની લોકસભાની ચૂંટણીની જેમ તમામ બેઠકો પર જીત મેળવવાનો દાવો કરી ચૂક્યા છે.
દક્ષિણ ગુજરાત પર કલાબહેનની જીતની કેટલી અસર?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત રાજકારણનો નિકટથી અભ્યાસ કરતાં રાજકીય વિશ્લેષક નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ શાહ જણાવે છે કે, “દીવ-દમણ અને દાદરા અને નગરહવેલી બેઠક પર શિવસેનાના ઉમેદવારની જીતની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની બેઠકો પર ભાજપને નુકસાન થશે એ કહેવું ઉતાવળ ગણાશે. કારણ કે એક લોકસભા બેઠકની ચૂંટણીનાં પરિણામ આધારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કેવી અસર રહેશે તે ન કહી શકાય.”
ઘનશ્યામ શાહ આ સંદર્ભે આગળ વાત કરતાં કહે છે કે, “દીવ-દમણ અને દાદરા અને નગરહવેલી લોકસભા બેઠક ભલે ગુજરાતની નજીક હોય પરંતુ મને નથી લાગતું કે ત્યાં થનારી ચૂંટણી ગુજરાતની આવનારી ચૂંટણી પર કોઈ તાત્કાલિક અસર થશે.”
આ સિવાય ઘનશ્યામ શાહ શિવસેનાના નેતાઓના આ જીતને દિલ્હી તરફ આગેકૂચના લાંબા કૂદકા તરીકે ગણવા અંગે કહે છે : “નેતાઓ જ્યારે પણ તેમના પક્ષને જીત મળે તો આવા દાવા અને નિવેદનો કરતા હોય છે. પરંતુ ઘણી વાર આવા દાવા કે નિવેદનો જમીન પરની હકીકત સાથે મેળ ખાતાં ન પણ હોય.”
‘કલાબહેનની જીત લોકશાહીની પ્રક્રિયા પર લોકોનો વિશ્વાસ વધારશે’
રાજકીય વિશ્લેષક મનીષી જાની દીવ-દમણ અને દાદરા અને નગરહવેલી લોકસભા બેઠક પર શિવસેનાના ઉમેદવાર મોહન ડેલકરનાં વિધવા કલાબહેન ડેલકરના વિજયને ખૂબ જ સ્વાભાવિક જીત ગણાવે છે.
તેઓ કહે છે કે, “જ્યારે કોઈ પણ નેતા કે મોટી હસ્તીનું મૃત્યુ થાય ત્યારે લોકો તેમના પરિવારજનો તરફ સહાનુભૂતીની દૃષ્ટિએ જોઈ અને મત આપતા હોય તેવું જોવા મળ્યું છે. આ ચૂંટણીમાં પણ કંઈક એવું જ બન્યું છે.”
તેઓ ગુજરાતમાં આવતા વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પર આ જીતની અસર અંગે કહે છે કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર કે દક્ષિણ ગુજરાતમાં આ જીતની અસર કેટલી રહેશે તે કહેવું અત્યારે તો ઘણું વહેલું ગણાશે. ”
કંઈક આવો જ મત લોકસભા ચૂંટણી માટે વ્યક્ત કરતાં નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ શાહ જણાવે છે કે, “હજુ લોકસભા ચૂંટણી વર્ષ 2024માં થવાની છે. તેથી આ ચૂંટણીનાં પરિણામની અસર એ સમય સુધી રહેશે કે કેમ એ અંગે મને શંકા છે.”
જોકે, મનીષી જાની કહે છે કે આ જીત મહત્ત્વપૂર્ણ તો છે જ.
પોતાના આ મત અંગેનું કારણ આપતાં તેઓ કહે છે કે, “આ બેઠક પર શિવસેનાનાં ઉમેદવારની જીતને લોકશાહી પર લોકોના ઊઠી રહેલા વિશ્વાસને પુન:સ્થાપિત કરવાની પ્રક્રિયાની શરૂઆત જરૂર ગણાવી શકાય.”
તેઓ કહે છે કે, “હાલ જ્યારે પૈસા ચૂંટણીમાં જીત-હાર નક્કી કરે છે, તેવી પરિસ્થિતિમાં સત્તા પર રહેલી પાર્ટી સામે જંગી બહુમતીથી લોકોનો વિશ્વાસ અને લોકોના મતની જીત થાય ત્યારે લોકશાહીમાં બધું ખાડે ગયું છે તેવી ભાવનામાં થોડો ઘટાડો જરૂર થાય છે.”
ગુજરાતમાં શિવસેના અને મરાઠી
નોંધનીય છે કે ગુજરાતમાં 1990ની વિધાનસભા ચૂંટણીથી શિવસેના ચૂંટણીમેદાને પોતાના ઉમેદવારો ઉતારી રહી છે.
જો આંકડાની દૃષ્ટિએ વાત કરીએ તો વર્ષ 2012ને બાદ કરી રાજ્યની તમામ વિધાનસભાની ચૂંટણીઓમાં શિવસેનાએ જુદી-જુદી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.
1990, 1995, 1998, 2002,2007 અને 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં શિવસેનાએ અનુક્રમે પાંચ, ચાર, પાંચ, નવ, 38 અને 42 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
પરંતુ આ તમામ બેઠકો પર શિવસેનાના ઉમેદવારો પોતાની ડિપૉઝિટ પણ બચાવી શક્યા નહોતા.
જોકે ગુજરાતમાં હંમેશાંથી મરાઠીભાષી પ્રજા દક્ષિણ ગુજરાતના રાજકારણ પર પ્રભુત્વ ધરાવતી હોવાનું કહેવાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે દક્ષિણ ગુજરાતની કુલ 35માંથી 17 બેઠકો પર મરાઠીભાષી પ્રજાના મતો નિર્ણાયક ગણાય છે.
તેમજ સુરતની 12માંથી સાત બેઠકો પર મરાઠીભાષી પ્રજા બહુમતીમાં છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તે સિવાય વડોદરામાં પણ મરાઠીભાષી લોકો મોટી સંખ્યામાં મળી આવે છે.
વર્ષ 2011ની વસતિગણતરી પ્રમાણે ગુજરાતમાં 9,20,345 મરાઠી ભાષા બોલતા લોકો છે. જેઓ મોટા ભાગે દક્ષિણ ગુજરાત વસેલા છે.
ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવસારી અને સુરતમાં રહેલા મરાઠી લોકો પર ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલનું વર્ચસ્વ છે.
પરંતુ તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટીના ઉદયના કારણે ભાજપે તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડકારનો સામનો કરવો પડી શકે એવું કહેવાઈ રહ્યું હતું.
આમ, હવે દક્ષિણ ગુજરાતમાં જ્યારે પહેલાંથી ભાજપની તાકાત પર અવળી અસર પડી છે ત્યારે શિવસેનાનો દક્ષિણ ગુજરાતની નિકટ આવેલા દીવ-દમણ અને દાદરા અને નગરહવેલીની લોકસભા સીટ પર વિજય મરાઠી પ્રજા માટે એક વિકલ્પ તરીકે કામ કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
મોહન ડેલકરનું આકસ્મિક મૃત્યુ
ફેબ્રુઆરી-2020માં દમણના અપક્ષ સંસદભ્ય મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટલમાં મળી આવ્યો હતો.
(આત્મહત્યાએએકખૂબજગંભીરશારીરિક, મનોવૈજ્ઞાનિકઅનેસામાજિકસમસ્યાછે. જોઆપકોઈતણાવમાંથીપસારથઈરહ્યાહોતોગુજરાતસરકારની'જિંદગીહેલ્પલાઈન1096' પરકેભારતસરકારની'જીવનસાથીહેલ્પલાઇન1800 233 3330' પરફોનકરીશકોછો. તમેમિત્રો-સંબંધીઓસાથેપણવાતકરીશકોછો.)
મૃત્યુ પહેલાં કથિત રીતે 15-પાનાંની સ્યૂસાઇડ નોટ ગુજરાતીમાં લખી હતી. જેમાં તેમણે અનેક વહીવટી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તથા ભાજપના નેતાઓનાં નામ લખ્યાં હતાં.
પુત્ર અભિનવે મુંબઈ પોલીસ સમક્ષ દાદરા અને નગરહવેલી, દમણ-દીવના તત્કાલીન વહીવટકર્તા પ્રફુલ્લભાઈ ખોડાભાઈ પટેલ સિવાય આઠ અન્ય સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી.
તેમણે આરોપ મૂક્યો હતો કે તેમના પિતા પાસેથી પ્રફુલ્લ પટેલ રૂપિયા 25 કરોડ કઢાવવા માગતા હતા અને જો ન આપે તો તેમને પાસામાં ફિટ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.
ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું તે પહેલાં ડેલકરની આત્મહત્યાના આરોપી એવા કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી.
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી છે. મુંબઈના પૂર્વના પૂર્વ કમિશનર પરમવીરસિંહે આરોપ મૂક્યો હતો કે તેમની પર મોહન ડેલકર કેસમાં ભાજપના નેતાને ફિટ કરવા માટે દબાણ હતું.
મૃત્યુ બાદ ડેલકર પરિવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી, ઉપમુખ્ય મંત્રી તથા ગૃહમંત્રી સહિત અલગ-અલગ સ્તરે રજૂઆત કરી હતી. ડેલકર પરિવાર દ્વારા ચૂંટણીપ્રચારમાં પૂર્વ સંસદસભ્યના મૃત્યુનો મુદ્દો ઉઠાવાયો હતો.
મોહનભાઈ ડેલકર દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર સારી એવી અસર ધરાવતા હતા. તેઓ પ્રથમ વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો