ક્લાઇમેટ ચેન્જ : ભારતે કેવાં વચનો આપ્યા હતાં અને તેમાંથી કેટલાં પૂરાં કર્યાં?

યુકેમાં યુએનની ક્લાઇમેટ સમિટ પહેલાં ભારતે તેના ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જન ઘટાડવાની નવી યોજના સુપરત નથી કરી.

ભારત કાર્બન ડાયઑક્સાઇડના ઉત્સર્જન મામલે ત્રીજા સ્થાને છે. પહેલાં ચીન અને ત્યાર બાદ અમેરિકા છે.

ઝડપથી વધી રહેલી વસ્તી અને કોલસા તથા ક્રૂડઑઇલ પર મોટો મદાર રાખતા અર્થતંત્રને કારણે જો તે કડક પગલાં નહીં લેવાય તો તેના ઉત્સર્જનમાં મોટો વધારો થશે.

અત્યાર સુધી ભારતે શું યોજના પ્રસ્તુત કરી છે?

ભારત તમામ સ્તરે એક ચોક્કસ લક્ષ્ય નક્કી કરવા ખચકાટ કરી રહ્યું છે. તેનું કહેવું છે કે જે દેશોમાં ઔદ્યોગિકીકરણ થયેલું છે તેમણે વધુ બોજ વહન કરવો જોઈએ કેમ કે સમયાંતરે તેમણે વધુ ઉત્સર્જન કરેલ છે.

ભારતનું કહેવું છે, ‘ઉત્સર્જન તીવ્રતા’નું લક્ષ્ય એ દેશની અર્થવ્યવસ્થાની વૃદ્ધિને દર્શાવે છે. આથી તેને અન્ય દેશો સાથે સરખાવવમાં આવે તે વાજબી છે.

ભારત 2005ના ઉત્સર્જન સ્તરમાં 2030 સુધીમાં 33-35 ટકા ઘટાડો કરવાનું લક્ષ્ય ધરાવે છે. જોકે કાર્બન તીવ્રતામાં ઘટાડાનો મતલબ એ નથી કે કુલ ઉત્સર્જનમાં ઘટાડો થશે.

ભારતનો તાજેતરનાં વર્ષોનો ઝડપી વૃદ્ધિદર મોટાભાગે અશ્મીભૂત બળતણને આભારી છે. જે તેના ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં મોટું પ્રમાણ ધરાવે છે.

ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (આઈપીસીસી) કહે છે કે વેશ્વિક સ્તરે ‘નેટ ઝીરો’નું લક્ષ્ય, જેમાં કોઈ પણ દેશ વાતાવરણમાં કૂલ ઉત્સર્જનમાં વધારો નથી કરી રહ્યો, તેને 2050 સુધી પ્રાપ્ત કરવું ખૂબ જ જરૂરી છે. અને તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ જાળવી રાખવા માટે આ ફરજિયાત જરૂરિયાત છે.

વળી 130 દેશો જાહેરમાં આ વચન આપવે માટે બેઠક કરી રહ્યા છે. પણ ભારત તેમાં સામેલ નથી.

વર્ષ 2015માં ભારતે પવનઊર્જા, સૌરઊર્જા અને અન્ય રિન્યૂએબલ ઍનર્જીમાં 2022 સુધી પાંચ ગણો વધારો કરવાનું વચન આપ્યું હતું. તેને 175 ગીગાવૉટ કરવાનું વચન હતું. તેમાં નાના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ પણ સામેલ છે. જોકે સપ્ટેમ્બર-2021 સુધીમાં તે માત્ર 100 ગીગાવૉટનું લક્ષ્ય જ પ્રાપ્ત કરી શક્યું છે.

વર્ષ 2015માં ભારતે વચન આપ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં કુલ વીજળીમાંથી 40 ટકા વીજળી રિન્યૂએબલ સ્રોતમાંથી પેદા કરવામાં આવશે. અને આ લક્ષ્ય પ્રાપ્ત થવાની નજીક છે.

પરંતુ ક્લાઇમેટ ઍક્શન ટ્રૅકર (સીએટી) 2015 પૅરિસ કરારના લક્ષ્ય મામલે વિવિધ દેશોની નીતિની સફળતા પર નજર રાખે છે. તે આ લક્ષ્યને અપૂરતું ગણે છે.

સીએટીના સિન્ડી બેક્સટર કહે છે, ભારત જેવા વિકાસશીલ દેશોને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આતંરરાષ્ટ્રીય ટેકાની જરૂર છે. તથા પૅરિસ કરાર મુજબ તાપમાન 1.5 ડિગ્રી જાળવી રાખવાના લક્ષ્ય મામલે તેને આ મદદની જરૂર છે.

બેક્સટર કહે છે,“કાર્બન ઉત્સર્જન મામલે ભારત પાસે કોઈ પ્લાન નથી. તેને શેમાં કેટલો ટેકો જોઈએ છે અને કઈ રીતે જોઈએ છે એ મામલે પણ કોઈ પ્લાન નથી.”

શું ભારતમાં જંગલો વધી રહ્યાં છે?

ભારતે ઘણી વખત એ વાત કહી છે કે તે તેની ત્રીજા ભાગની જમીનને જંગલોના કવર હેઠળ લાવવા માગે છે.

પણ આ મામલે કોઈ સમયમર્યાદા નથી નક્કી કરાઈ અને તેની પ્રગતિ પણ નોંધપાત્ર નથી રહી.

ભારતના દક્ષિણમાં વૃક્ષારોપણ મામલે કેટલાંક કામ થયાં છે. પરંતુ તાજેતરમાં ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ઘણાં જંગલોમાં કપાત થઈ છે.

જંગલોમાં વધારો ખરેખર કાર્બન ઉત્સર્જન મામલે મદદરૂપ થાય છે.

આથી ભારત 2030 સુધીમાં ઘણાં વૃક્ષો લગાવાવનું લક્ષ્ય ધરાવે છે. જેથી તે વાતાવરણમાંથી 2.5-3 બિલિયન ટન કાર્બન ડાયઑક્સાઇડને શોષી લે.

યુનિવર્સિટી ઑફ મૅરિલૅન્ડ, ગૂગલ અને અમેરિકાના ભૂર્ગર્ભશાસ્ત્ર સંબંધિત સરવે વિભાગ તથા નાસાના સંયુક્ત મંચ (ગ્લોબલ ફોરેસ્ટ વૉચ)ના અંદાજ મુજબ ભારતે તેનાં 18 ટકા પ્રાથમિક જંગલો ગુમાવ્યાં છે અને વર્ષ 2001થી 2020 વચ્ચે 5 ટકા વૃક્ષો ગુમાવ્યાં છે.

જોકે ભારત સરકારનો પોતાના સરવેનો ડેટા દર્શાવે છે કે વર્ષ 2001થી 2019 વચ્ચે ભારતમાં જંગલવિસ્તારમાં 5.2 ટકાનો વધારો થયો છે.

આવું એટલા માટે કેમ કે ગ્લોબલ ફૉરેસ્ટ વૉચ રિપોર્ટ એવાં જ વૃક્ષોને ગણતરીમાં લે છે તે 16 ફૂટની ઊંચાઈવાળાં હોય. જ્યારે ભારતની ગણતરી જમીનના વિસ્તારમાં વૃક્ષોની ગીચતા પર આધારિત છે.

ડેવિડ બ્રાઉનનું વિશ્લેષણ

COP26 ગ્લોબલ સમિટ જે ગ્લાસગોમાં નવેમ્બર મહિનામાં યોજાવાની છે તે એક નિર્ણાયક બેઠક છે. ક્લાઇમેટ ચેન્જને રોકવું હોય તો તે અત્યંત મહત્ત્વપૂર્ણ મંચ છે. તેમાં 200 દેશોને તેમના ઉત્સર્જન ઘટાડવા માટેની યોજનાઓ રજૂ કહેવાયું છે. તેનાથી દરેકના રોજિંદા જીવનમાં ઘણા બદલાવો આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો