નોબલ પીસ પ્રાઇઝ માટે 16 વર્ષની નાની ઉંમરે નોમિનેટ થનાર કિશોરી કોણ છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, ન્યૂ દિલ્હી

એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમારન ખાનની પીસ પ્રાઇઝ માટે ચર્ચાઓ સામે આવી રહી છે, ત્યારે એક 16 વર્ષની કિશોરી નોબલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ થઈ છે.

"મેં અનુભવ્યું કે કોઈ આ સ્થિતીને અટકાવવા કંઈ જ કરતું નથી તો મેં જ કંઈક કરવાનું નક્કી કર્યું."

આ શબ્દો છે સ્વીડનની શાળામાં અભ્યાસ કરતાં કિશોરી ગ્રેટા થનબર્ગના. જેમનું નામ નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ થયું છે.

ગ્રેટાએ આંતરરાષ્ટ્રિય સ્તરે ક્લાઇમેટ ચૅન્જ માટે ઝુંબેશ ચલાવી છે. નોર્વેના ત્રણ સાસંદો દ્વારા ગ્રેટાના નામની ભલામણ કરવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જો ગ્રેટાને આ વર્ષનું પીસ પ્રાઇઝ મળશે તો તે પીસ પ્રાઇઝ મેળવનારા સૌથી નાની વયની વ્યક્તિ બનશે.

આ પહેલાં પાકિસ્તાનનાં મલાલા યુસફઝાઈને 17 વર્ષે નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું.

નોર્વેના સોશિયલિસ્ટ સાંસદ ફ્રેડી આન્દ્રે ઓવ્સ્ટેગાર્ડે એએફપી ન્યૂઝ ઍજન્સીને કહ્યું, "અમે ગ્રેટા થનબર્ગના નામનો પ્રસ્તાવ મૂકયો છે કારણ કે અમને લાગે છે કે હવે ક્લાઇમેટ ચૅન્જના મુદ્દે નક્કર પગલાં લેવાની તાતી જરૂરીયાત છે."

"જો આ પગલાં ન લેવાયાં તો ભવિષ્યમાં યુદ્ધ, વિગ્રહો અને શરણાર્થીઓ વધવાનું કારણ બનશે."

તેમણે કહ્યું, "ગ્રેટા થનબર્ગે પર્યાવરણ માટે જાહેર ઝુંબેશ શરૂ કરી છે, જે મારા મતે શાંતિની દિશામાં એક મોટું કદમ છે."

ગ્રેટા થનબર્ગ કોણ છે?

સ્વિડીશ કિશોરી ગ્રેટા પતાના ટ્વિટર પેજ પર પોતાના વિશે લખે છે, "એસ્પર્જર ધરાવતી એક 16 વર્ષની ક્લાઇમેટ એક્ટિવિસ્ટ".

તેમની ઝુંબેશે દુનિયાભરના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે.

ગયા વર્ષે 15 માર્ચ દુનિયાભરના વિદ્યાર્થીઓએ દર શુક્રવારે હડતાળની શરૂઆત કરી છે.

તેમણે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં સૌ પ્રથમ વખત કલાઇમેટ ચૅન્જ મુદ્દે શાળાની હડતાલ પાડી હતી અને સ્વિડીશ સંસદ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ત્યારથી દર શુક્રવારે વિવિધ વિરોધ પ્રદર્શનો માટે તેઓ પોતાની શાળામાં હાજર રહી શકતા નથી.

ડિસેમ્બરમાં પૉલૅન્ડમાં યોજાયેલાં યૂએન કલાઇમેટ ટોક્સ તેમજ જાન્યુઆરીમાં દાવોસમાં યોજાયલ વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમની બેઠકમાં તેમના વક્તવ્ય બાદ તેઓ આંતરરાષ્ટ્રિય સ્તરે ચર્ચામાં રહ્યાં છે.

દાવોસમાં દુનિયાભરના અર્થશાસ્ત્રીઓને સંબોધતાં તેમણે કહ્યું, "આપણે એ સમજવું જોઈએ કે આપણએ ક્લાઇમેટ ચૅન્જ બાબતે નિષ્ફળ ગયા છીએ."

નોબલ પીસ પ્રાઇઝ માટેના નોમિનેશન અને પસંદગી કઈ રીતે થાય છે?

રાષ્ટ્રિય રાજકારણીઓ, આંતરરાષ્ટ્રિય અધિકારીઓ , શિક્ષણવિદ્દો અને પર્વ વિજેતાઓ યોગ્ય ઉમેદવાર માટે પ્રસ્તાવ મૂકી શકે છે.

આ ઇનામની જાહેરાત દર વર્ષે ઑક્ટોબર મહિનામાં કરવામાં આવે છે અને ડિસેમ્બરમાં એનાયત કરવામાં આવે છે, તેના માટેનો કાર્યક્રમ નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાય છે.

નોબલ કમિટીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર 2019ના નોબલ પીસ પ્રાઇઝ માટે 301 ઉમેદવારોનો પ્રસ્તાવ આવ્યો છે, જેમાંથી 223 વ્યક્તિગત છે અને 78 સંસ્થાઓ છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો