લોકસભા ચૂંટણી 2019: રેશમા પટેલની ભાજપમાંથી રાજીનામાની જાહેરાત, ભાજપ સામે ચૂંટણી લડશે

પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલનાં સાથી રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

તેમણે રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં કરીને ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

અહીં પત્રકારોને માહિતી આપતા તેમણે કહ્યું હતું કે તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને આ ભાજપના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે.

રેશમા પટેલ આવનારી લોકસભાની ચૂંટણી પોરબંદરથી લડશે અને તે માટે તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

ચૂંટણી લડવા માટે તેમણે ઉપલેટામાં કાર્યાલય શરૂ કર્યું હોવાની પણ ફેસબુક પર જાહેરાત કરી હતી.

જોકે, તેઓ કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેના અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.

પાટીદાર આંદોલન બાદ ભાજપમાં જોડાયાં

હાર્દિક પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલા પાટીદાર અનામત આંદોલનથી રેશમા પટેલ ચર્ચામાં આવ્યાં હતાં.

પાટીદાર અનામત આંદોલનમાં રેશમા પટેલ મહિલા તરીકે એક જાણીતો ચહેરો બન્યાં હતાં.

હાર્દિક પટેલ અને પાસના અન્ય નેતાઓની સાથે તેઓ પાટીદાર આંદોલનમાં અગ્રણી હતાં.

જેલમાં બંધ પાટીદાર નેતાઓને છોડાવવા માટે તેમણે આશરે 20 દિવસ જેટલા લાંબા ઉપવાસ પણ કર્યા હતા.

2016માં પાટીદાર અનામત આંદોલનને કારણે સતત ચર્ચામાં રહેલાં રેશમા પટેલ 2017માં ભાજપમાં જોડાઈ ગયાં હતાં.

પાટીદાર અનામત આંદોલનના અન્ય નેતા વરુણ પટેલની સાથે રેશમા પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ભાજપમાં જોડાયાં બાદ ભાજપ સામે જ નારાજગી

ભાજપમાં જોડાયાં બાદ એકાદ વર્ષમાં તેમની ભાજપ સામેની નારાજગી સામે આવવા લાગી હતી.

ગુજરાતમાં યોજાયેલા ભાજપના મહિલા સંમેલન સમયે તેમને આમંત્રણ ન મળવાના મામલેથી તેઓ ચર્ચામાં આવ્યાં.

જે બાદ ધીમે ધીમે તેમની નારાજગી ભાજપ સામે વધતી ગઈ અને તેઓ ગુજરાતની ભાજપ સરકારનાં ટીકાકાર બની ગયાં.

બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ભાજપ રાષ્ટ્રવાદની વાત કરે છે અને જાતિવાત અને ધર્મના નામે લોકોને ભડકાવે છે.

તેમણે કહ્યું હતું, "ભાજપ સરકારે પાટીદારો અંગે આપેલાં વચનો પાળ્યાં નથી. પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા લોકોના પરિવારને નોકરી આપવાની હતી."

"પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની બાંહેધરી આપી હતી, પરંતુ તમામ સામે કેસ પરત ખેંચાયા નથી."

"બિન અનામત વર્ગ માટે આયોગો અને નિગમોની રચના કરવાની પણ વાત હતી."

મહિલાઓને પ્રતિનિધિત્વ શા માટે નહીં?

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, "ગુજરાતમાં બેઠેલા સત્તાધારીઓ પાસે કોઈ સત્તા નથી."

"ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી પણ નિષ્ફળ છે, તેઓ પણ ખાલી રબર સ્ટેમ્પ છે. માત્ર બે જ લોકો બધું ચલાવી રહ્યા છે."

મહિલાઓના પ્રતિનિધિત્વ વિશે વાત કરતાં તેમણે કહ્યું, "જો મહિલાઓના મત 50 ટકા છે તો તેમને પ્રતિનિધિત્વ કેમ નહીં?"

"ભાજપમાં અમે એક સારી આશા સાથે આવ્યાં હતાં કે લોકોનાં કાર્યો થશે પરંતુ થયાં નહીં એટલે એની સામે જ બોલવું પડે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો