You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ સહિત વિશ્વના એવા વિસ્તારો જ્યાં ગરમી સહન કરવી અશક્ય બની ગઈ
હવામાનનું સંકટ ભવિષ્યમાં આવશે તેવી વાત હવે રહી નથી. દુનિયાના ઘણા પ્રદેશોમાં અત્યારથી આ સંકટ દેખાવા લાગ્યું છે.
લાખો લોકોના ભાગે ગરમી સહન કરીને જીવવાનું આવ્યું છે અને દાવાનળ લાગે કે ભારે પૂર આવે તેવું જોખમ વધી રહ્યું છે. અહીં પાંચ લોકો પોતાની આપવીતી જણાવી રહ્યા છે કે કઈ રીતે ઊંચા તાપમાનને કારણે તેમનું જીવન બદલાઈ ગયું છે.
'કેટલીય રાતો જાગીને કાઢી'
શકીલા બાનુનું કુટુંબ મોટા ભાગે અગાશી પર જ પથારી કરે છે. ઘણી રાત્રે એટલી ગરમી હોય છે કે ઘરની અંદર ઊંઘી ના શકાય. ઉનાળામાં એટલો તાપ પડે કે અગાશી પર પગ પણ મૂકી ના શકાય. શકીલા બાનુ કહે છે, "બહુ મુશ્કેલી છે. કેટલીય રાતો જાગીને કાઢવી પડે છે. "
શકીલાના કુટુંબમાં પતિ, દીકરી અને ત્રણ પૌત્રો છે. અમદાવાદમાં તેમનું એક ઓરડાનું મકાન છે, જેમાં બારી પણ નથી. અંદર એક જ પંખો છે.
ક્લાઇમેટ ચેન્જના કારણે હવે ભારતમાં ઘણાં શહેરોમાં તાપમાન 50 ડિગ્રી પહોંચવા લાગ્યું છે. ગીચ વસતિ અને ખીચોખીચ મકાનોને કારણે અર્બન હિટ આઇલૅન્ડ તરીકે ઓળખાતી સ્થિતિ ઊભી થાય છે. કૉંક્રિટનાં બનેલાં મકાનો ગરમી શોષે છે અને પ્રકાશના પરાવર્તનને કારણે ગરમી વધી જાય છે. આવી સ્થિતિમાં રાત્રે પણ રાહત મળતી નથી, ઊલટાની ગરમી વધી જાય છે.
શકીલા જે ઘરેમાં રહે છે તેવાં સાંકડાં ઘરોમાં 46 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી જાય છે. ગરમીને કારણે હવે તેને ચક્કર આવવા લાગે છે. પૌત્રોના શરીર પર ચકામાં પડી જાય છે અને ઝાડા થઈ જાય છે.
છાસ અને લીંબુ સરબત પીને ગરમીમાં રાહત મેળવવાની જૂની રીતો હવે કામ આવતી નથી. શકીલાએ ઉછીના પૈસા લઈને ધાબા ઉપર સફેદો મરાવ્યો છે. સફેદ છત હોય એટલે સૂર્યપ્રકાશ પરાવર્તિત થઈ જાય અને અંદરનું તાપમાન 3-4થી ડિગ્રી ઓછું થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શકીલા માટે સફેદો મરાવ્યા પછી બહુ રાહત મળી છે. ઓરડો થોડો ઠંડો થયો છે અને બાળકો ઊંઘી શકે છે. ઊંઘી રહેલા પૌત્રને બતાવીને શકીલા કહે છે, "પહેલાં બપોરે તે સૂતો જ નહોતો,. પણ હવે ઊંઘી જાય છે."
'આગઝરતી ગરમી'
સીદી ફદોઆ કહે છે, "હું ગરમ પ્રદેશમાંથી આવું છે." પરંતુ પશ્ચિમ આફ્રિકાના મૌરિટાનિયામાં હવે એટલી ગરમી પડે છે કે સ્થાનિક લોકો માટે પણ કામ કરવું રહેવું મુશ્કેલ બની ગયું છે.
સીદી કહે છે કે હવે અહીંની ગરમી રાબેતા મુજબની નથી, "આ તો આગઝરતી ગરમી છે."
સહારા રણ નજીક આવેલા એક નાના ગામમાં 44 વર્ષનાં સીદી રહે છે અને નજીકના મીઠાના અગરમાં કામ કરે છે. આ કામ બહુ આકરું છે અને ક્લાઇમેટ ચેન્જ પછી આ પ્રદેશમાં ગરમી વધી ગઈ છે.
સીદી કહે છે, "આટલી ગરમી અમારાથી સહન થતી નથી. અમે કંઈ મશીનો નથી."
ઉનાળામાં ગરમી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે એટલે સીદીએ હવે રાત્રે કામ કરવું પડે છે.
રોજગારી મળવી પણ મુશ્કેલ છે. ઢોર ચરાવીને ગુજરાન ચલાવવું હવે મુશ્કેલ બનવા લાગ્યું છે - ઘેટાંબકરાંને ચરાવવા ક્યાં લઈ જવા તે સવાલ ઊભો થયો છે.
એટલે પોતાના ઘણા પાડોશીઓની જેમ સીદી પણ નાઉધિનોબૂ શહેરમાં રોજગારી માટે જતા રહેવા માગે છે. આ શહેર દરિયાકિનારે હોવાથી ઠંડક રહે છે.
નજીક આવેલી ખાણોમાંથી પોલાદ કાઢીને આ શહેર સુધી ટ્રેન પહોંચે છે. વિશ્વની સૌથી લાંબી આ માલગાડીમાં સવાર થઈને ગામલોકો શહેરમાં પહોંચતા હોય છે.
સીદી કહે છે, "લોકો અહીંથી જવા લાગ્યા છે. અહીંની ગરમી હવે સહન થતી નથી." માલગાડીમાં 20 કલાકની મુસાફરી કરવી પણ જોખમકારક હોય છે. વૅગનમાં ઉપર ખુલ્લામાં બેસવું પડે અને આખો દિવસ સીધો તડકો સીધો માથે પડે. સાંજ પછી માંડ થોડી રાહત મળે.
નાઉધિનોબૂ શહેરમાં જઈને માછીમારીનું કામ મળવાની આશા સીદીને છે. દરિયા પરથી આવતી હવા થોડી રાહત આપનારી હશે. જોકે ગામડેથી બહુ લોકો શહેરમાં આવવા લાગ્યા છે અને તેના કારણે કામ મળવાનું મુશ્કેલ બનવા લાગ્યું છે. સીદીને આશા છે કે કામ મળી રહેશે.
'આ આગના ગોળાને બહાર કેમ કાઢવો?'
કૅનેડાના બ્રિટિશ કૉલંબિયાના રક્ષિત જંગલમાં ફેરફારો થવા લાગ્યા એના પર પહેલું ધ્યાન કૅનેડા બાર ફર્સ્ટ નેશનના વડા પેટ્રિક મિશેલનું ત્રણ દાયકા પહેલાં ગયું હતું. નદીમાં પાણી ઘટવા લાગ્યું હતું અને મશરૂમ ઉગવાના બંધ થઈ ગયા હતા.
આ ઉનાળે તેમને જે ભય હતો તે સાચો પડ્યો. સમગ્ર ઉત્તર અમેરિકામાં હિટ વેવ આવી હતી.
29 જૂનના રોજ તેમના ગામ લિટ્ટનમાં તાપમાન વિક્રમજનક 49.6 ડિગ્રી પર પહોંચી ગયું હતું. બીજા દિવસે તેમની પત્નીએ તેમને એક તસવીર મોકલી, જેમાં પારો 53 ડિગ્રી સેલ્સિયસ દેખાડતો હતો. એક કલાક પછી તેમના ગામમાં આગ લાગી.
તેમની દીકરી સેરેના આઠ મહિનાના ગર્ભવતી છે. તેમણે ફટાફટ સામાન ભર્યો અને બાળકોને કારમાં બેસાડી દીધાં: "અમે ખભે જ કપડાં મૂકીને નીકળી ગયા હતા. ત્રણ માળ ઊંચી આગની જવાળાઓ અમારી પાછળ જ હતી."
પેટ્રીક પોતાનું ઘર બચાવી શકાય તે માટે ફરી ગામે ગયા હતા. તેમણે જંગલમાં દવ લાગતો ઘણી વાર જોયો હતો. પરંતુ જળવાયુ પરિવર્તન સાથે દાવાનળની સ્થિતિમાં ફેર દેખાવા લાગ્યો છે.
પેટ્રીક કહે છે, "આ હવે માત્ર સામાન્ય આગ નથી, આ તો મોટો દાવાનળ છે. આવા દાવાનળને કેવી રીતે કાબૂમાં કરવો?"
પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયું, તેમ છતાં ગામમાં આગ લાગી તેને એક તક તરીકે પેટ્રીક જુએ છે:
"અમે લિટ્ટનને ફરીથી એવી રીતે ખડું કરી શકીશું, જેથી આગામી 100 વર્ષ સુધીના હવામાન માટે લાયક બને. આ બહુ અઘરું ગામ છે, પણ મારા દિલમાં આશા છે."
'નાની હતી ત્યારે આવું નહોતું'
નાઇજીરિયાના નાઇજર ડેલ્ટામાં રહેતી જૉય કહે છે, "હું નાની હતી ત્યારે આવું હવામાન નહોતું." સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોમાંના એક આ વિસ્તારમાં દિવસ અને રાત પણ વધુ ને વધુ ગરમ થઈ રહ્યાં છે.
સળગતા ગૅસ પર ટેપિયોકા પકાવીને તેને સ્થાનિક બજારમાં વેચવાનું કામ જૉય કરે છે. જૉય સમજાવે છે, "મારા વાળ ટૂંકા છે, કેમ કે લાંબા વાળ રાખું તો આગની જ્વાળામાં તે સળગી પણ જાય."
જોકે આ રીતે સળગી રહેલા ગૅસને કારણે સમસ્યા ઊભી થઈ છે. ક્રૂડઑઇલ માટે ડ્રિલિંગ કરવામાં આવે ત્યારે જે ગૅસ નીકળે તેને આવી રીતે કંપનીઓ બાળી નાખે છે.
લગભગ 20 ફૂટ ઊંચી જ્વાળા આ રીતે સળગતા ગૅસની નીકળી હોય છે અને દુનિયામાં કાર્બન ડાયોક્સાઇડમાં ઘણો મોટો ફાળો તેનો છે.
આ વિસ્તારમાં ક્લાઇમેટ ચેન્જના કારણે તબાહી મચી ગઈ છે. ઉત્તરમાં ફળદ્રુપ જમીનમાં રણ ફેલાઈ ગયું છે, જ્યારે દક્ષિણમાં ભારે વરસાદને કારણે પૂર આવવા લાગ્યાં છે. જેમનું બચપણ અહીં વીત્યું છે તે લોકોએ નાનપણમાં આવું હવામાન જોયું નહોતું.
જૉય કહે છે, "હવામાન કેમ ઝડપથી બદલાઈ રહ્યું છે તે મોટા ભાગના લોકો સમજી શકતા નથી. પણ અમને શંકા છે કે આ સતત સળગી રહેલા ગૅસની જ્વાળાઓ છે." તેમની માગણી છે કે સરકારે ગૅસને બાળવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, ભલે આ જ આગનો ઉપયોગ કરીને તેમાંથી તેમને કમાણી થતી હોય.
નાઇજીરિયાને ખનીજતેલમાંથી સારી આવક થાય છે, પણ તે મૂડીનું યોગ્ય રીતે રોકાણ થતું નથી.
દેશમાં 9.8 કરોડ લોકો ગરીબીમાં જીવે છે. તેમાં જૉય અને તેમનો પરિવાર પણ આવી ગયો. પાંચ દિવસ કામ કરીને માત્ર 4 પાઉન્ડનો નફો થાય છે.
ભવિષ્ય વિશે જૉયને બહુ આશા નથી. "મને લાગે છે કે ધરતી પરના જીવનનો હવે અંત આવી જવાનો છે."
'આ ગરમી સામાન્ય નથી'
છ વર્ષ પહેલાં ઓમ નઇફે રસ્તામાં આવતા રણ જેવા ઉજ્જડ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું હતું. કુવૈતના નિવૃત્ત અમલદાર તરીકે તેમને ઉનાળામાં વધી રહેલી ગરમી અને ધૂળનાં તોફાનોની ચિંતા થવા લાગી છે.
તેઓ કહે છે, "મેં કેટલાક અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તે બધાનું કહેવું હતું કે રેતીમાં કોઈ ઝાડ વાવવું મુશ્કેલ છે. રેતાળ પ્રદેશ અને તેમાં ગરમી પણ ભારે પડે. પણ હું સૌ કોઈને આશ્ચર્ય થાય તેવું કંઈક કરવા માગતી હતી."
વિશ્વના બીજા વિસ્તારો કરતાં વધારે ઝડપથી ગરમ થઈ રહેલા મધ્યપૂર્વમાં નઇફ રહે છે.
કુવૈતમાં હવે અસહ્ય ગરમી પડવા લાગી છે અને અનેક વાર પારો 50 ડિગ્રીને પાર થઈ જાય છે.
કેટલાક અનુમાનો અનુસાર 2050 સુધીમાં સરેરાશ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી જવાનું છે. કુવૈતના અર્થતંત્રનો મોટો આધાર ખનીજતેલની નિકાસ પર છે.
જે બે વિસ્તારોમાં નઇફે વૃક્ષારોપણ કર્યું તે નાના છે, પણ તેનાથી એક હેતુ સર્યો છે.
તેઓ કહે છે, "વૃક્ષોને કારણે રેતી ઓછી ઊડે છે, પ્રદૂષણ ઓછું થાય છે, હવા શુદ્ધ રહે છે અને તાપમાન ઘટે છે. ગરોળી જેવાં પ્રાણીઓ પણ હવે દેખાવાં લાગ્યાં છે, કેમ કે પાણી અને છાંયડો મળી રહે છે. બહુ આનંદની વાત છે."
ઘણા કુવૈતીઓ હવે માગણી કરવા લાગ્યા છે કે સરકારે મોટા પાયે વૃક્ષારોપાણ કરવું જોઈએ.
હવામાનના સંકટનો સૌ સાથે મળીને સામનો કરે તેવી આશા તે સૌને છે. નઇફ કહે છે કે તેમણે જમીનને બચાવવી જોઈએ અને ઉજ્જડ થતી અટકાવવી જોઈએ.
અંતમાં તેઓ કહે છે, "આ ગરમી સામાન્ય પ્રકારની નથી. આ અમારી જન્મભૂમિ છે. આપણે તેને સાચવવી જોઈએ, કેમ કે તેણે આપણને ઘણું આપ્યું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો