You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાન : શાંતિ માટે નોબલ પુરસ્કાર મેળવવા માટે હું લાયક નથી
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે તેઓ શાંતિ માટે નોબલ પુરસ્કાર મેળવવા લાયક નથી.
ઇમરાન ખાને આ મામલે ટ્વીટ કરીને કહ્યું, "હું નોબલનો શાંતિ પુરસ્કાર મેળવવા માટે લાયક નથી. નોબલનું શાંતિ સન્માન મેળવવાના હકદાર એ હશે જે કાશ્મીરીઓની ઇચ્છા અનુસાર કાશ્મીર વિવાદનું સમાધાન શોધે અને સમગ્ર મહાદ્વીપમાં શાંતિ અને માનવતાના વિકાસનો માર્ગ તૈયાર કરે."
ઉલ્લેખનીય છે કે પોતાના કબજામાંથી ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડરને ભારતને પરત સોંપ્યા બાદ પાકિસ્તાનમાં ઇમરાન ખાનને શાંતિ સન્માન આપવા માટે અભિયાન શરૂ કરાયું છે.
અભિયાન ચલાવનારા લોકોનું કહેવું છે કે ઇમરાન ખાને ભારત સાથે યુદ્ધની આશંકાને ટાળી દીધી, જે સમગ્ર વિસ્તારની શાંતિ માટે મહત્ત્વનું પગલું છે.
પાકિસ્તાનમાં ઘણા બધા લોકોએ પોતાના વડા પ્રધાન ઇમરાન ખાનને નોબલ પુરસ્કાર અપાવવા માટે દેશઆખામાં ઑનલાઇન પિટિશન પર હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું છે.
અહેમદ પટેલનો આક્રોશ: 'ચૂંટણી પંચ મોદીનો કાર્યક્રમ પૂરો થવાની રાહ જુએ છે'
હજી સુધી લોકસભાની ચૂંટણીની જાહેરાત ન કરાતાં કૉંગ્રેસના નેતા અહેમદ પટેલે ચૂંટણી પંચ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે.
પટેલે પૂછ્યું છે કે શું ચૂંટણી પંચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 'અધિકૃત પ્રવાસ કાર્યક્રમ' પૂરો થવાની 'રાહ જોઈ રહ્યું' છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ટ્વિટર પર એવું પણ લખ્યું, "રાજકીય સભાઓ, ટીવી/રેડિયો તેમજ અખબારોમાં જાહેરાતો માટે તંત્રનો કરાઈ રહેલો ઉપયોગ જોતાં એવું લાગે છે કે ચૂંટણી પંચ છેલ્લી ક્ષણ સુધી લોકોના પૈસે સરકારને પ્રચાર કરવામાં મદદ કરી રહ્યું છે."
નોંધનીય છે કે વર્ષ 2014માં માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવાઈ હતી.
આદિવાસીઓ દ્વારા આજે ભારત બંધનું એલાન
આદિવાસીઓ અને વનવાસીઓને તેમના આવાસથી બેદખલ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં રાહત આપવાના તાજેતરના સુપ્રીમ કોર્ટના જ આદેશ છતાં આદિવાસી સમૂહોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી રાહત પૂરતી ન હોવાનું માનતા આદિવાસીઓનું કહેવું છે કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત યોગ્ય કાયદાના અભાવને કારણે એ રાહતને ગમે ત્યારે પલટી દેવાશે.
આદિવાસી સમૂહો માગ કરી રહ્યા છે કે કેન્દ્ર તેમના અધિકારોના સંરક્ષણ માટે અધ્યાદેશ લાવે.
બંધના ભાગરૂપે કેટલાય રાજ્યોમાં હડતાળનું આયોજન કરાયું છે તો દિલ્હીમાં પ્રદર્શનકારી સમૂહો ઉપરાંત રાજકીય અને સામાજિક કાર્યકરોએ મંડી હાઉસથી લઈને જંતરમંતર સુધી માર્ચ કરવાનું નક્કી કર્યું છે.
13 પૉઇન્ટ રૉસ્ટરના વિરોધમાં ભારત બંધ
સુપ્રીમ કોર્ટે સરકારની 13 પૉઇન્ટ રૉસ્ટર સિસ્ટમ સંબંધિત પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે, જેને પગલે હવે દિલ્હીની કૉલેજોમાં ગેસ્ટ ટીચર્સની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે.
દિલ્હી વિશ્વવિદ્યાલયની એસ.સી, એસ.ટી, ઓ.બી.સી ફૉરમનું કહેવું છે કે આને પગલે 'ડર અને ભયનો માહોલ છે.'
તેમનું કહેવું છે કે જો 200 પૉઇન્ટ રૉસ્ટર લાગુ કરવામાં નહીં આવે તો તેના આ વર્ગોના શિક્ષકોની ભરતી પર અસર થશે.
ભારતના સામ્યવાદી પક્ષ(માર્ક્સવાદી-લેનિન)એ આને બંધારણ પર હુમલો ગણાવ્યો છે.
વિરોધના ભાગરૂપે કેટલાય રાજકીય પક્ષોએ 5 માર્ચે બંધની જાહેરાત આપી છે.
પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ પાકિસ્તાનની કાર્યવાહી
પાકિસ્તાન સરકારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત તમામ સંગઠનોની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે કહ્યું છે કે આ આદેશનો અર્થ એવો થાય કે દેશમાં ચાલી રહેલા તમામ પ્રતિબંધિત સંગઠનોને સરકારે પોતાના કબજામાં લઈ લીધા છે.
પ્રવક્તાએ પાકિસ્તાની 'ડૉન ન્યૂઝ ટીવી'ને કહ્યું, "તમામ પ્રતિબંધિત સંગઠનોએ તમામ પ્રકારની સંપત્તિ સરકારનાં નિયંત્રણમા આપવી પડશે."
તેમણે એવું પણ કહ્યું કે સરકાર એ સંસ્થાઓની સખાવતી પાંખ અને ઍમ્બુલન્સ પર સીઝ કરી દેવાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો