You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Seoul Peace Prize : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલું આ સન્માન શું છે?
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા પુરસ્કાર 'સોલ પીસ પ્રાઇઝ' સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મેળવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ફેબ્રુઆરી સિયોલ પ્રવાસે છે.
વડા પ્રધાન મોદીને આ સન્માન વિશ્વ શાંતિમાં અને વૈશ્વિક તેમજ ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં યોગદાન માટે આપવામાં આવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની વિશિષ્ટ આર્થિક નીતિઓ 'મોદીનૉમિક્સ'ના માધ્યમથી વૈશ્વિક અને ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ, વિશ્વ શાંતિ, માનવ વિકાસમાં સુધાર અને ભારતમાં લોકતંત્રને મજબૂત કરવાની દિશામાં યોગદાન માટે પ્રતિષ્ઠિત સિયોલ શાંતિ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા છે."
વડા પ્રધાન મોદી દુનિયાની 14મી અને પહેલા ભારતીય વ્યક્તિ છે કે જેમને આ સન્માન મળ્યું છે.
વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર હાજર માહિતી અનુસાર સોલ પીસ પ્રાઇઝ કમિટીએ ધનવાન અને ગરીબો વચ્ચે સામાજિક અને આર્થિક ભેદ ઓછો કરવા માટે મોદીનૉમિક્સની પ્રશંસા કરી છે.
પુરસ્કાર સમિતિએ ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને વિમુદ્રીકરણના ઉપાયોના માધ્યમથી સરકારને સાફ સુથરી બનાવવાની દિશામાં મોદીના પગલાંની પ્રશંસા કરી છે. આ સિવાય વિદેશનીતિ 'મોદી ડૉક્ટરેન' અને 'એક્ટ ઈસ્ટ પૉલિસી'ના વખાણ પણ કર્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
શું છે સોલ પીસ પ્રાઇઝ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર હાજર માહિતી મુજબ સોલ શાંતિ પુરસ્કારની શરુઆત 1990માં થઈ હતી.
તે સમયે સોલમાં 24મી ઑલિમ્પિક ગેમ્સનું આયોજન થયું હતું જેના સમાપન પર પુરસ્કારની શરુઆત કરવામાં આવી હતી.
આ ઑલિમ્પિકમાં દુનિયાના 160 દેશોએ ભાગ લીધો હતો.
આ પુરસ્કારને આપવાનો ઉદ્દેશ કોરિયાઈ ગણતંત્રના નાગરિકોમાં શાંતિની ભાવનાથી દુનિયાને પરિચિત કરાવવાનો હતો. આ પુરસ્કાર કોરિયાઈ લોકોની, કોરિયાઈ પ્રાયદ્વીપ અને બાકી વિશ્વમાં શાંતિ જાળવી રાખવાની મનોકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.
વડા પ્રધાન મોદી પહેલા આ પુરસ્કાર યૂએનના પૂર્વ સેક્રેટરી કોફી અન્નાન, જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલ, આંતરરાષ્ટ્રીય રાહત સંગઠન જેમ કે ડૉક્ટર્સ વિધઆઉટ બ્રધર્સ એન્ડ ઑક્સફેમને મળી ચૂક્યો છે.
દુનિયાભરના આશરે 1300 કરતાં વધારે લોકોને પુરસ્કાર માટે નામિત કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવે છે.
સોલ પીસ પ્રાઇઝ વિજેતાને ઇનામમાં શું મળે છે?
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ પ્રમાણે જે વ્યક્તિને આ સન્માન મળે છે તેમને ડિપ્લોમા, એક તકતીની સાથે 2 લાખ ડોલર (આશરે 1,42,31,000 રૂપિયા) આપવામાં આવે છે.
બે પાનાનાં પરંપરાગત રુપે બનાવવામાં આવેલા પ્રમાણપત્રમાં ડાબી બાજુ મુદ્રિત સોલ શાંતિ પુરસ્કારનું પ્રતીક છે. પ્રમાણપત્રમાં જમણી બાજુ કોરિયાઈ અને અંગ્રેજી બન્ને ભાષામાં ટેક્સ્ટ લખવામાં આવે છે.
સોનાની પ્લેટ ધરાવતી ક્રિસ્ટલ તકતી પરંપરાગત તાઇજુક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવે છે.
કેવી રીતે વિજેતાની પસંદગી થાય છે?
સમિતિમાં રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, એથલેટિક, એકેડમિક અને અન્ય ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધ કોરિયાઈ અને વિદેશી આંકડા સહિત 1300 કરતાં વધારે નામાંકિતકર્તા સામેલ હોય છે.
આ પુરસ્કાર દર બે વર્ષે આપવામાં આવે છે અને તેનું નામાંકન નવેમ્બરમાં શરુ થાય છે.
એવોર્ડ આપવાની તારીખથી ત્રણ મહિના પહેલા ઉમેદવારોએ પોતાનું નામ અને ઉપલબ્ધિઓ વિશે લખીને ફોર્મ જમા કરવાનું હોય છે. અંતિમ વિજેતા સમિતિના સભ્યો દ્વારા મતદાનના માધ્યમથી પસંદ કરવામાં આવે છે.
મોદીને મળેલા એવોર્ડનો વિરોધ
વડા પ્રધાન મોદીને આ વર્ષે સોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તેને લઈને મોદી સમર્થકોમાં તો ખુશી જોવા મળી રહી છે. પણ ઘણા સોશિયલ મીડિયા ઉપભોક્તા એવા પણ છે કે જેમણે તેનો વિરોધ નોંધાવ્યો છે.
દક્ષિણ કોરિયામાં જુદી જુદી કોરિયન કમ્યુનિટીના લોકોએ આ મામલે વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે 'સોલ પીસ પ્રાઇઝ' મેળવવા માટે મોદી યોગ્ય ઉમેદવાર નથી.
2002માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા રમખાણનો ઉલ્લેખ કરતા લોકોએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સોલ પીસ પ્રાઇઝ આપવો તે બીજા વિજેતાઓના અપમાન સમાન છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો